ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.
તેજસ દવે

જાન્યુઆરી ૩૦ – ઉમાશંકર જોશી

વર્ષમાં ઋતુ હોય શિયાળો,
શિયાળામાં માસ જાન્યુઆરી,
અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,
તયેં ઠંડીગાર પકડ હૃદયથી
નિચોવે છે ટપ-
કું રક્તનું,
વિશ્વ જેવડું વિશાળ
પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.

– ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન -શહીદ દિન- નિમિત્તે લયસ્તરો તરફથી એ યુગપુરુષને નાનકડી શબ્દાંજલિ.

એક નાનું અમથું કાવ્ય જ્યારે આકાશથીય વિશાળ સાક્ષાત્ પ્રેમસ્વરૂપ પરમાત્માને વામનના ત્રણ પગલાંની જેમ માપી શકે ત્યારે શબ્દની તાકાત ખરેખર શું છે એ ખબર પડે છે. સાચું અછાંદસ કોને કહેવાય એ જાણવું હોય તો આ કવિતા ચૂકવી ન જ જોઈએ. શિયાળાની ઋતુમાં શરીર નિચોવી નાંખતી ઠંડી જાણે ત્રીસમી જાન્યુઆરીના દિવસે હૃદય નિચોવતી હોય એમ કવિ અનુભવે છે કેમકે આ દિવસ ભારતના ઇતિહાસનું સહુથી કાળું પાનું છે. વાત એક સંવેદનાસિક્ત લોહીના ટીપાંની જ છે પણ કવિ ‘ટપકું’ શબ્દને ‘ટપ’ અને ‘કું’માં વહેંચી દઈને જાણે અમૂર્તને મૂર્ત કરે છે એમાં જ આ કવિતાની ખરી કમાલ છે… પણ આ ટપકું ગાંધીના હૃદયમાં વાગેલી ગોળીના કારણે નીકળ્યું છે.. એ વિશ્વ જેવું વિશાળ છે અને એમાં સાક્ષાત્ પરમાત્મા પ્રતિબિંબિત થાય છે…

ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને !!

5 Comments »

  1. Pancham Shukla said,

    January 30, 2010 @ 6:50 AM

    યુગપુરુષને યથાર્થ અંજલિ.

  2. Girish Parikh said,

    January 30, 2010 @ 12:24 PM

    ‘લયસ્તરો’ પરના એક કાવ્યની ઉપર મરીઝનો શેર વાંચ્યોઃ

    “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન-
    બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના !”

    ‘લયસ્તરો’ ના પ્રાણ સમા વિવેક માટે શબ્દો એ શ્વાસ છે.

    એક નમ્ર વિનંતિઃ

    હજુ શ્વાસ ચાલી રહ્યા છે ત્યારે આગામી પેઢીઓ (અને અત્યારની પેઢી) માટે “ગુજરાતી કવિતા અને આસ્વાદ” (tentartive title) નામનું ‘લયસ્તરો’માંથી પસંદ કરેલાં કાવ્યો તથા એમના આસ્વાદ અને પસંદ કરેલા પ્રતિભાવોનું પુસ્તક તૈયાર કરી જ્યાં જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં ત્યાં પહોંચાડો. (આ પુસ્તકનો અંગ્રેજીમાં તથા અન્ય મુખ્ય ભાષાઓમાં અનુવાદ/રૂપાંતર પણ થવું જોઈએ).

    ગુજરાતીઓએ પ્રયત્ન કર્યો હોત તો ઉમાશંકર જોશીને નોબેલ પ્રાઈઝ જરૂર મળી શક્યું હોત.

    – – ગિરીશ પરીખ
    મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
    (ગિરીશનું સર્જાતું જતું આસ્વાદનું પુસ્તક “આદિલની શેરોનો આનંદ” (tentative title) યોગ્ય પ્રકાશકની શોધમાં છે).

  3. sudhir patel said,

    January 30, 2010 @ 8:04 PM

    યુગ પુરુષને હૃદય પૂર્વક શ્રધ્ધાંજલી!
    સુંદર ભાવનાત્મક કાવ્ય!
    સુધીર પટેલ.

  4. ધવલ said,

    January 31, 2010 @ 10:37 PM

    સલામ !

  5. Pinki said,

    February 2, 2010 @ 4:01 AM

    પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું. સરસ !

    ગાંધી ‘કદાચ’ (?) મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને ??!

    Just remembering Albert Einstein :

    Generations to come, it may be, will scarcely believe that such a one as this ever in flesh and blood walked upon the Earth.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment