કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઓડિયો

ઓડિયો શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ લયસ્તરો તરફથી એમની જ એક  ખૂબ જ લોકપ્રિય ગઝલ દ્વારા શ્રદ્ધાંજલિ…

સંગીત : ઉદય મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી
આલ્બમ : હસ્તાક્ષર

[audio:http://urmisaagar.com/saagar/audio/aa-manpaancham-na-Ramesh-Parekh.mp3]

આજે ર.પા.ના ગીતની પોસ્ટ મૂકતી વખતે ચકાસ્યું તો ખ્યાલ આવ્યો કે ર.પા. બ્રાંડની આ ગઝલ લયસ્તરોનાં ખજાનામાં હજી સુધી ઉમેરાઈ જ નહોતી…  ત્રણ વર્ષ પહેલા ટહુકો.કૉમ પર  આ ગઝલની પોસ્ટ પર વિવેકે આનો આસ્વાદ કોમેંટમાં એક વાચકનાં પ્રત્યુતરરૂપે કરાવેલો… આજે કોમેંટમાં વાચકોની ચર્ચા અને વિવેકનો એ આસ્વાદ વાંચવાની ફરી મજા આવી અને એને અહીં મૂકવાની લાલચ હું રોકી ના શકી.

વિવેક દ્વારા આસ્વાદ:

મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’. મનુષ્ય જીવનના તમામ ભાતીગળ રંગો એક જ સ્થળે જ્યાં જોવા મળે એ મેળો. ર.પા. જ્યારે મેળા પર ગઝલ લખે ત્યારે સ્વાભાવિકરીતે જ એમાં મનુષ્યજીવનના તમામ નાનાવિધ રંગો પણ ઉપસવાના જ. અને આ તો પાછો ‘મનપાંચમ’નો મેળો. (નવા શબ્દો ‘કોઈન’ કરવા એ પણ શ્રેષ્ઠતમ કવિકર્મ જ સ્તો!)… આ ગઝલમાં ર.પા.એ મેળાની પૃષ્ઠ્ભૂમિ પર મનુષ્યજીવનના પચરંગીપણાને શબ્દોમાં આબાદ ઝીલ્યું છે. ( એ છે કવિની સ-ભાનતા!)

નકારાત્મક અને સકારાત્મક બંને રંગો આપણા જીવનમાં વારાફરતી ઉપસતા જ રહે છે. પણ કળામાં હંમેશા કાળો રંગ વધુ સ્થાન પામે છે. આપણે પણ સુખ ક્ષણિક અને દુઃખ ચિરંજીવી હોવાનું શું નથી અનુભવતા?

કોઈ સપનું લઈને આવ્યા છે તો કોઈ રાત લઈને… સપનું આમ તો રાતનો જ એક ભાગ નથી? પણ કવિ પોતાની રીતે ખૂબ સ્પષ્ટ છે. સપનું એટલે રગોનો મેળાવડો, આશા અને જિજિવિષા… જ્યારે રાતનો રંગ તો અંધારો, કાળો હોય છે…

બીજા શેરમાં કવિ અદભુત વાત લઈને આવે છે, એવી વાસ્તવિક્તા જે પચાવવી ઘણાને અઘરી થઈ પડે. ગૌતમ, મહંમદ, ગાંધી, ઈસુ, મહાવીર- કંઈ કેટલાય પયગંબરો આવ્યા અને ગયા. એમના મહાન-જીવનમૂલ્યોને સાચી રીતે સમજવાને બદલે એમના આદર્શોને આપણે આપણા વેપારનું સાધન બનાવી દીધું. દીવાલ પર કે શો-કેસમાં ચિત્રો, મૂર્તિઓ, પ્રાણીના માથાંઓ જેવા શૉ-પીસની લગોલગ જ ભગવાનની જાત-જાતની મૂર્તિઓ, ચિત્રો… ઈશ્વર આપણા માટે ભજવાનું સાધન ઓછું અને દેખાડવાનું વધારે છે. સત્ય આપણા માટે પ્રદર્શનનું વધારે અને અમલનું નહિવત્ મૂલ્ય ધરાવે છે… પયગંબરોના ઉપદેશને વેચી ખાનાર લોકોની ઔકાત કદાચ બે પૈસા આંકી એ પણ શું વધારે નથી?

ફુગ્ગો અને દોરો…. કવિ મેળામાં આગળ વધે છે પણ આ કયા ફુગ્ગા અને દોરાની વાત છે? આ આપણા આયખાની વાત છે કે આપણા તકલાદી વ્યક્તિત્વની? જીવનમાં માણસ કેટકેટલીવાર પોતે તૂટે છે અને અન્યોને તૂતતાં જુએ છે? ક્યારેક આ ફૂટવું ફુગ્ગા જેવું ધમાકાસભર હોય છે તો ક્યારેક દોરા જેવું સાવ શાંત… અને મેળાની ભીડની વચ્ચે પણ એકલા હોય એવા માણસો શું અહીં ઓછા છે? મારી દૃષ્ટિએ આ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ છે…

આમ તો દરેક શેર આગળ વધારી શકાય… પણ મારે જે કહેવું છે તે એ કે એક જ કવિતામાં કોઈને નકારાત્મક રંગ વધુ ભાસે તો કોઈને સકારાત્મક પણ લાગી શકે… ગ્લાસ કોઈને અડધો ખાલી લાગે તો કોઈને અડધો ભરેલો… કવિતામાં મેળા જેવી જ અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉપસે એજ તો કવિની કુશળતા છે ને !

Comments (12)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

– હરીન્દ્ર દવે

સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
સ્વર – આશિત દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Kanuda ne bandhyo chhe.mp3]

મા જશોદા સજા કરવા માટે કાનુડાને બાંધી દે છે એ પ્રખ્યાત પ્રસંગની વાત છે. કવિએ ગીતમાં કાનુડાના વર્ણન સિવાય કાંઈ કહ્યું નથી, અને એ છતાં આખા પ્રસંગને વ્હાલપથી મઢી દીધો છે. આજે જન્માષ્ટમીના દિવસે ખાસ આ ગીત.

(ઑડિયો લિન્ક માટે આભાર, જયશ્રી !)

Comments (5)

ઉમાશંકર વિશેષ :૧૦: ભોમિયા વિના -ઉમાશંકર જોશી

umashankar-joshi-and-jhaverchand-meghani

(ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સાથે…)

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોશી

સ્વર – સંગીત : અજિત શેઠ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Bhomiyaa Vinaa Maare Bhamvaa Taa-Umashankar Joshi.mp3]

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : ઉદય મઝુમદાર

[audio:http://urmisaagar.com/saagar/audio/bhomiya vina maare bhamavata dungraa – Umashankar Joshi]

Wanderlustને ચરિતાર્થ કરતું ઉમાશંકરનું અમર ગીત.

Comments (7)

ઉમાશંકર વિશેષ :૦૪: આજ મારું મન માને ના

UJ

(ચિત્રકાર : રજની વ્યાસ)

*

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o

– ઉમાશંકર જોશી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

[audio:http://urmisaagar.com/saagar/audio/aaj maaru mann mane naa – Umashankar Joshi]

શ્રી ઉમાશંકરજીની કવિતામાં વિષયનું ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે.  એમનાં કાવ્યો આપણને પ્રણય, પ્રકૃતિ, માણસ અને વતનથી માંડીને છેક માનવીનાં મન સુધી લઈ જાય છે.  પોતાના ચંચળ અને અડબંગ મનને વારંવાર સમજાવવું એ આપણા સૌનો નિત્ય અનુભવ છે.  જેને કવિએ અહીં ખૂબ જ સ-રસ રીતે આ ગીતમાં કંડાર્યો છે.  પોતાના મનની સાથે સંવાદ કરવો એનું નામ જ કવિતા !

Comments (11)

ઉમાશંકર વિશેષ :૦૨: મારું જીવન એ જ સંદેશ – ઉમાશંકર જોશી

Umashankar-Joshi5

મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર !
મારું જીવન o

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન o

– ઉમાશંકર જોશી

સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ

[audio:http://urmisaagar.com/saagar/audio/Maarun Jivan Ej Maari Vaani-paresh bhatt.mp3]

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્યામલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/maru jivan te mari vaani – Umashankar Joshi.mp3]

ગાંધીયુગનાં આ અગ્રણી કવિશ્રી ઉમાશંકરજીની ઘણી કવિતાઓ અને ગીતો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલ છે.  ગાંધીવિચારનો પ્રભાવ એમની ગાંધી-કવિતામાં પૂરની માફક ઊમટે છે, જે ભાવકને છે…ક વિશ્વપ્રેમ સુધી પહોંચાડે છે.  શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? , તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને વિશ્વગુર્જરી બનવાનો સંકેત આપતો પ્રશ્ન પણ પૂછે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’

Comments (10)

વારિસશાહને – અમૃતા પ્રીતમ

આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:

એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે

આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.

પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી

આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા

દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ

નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા

જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા

ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી

આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?

વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

– અમૃતા પ્રીતમ
(મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)

આ કવિતા મૂળ પંજાબીમાં અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં સાંભળો

[audio:http://dhavalshah.com/audio/varisshah.mp3]

અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે – ‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.

વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.

ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”

અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં આ કવિતા સાંભળો તો શબ્દોની ઊંડી ઉદાસી ઘેરી વળ્યા વિના રહેતી નથી. અને પાંચ નદીઓના આ પવિત્ર પ્રદેશ માટે અનાયાસ જ દિલમાંથી એક ચીસ નીકળી જાય છે.

Comments (10)

યાદગાર ગીતો :૨૯: પ્રેમ એટલે કે – મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પળાય એવો કાયદો;
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં
ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે,
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે;
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો.

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી ને તે ય શ્યામવરણી,
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી;
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

(જન્મ: ૨૧-૧૨-૧૯૫૯)

સંગીત અને સ્વર : સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/01 Prem Aetle Ke.mp3]

 મુકુલ મનહરલાલ ચોક્સી.   જન્મે ને કર્મે સુરતી.  કવિ અને હાસ્ય કવિ.  મનોચિકિત્સક અને સેક્સોલોજીસ્ટ.  પિતા જાણીતા સાહિત્યકાર.  વિવેક કહે છે કે– સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ એટલે મુકુલભાઈ.  કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે.  આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

‘પ્રેમ એટલે કે’ ગીતનો પર્યાય એટલે મુકુલ ચોક્સી.  એમણે આ એક જ ગીત લખ્યું હોત તોય પ્રેમીઓનાં જગતમાં તેઓ ચિરસ્મરણીય રહેત.  આ ગીતની સફળતામાં આપણા સોલીભાઈનો ફાળો પણ અગત્યનો છે કે જેમણે એને સ્વરબદ્ધ કર્યું અને માત્ર લોકોનાં હોઠો પર જ નહીં, પરંતુ હૈયામાંય રમતું કર્યું.  પ્રેમની વ્યાખ્યા સંજોગો-સમય-વ્યક્તિ પ્રમાણે બદલાતી જ રહે છે, પરંતુ સંવેદના તો કાયમ એવી જ લીલીછમ્મ રહેતી હોય છે.  પ્રિયતમાનાં ગાલોના ખંજન પર પ્રેમીને ચોર્યાસી લાખ જન્મો કુરબાન કરી દેવાનું મન થાય, એ પણ પ્રેમ…  અને દાઢી કરવા જેવી સાવ સામાન્ય દૈનિકક્રિયામાંથી પ્રિયજનનું અસામાન્ય સ્મરણ થાય, એય પ્રેમ જ છે.  વળી, કવિએ ખૂબ મજાની અને સાવ સત્ય વાત કરી છે કે આપણા આ હૃદયરૂપી ઘરમાં તમામ સંવેદનાઓરૂપી ઓરડામાંથી પ્રેમની સંવેદનાનો ઓરડો સદાનો સાવ અલાયદો જ રહેવાનો.  મને અત્યારે એમનાં બીજા બે ગીતો પણ યાદ આવે છે, જે મને ખૂબ જ પ્રિય છે- તારા વિના કશે મન લાગતું નથી અને પ્રિય પપ્પા, હવે તો તમારા વગર

Comments (2)

યાદગાર ગીતો :૨૮: તો અમે આવીએ – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.(જન્મ: ૧૩-૮-૧૯૫૫)

[audio:http://urmisaagar.com/saagar/audio/aapi-aapi-ne-tame-pichhu-aapo-sajan-Vinod-Joshi.mp3]
વિનોદ જોશી.  જન્મ બોરિંગડા-અમરેલી. મૂળ વતન બોટાદ.  ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ.  તળપદાં ગીતો માટે ખાસ જાણીતા કવિ.  ગીતોમાં ગ્રામ્યજીવનનો અદભૂત લહેકો અને લયનો અનુભવ કરાવનાર ઉત્તમ ગીતકાર.  બાળપણ સૌરાષ્ટ્રનાં ગ્રામપ્રદેશમાં વિતેલું હોવાથી તેઓ ગુજરાતી કવિતામાં તળપદાં લોકજીવનની મીઠાશને ખૂબ જ સુંદર રીતે ઘોળી શક્યા છે.  એમની ઘણી રચનાઓને એમણે નારીની સૂક્ષ્મ સંવેદનાઓથી  ખૂબ જ સુંદર રીતે સજાવી છે અને સ્ત્રીની સંવેદનાને વાચા આપી છે.  એમને ઉમાશંકર જોશી એવોર્ડ અને જયન્ત પાઠક પારિતોષિક પણ મળ્યાં છે.  

આ ગીતમાં પ્રિતમનાં બોલાવવાની રાહ જોતી પ્રિયતમા ખૂબ જ મજાની વાત કરે છે.  જો કે પ્રિયતમ સાક્ષાત ત્યાં નથી એટલે અટકળો કરીને કાગળમાં લખવાની ચેષ્ટા કરતી હોય એવું લાગે છે.   પ્રિયતમાએ એક પીંછાં જેવા આછકલા ને અલ્પજીવી સુખથી બિલકુલ ભોળવાઈ નથી જવું.  એને તો લાગણીની પાંખો જોઈએ છે, સ્નેહનાં અનંત આકાશમાં ઉડવા માટે.  માત્ર પ્રિયતમ માટે બધું છોડીને અને શમણાંઓ ઓઢીને આવેલી પ્રિયતમાને કોઈ એક-બે વાર મળેલો ક્ષણભંગુર ટેકો પણ નથી જોઈતો, એને તો શાશ્વત સંબંધ જોઈએ છે.  અને એ સંબંધમાં કળવાશરૂપી આંસુ નથી જોઈતા, એને તો સથવારાનું સ્વપ્ન સાકાર કરવા સ્વપ્નશીલ આંખો જોઈએ છે.  અને જો સ્નેહ-સંબંધો જાળવવા હોય તો પ્રિયતમે આટલું તો એને આપવું જ પડે ને !  આ જ વાત કવિ આ ગીતમાં ખૂબ જ નાજુકાઈથી કહી છે.  (તમને કદાચ આ ગીતનો આનાથી બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે!)

આ સાથે જ વિનોદભાઈનાં બીજા યાદગાર ગીતો યાદ આવ્યા વગર રહે જ નહીં; જેમ કે- કુંચી આપો બાઈજી, ડાબે હાથે ઓરુ સાજન લાપસી, એક કાચી સોપારીનો કટકો રે, ટચલી આંગલડીનો નખ, તું મીંઢણ જેવો કઠ્ઠણ, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, તને ગમે તે મને ગમે, વિગેરે વિગેરે…… (ક્યાંક તો મારે અટકવું પડે ને! 🙂 ) 

Comments (8)

યાદગાર ગીતો :૨૭: પાંદડી વાયરાને વળગી શું કામ ? – પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
            ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

પન્ના નાયક

(જન્મ: ૨૮-૧૨-૧૯૩૩)

સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા

[audio:http://urmisaagar.com/saagar/audio/07 – Paandadi vaayara ne valagi shu kaam.mp3]

પન્ના નાયક આપણા પહેલા દરજ્જાના કવયિત્રી છે. અભ્યાસ મુંબઈમાં પૂરો કર્યા પછી એ સાંઈઠના દાયકામાં ફિલાડેલ્ફીયા આવીને રહ્યા.  ત્યાંજ આગળ અભ્યાસ અને પછી અધ્યાપનનું કામ કરી નિવૃત થયા છે. ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વ તણી વિશાળતા- એ ન્યાયે, એમની કવિતા પણ એમના વિદેશ નિવાસને કારણે એટલી વધુ મ્હોરી છે. એમની કવિતાનું વિશ્વ મહદઅંશે એમનું અંગત વિશ્વ છે. લાગણીઓને જરાય ‘એડીટ’ કર્યા વિના સીધી જ કાગળ પર ઉતારવાની એમને અજબ ફાવટ છે. (કાવ્યસંગ્રહો: પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ, આવનજાવન, વિદેશિની – સમગ્ર કવિતા, ચેરી બ્લોસમ્સ, રંગઝરૂખે;  વેબસાઈટ: પન્નાનાયક.કૉમ)

આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.

Comments (9)

યાદગાર ગીતો :૨૬: પાસપાસે તોયે – માધવ રામાનુજ

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

– માધવ રામાનુજ

(જન્મ: ૪-૨૨-૧૯૪૫)

સંગીત: શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર: ?

[audio:http://urmisaagar.com/saagar/audio/pas-pase-toye-Madhav-Ramanuj.mp3]

માધવ ઓધવજી રામાનુજ. જન્મ અને વતન અમદાવાદ જિલ્લાનું પચ્છમ ગામ. હાલ અમદાવાદમાં. અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ આર્ટ્સમાં ચિત્રકળામાં ડિપ્લોમા અને એ જ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા અને નિવૃત્તિ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને અચ્છા ચિત્રકાર. લયમાધુર્ય અને ભાવની લવચીકતા એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિનું સુરેખ અનવરુદ્ધ રેખાંકન એટલે માધવ રામાનુજ.  (કાવ્યસંગ્રહો: ‘તમે’, ‘અક્ષરનું એકાંત’, ‘કલરવના દેશ’)

આ ગીત કેટકેટલાય લોકોના સાવ ‘અંગત’ દામ્પત્યજીવનનું પ્રતિબિંબ હશે ! પાસે હોવું અને સાથે હોવું એ બે વચ્ચેનો તફાવત કવિએ જે માધુરીથી અહીં આળેખ્યું છે એ કવિતાની ભીતરના આંસુને જાણે હળવાશથી લૂંછી આપે છે.  એક સંબંધ ખરે ત્યારે એ કેટકેટલા દિવસ-રાતના સંભારણાં લઈને ખરતો હોય છે ! ભીંત વળોટીને આરપાર જવું શક્ય નથી હોતું. ઔપચારિક ‘આવજો’ શું આવી જ કોઈ ભીંત નથી હોતી? ખરેલા સંબંધમાં આરપાર જવા માટે યાદની બારી સિવાય અવર શું હોઈ શકે? બાજુમાં જ સૂતેલા વજન પાસે પહોંચવા માટે શમણાંનો સહવાસ યાચવો પડે એ કરુણતાને આપણે શું કહીશું?

Comments (5)

યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું- સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

(જન્મ: ૨૯-૦૬-૧૯૫૫)

સંગીત: શ્યામલ – સૌમિલ
સ્વર: શ્યામલ મુનશી

[audio:http://urmisaagar.com/saagar/audio/em_puchhine_thaai_nahi_prem.mp3]

તુષાર દુર્ગેશ શુક્લ.  પિતા જાણીતા સાહિત્યકાર.  પોતે કવિ અને કુશળ સંચાલક ઉપરાંત આકાશવાણી-અમદાવાદ સાથે પણ સંકળાયેલા છે. ફિલ્મો-ટેલીવિઝન માટે પણ અનેક ગીતો લખ્યા છે. (કાવ્યસંગ્રહો: ‘તારી હથેળીને‘,’મારો વરસાદ’,’પૂછીને થાય નહીં પ્રેમ’,’આશકા’ અને ‘આ ઉદાસી સાંજની‘)

આ ગીતની ધ્રુવપંક્તિ આજકાલ પ્રેમી-પંખીડાઓ માટે કહેવતસમાન બની ગઈ છે એટલી હદે આ ગીત લોકપ્રિય થઈ ચૂક્યું છે.  તુષારભાઈનાં સરળ શબ્દોની કમાલને લોકોની જીભે રમતી કરવામાં અને આ ગીતને ચાર ચાંદ લગાડવામાં આપણા ગુજરાતી સુગમ સંગીતની લોકપ્રિય બેલડી શ્યામલ-સૌમિલભાઈઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે.  કિનારાની રેતીને ભીંજવવા માટે દરિયાએ પહેલા એની પરવાનગી લેવી પડતી નથી, એવી જ રીતે પૂછીને પૂછીને કદી પ્રેમ નથી પ્રગટતો.  પ્રેમનું પ્રાગટ્ય તો સાવ સહજ અને અનાયાસ છે.  વાંધાની વાડને વટાવીને એકમેકનાં અલગ અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર કરવો એનું નામ પ્રેમ.  પુરુષનાં મિજાજને રજૂ કરતા આ ગીત પછી તુષારભાઈએ સ્ત્રીનાં મિજાજને રજૂ કરતું આવું જ એક બીજું ગીત પણ (આના જવાબરૂપે) તાજેતરમાં જ લખ્યું છે, એ પણ માણવાલાયક છે- મને મોજું થઈ મળવાને આવ ને…!

આ ઉપરાંત પણ ઘણા એમનાં ગીતો લોકપ્રિય થઈ ચૂક્યા છે, જેમ કે- આંખોમા બેઠેલા ચાતક કહે છે, શબ્દ કેરી પ્યાલીમાં, સંગાથે સુખ શોધીએ, સાવ અચાનક મૂશળધારે, હું અને તું નામના કાંઠાને તોડી, મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને કોઈ, વગેરે જેવા કેટલાંયે સુંવાળા ગીતો.

તા.ક.:

કવિશ્રી તુષારભાઈનાં શબ્દો આ ગીત વિશે…

‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ – એ રચનાને નવી પેઢીએ પ્રેમ કર્યો છે.  મેં એ મારી ઓફિસનાં ટેબલ પર લખેલી.  ચાહવા માટે પૂછવું જરૂરી નથી- એ વાત કહેવાની જરૂર લાગી, એ ક્ષણ એની પ્રેરણાની ક્ષણ. આ ગીતનો ઉઘાડ એની સફળતા છે.  મૂળ આ ગીત ‘એમ પૂછીને…’ થી શરૂ થતું હતું, પરંતુ સ્વરકારોએ ‘દરિયાનાં મોજા…’થી શરૂ કર્યું અને જામ્યું, આ એમનું યોગદાન !  સ્વરબદ્ધ થયા પછી સાંભળ્યું અને ગમ્યું… આ ઉઘાડ રહસ્ય જાળવે છે અને પછી નિર્ણય આવે છે- એમ પૂછીને થાય નહીં પ્રેમ !  એમાં આવતો ‘ખીજું ?’ એ સવાલ છે… ઉક્તિ છે ‘ખિજાવું’.  એ અર્થમાં રમતીયાળ expression ‘સામી અગાશી’ છે.  અહીં અગાશી સાથે જોડતા બધા જ સંદર્ભો યાદ કરી શકાય… એકપક્ષી પ્રેમનું પુરસ્કર્તા છે પણ પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા પણ આપે છે.  દરિયો ભિંજવશે એ શ્રદ્ધા છે એટલે રેતીને કોરા થવાનું મન થાય છે, કે રેતીને કોરી જુવે છે એટલે દરિયાને ભિંજવવા દોડી આવવાનું ગમે છે.  એ સંશોધનનો નહીં સંવેદનાનો વિષય છે.  તમને ગમ્યું એ મને ગમ્યું…

Comments (10)

યાદગાર ગીતો :૨૪: વ્હાલબાવરીનું ગીત – રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

– રમેશ પારેખ

(જન્મ: ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ: ૧૭-૫-૨૦૦૬)

સંગીત: સોલી કાપડિયા
સ્વર: નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/66.Saavariyo re mharo.mp3]

રમેશ મોહનલાલ પારેખ.  ગુજરાતી કવિતાનું મોંઘેરું ઘરેણું.  જેટલું લખીએ એટલું ઓછું. થોડું આપ અહીં જાણી-માણી શક્શો.

ર.પા. તો ગીતના કવિ. એમનું યાદગાર કોઈ એક જ ગીત શોધવું એ તો કેવી વિમાસણનું કામ ! છેલ્લે કળશ ઢોળ્યો આ રચના પર. પ્રેમના સાગરમાં ગળાડૂબથી ય વધુ ડૂબવાનું (સાથે જીવવાનું પણ!) કંઈ શક્ય હોય તો એ રીતે ડૂબેલી પ્રેમઘેલીનું આ મદોન્મત્ત ગીત. લયનું તોફાન અને હેતની હેલીથી ગીત સાંવરિયાની દ્વિરુક્તિના ઉઠાવથી જ સરાબોળ ભીંજવે છે.  પ્રેમની ચરમસીમા પર ખોબાની સામે દરિયો જ અપાય. વહાલમની બાથ સિવાય બીજે ક્યાંય રહેવાનો વિચાર સુદ્ધાં ન આવે એ જ ખરી મુગ્ધતા. પ્રિયતમનું નામ જ પ્રેમનું ખરું ચલણ છે. અત્તર રુમાલ પર ઢોળાય ત્યારે કયો તાંતણો બાકી રહે? (આ પંક્તિ વાંચું ત્યારે અચૂક મકરંદ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું‘ યાદ આવે)

Comments (5)

યાદગાર ગીતો :૨૩: બીક ના બતાવો ! – અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને થાય પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

– અનિલ જોશી

(જન્મ: ૨૮-૭-૧૯૪૦)

સંગીત અને સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Koi-Dalkhiman-kavi-anil-joshi-PU.mp3]

અનિલ રમાનાથ જોશી  કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે.  જન્મસ્થળ ગોંડલ. વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ.  આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે.  મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

એક ઝાડનાં ઠૂંઠાને જોઈને કવિશ્રીને સ્ફૂરેલું આ ગીત સાવ ખાલી થઈ ગયેલા માણસની ખુમારીનું ગીત છે.  ખાલીખમ્મ ડાળખીવાળા ઝાડને વળી પાનખરનો શો ભય ?  આપણને જીવનમાં પાનખરનાં આવવાનો સતત ભય લાગે છે કારણકે આપણે આપણા હોવાપણાનો ભાર કાયમ સાથે જ લઈને ચાલીએ છીએ. માણસ જો સાવ ખાલીખમ્મ થઈ શકે તો આવનારી કોઈપણ પરિસ્થિતિનો ભય રહેતો જ નથી. પરંતુ સાચું તો એ જ છે કે આ ખાલીખમ્મ થવાનું શિખવામાં જ આપણી આખી જીંદગી ખર્ચાઈ જતી હોય છે, અને તોય એ ક્યાં શીખી શકાય છે…  જો ખરેખર શીખી શકાય તો પાનખરમાં પણ લીલાછમ્મ ઝાડની સ્મૃતિમાત્ર આપણા પાંદડા વગરનાં ઠૂંઠાપણાને હર્યુભર્યુ રાખી શકે.

જો કે, આ યાદગાર ગીતની સાથે જ એમનાં બીજાં યાદગાર ગીતોય જરૂર યાદ આવે, જેવા કે- કન્યાવિદાય(સમી સાંજનો ઢોલ ઢબુકતો), અમે બરફનાં પંખી, આકાશનું ગીત, ઝીણા ઝીણા રે આંકેથી અમને, પેલ્લા વર્સાદનો છાંટો, તુલસીનું પાંદડું, અને બીજાં ઘણાય…

Comments (9)

યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

સંગીત : અજીત શેઠ
સ્વર :  ભૂપિંદર

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Aankhe-Kankuna-suraj-Aathamya-Bhupinder.mp3]

‘શબ્દ એટલે નવરાત્રિનો ગરબો’ એમ લખનાર રાવજી પટેલ (જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)નો જન્મ ડાકોર પાસે વલ્લવપુર ગામમાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં ને એ પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષણ અને આર્ટસ કોલેજના બે વર્ષ. આર્થિક સંકડામણને લીધે નાની વયે નોકરી શરૂ કરી દીધી. એમની પ્રતિભાને કોઈ બરાબર ઓળખે એ પહેલા તો એ ક્ષયનો ભોગ બન્યા અને 28 વર્ષે  અવસાન પામ્યા. એમનો એકમાત્ર સંગ્રહ ‘અંગત’ એમના મૃત્યુના બે વર્ષ પછી પ્રગટ થયો.

આ ગીતનું આમ તો કોઈ નામ નથી. પણ મને પોતાને ગીતનું ‘અનઓફિશિયલ’ નામ – આભાસી મૃત્યુનું ગીત – બહુ ગમે છે એટલે મેં એ અહીં વાપર્યું છે.  લગ્નગીતનો ફરમો અને લગ્ન સંબંધિત શબ્દો-કલ્પનો (કંકુ, વે’લ, શગ, ઘોડો, ઝાંઝર) ને લઈને મૃત્યુ(ના આભાસ)નું ગીત લખવાનું કામ કોઈ માથાફરેલ કવિ જ કરે. આ ગીત ઉપર વિવેકે વાંચકોને પોતાનો અભિપ્રાય આપવા માટે આમંત્રણ આપેલું ત્યારે વાંચકોએ અભૂતપૂર્વ પ્રતિભાવથી આ ગીતને વધાવી લીધેલું. એ પછી વિવેકે પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો એનાથી વધારે મારે ખાસ કાંઈ લખવાનું હોય નહીં.

Comments (11)

યાદગાર ગીતો :૨૧: બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

(જન્મ: ૧૯-૦૭-૧૯૩૯, મૃત્યુ: ૦૪-૦૫-૧૯૬૬)

પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સંગીત: અજીત શેઠ
સ્વર: નિરુપમા શેઠ

[audio:http://urmisaagar.com/saagar/audio/Umbre-Ubhi-Shmbhalu-Nirupama-Seth.mp3]

મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

આ ગીત વિશે લયસ્તરો પર આગળ લખી ચૂક્યો છું, એમાં એક શબ્દ પણ બદલવાનું મન થતું નથી: ‘ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાં ય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાં ય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
                                                                      એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
                                                                      તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

[audio:http://urmisaagar.com/saagar/audio/Have-pehlo-varsaad-bhagvatidada-soli-kapadia.mp3]
સંગીત અને સ્વર: સોલી કાપડિયા

ભગવતીકુમાર શર્મા (જન્મ: ૩૧-૫-૧૯૩૪, સુરત) એ સુરતનું ગૌરવ છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વ્યંગલેખક એવી બહુવિધ પ્રતિભા ધરાવતા ભગવતીકુમારે સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં અડધા દાયકા સુધી રહ્યા. સુરતની સઘળી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવામાં એમનો મોટો હાથ. સાહિત્યકાર સામાન્ય રીતે રાજકીય ઘટનાઓથી દૂર રહે એવું જોવા મળે. પણ ભગવતીકુમારમાંનો પત્રકાર અને સાહિત્યકાર હંમેશ એકબીજાના પૂરક બની રહ્યા એ એમની વિશિષ્ઠ સિદ્ધિ. (કાવ્યસંગ્રહો: સંભવ, છંદો છે પાંદડાં જેનાં, ઉજાગરો)

આ ગીતનો આસ્વાદ વિવેકે એટલી એટલી સરસ રીતે કરાવેલો કે એ જ અહીં ટાંકું છું : વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (13)

યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

[audio:http://urmisaagar.com/saagar/audio/Dharo-ke-ek-sanj-Aapne-Malya-Bhupinder.mp3]
સંગીત: અજીત શેઠ
સ્વર: ભૂપિંદર

જગદીશ જોષી (જન્મ:9/10/ 1932, મુંબઇ. અવસાન: 21/9/1978) એટલે અભાવનો કવિ, વિષાદનો કવિ. પણ એમની જીવનકથા એમની કવિતાથી તદ્દન ઊલટી. મુંબઈમાં સદ્ધર કુટુંબમાં ઉછરેલા કવિને શરૂઆતથી શિક્ષણમાં રસ. એ જમાનામાં શિક્ષણનો અભ્યાસ કરવા માટે કવિ અમેરિકાની ખ્યાતનામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયેલા. પાછા ફરીને મુંબઈની શાળામાં પ્રિંસિપાલ થયા. સફળ કેરિયર છતાં કોઈક કારણસર શિક્ષણમાંથી એમનો રસ ઓછો થતો ગયો અને એ માણસ કવિતાનો થતો ગયો. 1968 પછી જ, એટલે કે છેલ્લા દસ વર્ષમાં જ એમણે ખરી કવિતા લખી. વિશ્વકવિતાના આસ્વાદ અને અનુવાદ પણ પુષ્કળ કર્યા. એમની કવિતામાં અભાવ અને વિષાદ શાને એ તો કોઈને કદી ખ્યાલ જ ન આવ્યો. પોતાની તબિયત પ્રત્યે બહુ બેદરકારી રાખી અને નાની ઉમ્મરે ચાલી નીકળ્યા. (કાવ્યસંગ્રહ : આકાશ, વમળનાં વન, મોન્ટા-કોલાજ)

દરેક સંબંધની એક ‘એક્સપાઈરી ડેટ’ હોય છે. એનાથી વધારે સંબંધને ચલાવી શકાતો નથી. પણ આપણે તો દરેક સંબંધ ખાધું પીધું ને રાજ કીધું ની જેમ જાણે સનાતન સંબંધ હોય એમ વિચારીને ચાલ્યા કરીએ છીએ. જ્યારે સંબંધ તૂટે અને સત્યની સમજણ આવે ત્યારે દિલમાંથી એક ચીસની જેમ સવાલ આવે … આવું કેમ ? આ ગીત એ વેદનાને વાચા આપવા માટે લખેલું છે.  પ્રેમના ઉડાન પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર પાછું ‘ક્રેશ લેન્ડીંગ’ કરવાનું આવે ત્યારની આ વાત છે.  એ વખતે કવિનો પ્રશ્ન પણ આ માંડેલી વારતાનું શું? એક ઠંડા સૂસવાટાની જેમ ભોંકાય છે. …. કાશ, એ પ્રશ્નનો જવાબ કોઈને ખબર હોત.

Comments (11)

યાદગાર ગીતો :૧૮: રાધાનું નામ તમે – સુરેશ દલાલ

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત;
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે: કેમ અલી ? ક્યાં ગઇ તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

– સુરેશ દલાલ

(જન્મ: ૧૧-૧૦-૧૯૩૨)

સંગીત: ક્ષેમુ દિવેટિયા
સ્વર: હંસા દવે ?

[audio:http://urmisaagar.com/saagar/audio/RADHA-NUN-NAAM-Sangeet-Sudha.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: આરતી મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/Radha-Nun-Naam-Arti-Munsi.mp3]

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ. કવિ ઉપરાંત નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. મિત્રો સાથે મળીને ૧૯૯૪માં ‘ઈમેજ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી. ૧૯૬૭થી ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. સતત લખતા રહેતા આ કવિની ઘણી કવિતાઓ ઘણી જ લોકપ્રિય બની છે. એમની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ગીતો અને ઊર્મિકાવ્યનો ફાલ માતબર, વિપુલ અને વિવિધતાવાળો છે. સંપાદનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્ત્વનું છે. સાહિત્યના પ્રસાર, પ્રચાર, પ્રકાશન માટે પણ તેમના અવિરત પ્રયત્નો ચાલુ છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી )

રાધાની વકીલાત કરતી ગોપી કૃષ્ણને વાંસળીનાં સૂરમાં રાધાનું નામ વહેતું ન મૂકવાની ભલામણનાં કંઈ કેટલાયે કારણો આપે છે, પણ એમાં ફરિયાદનો સૂર તો જરાયે સંભળાતો જ નથી. જો કે, જે ગમતું હોય એની ના પાડવામાંય એક અનેરી મજા હોય છે; કારણ કે એ ‘ના’માં જ તો ‘હા’ હોય છે… 🙂  ન્યુજર્સીમાં ૨૦૦૭માં સુ.દ.ની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી વખતે પ્રશ્નોત્તરી દરમ્યાન આ ગીત વિશે એમણે કહેલી એક અંગત વાત, એમનાં જ શબ્દોમાં:   કુંવારો હતો ત્યારે એક રવિવારે એક છોકરીવાળા મને જોવા આવેલાં અને તેઓ એમની છોકરીને જબરદસ્તી મને વળગાડવા માંગતા હતાં… ત્યારે કંટાળામાંથી આવેલું આ પ્રસન્નતાનું ગીત… “રાધાનું નામ તમે વાંસળીનાં સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ…” અને આ ભજન નથી, પ્રણયકાવ્ય છે !  આ જ ગીતની જેમ મને યાદ આવે એમનું મને ઘણું ગમતું ડોસા-ડોસીનું લોકપ્રિય ગીત… કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે !

Comments (9)

યાદગાર ગીતો :૧૭: – ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
              જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
.               એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
.               જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
.               એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
.               જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
.               સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
.              જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
.              કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
             જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
.              એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

– હરીન્દ્ર દવે 

(જન્મ: ૧૯-૯-૧૯૩૦, મૃત્યુ: ૨૯-૩-૧૯૯૫)

સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે

સંગીત સંયોજન: સોલી કાપડિયા
સ્વર: સોનાલી વાજપાઈ

સંગીત: મેહુલ સુરતી (રીમીક્ષ)
સ્વર: દ્રવિતા ચોક્સી

હરીન્દ્ર જયંતીલાલ દવે. કવિ ઉપરાંત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક અને અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી)

હરીન્દ્રભાઈનાં કોઈ ગાયક-ગાયિકા એવા નહિ હોય કે જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયા ન હોય. લતા મંગેશકરથી માંડીને શાળાઓ સુધીનાંએ એમનાં ગીતોને હોંશે હોંશે ગાયા છે. એમનાં ગીતોમાંથી એક ગીત પસંદ કરવું કપરું થઈ પડે… કારણ કે તરત જ મનમાં ગીતોની લાઈન લાગી જાય; જેમ કે- માધવ ક્યાંય નથી મધુવનમાં, એક રજકણ, અનહદનો સૂર,  ગુલાલ કરી ગઈ,  જાણીબૂજીને, મેળાનો મને થાક લાગે, તેં પૂછ્યો’તો પ્રેમનો મર્મ, અમોને નજરું લાગી, રાધાની લટની લહેરાતી કાળાશે– જેવા બીજાં કેટલાય લોકપ્રિય ગીતો… આજે તો આ ગીત પસંદ કર્યું, પણ કાલે જો ફરી પસંદ કરવા બેસું, તો નક્કી ગીત બદલાઈ જાય.  લીલાછમ્મ વિરહનું આ legendary ગીત આજે પણ એટલું જ લીલુંછમ્મ અને તાજા કોળેલા તરણા જેવું ચેતનવંતુ લાગે છે.  ગીતમાં પ્રિયનો વિરહ છે, પરંતુ એ વિરહની વેદના નથી. સ્મૃતિનો માત્ર આનંદ જ આનંદ છે.  સ્મૃતિની ભરતી છે, પણ ઝંઝાવાત નથી.  હૈયાને ઠંડક પહોંચાડનારી પ્રિયજનની સ્મૃતિનો મધુર કલશોર છે.  એટલે જ કદાચ કવિશ્રી સુરેશ દલાલે આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું ઉપનિષદ’ કહીને બિરદાવ્યું છે.  કવિએ ભાવકો માટે આ ગીતની ભાવસૃષ્ટિ સાવ મોકળી રાખી હોય એવું લાગે છે, જાણે કે કોઈ પણ ભાવક એમનાં ભાવપ્રદેશમાં આસાનીથી પહોંચી શકે છે…

Comments (13)

યાદગાર ગીતો :૧૫: આ નભ ઝુક્યુ તે કાનજી ને – પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. 
આ નભ o

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે. 
આ નભ o

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે. 
આ નભ o

– પ્રિયકાન્ત મણિયાર 

(જન્મ: ૨૪-૦૧-૧૯૨૭, મૃત્યુ: ૨૫-૦૬-૧૯૭૬)

સંગીત : અજીત શેઠ
પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સ્વર : અજીત શેઠ અને નિરુપમા શેઠ
આલ્બમ: મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-zhukyu-Te-Nirupama-Seth.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુનશી
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: સૌમિલ મુનશી અને આરતી મુનશી
આલ્બમ: મોરપિચ્છ

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-Zukyun-Te-Arti-munsi.mp3]

પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર.  વિરમગામમાં જન્મ, અમરેલીનાં વતની અને  ધોરણ ૯ સુધી અભ્યાસ.  અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો, પરંતુ જ્યારે એમનું પ્રથમ ગદ્યકાવ્ય એકરાર ૧૯૪૭માં (અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે) ‘કુમાર’માં પ્રગટ થયેલું ત્યારે જ ગુજરાતને તેમનો સાચો પરિચય થયેલો.   ગુજરાતી સાહિત્યની ભવ્ય ઈમારતનાં ચણતરમાં નોંધપાત્ર ફાળો. ૧૯૮૨માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો.  કાવ્યસંગ્રહો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ, વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

રાધા-કૃષ્ણનાં શાશ્વત સખ્યભાવને ઉજાગર કરતી કવિશ્રીની આ પ્રિયતમ રચના, જેને દરેક કવિસંમેલનના અંતે તેઓ આરતીરૂપે સ્વકંઠે અવશ્ય ગાતાં.  રાધા-કૃષ્ણ એટલે પ્રેમની આગવી પરિભાષા.  પ્રકૃતિનાં પદાર્થોની એકરૂપતાની સરખામણી રાધા-કૃષ્ણનાં પ્રેમ સાથે કરીને કવિએ અહીં પ્રેમની શાશ્વતતા દર્શાવી છે.  જેમ ચાંદનીનું રેલાવું આભ વિના અને પોયણીનું ખીલવું સરવર-જલ વિના શક્ય નથી, તેમ જ આભની શોભા ચાંદની વિના અને સરવર-જલની શોભા પોયણી વિના અધૂરી જ રહેવાની.  એક કન્યાનાં ગૂંથેલા કેશની શોભા પણ ત્યારે જ વધુ દિવ્ય બને છે જ્યારે એની સેંથીમાં રાધાતત્ત્વરૂપી સિંદૂર પૂરાય છે.  આખા ગીતમાં કવિએ એક વાત બખૂબી દર્શાવી છે કે નભ, સરવર-જલ, બાગ, પર્વત-શિખર, ચરણ, ગૂંથેલા કેશ, દીપ અને લોચનની જેમ કૃષ્ણનું એકલાનું અસ્તિત્વ રાધા વિના જરૂર હોઈ શકે… પરંતુ ચાંદની, લ્હેરી, પર્વત પર જતી કેડી, પગલી, સેંથી, આરતી અને નજરુંનું જેમ એકલી રાધાનું અસ્તિત્વ શક્ય જ નથી.  રાધા વિનાનો કાનજી જરૂર અધૂરો છે, પરંતુ કાનજી વિનાની રાધાનું તો કોઈ અસ્તિત્વ જ નથી- એ વાત કવિએ અહીં ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે.

Comments (5)

યાદગાર ગીતો :૧૪: આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
          રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! 

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

(જન્મ:૧૮-૫-૧૯૨૬)

સંગીત : આશિત દેસાઈ
સ્વર : આશિત દેસાઈ -હેમા દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/aapano ghadik sang-niranjan%20bhagat.mp3]

નિરંજન નરહરિલાલ ભગત.  સાહિત્યનો ચલતો ફરતો ખજાનો છે. આપણા મોટા ગજાના કવિઓમાં નિરંજન પહેલા એવા કવિ જે ગામડાને બદલે શહેરમાં ઉછરેલા. ગુજરાતી કવિતા એ રીતે એક બીંબામાંથી છૂટી. ‘છંદોલય’માં એ કવિતાને એવા ઊંચા સ્તરે લઈ ગયા કે પછી પાછળથી નિરંજન ભગત પોતે પણ એને પહોંચી શક્યા નહીં. વિશ્વસાહિત્યના ઉત્તમ અભ્યાસીઓમાંથી એક. એમના વિવેચન લેખો અને પ્રવચનો આપણી મોંઘેરી મૂડી છે. (કાવ્યસંગ્રહો: છંદોલય, પ્રવાલદ્વિપ, કિન્નરી, 33 કાવ્યો )

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (6)

યાદગાર ગીતો :૧૨: વગડાનો શ્વાસ – જયંત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર.
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીયે ને
પીયે માટીની ગંધ મારા મૂળ,
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

– જયંત પાઠક

સંગીત : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી
[audio:http://urmisaagar.com/saagar/audio/vagda-no-swash-JayantPathak.mp3]

જયંત પાઠક (જન્મ:૨૦-૧૦-૧૯૨૦, અવસાન:૧-૯-૨૦૦૩)નો જન્મ ગોઠમાં (પચંમહાલ) થયેલો પણ કર્મે એ પૂરા સૂરતી. વડોદરામાં અભ્યાસ ને પછી મુંબઈમાં થોડો વખત ‘જન્મભૂમિ’માં કામ કર્યા પછી એ સૂરતની કોલેજમાં આધ્યાપક તરીકે જોડાયા ને છેવટ સુધી સૂરતના થઈને રહ્યા. કવિના સંસ્મરણો ‘વનાંચલ’માં વાંચો તો કવિના મૂળનો બરાબર ખ્યાલ આવે. એમણે શરૂઆતમાં ગીત, સોનેટ વધારે કર્યા. આગળ જતા ગઝલ અને અછાંદસ ખૂબ લખ્યા. આમ કવિતા બધા રૂપો સાથે એમને ઘરોબો. (કાવ્યસંગ્રહો : મર્મર, સંકેત, વિસ્મય, અંતરીક્ષ, અનુનય, મૃગયા, શૂળી ઉપર સેજ, દ્રુતવિલંબિત )

જે માટીમાં કવિ ઉછર્યા એ માટી, વગડા અને વાયરાને માટે કવિએ લખેલું આ પ્રેમગીત છે. કહે છે કે માણસને તમે એની જનમભોમકામાંથી બહાર કાઢી મૂકી શકો, પણ માણસમાંથી એની જનમભોમકાને કદી બહાર કાઢી મૂકી શકાતી નથી. જનમભોમકા માણસનો શ્વાસ બનીને હંમેશા એની સાથે જ રહે છે. અંગે અંગે વસી ગયેલાં ને રસી ગયેલા વગડા, નદી, પહાડો, માટી, વનનું આ ચિરંતન ગાન ‘વનાંચલ’ના રાષ્ટ્રગીત સમાન છે.

ગાયકી અને સંગીત વિષે મારું જ્ઞાન સીમિત છે. પણ આ ગીત એટલું સરસ થયું છે કે મારા જેવો પણ સમજી શકે કે મેહુલના સંગીતે આ ગીતને ખરા અર્થમાં જીવંત કરી દીધું છે અને અર્થને એક વધારે આયામ આપ્યો છે.

Comments (4)

યાદગાર ગીતો :૧૧: કેવા રે મળેલા મનનાં મેળ -બાલમુકુન્દ દવે

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

-બાલમુકુન્દ દવે

(જન્મ: ૭-૩-૧૯૧૬, મૃત્યુ: ૨૮-૨-૧૯૯૩)

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હર્ષદા-જનાર્દન રાવલ

[audio:http://urmisaagar.com/saagar/audio/KEVA-RE-MALELA-MAN-NA-MEL-SangeetSudha.mp3]

સ્વર : સોલી-નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Keva-re-malelaa-SoliNishaKapadia.mp3]

બાલમુકુન્દ મણિશંકર દવે. વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કરેલું.  ૧૯૪૯માં એમને કુમારચન્દ્રક પણ મળેલો.  બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે. (ગુ.સા.પરિષદ પરથી સાભાર)

બાલમુકુંદ દવેનાં નામની સાથે જ યાદ આવે- આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, જૂનું ઘર ખાલી કરતાં જેવા બીજા ઘણા કાવ્યો… પરંતુ યાદગાર ગીતની વાત આવે ત્યારે મને તો સૌપ્રથમ આ જ ગીત યાદ આવે.  કેટલીયે વાર સાંભળવા છતાં કદી જૂનું જ નથી લાગતું.  પ્રસન્ન દામ્પત્યજીવનની અદભૂત ઝાંખી કરાવતું પ્રણય-સભર સુંદર ગીત.  વિવાહિતજીવનમાં સૌથી અઘરી (અને સૌથી સરળ પણ) એક જ વાત હોય છે, પતિ-પત્નીનાં મનનું મળવું.  ગીતમાં કવિએ પ્રકૃતિનાં શાશ્વત તત્ત્વોનું તાદાત્મ્ય વર્ણવીને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે કે દામ્પત્યજીવન કેવું હોવું જોઈએ.  એકમાંથી બે થવું જેટલું લાગે એટલું સહેલું નથી કારણ કે આખરે તો બે નહીં પણ એક જ બનીને રહેવાનું હોય છે… ઉભયનાં અલગ અલગ અસ્તિત્વનો સહજ સ્વીકાર કરીને.  એકીકરણમાં બે મહત્વની આવશ્યકતા એટલે કે પારદર્શકતા અને અહંકારની આહુતિ. સંગનો ઉમંગ જો સહજીવનની પ્રત્યેક પળે માણી શકાય તો જ સાહચર્યપણું સાર્થક ગણી શકાય, અને જીન્દગીને સાચી રીતે માણેલી-જીવેલી કહી શકાય.

Comments (6)

યાદગાર ગીતો :૧૦: પાનીને પગરસ્તે – વેણીભાઈ પુરોહિત

તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.

આજ પીઉં દર્શનનું અમરત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો :
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પડખે જ પરબડી, આંખો જુએ પિયાવો,
અદલબદલ તન-મનની મોસમ, ચાતકનો ચકરાવો :
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની બીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિન્દગી પીતી :
તારાં હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો.

ઠરી ગયા કામણના દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો :
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો.

– વેણીભાઈ પુરોહિત
(જન્મ: ૦૧-૦૨-૧૯૧૬, મૃત્યુ: ૦૩-૦૧-૧૯૮૦)

ફિલ્મઃ દિવાદાંડી (૧૯૫૦)
સંગીતકારઃ અજીત મર્ચન્ટ
સ્વરઃ દિલીપ ધોળકિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Tari-Aankh-No-Afini-Dilip-Dholakia.mp3]

સ્વર: સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Taari-aankhno-afini-SoliKapadia.mp3]

જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. બેતાળીસના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એમની કવિતાની લાક્ષણિક્તા. ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા. (કાવ્યસંગ્રહો: ‘સિંજારવ’, ‘ગુલઝારે શાયરી’, ‘દીપ્તિ’, ‘આચમન’)

વેણીભાઈનું યાદગાર ગીત મારે પસંદ કરવું હોય તો ‘ઊનાં રે પાણીનાં અદભુત માછલાં‘ સિવાય કશું યાદ ન આવે પણ એમનું લોકપ્રિય ગીત પસંદ કરવું હોય તો? ગુજરાતી ગીતોના સર્વકાલીન ટોપ ટેનમાં સર્વકાલીન અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે?

કવિએ અહીં એવી તે શી કમાલ કરી છે કે આ ગીતનો આશિક ન હોય એવો ગુજરાતી મળવો દોહ્યલો થઈ પડે?! આ કમાલ શું લયની છે કે ગીતમાં અનવરુદ્ધ વહેતા ભાવાવેગની છે? કે પછી પ્રણયોર્મિનો અનનુભૂત કેફ કારણભૂત છે?  અર્થનું ઊંડાણ ભાવક-શ્રોતાને સ્પર્શી જાય છે કે પછી આ નરી સંગીત અને ગાયકીની જ સિદ્ધિ છે? મારે જો કારણ આપવાનું થાય તો હું આ ગીતની લોકપ્રિયતાનું ખરું શ્રેય ‘એકલો’ શબ્દના પ્રયોજનને આપું કેમકે પ્રેમ ગમે એટલી સાર્વત્રિક ઘટના કેમ ન હોય, એની અનુભૂતિ કેવળ ‘એકલા’ની જ હોય છે… કવિએ આ ગીત વાંચતા-સાંભળતા દરેક ગુજરાતીને એકલો શબ્દ વાપરીને એના પોતીકા પ્રેમની વિલક્ષણ તસ્વીર ચાક્ષુષ કરી આપી છે એ કદાચ આ ગીતની સફળતાનું ખરું કારણ છે..

ઇન્ટરનેટ ઉપર આ ગીતના છ બંધ પણ ઉપલબ્ધ છે, પરંતુ કવિના કાવ્યસંગ્રહ “દીપ્તિ”માં આ ગીત આ મુજબ છે. એટલે લયસ્તરોના વાચકમિત્રો માટે આ રચના કવિના સંગ્રહમાં છપાયા મુજબ રજૂ કરીએ છીએ….

Comments (14)

યાદગાર ગીતો :૦૯: નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે.  પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

Comments (8)

યાદગાર ગીતો :૦૭: મેંદી તે વાવી માળવે – ઇન્દુલાલ ગાંધી

મેંદી તે વાવી માળવે
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે ! –

નાનો દેરીડો લાડકો
ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી :
કરી પાનીઓ લાલ ગુલાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

ફાગણને ફુલેકે ખીલ્યો’તો ખાખરો,
એણે કેસૂડાંનો રંગ ધર્યો આકરો !
જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,
કૈંક નવું કામણ કીધું એણે આંખથી :
રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

– ઇન્દુલાલ ગાંધી

(જન્મ: ૮-૧૨-૧૯૧૧, મૃત્યુ: ૧૦-૦૧-૧૯૮૬)

સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

[audio:http://urmisaagar.com/saagar/audio/MehdiTeVaviMaLve.mp3]

મોરબીની મકનસર ગામમાં જન્મ અને ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ. શરૂમાં ૧૯૨૮ થી ૧૯૪૭ સુધી કરાંચીમાં પાનબીડીની દુકાન ચલાવી. ભાગલા થયા ત્યારે મોરબી આવી વસ્યા. ઊર્મિ’ સામયિક શરૂ કર્યું. મોરબી હોનારતના ખપ્પરમાં સર્વસ્વ ગુમાવી બેઠા પછી રાજકોટ સ્થાયી થયા. ‘નૂતન સૌરાષ્ટ્ર’માં પત્રકારત્વ અને ૧૯૫૪થી આકાશવાણી રાજકોટ કેન્દ્ર સાથે. કવિ હોવા ઉપરાંત એ નાટ્યકાર અને વાર્તાકાર પણ ખરા પણ એમની કવિતાઓનું લયમાધુર્ય એવું મજબૂત કે ગણગણવાનું મન થયા જ કરે. (કાવ્યસંગ્રહો: ‘તેજરેખા’, ‘જીવનનાં જળ’, ‘ખંડિત મૂર્તિઓ’, ‘ગોરસી’, ‘શતદલ’, ‘ઈંધણાં’, ‘ધનુર્દોરી’, ‘ઉન્મેષ’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’, ‘ઉત્તરીય’)

ઇન્દુલાલ ગાંધીનું યાદગાર ગીત શોધવું હોય તો પહેલી નજર ‘આંધળી માનો કાગળ‘ પર પડે.પણ લોકગીતની કક્ષાએ પહોંચેલું આ ઉત્તમ ગીત એમનું લખેલું છે એમ કહીએ તો કદાચમાથું ખંજવાળવાનું મન થાય. ફિલ્મમાં જે ગીત છે એ તો ઘણી બધી વેબસાઇટ્સ ઉપર છે જ અને એનો ઑડિયો આ સાથે સંલગ્ન પણ કર્યો છે, પણ મૂળ કવિતા ભાવકો સુધી ન પહોંચે તો શી મજા ! આ ગીતનો ઇતિહાસ માણવો હોય તો અહીં ક્લિક્ કરો. દિયર અને ભાભીના વહાલનું આ ગીત હકીકતે તો ભાઈ માટેના ભાભીના પ્રેમને જ ઉજાગર કરે છે. ફાગણના ફુલેકે ચડીને આવતા ખાખરાનો રંગ મેંદીના હાથના રૂમાલ સમો ભાસે એ કલ્પનમાં ગુજરાતી કવિતા ચરમશિખરે બેસે છે…

અરે હા… આજે જ આ કવિની વર્ષગાંઠ પણ છે…

Comments (10)

યાદગાર ગીતો :૦૬: રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે. 
રાખનાં રમકડાં o

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમતું માંડે,
આ મારું, આ તારું- કહીને એકબીજાને ભાંડે રે. 
રાખનાં રમકડાં o

એ કાચી માટીની કાયા માટે માયા કેરા રંગ લગાયા,
એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે. 
રાખનાં રમકડાં o

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ. 
રાખનાં રમકડાં o

– અવિનાશ વ્યાસ

(જન્મ: 21 જૂલાઈ 1912, મૃત્યુ: 20 ઑગષ્ટ 1984 )

સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ગીતા રોય અને એ.આર. ઓઝા

[audio:http://urmisaagar.com/saagar/audio/Rakh Na Ramakada.mp3]

ગુજરાતી સુગમ સંગીતનો પર્યાય કહી શકાય એવા કોઈ ગીતકાર અને સંગીતકારનું નામ જો કોઈ પણ ગુજરાતીને પૂછો તો સૌના હોઠ પર તરત જ એક જ નામ રમતું થઈ જાય- અવિનાસ વ્યાસ.  અવિનાશભાઈનું કોઈ એક જ યાદગાર ગીત પસંદ કરવું એટલે કે ચોખાનાં ઢગલામાંથી ચોખાનો માત્ર એક જ દાણો પસંદ કરવો… અને મેં તો આજે એ ઢગલામાંથી કેટલાય ચોખાનાં દાણાને વારાફરતી પસંદ-નાપસંદ કર્યે જ રાખ્યા… અને તોય જાણે ચોખાનાં બાકીનાં આખા ઢગલાને જ અન્યાય થઈ રહ્યો હોય એમ લાગ્યું !  🙂  એમનાં ઘણા ગીતો તો એમનાં નામની સાથે તરત  જ આપણા હોઠ પર રમવા માંડે, જેમ કે; ‘માડી તારું કંકુ ખર્યું’, ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’, ‘અચકો મચકો કારેલી’, ‘કોણ હલાવે લીમડી’, ‘પંખીડાને આ પીંજરું’, ‘હે હૂતુતુતુ’, ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો’, ‘કહું છું જવાનીને’ કે પછી ‘અમે અમદાવાદી’ જેવા બીજા કેટલાય ગીતો… અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ પંદર હજાર જેટલા) રચ્યા છે.  આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠ અને કાનમાં એકદમ તરોતાજા છે, જે સિદ્ધિ જેવી તેવી તો ન જ કહેવાય.  હાલરડાંથી લઈ મરશિયાં સુધીનાં એટલે કે જીવનની દરેક અવસ્થાઓના ગીતો એમણે આપણને આપ્યાં છે. ગુજરાતી સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. ગુજરાતના ઘર ઘરમાં ગવાય એવા અદભૂત ગીતોનું સર્જન કરી પોતે જ એને સ્વરબદ્ધ કરીને લોકજીભે રમતા કર્યા છે.  પોતાના નામને ખરી રીતે સાર્થક કરનારી વ્યક્તિઓ જવલ્લે જ જોવા મળે છે.  આપણને અગણિત અવિનાશી ગીતો આપીને કોઈ પણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિદ્ધી પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા છે.

‘રાખનાં રમકડાં’ એટલે કે આપણે.  આપણે કેવા છે- ની આપણી જ વાત કવિએ આ ગીતમાં એટલી સરળ અને સુંદર રીતે વર્ણવી છે કે આપણને જ આપણી વાત સાવ નિરાળી લાગે !  ફિલ્મ ‘મંગલફેરા'(૧૯૪૯)નું આ ગીત ભારતની અન્ય ૧૮ ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે, જે ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતી સુગમ સંગીત માટે ખરેખર ખૂબ જ ગૌરવપ્રદ ઘટના કહી શકાય.

ઓડિયો માટે ખાસ ટહુકો.કોમનો આભાર.

Comments (13)

યાદગાર ગીતો :૦૫: ગીત અમે ગોત્યું -ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

-ઉમાશંકર જોશી

(જન્મ: ૨૧-૭-૧૯૧૧, મૃત્યુ: ૧૯-૧૨-૧૯૮૮)

સંગીત : અજીત શેઠ
સ્વર : નિરૂપમા શેઠ અને કોરસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Geet Ame Gotyun Gotyun.mp3]

ઉમાશંકર જોશીનો પહેલો સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયો ત્યારે એમની ઉમ્મર હતી માત્ર વીસ વર્ષ ! એ પછીના પચાસ વર્ષ સુધી એ સતત ગુજરાતી સાહિત્ય પર છવાયેલા રહ્યા. એમણે નાટકો, વાર્તાઓ, નિબંધો, અનુવાદ, વિવેચન બધું કર્યુ છે. ઉત્તમ રીતે કર્યું છે. પણ કવિતા એમનો પહેલો પ્રેમ હતી અને છેવટ સુધી રહી. એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જ જોવા મળે છે. ( કાવ્યસંગ્રહો : વિશ્વશાંતિ, નિશીથ, ગંગોત્રી, ધારાવસ્ત્ર, અભિજ્ઞા, સપ્તપદી, સમગ્ર કવિતા )

ઉમાશંકરે એકથી એક ચડિયાતા એવા સરસ ગીત આપ્યા છે કે એમનું ગીત પસંદ કરવાનું કામ બહુ સહેલું છે. આ ગીત પસંદ કરવાનું ખાસ કારણ એ કે આ ગીતમાં એમના કોમળ લય અને કલ્પનના સુંદર ઉદાહરણ સમાન છે. આ ગીતમાં કવિ ગીત શોધવા નીકળે છે ! કવિ ગીત શોધવાની શરૂઆત ઝરણાંથી કરે છે. પ્રકૃતિના વિવિધ અંગો – વન, વીજળી, સાગર – પાસે જઈને એ ગીત શોધવાની કોશિશ કરે છે. પણ કશેય એમને ગમતું ગીત મળતું નથી. એ પ્રિયજનની આંખો અને સેંથીમાંય જોઈ આવે છે. ને બાળકના ગાલમાં ગીત શોધી જુએ છે. પણ એમને ક્યાંય ગીત જડતું નથી. છેવટે ગીત એમને પોતાની અંદર જ – આંસુની પછવાડે ને સપનાં સીંચતું – મળી આવે છે.

ગીત એટલે તો લયનો ટહુકો. લય તો દરેક જણે પોતાનો  જાતે જ – પોતની અંદરથી જ – શોધવો જરૂરી છે, એ કોઈનીય પાસે ઉછીનો લઈ શકાય નહીં. કવિએ આ વાત બહુ કોમળ રીતે – એક ગીત દ્વારા જ – અવિસ્મરણીય રીતે કરી છે.

Comments (8)

યાદગાર ગીતો :૦૪: રંગ રંગ વાદળિયા -સુન્દરમ્

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)

સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rang rang vadaliya.mp3]

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે. કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

આમ તો સુન્દરમ્ ના અનેક ગીતો યાદગાર છે. પણ આ બાળગીતમાં સુન્દરમ્ ની બાળક બનીને ગીત લખી શકવાની શક્તિના દર્શન થાય છે. સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ ગીત બાળગીતોમાં ‘મેઘદૂત’ છે 🙂

તા.ક.: ઓડિયો માટે જયશ્રીનો ખાસ આભાર.

Comments (16)

યાદગાર ગીતો :૦૩: જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

(જન્મ: ૨૮-૧૧-૧૯૦૧, મૃત્યુ: ૧૮-૧-૧૯૭૮)

[audio:http://urmisaagar.com/saagar/audio/jivan-anjali-thajo.mp3]

આખું નામ કરસનદાસ નરસિંહ માણેક અને ઉપનામ ‘વૈશંપાયન’.  મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે ઘણું સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી હતી.  કરાંચીમાં જન્મેલા પરંતુ મૂળ જામનગર જિલ્લાના હડિયાણાના વતની અને મુંબઈમાં વસવાટ. અસહકારની ચળવળ વેળાએ જેલવાસ પણ ભોગવેલો.  ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ સામયિકના તંત્રી પણ રહેલા, જે બંધ થઈ જતાં એમણે ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક પણ શરૂ કરેલું.  ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. (વધુ વિગતે કવિ પરિચય અહીં વાંચો)

ખૂબ જ જૂજ ગીતો એવા હોય છે કે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચી શકે છે.  પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલું કવિનું આ ગીત શાળાથી માંડીને છેક મરણપ્રસંગોમાં આજે પણ અચૂક ગવાય છે.  પોતાના આખા જીવનને એક અંજલિ તરીકે પ્રભુને સમર્પિત કરી દેવાનો દિવ્ય ભાવ જ આ ગીતને પ્રાર્થનાસમી ઊંચાઈ બક્ષે છે. જીવનમાં માત્ર સારા કાર્યો કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ (કુંતામાતાની જેમ) પોતાના પથમાં થોડી અડચણો માંગે છે. અને જો અડચણો આવશે તો એને લીધે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાની ભીતિ પણ કવિને છે જ, અને એટલે જ સૌથી મહત્વની વસ્તુ જે કવિ છેલ્લે માંગે છે, એ છે અખૂટ શ્રદ્ધા.  ખબર નહીં કેમ, પરંતુ આ ગીત કાયમ મને આપણા ‘ગાંધીબાપુ’ અને એમના જીવનની યાદ અપાવે છે.  કવિ અહીં જીવનમાં જેટલું અને જે જે માંગે છે એટલું અને એ બધું જો આપણને ખરેખર મળી જાય (એટલે કે એટલું જો આપણે જીવનમાં ઉતારી શકીએ) તો આપણે પણ જરૂર ‘ગાંધીજી’ બની શકીએ… પરંતુ એટલું સામર્થ્ય હોવું, શું એ જ ગાંધીપણું નથી?!

Comments (7)

યાદગાર ગીતો :૦૨: એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
.                          એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં
.                          ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
.                          ન ફળી મહેનત મારી… મહાનલ0

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
.                         સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,
.                        વાત  વિપતની ભારી… મહાનલ0

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,
.                      ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
.                      માગું એક ચિનગારી… મહાનલ0

-હરિહર ભટ્ટ

(જન્મ: ૦૧-૦૫-૧૮૯૫, મૃત્યુ: ૧૦-૦૩-૧૯૭૮)

સંગીત : આશિત દેસાઈ
સ્વર :  હેમા અને આશિત દેસાઈ

[audio:http://urmisaagar.com/saagar/audio/ek-j-de-chinagari.mp3]

સૌરાષ્ટ્રના જાળીલા ગામે જન્મેલા અને અમદાવાદમાં વસેલા કવિનો અભ્યાસ બી.એ. સુધીનો અને કાર્ય અધ્યાપનનું. જ્યોતિષશાસ્ત્રના પણ અધ્યાપક. વર્ષો સુધી સંદેશના પ્રત્યક્ષ પંચાંગના મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા અને નિયામક પણ ખરા.  એમની કવિતાઓમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, વતન માટેનો પ્રેમ અને ગાંધી મૂલ્યોનો આદર છલકાતો જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘હૃદયરંગ’, ‘હૃદયનૃત્ય’, બંનેનું સંકલન-  ‘એક જ દે ચિનગારી’)

ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ભક્તિગીત કહી શકાય એવા આ એકમાત્ર ગીતે કવિને અમરત્વ બક્ષ્યું છે. આખી જિંદગી આપણે નાસભાગમાં ને આજીવિકા રળવાની મહેનતમાં ખર્ચી નાંખીએ છીએ પણ આપણી અંદર સળગીને પ્રકાશિત થવા તૈયાર જે જામગરી પડી છે એ સળગે છે કે નહીં એ જોવા થોભતા નથી. વિશ્વ આખામાં ઈશ્વરના નામનો પ્રકાશ પથરાયેલો છે, એક આપણી જ સગડી આગ વિનાની છે. દુનિયાની આ હાડમારીથી હવે કાયા ધ્રુજી ઊઠી છે અને ધીરજનું પણ નાકું આવી ગયું છે… આવી ક્ષણે કવિનો સાચો ભક્ત-વિવેક પ્રગટ થાય છે અને ભજનને કવિતાનું માન મળે છે. કવિ વિશ્વાનલ પાસે માંગી-માંગીને એક ચિનગારીથી વિશેષ કંઈ જ નથી માંગતા.. સળગવાની ને પ્રકાશવાની સામગ્રી તો માંહ્ય ભરી જ છે… માંગણીનો સંતોષ એ આ કવિતાનો મુખ્ય પ્રાણ છે…

Comments (8)

યાદગાર ગીતો :૦૧: ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !

– અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

(જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩)

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

[audio:http://urmisaagar.com/saagar/audio/gunvanti-gujarat.mp3]

ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પારસી કોમના જે કવિઓનો ફાળો રહ્યો છે, એમાં અરદેશર ખબરદારનું સ્થાન ધ્રુવના તારા સમું છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી એ અમર કીર્તિ પામ્યા છે. દમણમાં જન્મેલા અને ત્યાં જ વસેલા, માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા આ કવિ મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા પણ અનિર્વચનીય વતનપ્રેમથી છલકાતા હતા.  (કાવ્યસંગ્રહો: ‘કાવ્યરસિકા’, ‘વિલાસિકા’, ‘પ્રકાશિકા’, ‘ભારતનો ટંકાર’, ‘સંદેશિકા’, ‘કાલિકા’, ‘ભજનિકા’, ‘રાસચંદ્રિકા-1’, ‘દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’, ‘કલ્યાણિકા’, ‘રાસચંદ્રિકા-2’, ‘નંદનિકા’, ‘ગાંધીબાપુ’, ‘કીર્તનિકા’)

સદાકાળ ગુજરાત‘ આપ માણી ચૂક્યા છો એટલે યાદગાર ગીતોની શ્રેણીની શરૂઆત આજે એમના આ બીજા ગીતથી કરીએ.  નંદનવન જેવી મનોહર આ વાડીમાં શું શું નથી? સંત, મહંત, વીરોની આ ભૂમિ અરણ્ય, ઉપવન, સરોવર-નદીઓ, ઝરણાં-સમુદ્ર વડે શોભાયમાન છે. પણ કવિને જે ભાવ અભિપ્રેત છે એ છે કોમી એખલાસનો અને એ દ્વારા ગગન ગાજે એવો જયજયકાર કરવાનો છે…

Comments (9)

સપ્તપદી વિશેષ: પદ ૮: છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો…

…તો મિત્રો, આજે અમે અમારી બાંધી મુઠ્ઠી આ ગીતની સાથે જ ખોલીએ છીએ… એ પણ લગ્નના થોડા સજીવ ચિત્રો સાથે !

PB083194

ધવલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો,
પેલી મોનલની આગળ-પાછળ ભમતો’તો,
લોસ એંજેલસની શેરીમાં અટવાતો’તો,
એટલાન્ટા ને એલ.એ.ની વચ્ચે રખડતો’તો,
Every weekend એ પ્લેનમાં ઉડતો’તો,
ધવલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો…
મોનલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી… 🙂

*

બંને જણા કે’દાડાનું ‘પૈણું પૈણું’ જ કરતા હતા એટલે આ ગીત એમને માટે એકદમ યોગ્ય છે!

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Chori-Kedada-Nu.mp3]

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે !

મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે,
એને નીત નવી વાનગી ખવડાવવી પડશે,
અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે !

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી.

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી ભાગોળે આવી ભમતા’તા,
મારી શેરીઓમાં અટવાતા’તા,
તમને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો !

મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે,
એને ફરવા નીત નવી ગાડી જો’શે,
એને પે’રવા નીત નવી સાડી જો’શે,
તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો !

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે.

તારે સાસુની ચાકરી કરવી પડશે,
એનાં પડ્યાં બોલ તારે ઝીલવા પડશે,
તારે સસરાજીને માનપાન આપવા પડશે,
અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે !

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે,
એને ફરવા ફોરેન લઈ જાવી પડશે,
એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો.

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા…
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી…

*

આ સાથે જ માણીએ એમનાં લગ્નનાં બીજા થોડા ફોટાઓ… જે ખાસ તમારા માટે તાત્કાલિક પાડીને (રીશેપ્શન માણ્યા પહેલાં જ) મૂકીએ છીએ… આપણાં ઘરનાં જ ફોટોગ્રાફર વિવેકનાં કેમેરાની નજરે…!

*

PB073149

PB083166

PB083200

PB083210 crop

(લયસ્તરો ટીમ -વિવેક, ધવલ, મોના-સાથે નવેલી દુલ્હન-મોનલ)

*

dhaval & monal
(… and they lived happily ever after !! )

*

અમારા વહાલા મિત્રો ધવલ-મોનલનાં લગ્ન-પ્રસંગ નિમિત્તે અહીં ઉજવાયેલા સપ્તપદી વિશેષ (જે આ આઠમી પોષ્ટની સાથે અષ્ટપદી વિશેષ થઈ ગયો છે!), ઊર્મિસાગર.કૉમ પર ઉજવાયેલાં ફટાણાં-સ્પેશ્યલ અને ટહુકો પર ઉજવાયેલાં લગ્નગીત-સ્પેશ્યલ અવસરમાં શામિલ થઈ આ અવસરને વધુ ધવલ કરવા બદલ આપ સૌ મિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર…!

(લગ્નની વિધિની જાણકારી માટે ગુર્જરી.નેટનો, ચિત્રો માટે નૈનેશ જોશીનો અને ઓડિયો માટે ખાસ નીરજ શાહનો અને જયશ્રીનો આભાર…)

Comments (39)

સપ્તપદી વિશેષ: પદ ૭: આજ વર-કન્યાનાં લગનની વધામણી

જેના માટે ‘લયસ્તરો’ના આંગણે સાત દિ’થી શહેનાઈ ગૂંજી રહી છે અને લગ્નગીતોના માંડવડાં બંધાઈ રહ્યાં છે, એ વહાલસોયા દોસ્તના આજે લગ્ન છે ત્યારે દુલ્હા-દુલ્હનને અમારા અને તમારા તરફથી મબલખ અભિનંદન અને લાખ લાખ શુભકામનાઓ.  સફળ, પ્રેમાળ અને પ્રસન્ન દાંપત્યજીવન માટેની અગણિત શુભેચ્છાઓ સાથે આ નવલા વરરાજા અને એની નવલી વરરાણીને આજે વધાવીએ… (અને હા, કાલે જ અમે ખોલીશું… અમારી બાંધી મુઠ્ઠી! )

M1

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Vadhamani.mp3]

વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.

આંગણ રૂડાં સાથિયા પુરાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
એજી દ્વારે દ્વારે તોરણિયા બંધાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વિવાહ કેરો શુભ દિન આયો, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.

મહેલુંમાં માંડવા રોપાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
કુમકુમને ફુલડે વધાવ્યા,રાજ રંગીલા હો રાજ રંગીલા.
સૌના તનમનમાં આનંદ છાયો, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.

ઢોલીડે ઢોલને ગજાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
ડેલી માથે દિવડા પ્રગટાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વર વહુને મોતીડે વધાવ્યાં, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.

પ્રભુતામાં પગલાં પથરાયાં, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વરવહુ આજે બંધનમાં બંધાયા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
હૈયાનાં તારને મિલાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા.
વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.

*

કંસાર ખવડાવવાની વિધિ પછી હવે આશીર્વાદ…. સાળો-સાળી પગરખાંના રૂપિયા ઉઘરાવે.. અને કન્યાવિદાયની કરુણ ઘડી આવે… છેલ્લે સાસરે આવેલી નવવધૂને આવકારવાની વિધિ થાય, જેમાં ગૃહપ્રવેશ પહેલાં દિયર-નણંદો ઘરના દ્વાર બંધ કરી દઈ ભાઈ પાસે ગૃહપ્રવેશ માટે રૂપિયાની માંગણી કરે (અને કઢાવેય ખરા!)… ત્યારબાદ મીંઢળ છોડવાની, છેડાછેડી છોડવાની અને કંકુપાણી ભરેલા પાત્રમાંથી સિક્કા શોધવાની વિધિઓ થાય… પછી શું થાય એ તો હવે દુલ્હા-દુલ્હન જ જાણે!

Comments (9)

સપ્તપદી વિશેષ: પદ ૬: લાડો લાડી જમે રે કંસાર

M8

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Lado-Ladi-Jame-Re-Kansar.mp3]

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

નાખે મહીં ઘી કેરી ધાર, સંસાર પાયો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવિયાં રે
ભીની વડી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે
પીરસતાં મન મલકાય, આનંદ અંગ અંગમાં રે
ભેગા બેસી જમે વરકન્યાય અધિક ઊંચા રંગમાં રે
પાસે બેઠી સૈયરો બે-ચાર તપાસ રાખે તે તણી રે
રત્ને જડ્યો બાજોઠ વિશાળ મૂકે છે મુખ આગળ રે
લાડો લાડી જમે રે કંસાર, આનંદ આજ અતિઘણો રે

લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે

*

જાનૈયાઓ તો ક્યારના ભોજન માટે ગોઠવાઈ ગયા છે પરંતુ માંડવામાં થોડીઘણી વિધિ તો હજીબાકી છે.  જેમ કે વરકન્યા એકબીજાનું મ્હોં મીઠું કરાવતા હોય… લગ્નના દિવસે વર અને વધૂ ઉપવાસ કરે (મોટાભાગના કિસ્સામાં માત્ર વધૂ) એવો રિવાજ છે.. આ ઉપવાસના પારણાં કંસાર વડે થાય અને કંસારની મીઠાશ સંસારમાં ઉતરે એવી આશા સેવાય…

Comments (7)

સપ્તપદી વિશેષ: પદ ૫: પહેલું પહેલું મંગળિયું વરતાય રે

M9

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Pahelu-Pahelu.mp3]

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે,
શુભદિન આજે શુકનનો કહેવાય રે.

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે…

Satapadi

*

હસ્તમેળાપ પછી મંગળસૂત્ર, સિંદૂર અને મંગળફેરા… અને પછી સપ્તપદી…

વર કન્યાને સાહચર્ય અને સૌભાગ્યના પ્રતીક સમું મંગળસૂત્ર પહેરાવે, સેંથીમાં સિંદૂર પૂરે પછી મંગળફેરા ફરાય. આમ તો આપણે બધા જ ચાર મંગળફેરાનો મતલબ જાણીએ છીએ. ચાર ફેરા એટલે કે લગ્નજીવનનાં પુરુષાર્થનાં ફેરા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.  ત્રણ ફેરામાં પુરુષ આગળ રહે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ થાય.  મતલબ કે ધર્મ, અર્થ અને કામમાં પુરુષનું વર્ચસ્વ હોય, પરંતુ જ્યારે મોક્ષની વાત આવે ત્યારે એ સ્ત્રીના નેતૃત્વ વગર શક્ય નથી. મંગળફેરા બાદ સપ્તપદી આવે છે જેમાં વર-કન્યા ચોખાની સાત ઢગલીઓ ફોડી અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદારી અને સાહચર્યનું વચન આપે છે.  પછી ગોરબાપા મંગલાષ્ટક બોલી નવદંપતિને આશીર્વાદ આપીને લગ્નની ધાર્મિક વિધિ પૂરી થયાનું એલાન કરે છે. મંગલાષ્ટકના આઠ અષ્ટકો દ્વારા નવદંપતિનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓ કરવામાં આવે છે.

*

इष एकपदी भव । (તું પહેલું પગલું અન્નને માટે ભર.)

उर्झे द्विपदी भव । (તું બીજું પગલું બળને માટે ભર)

रायस्पोषाय त्रिपदी भव । (તું ત્રીજું પગલું સંપત્તિને માટે ભર)

मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)

प्रजाभ्यः पंचपदी भव । (તું પાંચમું પગલું સંતતિને માટે ભર)

ऋतुभ्य: षट्पदी भव । (તું છઠ્ઠું પગલું ઋતુઓને માટે ભર)

सखा सप्तपदी भव । (સાતમું પગલું  ભરીને તું મારી મિત્ર થા)

– લગ્નમંગલ, આશ્વાલયન ગૃહ્યસૂત્ર

Comments (9)

સપ્તપદી વિશેષ: પદ ૪: હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

M2

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Hath-Kanya-No.mp3]

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
ઉત્તમકુળની છે કન્યા વરરાજા… હાથ o

દીકરી ઉછેરી રૂડી રીતે વરરાજા,
શિખામણ ભેળી આપી સાથે વરરાજ… હાથ o

વિયોગ વેઠ્યો નથી કદીયે વરરાજા
આજ વિયોગ અમને સાલે વરરાજા… હાથ o

સંપી રહેજો સંસારે શાણા વરકન્યા !
સુખદુ:ખમાં ભાગ લેજો વ્હાલા વરકન્યા… હાથ o

અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,
અમ ઘરનું મૂલ તમને સોંપ્યું વરરાજા… હાથ o

ઈંદ્ર-ઈંદ્રાણી જેવા શોભો વરકન્યા,
રાધા ને કૃષ્ણ જેવા દીપો વરકન્યા… હાથ o

*

જાન પ્રસ્થાન પછી વરની પોંખણી… વરમાળા પહેરાવ્યા બાદ હસ્તમેળાપ… છેડાછેડી બંધાય…

માંડવામાં વરરાજાની પધરામણી પછી ગોરબાપા એની પાસે થોડી પૂજા વગેરે કરાવે અને કન્યાની પધારમણી થાય એ પહેલાં એમની વચ્ચે એક પડદો ગોઠવી દેવામાં આવે. (ત્યાં સુધીમાં વરરાજાનાં પગરખાં તો ઉપડી જ ગયા હોય!)  ‘કન્યા પધરાવો સાવધાન’ નો મંત્રોચ્ચાર થાય, કન્યાની  પધરામણી થાય અને પડદાની નીચેથી વરના હાથમાં કન્યાનો હાથ મૂકવામાં આવે.  હસ્તમેળાપ -પાણિગ્રહણ- એ લગ્નવિધિનું મુખ્ય અંગ છે. કેમકે ખરી રીતે તો એ હૈયા-મેળાપ જ હોય છે.  હસ્તમેળાપની વિધિ પૂરી થાય એટલે થાળી-વેલણના નાદ સાથે વરકન્યાની વચ્ચેથી પડદો ખસેડી લેવામાં આવે, ત્યારે જ વરરાજા કન્યાનાં મુખારવિંદનાં પ્રથમવાર દર્શન કરે છે.  (જો કે હવે તો એ વાત ભાગ્યે જ બને છે) ત્યારબાદ એકબીજાને ફૂલોનો હાર પહેરાવી વરકન્યા એકબીજાનું સ્વાગત કરે છે, પરંતુ ગોરબાપા તો સૂતરની એક જ આંટી બંનેના ગળામાં પહેરાવે છે અને આમ સૂતરના તાંતણે બે હૈયાને એક કરે છે.  અને વરરાજાની બહેન દ્વારા છેડાછેડી બંધાય છે…

Comments (4)

સપ્તપદી વિશેષ: પદ ૩: કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે

M11

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/KesariyoJaanLaavyo.mp3]

કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…

જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા મોટા, જળ ભરી લાવો લોટા.
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનણીએ પે’ર્યા અમ્મર, માંડવામાં નથી ઝુમ્મર,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા પારસી, માંડવે મૂકાવો આરસી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા સિધ્ધી, સિધ્ધી દેખી વેવણ બીધી,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

જાનમાં તો આવ્યા ગોરા, વેવણ તમે લાવો તોરા,
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

*

માંડવે જાન આવે ત્યારે ગવાતું ફટાણું*… આ ફટાણું મેં એટલું બધું સાંભળ્યું છે કે ન પૂછો વાત. વળી, વરપક્ષ તરફથી આ ફટાણું ગવાય ત્યારે એનો જવાબ આપતું એક ફટાણું કન્યાપક્ષ તરફથી તરત જ ગૂંજી ઊઠે…

આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે…
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે…

માંડવામાં મૂકી ખુરશી, જાનમાં તો નથી મુનશી,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

માંડવામાં મૂક્યા લોટા, જાનમાં તો નથી મોટા,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

માંડવામાં મૂક્યા તકિયા, જાનમાં તો નથી શેઠિયા,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

માંડવામાં મૂકી આરસી, જાનમાં તો નથી પારસી,
આવી શું જાન લાવ્યા, જાન લાવ્યા રે.

*

હવે થશે જાન પ્રસ્થાન… (ત્યારે વરરાજાએ કોઈ હઠ કરી હોય કે ના કરી હોય તોયે એની હઠના ગીતો તો ગવાય જ)… પછી વર ઘોડે ચડે. વરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગલું.  પછી માંડવે આવેલાં વરને કન્યાની માતા પોંખવા આવે.  આ વિધિમાં લાકડાનાં બનાવેલા નાના રવઈ, મુશળ, ઘુંસરી અને તરાકથી સાસુ વરરાજાને પોંખેં છે.  રવઈ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોને વલોવીને મંથન કરીને પ્રેમનું દોહન કરવાનું શીખવે છે.  મુશળ વાસનાઓને ખાંડી નાંખી પ્રેમ પ્રગટાવવાનું શીખવે છે. ઘુંસરી પતિ-પત્નિને શીલ અને સંયમમાં સમાંતર ચાલી જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચી સુખી થવા પ્રેરે છે. તરાક સૂચવે છે કે રેંટિયા જેવા લગ્નજીવનમાં  પતિ-પત્નીરૂપી બે ચક્રો મળીને પ્રેમની દોરી વડે આ તરાક(ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સૂતર નીકળશે.  આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા જ સાવધાન કરે છે. અને એનો જવાબ વરરાજા સંપુટને તોડીને આપે છે. સંપૂટ તોડવાની વિધિ દ્વારા વરરાજા સાસુજીને કહે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઇચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું.  એનો અહીં ભાંગીને ભૂક્કો કરૂં છું.  હવેથી અમારા બંનેની આશા, ઇચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.  આ વિધિમાં સાસુજી દ્વારા જમાઈરાજાનું નાક ખેંચવાની રસમ પણ ખૂબ જ મજાની અને મસ્તીભરી હોય છે.

અને ફટાણાંની લલકાર તો જાન માંડવે આવી ગઈ હોય ત્યારથી જ બંને પક્ષે ચાલુ થઈ ગઈ હોય… ક્યારેક તો બંને પક્ષે રાડો પાડી પાડીને એકબીજાને માટે એવી જોશીલી ને હોંશીલી રીતે ફટાણાં ગવાતા હોય છે કે સાંભળતું કોણ હશે અને સંભળાતું શું હશે- એ જ સવાલ થાય…!

* ફટાણાં એટલે લગ્નમાં ગવાતાં વ્યંગગીતો… લગ્ન એ કદાચ એક જ એવો પ્રસંગ હશે કે જેમાં વર-કન્યા બંને પક્ષો  એકબીજાને અને થનારાં સગાસંબંધીઓને એમના નામસહિત અપમાનજનક શબ્દો ફટાણાંમાં બિંદાસ્ત રીતે કહી શકે છે, અને એ પણ કોઈનેય ખોટું લાગશે કે કેમ- એવા ડર વિના ! 🙂

Comments (6)

સપ્તપદી વિશેષ: પદ ૨: કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે

M6

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Kanya-Chhe.mp3]

કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો ને…

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે..

હું કેમ આવું? મારા દાદાજી રીસાણા રે,
તમારા દાદાને પાઘડી પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે

હું કેમ આવું? મારા પિતાજી રીસાણા રે,
તમારા પિતાને ખેસની પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા માતાજી રીસાણા રે,
તમારી માતાને સેલાની પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા બેનીબા રીસાણા રે,
તમારી બેની ને સોળે શણગાર, તમે રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.

હું કેમ આવું? મારા વિરાજી રીસાણા રે,
તમારા વિરાને સૂટની પહેરામણી, રાયવર વહેલાં આવો ને…
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે.
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો ને…

*

ગણેશજીની સ્થાપના, કુળદેવીને આમંત્રણ અને માણેકથંભને રોપ્યા બાદ… ચાક વધાવવાની વિધિ થાય… પીઠી ચોળવાની વિધિ થાય… મોસાળા પૂજાય… એનાંયે ગીતો ગવાય.

હવે તો પોતાના જ લગ્નમાં વર-કન્યાએ પોતે જ કેટલી બધી તૈયારી કરવી પડતી હોય છે…! (અનુભવે સમજાયેલું સત્ય!)  પહેલાં તો બધું જ વડીલો કરી લેતા… વળી કન્યાને તો લગ્નનાં થોડા દિવસો પહેલાંથી જ ઘરનું કામ કરવાની લાડથી મનાઈ કરવામાં આવતી… અને ત્યારે કદાચ કન્યાની અધીરાઈને આવા ગીતોએ જ વાચા આપી હશે. અત્યારે તો હવે……. 🙂

Comments (6)

સપ્તપદી વિશેષ: પદ ૧: આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ

‘લયસ્તરો’ પર સામાન્ય રીતે પ્રશિસ્ત કવિતાઓ જ મૂકવાનો અમારો ઉપક્રમ રહ્યો છે. પણ મિત્રો, ક્યારેક સાવ અલગ ચીલો ચાતરવાની મજા પણ શું અનોખી નથી હોતી?!  પ્રવાહથી વેગળાં થઈને તરવાનો નિજાનંદ પણ સાવ નોખો જ હોય છે ને… એક ખાસ પ્રસંગના અન્વયે અમે આજથી સાત દિવસ સુધી લયસ્તરો પર જાણીતા ને માણીતા લગ્નગીતો સંગીત સાથે પીરસવાનાં છીએ.  પણ રહો… આ ખાસ પ્રસંગ કયો છે, એવું અત્યારે કોઈ પૂછશો મા… એ તો સમય આવ્યે અમે જ આ બાંધી મુઠ્ઠી ખોલવાનાં… (જેમને ખબર છે તેમને તેમના હાથ પર કંટ્રોલ કરવા વિનંતી… ) 🙂

સાત દિવસમાં સાત લગ્નગીતોનો અનૂઠો રસથાળ લઈને અમે આપ સહુ જાનૈયાઓનું સ્વાગત કરવા આવ્યા છીએ.  અત્યારે આ વાંચી રહ્યા છો એનો મતલબ કે તમે પણ જાનમાં આવી જ ગયા છો… તમારાં સ્વાગતમાં જો કંઈ ઉણપ રહી જાય તો માઠું જરાયે ના લગાડશો…!

– ઊર્મિ-વિવેક

*

સપ્તપદી વિશેષ સપ્તાહનાં મંગલ અવસરનાં આ પ્રથમ દિવસે લગ્નનો જબરદસ્ત ઢોલ વગાડીએ…

M5

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/AajVagdavo.mp3]

આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ.

આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,
સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે;
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,
વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o

આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o

*

લગ્નગીત એ લોકગીતનો જ એક પ્રકાર છે. સ્થળ-સંજોગ, દેશ-વેશ અને વ્યક્તિ-સમાજ પ્રમાણે આ લોકગીતોની નવી નવી આવૃત્તિ સદા આવ્યા જ કરતી હોય છે.  લગ્ન એટલે માનવજીવનનો સૌથી મોંઘેરો અને માંગલિક અવસર…  માત્ર બે વિજાતિય દેહનું જોડાણ નહીં, પરંતુ બે દેહ દ્વારા બે મન-હૃદયને એક કરવાની વિધિ અને એમનાં એક થવાનો આનંદ-મંગલ અવસર.  આપણે ત્યાં લગ્નની લગભગ બધી વિધિઓનાં ગીતો ગવાતાં હોય છે.  વચ્ચેનાં ગાળામાં પહેલા જેવા પરંપરાગત ગીતો એટલા બધા સાંભળવા મળતાં ન્હોતા. પરંતુ હવે તો લગ્નગીતો ગાવાવાળાનાં ખાસ ગ્રુપને જ બોલાવી લેવામાં આવે છે.  કમસે કમ આવી રીતે પણ હવે થોડા પરંપરાગત ગીતો સાંભળવા તો મળી જાય છે.  અમારે ત્યાં હજીયે લગ્નનાં બે-ત્રણ દિવસ પહેલાં લગ્નગીત ગાવાનો કાર્યક્રમ રાખી શેરીની, ફળિયાની કે ગામની ઘણી સ્ત્રીઓને ગીતો ગાવા ને ઝીલવા માટે ખાસ બોલાવવામાં આવે.  ત્યારે જ મહેંદી પણ મૂકાય જાય.  કલાક બે-કલાક સાથે બેસીને ગીતો ગાયા બાદ છોકરા કે છોકરીની ફોઈ-કાકીઓ તરફથી આવનાર દરેક સ્ત્રીઓને એક એક વાસણ મિઠાઈ (હવે ચોકલેટ!) સાથે વહેંચવામાં આવે.  (નોંધ: ડિપ્રેસ ઈકોનોમીને લીધે વાસણ વહેંચવાની પ્રથા અહીં બંધ રાખવામાં આવી છે!)

લગ્નની વિધિમાં સૌ પ્રથમ ગણેજીની સ્થાપના કરવામાં આવે, વરકન્યાનાં કુળદેવીઓને આમંત્રણ અપાય, માણેકથંભ રોપાય અને આ બધી વિધિઓનાં ગીતોય ગવાય…….

આ જ શુભ પ્રસંગે ‘ગાગરમાં સાગર’ પર પણ ઉજવાઈ રહ્યું છે, ફટાણાં-સ્પેશ્યલ અને ‘ટહુકો’ ઉપર લગ્નગીત-સ્પેશ્યલ !

Comments (8)

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

[audio:http://dhavalshah.com/audio/Sonet-Vrux-RajendraShukla.mp3]

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો  છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.

Comments (22)

એક ઘેરો રંગ છે મારી ભીતર – વિવેક મનહર ટેલર

[audio:http://dhavalshah.com/audio/ghero.mp3]

(સ્વર અને સંગીત : શોનક પંડ્યા)

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

– વિવેક મનહર ટેલર

આજે વિવેકની એક સ્વરબદ્ધ ગઝલ માણો. ગઝલ તો લયસ્તરોના વાંચકો પહેલા માણી જ ચૂક્યા છે. સ્વર અને સંગીત સુરતના કલાકાર શૌનક પંડ્યાના છે.

અડબંગ= જક્કી, હઠીલું, અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)

Comments (16)

‘ત્રિવેણી સંગમ’ : ત્રણ કવિઓની રચનાઓનો સ્વરસંગમ

TRI 2 2-1

[audio:http://tahuko.com/gaagar/layastaro/08 Lahar Lahar Na Pravaho Alag-HimanshuBhatt.mp3]

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

– હિમાંશુ ભટ્ટ

ગઈકાલે જ મુંબઈમાં આ ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું છે. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ પ્રસંગે હિમાંશુભાઈની ગઝલ સંગીત સાથે માણો .

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: કર્ણિક શાહ

Comments (13)

આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે – રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર (જન્મ: ૧૯-૮-૧૯૬૬)

સ્વર: શૌનક પંડ્યા 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Shaunak Pandya.mp3]

સ્વર: ધ્વનિત જોષી

[audio:http://tahuko.com/gaagar/layastaro/Raeesh Maniar-Kinarao Alag-Dhwanit Joshi.mp3]

રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે….

‘લયસ્તરો’ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા દસ દિવસોમાં અમે ત્રણ મિત્રો -ધવલ, હું અને અમારી ખાસ મહેમાન મોના- એ રજૂ કરેલ આ એકવીસ યાદગાર ગઝલોના રસથાળમાં આપણી ભાષાના સેંકડો મોતીઓ હજી ખૂટે છે. અમારી સિમિત સમજણાનુસાર અમે આ ગઝલો પસંદ કરી છે… કોઈને આ પસંદગી યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે… કોઈને આ કવિઓ યોગ્ય લાગે, કોઈને અન્ય કવિઓ પણ યાદ આવે – જે તદ્દન સ્વાભાવિક છે.  આખરે તો આ યાદી અમારા અંગત અભિપ્રાય સિવાય બીજુ કાંઈ નથી.

વાચકોની જેમ અમને પણ એમ લાગે જ છે કે આ યાદીમાં હજી ઘણા વધારે ગઝલો અને ગઝલકારો હોવા જોઈએ. ખાસ કરીને નવા યુગનાં, સક્રિય એવા ઘણા ગઝલકારોને આ સાવ ટૂંકી યાદીમાં સમાવી શકાયા નથી. અમારો ઉદ્દેશ વાચકોને ગુજરાતી ગઝલના ઈતિહાસની સફર કરાવવાનો પણ હતો એટલે અમે વિતેલા યુગની પ્રતિનિધિ ગઝલોને ચૂકી ન જવાય એનો ખ્યાલ જરા વધારે રાખી સમયની રેખાને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો.  પરંતુ આ તો થોડી યાદગાર ગઝલોને ફરી એકવાર યાદ કરીને વર્ષગાંઠની ઉજવણી કરવાનો એક પ્રયોગ માત્ર હતો…  આ પ્રયોગને તો અમે અહીં સમેટી લઈએ છીએ પરંતુ ભવિષ્યમાં આ યાદીનો ભાગ બે કરવાનો વિચાર અમારા મનમાં ચાલી જ રહ્યો છે. એટલે કે યાદગાર ગુજરાતી ગઝલોની આ સફર અહીં અટકતી નથી માત્ર પોરો ખાય છે…

આપના અભિપ્રાયોની પ્રતીક્ષા રહેશે.

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૨૦ : સજનવા – મુકુલ ચોક્સી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા
ને હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા

બે અમારા દૃ્ગ સજનવા, બે તમારા દૃગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખુ જગ સજનવા

ક્યાં તો પીઝાનાં મિનારાને હવે પાડો સજનવા
નહીં તો મારી જેમ એને ઢળતા શિખવાડો સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા
થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધુ દેવું સજનવા

છે કશિશ કંઈ એવી આ કાયા કસુંબલમાં સજનવા
કે જાન સામેથી લુંટાવા ચાલી ચંબલમાં સજનવા

આજ કંઇ એવી કુશળતાથી રમો બાજી સજનવા
જીતનારા સંગ હારેલા યે હો રાજી સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોક્સી (જન્મ: ૨૧ ડિસેમ્બર ૧૯૫૯)

મુકુલભાઈનું નામ આવે એટલે લાગણીથી લથબથ એવી એમની બે ગઝલો મને તરત જ યાદ આવી જાય; ‘સજનવા’ અને ‘ચૂમી છે તને’.  ‘સજનવા’ એ મુકુલભાઈનું દીર્ઘ-કાવ્ય છે, દીર્ઘ-ગઝલ છે.  અને સાંભળ્યું છે કે આ ગઝલનાં એટલા જુદા જુદા ભાગો છે કે કો’કવાર મુકુલભાઈ પાસે જ મારે એના કુલ શેરની સંખ્યા જાણવી પડશે. અને મુકુલભાઈ કદાચ મને કુલ પાનાનો આંકડો જ આપશે; કારણકે એવીયે ખબર પડી છે કે ‘સજનવા’નાં શેરનો ગણતરી કરવા કરતાં એનાં પાનાની ગણતરી કરવી જ સહેલી પડે… શેરનો આંકડો લગભગ 3 આંકડાની પાસે પાસે પહોંચી ગયો હોય તોય નવાઈ નહીં.  ‘સજનવા’ની વાત કરીએ તો એના દરેક મિસરામાં ‘સજનવા’ રદીફને લીધે આ મત્લા ગઝલ જેવી પણ લાગે છે, તો એ જ રદીફ કોઈ ધુર્વપંક્તિ જેવો લાગતો હોઈ આ ગઝલનાં ગીત હોવાનો પણ ભાસ થાય છે.  ગાલગાગાનાં ચાર આવર્તનોવાળી આ ગઝલનાં દરેક શેરનાં અલગ-અલગ કાફિયાને લીધે એને કદાચિત્ ગીતઝલ જેવું પણ કહી શકાય…?!

મુકુલભાઈને આ ગઝલનું પઠન* કરી આપવાની જ્યારે મેં ફરમાઈશ કરેલી ત્યારે મેં એમને બે સવાલો પણ પૂછાવ્યા હતા: ૧) તમે આ ગઝલ આટલી દીર્ઘ કેમ લખી?  ૨) આ ગઝલ લખવા પાછળ શું અને કોની પ્રેરણા હતી ? …તો લયસ્તરોને પાઠવેલી શુભેચ્છાઓ અને ‘સજનવા’નાં થોડા શેરનાં પઠનની સાથે મુકુલભાઈએ મારા સવાલોનાં જવાબો પણ મોકલાવ્યા છે, પણ એ હું તમને નહીં કહું.  એ તો તમારે જાતે જ સાંભળવાં પડશે !

સ્વર: મુકુલ ચોક્સી

શુભેચ્છાઓ…
[audio:http://urmisaagar.com/saagar/audio/layastaro-4th-hbd-shubhechha_by_mukul_choksi.mp3]

ઘોંઘાટીયા જગતનાં અવાજોની વચ્ચે પણ
કવિતાઓ વાંચી વાંચીને ક્યારેક કલરવું છું;
લયનાં સ્તરો ઘણા છે ને એને અનુભવું છું,
હું લયસ્તરોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મુકુલભાઈની વાત સાવ સાચી છે. ‘સજનવા’ કે પ્રેમની અનુભૂતિ વિશે તો જેટલું લખો એટલું ઓછું જ પડે.  એના વિશે આપણે જો કશુંક લખવા બેસીએ ત્યારે શેરોની સંખ્યા કે લીટીઓ નહીં ગણાય, નોટબુકનાં પાના પણ નહીં ગણાય અને આપણી લખવાની આધુનિક શૈલીને ધ્યાનમાં રાખીને કહું, તો એ લખવામાં તો કમ્પયુટરની કેટલી યાદદાસ્ત (RAM) વપરાય છે એ પણ નહીં ગણાય !  🙂  પ્રેમની અનુભૂતિ એ એક એવો અહેસાસ છે કે જેને માત્ર અને માત્ર અનુભવાય જ છે, જે શબ્દોથી ઘણી ઉપરની વાત છે… કાવ્ય લખવાની પ્રક્રિયા એટલે કે એ અનુભૂતિનાં એકાદ અંશને ફ્રેમમાં જડવાની કોશિશ માત્ર… જે કાયમ અધૂરી જ લાગ્યા કરે.  અને કોઈ કવિતાની ફ્રેમમાં જડ્યાં પછી પણ હંમેશા એમ જ થતું રહે કે હજી આનાથી પણ વધુ સુંદર ફ્રેમ બની શકત. કદાચ આ ‘અધૂરપ’માં જ એની પૂર્ણતા છે.  હવે ‘સજનવા’નું વધુ વિશ્લેષણ કર્યા વગર મુકુલભાઈએ જ પસંદ કરેલા ‘સજનવા’નાં થોડા શેરોને આપણે સાંભળીએ, માણીએ અને મમળાવીએ…

‘સજનવા’નું પઠન…

[audio:http://urmisaagar.com/saagar/audio/sajanva_pathan_by_mukul_choksi.mp3]

લયસ્તરો પર આગળ મૂકેલાં આ જ ગઝલનાં થોડા અલગ શેર પણ તમે અહીં માણી શકો છો… ધવલભાઈનાં કોલેજનાં સ્મરણો સાથે. 🙂

*ગઝલ-પઠનનો ઓડીયો બનાવીને સત્વરે મોકલવા બદલ મેહુલ સુરતી અને મુકુલભાઈનો ખૂબ ખૂબ આભાર…!

Comments (8)

આપણી યાદગાર ગઝલો : ૧૯ : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી – જવાહર બક્ષી

ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.

સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

– જવાહર બક્ષી (જન્મ: ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭)

[audio:http://tahuko.com/gaagar/layastaro/Jawahar Baxi-Tolani Shoonyata choon.mp3]

જવાહર બક્ષીએ જીવનના રંગને બહુ ઘૂટ્યા પછી ગઝલો લખી છે. સબળ વૈચારિક ભૂમિકા પર બંધાયેલી એમની ગઝલો એક તરફ એમના ઊંડા તત્વજ્ઞાનનો પરિચય આપે છે તો બીજી બાજુ એમના તીવ્ર સંવેદનની સાહેદી પૂરે છે. એમનો એકમાત્ર સંગ્રહ છે ‘તારાપણાના શહેરમાં’.

આ ગઝલ એવી છે કે એમા કવિ શું કહેવા માગે છે એના કરતા તમે શું સમજવા માંગો છો એનું વધારે મહત્વ છે. આ આત્મશોધનની ગઝલ છે. જાતને તપાસવાનું એક સાધન છે. પોતે ‘ખાલી’ હોવાનું કવિને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન એમને પોતાના ‘ટોળાં’માં જકડાયેલા હોવાનું પણ છે. અને આ બંને હકીકત પોતાની જાતને કેટલી બૂઠ્ઠી બનાવી દે છે એ અહેસાસનો પડઘો આ ગઝલ છે. અર્થ વગરનાં અવાજો કરવા સિવાય આ ‘ખાલીપણું’ બીજા કોઈ કામનું નથી એવો – ચીસ જેવો – શેર મૂક્યા પછી કવિ એક તદ્દન અલગ વાત કરે છે. ઈસુ અને પોતાની જાત – બન્નેમાં શું સામ્ય છે ? – અવિરત પીડા (શૂળી ઉપર જીવું છું) અને ફકીરી (લંબાતો હાથ છું). જે દુ:ખોથી આપણે ત્રસ્ત છીએ એ જ ઈશ્વર સુધી જવાનો રસ્તો પણ છે એવો ઈશારો કવિ પોતાની રીતે કરી લે છે ! આ રગાશિયા જીન્દગી અને સંવેદનહીનતા પર છેલ્લા બે શેર લખીને કવિ પોરો ખાય છે. અહીં ગઝલ પૂરી થાય છે પણ વાચકનું કામ તો અહીં જ શરૂ થાય છે – એ કામ છે જાતને તપાસવાનું.

Comments (3)

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી (કાવ્યપઠન) -વિવેક મનહર ટેલર

Shyaam taara range
(વિવેકની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

[audio:http://urmisaagar.com/saagar/audio/ShyamTaaraRange-VivekTailor.mp3]

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)

“શ્યામ!” સંબોધન વાંચતા જ આપણી આંખ આગળ ગોપી આવી જઈને આપણને પણ એના રંગમાં એવા રંગી દે છે… કે પછીનું આખું કાવ્ય આપણે ગોપી બની ગયા વગર જાણે માણી જ ન શકીએ ! શ્યામનાં રંગમાં રંગાઈને લથબથ અને તરબતર થયેલી ગોપી અહીં રંગાવાનાં અલૌલિક આનંદની સાથે સાથે વળી “કિયા છેડેથી બાકી તેં રાખી” કહીને રંગાવાની જ મધમીઠી રાવ પણ કરે છે. અને બ્હાવરી તો કેવી, કે દલડાંનાં દરવાજા ને દીવાલો બધુયે ઓગળી ચૂક્યું છે ને તો યે હજી એ બારી ન વાખવાની ઘેલી ચિંતા કરે છે. શું શ્યામે એને પોતાના રંગમાં રંગી છે ?… કે પછી શ્યામનાં રંગમાં એ પોતે પોતાની મરજીથી જ રંગાઈ ગઈ છે? શું એ ફરિયાદ કરે છે કે એણે રંગાવું ન્હોતું તો ય રંગાઈ ગઈ ? જો કે, આવા પ્રશ્નોનાં જવાબો તો રાધા યે આપી ન શકે… એટલે આપણે થોડીવાર માટે ગોપી બની જઈ માત્ર આ કાવ્યનાં રંગમાં રંગાઈએ તો કેવું ?!!

લયસ્તરોનાં સાગરમાં આપણે ઘણાં પ્રિય કવિઓનાં હસ્તાક્ષરોનાં મોતીઓ ભર્યા છે અને એમાં આપણા ઘરનાં જ કવિનાં હસ્તાક્ષરનું મોતી ના હોય એ કેમ ચાલે? ખરું ને મિત્રો?! વળી આ કવિ મહાશય પાસેથી તો એમનાં હસ્તાક્ષરની સાથે સાથે બોનસ તરીકે મેં હક્કથી એનાં સ્વરનું મોતી પણ માંગી લીધું છે (જરા દાદાગીરીથી સ્તો!)… તો ચાલો આજે સાંભળીએ આ કાવ્યનું પઠન, કવિ વિવેક ટેલરના જ અવાજમાં !

Comments (24)

નેટ પર સાંભળો સોલીનું આલ્બમ

સોલી કાપડિયા એ ગુજરાતી સંગીતજગતમાં સૌથી વધારે સૂરીલા નામો માંથી એક છે. સોલીભાઈ મૂળ સૂરતના પણ પાછળથી મુંબઈ એમની કર્મભૂમિ. સોલી વિષેની એક વેબસાઈટ આજે જોવામાં આવી. (આભાર, જયશ્રી).

આ વેબસાઈટમાં સોલી વિષે ઘણી માહિતી ઉપરાંત એનુ એક આલ્બમ પ્રેમ એટલે કે… સાંભળી પણ શકો છો. ઘણા વખતે સોલીનો કંઠ સાંભળીને આનંદ થઈ ગયો.આ આલ્બમના ગીતોમાંથી પ્રેમ એટલે…, આ શ્હેર… અને એમ પણ બને પહેલાં લયસ્તરોમાં રજૂ કરેલા છે, એ પણ સાથે જોશો.

Comments