આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !
પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:
એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.
કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે
આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.
પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી
આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા
દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ
નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા
જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા
ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી
આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?
વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !
– અમૃતા પ્રીતમ
(મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)
આ કવિતા મૂળ પંજાબીમાં અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં સાંભળો
[audio:http://dhavalshah.com/audio/varisshah.mp3]
અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે – ‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.
વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.
ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”
અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં આ કવિતા સાંભળો તો શબ્દોની ઊંડી ઉદાસી ઘેરી વળ્યા વિના રહેતી નથી. અને પાંચ નદીઓના આ પવિત્ર પ્રદેશ માટે અનાયાસ જ દિલમાંથી એક ચીસ નીકળી જાય છે.