નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
મહેક ટંકારવી

યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
                                                                      એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
                                                                      તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

[audio:http://urmisaagar.com/saagar/audio/Have-pehlo-varsaad-bhagvatidada-soli-kapadia.mp3]
સંગીત અને સ્વર: સોલી કાપડિયા

ભગવતીકુમાર શર્મા (જન્મ: ૩૧-૫-૧૯૩૪, સુરત) એ સુરતનું ગૌરવ છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વ્યંગલેખક એવી બહુવિધ પ્રતિભા ધરાવતા ભગવતીકુમારે સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં અડધા દાયકા સુધી રહ્યા. સુરતની સઘળી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવામાં એમનો મોટો હાથ. સાહિત્યકાર સામાન્ય રીતે રાજકીય ઘટનાઓથી દૂર રહે એવું જોવા મળે. પણ ભગવતીકુમારમાંનો પત્રકાર અને સાહિત્યકાર હંમેશ એકબીજાના પૂરક બની રહ્યા એ એમની વિશિષ્ઠ સિદ્ધિ. (કાવ્યસંગ્રહો: સંભવ, છંદો છે પાંદડાં જેનાં, ઉજાગરો)

આ ગીતનો આસ્વાદ વિવેકે એટલી એટલી સરસ રીતે કરાવેલો કે એ જ અહીં ટાંકું છું : વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

13 Comments »

  1. Jayshree said,

    December 15, 2009 @ 1:30 AM

    Another favorite one…!!

  2. Vijay Shah said,

    December 15, 2009 @ 1:52 AM

    સરસ

  3. Gaurang Thaker said,

    December 15, 2009 @ 4:28 AM

    વાહ વાહ ને વાહ જ્…..મઝાનુ ગમતુ ગીત્..

  4. kanchankumari parmar said,

    December 15, 2009 @ 4:39 AM

    યાદ છે મને એ સાંજ પહેલા વરસાદ નિ;ને રાખિયુ છે એ ફુલ ગુલાબ નુ તરોતાજા સિંચિ અશ્રુજળ થિ……

  5. Pushpakant Talati said,

    December 15, 2009 @ 5:58 AM

    ગીત તો સારુ લાગ્યુ અને ગમ્યુ પણ ખરુ
    પરન્તુ “આસ્વાદ” વાન્ચનથી વધુ સમજાયુ
    દરેક કાવ્ય કે ગીત નો “આસ્વાદ” અને તે પણ કોઈ પાત્ર/યોગ્ય પાત્ર/વ્યક્તિ આસે તો ના સમજ માણસો ને પણ સમજાય. ાને તે ખરો આનન્દ માણી સકે.
    આ વ જો –

  6. વિવેક said,

    December 15, 2009 @ 9:08 AM

    અદભુત રચના…

  7. AMRIT CHAUDHARY said,

    December 15, 2009 @ 9:08 AM

    ભગવતીકુમારનાં અન્ય કાવ્યો પણ આપશો તો ગમશે.મને ગમતાં ગીતોમાંનું એક ગીત.
    ખૂબ સરસ…અભિનંદન.

  8. pragnaju said,

    December 15, 2009 @ 9:57 AM

    સહેજે ગાવું અને માણવું ગમે
    પણ તે કરતા આ ભાવ વધુ ગમે
    આદિલ આ રચના …
    કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
    મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
    રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
    માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
    કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
    કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !
    એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
    ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
    લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
    છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં
    વિચારો વરસાદમા અને પછી ………….

    વરસાદ વિના કેવુ કેવુ થાય..?

  9. Girish Parikh said,

    December 15, 2009 @ 5:31 PM

    મારી સાહિત્ય સ્મરણિકા

    ભગવતીકુમાર શર્માને પણ અશરફ ડબાવાલાએ શિકાગોના સબર્બ શામબર્ગમાં એમના ઘરના વિશાળ બેઝમેન્ટમાં યોજેલા કવિસંમેલનમાં કાવ્યો અને ગઝલોનું પઠન કરતા સાંભળ્યા છે; પણ એમના ગીતને મધુર કંઠ અને સંગીત સાંપડે છે ત્યારે સાંભળવાની મઝા ઓર જ હોય છે!
    (અશરફના બેઝમેન્ટમાં એટલા સરસ કવિતા અને સાહિત્યના કાર્યક્રમો થયા છે કે એને હું ‘સાહિત્યમંદિર’ કહું છું.)

  10. વિવેક said,

    December 16, 2009 @ 1:39 AM

    પ્રિય અમૃતભાઈ ચૌધરી,

    ભગવતીકુમાર શર્માની એકવીસ જેટલી કાવ્યકૃતિ આપ અહીં માણી શક્શો:

    https://layastaro.com/?cat=82

  11. ઊર્મિ said,

    December 16, 2009 @ 9:28 AM

    મને ગમતું મજાનું વરસાદી ગીત… સોલીભાઈએ જાણે એમાં પ્રાણ પૂરી દીધો છે.

  12. Rina said,

    July 16, 2011 @ 8:28 AM

    બહુ જ સરસ ગીત ……
    thanks for sharing such beautiful creations.

  13. Rina said,

    July 16, 2011 @ 8:30 AM

    thanks a ton for sharing such a beautiful creation…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment