ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

યાદગાર ગીતો :૨૭: પાંદડી વાયરાને વળગી શું કામ ? – પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
            ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

પન્ના નાયક

(જન્મ: ૨૮-૧૨-૧૯૩૩)

સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા

[audio:http://urmisaagar.com/saagar/audio/07 – Paandadi vaayara ne valagi shu kaam.mp3]

પન્ના નાયક આપણા પહેલા દરજ્જાના કવયિત્રી છે. અભ્યાસ મુંબઈમાં પૂરો કર્યા પછી એ સાંઈઠના દાયકામાં ફિલાડેલ્ફીયા આવીને રહ્યા.  ત્યાંજ આગળ અભ્યાસ અને પછી અધ્યાપનનું કામ કરી નિવૃત થયા છે. ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વ તણી વિશાળતા- એ ન્યાયે, એમની કવિતા પણ એમના વિદેશ નિવાસને કારણે એટલી વધુ મ્હોરી છે. એમની કવિતાનું વિશ્વ મહદઅંશે એમનું અંગત વિશ્વ છે. લાગણીઓને જરાય ‘એડીટ’ કર્યા વિના સીધી જ કાગળ પર ઉતારવાની એમને અજબ ફાવટ છે. (કાવ્યસંગ્રહો: પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ, આવનજાવન, વિદેશિની – સમગ્ર કવિતા, ચેરી બ્લોસમ્સ, રંગઝરૂખે;  વેબસાઈટ: પન્નાનાયક.કૉમ)

આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.

9 Comments »

  1. વિવેક said,

    December 19, 2009 @ 8:54 AM

    ખૂબ જ ભાવવાહી ગીત… ગાર્ગીની ગાયકી તો આમેય ઓવારી જવાય એવી હોય છે…

  2. BB said,

    December 19, 2009 @ 9:29 AM

    Very emotional lyrics and Gayaki too.

  3. ઊર્મિ said,

    December 19, 2009 @ 9:32 PM

    પન્નાઆંટીનું મને ખૂબ જ ગમતું ગીત… ગાર્ગીની સુમધુર ગાયિકીએ ગીતને વધુ ઉઘાડી આપ્યું હોય એમ લાગે છે !

    ખાસ તો–
    યાદગાર ગીતોની શૃંખલામાં એક કવયિત્રીની અને એ પણ મારા પ્રિય કવયિત્રીની તમારી પસંદગી જોઈને વિશેષ આનંદ થયો, ધવલભાઈ…! જાણે કે પન્નાઆંટી અહીં તમામ કવયિત્રીઓનું પ્રતિનિધિત્વ કરતાં હોય એવું લાગ્યું… 🙂

  4. pragnaju said,

    December 20, 2009 @ 11:59 AM

    ગાર્ગીના સ્વરમા ખૂબ મધુર ગીત

  5. Lata Hirani said,

    December 20, 2009 @ 5:39 PM

    સાચી વાત છે ઊર્મિની. તમામ કવયિત્રીઓનૂં નહીઁ, સ્ત્રી જાતીનું..

  6. Ramesh Kajaria said,

    December 20, 2009 @ 9:50 PM

    With music and beautiful voice of Gargi Vohra, the lovely words of Pannaben come to life. An admirable combination of words and music creates a delightful gift for the listener.

  7. kanubhai Suchak said,

    December 20, 2009 @ 11:03 PM

    સ્વરાંકન માટે ગીતની પંક્તિઓ અને શબ્દોની બાદબાકી કવયત્રિની સંમતિથી જ થયા હશે, સ્વરાંકન અને સૂર બન્ને સરસ છે,
    આ પંક્તિઓ જુઓઃ
    ‘હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
    પાંદડી પર વાસંતી અક્ષર નથી,
    હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
    પાંદડી વાયરાને વળગી શું કામ ?
    આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?’
    પન્નાબેન અંતરના અંદરને શબ્દ સ્વરુપ આપવામાં કુશળ કસબી છે. એમનો ચિત્કાર કે આક્રોશ ફરિયાદની વેવલાઈમાંથી નહીં ઠપકાની સલૂકાઈમાં અભિવ્યક્ત થાય છે. તોફાની મનનો કાન પકડતાં છેલ્લી પંક્તિમાં તો તેને આમળી નાખે છે.
    સરસ રચના.

  8. Niraj said,

    December 21, 2009 @ 4:06 AM

    પન્ના આન્ટીના ભાવવાહી શબ્દો અને એટલીજ સુંદર ગાયિકી અને સ્વરાંકન.. ખુબ સરસ..

  9. Bharat Pandya said,

    December 23, 2009 @ 2:07 AM

    પાંદડી પવનને વળગી શું કામ ?

    એક બહુજ અંગત અનુભવ કહું – એક મીત્રની મ ૧૮ વરસની નાજુક નમણી સોહામણી મીઠડી
    દીકરી એક દીવસ ભાગી ગઈ – .લગ્ન કરી લીધા.મારે માટે પણ એ પુત્રી સમોવડી ( કદાચ તેથી વધુ) હતી. સમજાણુ નહી કેમ ?પણ પરિણામ આટલુ આટલું શું જરાપણ) દુખદ નહતું .સમ્બંધો બંધવા ને તુટવાનો એક સમય હોય છે.///નિયતી બીજું શું ?
    “””—-બસ અટલું સમજાય છે””
    ”’કોઈ કશું કરતું નથી, આતો બધું બસ થાય છે”’.

    પાંદ્દડી ઝાડ પણ તેની મરજી થી નહોતી વળગી અને અને છ્ટી પણ તેની મરજી
    નહોતી પડી ./પવન તો માત્ર એક આકસ્મિક ઘટના હતો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment