પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સોનલ પરીખ

સોનલ પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઇચ્છાઓ – સોનલ પરીખ

ઇચ્છાઓની જાળ, જાળમાં
હું ને મારી હોડી
સપનાંઓના સઢ ફુલાવી
આ કાંઠેથી છોડી

વચમાં જળની પાળ
કાંગરે ચમકે સો-સો છીપ
ખોબે ખોબે ઝલકે મોતી
જેમ ગભારે દીપ
અડકું તો ઝાકળ થઈ જળની
સાથે જાતી દોડી

ઝલમલ ઝિલમિલ લહેરો
તડકો નાચે તાતા થૈ
કયા દેશથી કિરણો આવે
ચમકે ક્યાં ક્યાં જઈ
વહેતી જાતી હેમની ધારા
ક્ષિતિજને ઝબકોળી

– સોનલ પરીખ

મજાનું રમતિયાળ ગીત…

Comments (7)

ક્યારેક – સોનલ પરીખ

ક્યારેક
તને બધી રીતે બાંધી લેવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
તને દરેક રીતે મુક્ત રાખવાનું

ક્યારેક
મને બધી રીતે બંધાઈ જવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
દરેક રીતે મુક્ત રહેવાનું

બાંધવા-બંધાવાની ઇચ્છા પાછળ
પડછાયો છે એક એસલામતીનો

મુક્ત રાખવા-રહેવાની પાછળ ડોકાય છે
એક બીજી અસલામતી

મારું સત્ય
આ બે કિનારાની વચ્ચે
ક્યાં છે ?

– સોનલ પરીખ

એક પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે કશાયના ખટકા વિના સડસડાટ આગળ વધતી કવિતા અંતે જ્યારે પ્રશ્ન પર આવીને અટકે છે ત્યારે બે ઘડી આપણને પણ સવાલ થાય કે આ પ્રશ્ન તે ખાલી કવયિત્રીનો કે આપણા સહુનો ?

Comments (7)

તરસ – સોનલ પરીખ

જળના વિચાર આજ ગમતા નથી
કે નથી ગમતી કોઈ વાદળની વાતો
રેતીની, તરસ્યુંની ઝાળઝાળ વાતોના
શબ્દો પર છાંટા બે છાંટો

ઝાંઝવા ને રણ વચ્ચે કયા ભવની પ્રીત્યું
કે એકમેક સાથે બેઉ જીવે
ચિરાતા હોઠની સૂકી ખારાશ પછી
ઝગમગતા મૃગજળથી સીવે
ફૂલોના, ખુશબોના, વૃક્ષોનાં નામે અહીં
થોરિયાનો છમ્મલીલો કાંટો
નદીયુંના જળ તો ગ્યાં બીજી પા
વળ્યો અહીં તળિયાની વેળુનો ફાંટો

દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફાટો
લોહીના, સપનાના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.

– સોનલ પરીખ

ગણગણ્યા વિના વાંચી ન શકાય એવું રમતીલું ગીત અને વાંચતા-વાંચતા કંઠે શોષ પડે એટલે સાચી તરસની ઓળખાણ પણ મળી રહે…

Comments (4)

ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)

મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે
તેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખી
ઘેર લાવી પટકવો છે પથારીમાં
ને પેટ ભરાય એટલે
એડીવાળાં સેન્ડલથી ફટકારી, ગંદી ગાળો દઈ
હડસેલી મૂકવો છે: ‘ચાલ ફૂટ… તારી જાતના…’
માથા પર મેલો પાટો બાંધી
ચામડી ખણતો
સવારે તે ઝોકાં ખાતો હશે શેરીમાં
કૂતરાં તેના જખમ પરથી ફૂટતાં લોહીપરુ ચાટતા હશે
ને જતી આવતી સ્ત્રીઓ, બંગડીઓ રણકાવતી
અટ્ટહાસ્યથી ગલી ગજવતી જશે
સાચે જ
એક પુરુષ ખરીદવો છે મારે
તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો
તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
ને બરાડવું છું: ‘મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!’

– તસલીમા નસરીન ( -અનુ. સોનલ પરીખ)

ચાબખાના સોળ જેવી આ કવિતા એટલે નકરો, નફકરો અને નગ્ન આક્રોશ. જ્યારે ચીસો સદીઓ સુધી બહેરા કૂવાઓમાં ભટક્યા કરે ત્યાર પછી જ આવો આર્તનાદ ઉદભવી શકે. આ કવિએ પોતાનું વતન, બાંગ્લાદેશ, તો ઘણા વર્ષોથી છોડી દેવું પડેલું. અને હવે છેવટે ભારત પણ છોડી દેવું પડ્યું છે. કોઈને સત્ય સાંભળવું ગમતું નથી.

( ‘દિવ્યભાસ્કર’ માંથી )

Comments (27)