નૂતન જાની શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 15, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નૂતન જાની, વિશ્વ-કવિતા, વેદ રાહી
દિવસો એમ વીતી રહ્યા છે
જેમ
શત્રુના સિમાડા પાસેથી સૈન્ય.
શ્વાસ એમ લેવાઈ રહ્યા છે
જેમ
ઘાયલ થયેલા પંખીની ગભરાયેલી ચીસ.
પ્રેમ એમ થઈ રહ્યો છે
જેમ
સામર્થ્યથી વધુ, કોઈ મજૂર,
ઉપાડીને
લઈ જઈ રહ્યો છે ભાર.
– વેદ રાહી (ડોગરી)
અનુ. નૂતન જાની
આમ તો આજે પંદરમી ઓગસ્ટ. સ્વતંત્રતા દિન. એટલે વરસમાં બે દિવસ પૂરતી જાગી ઊઠતી દેશભક્તિ સાથે સુમેળ ખાય એવી કવિતા શોધવાની નેમ હતી પણ આ કવિતા આંખ તળેથી પસાર થઈ અને શ્વાસ થંભી ગયા. આજના દિવસે આથી વધુ યથાર્થ બીજી કઈ કવિતા હોઈ શકે? પોલાં દેશભક્તિના નારા લગાવવાના બદલે નાગી વાસ્તવિક્તાની જ વાત ન કરીએ?
Permalink
December 14, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ, નૂતન જાની, વિશ્વ-કવિતા
આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.
આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.
– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)
માણસ જન્મે એ ઘડીથી જ એના ચહેરા પર મહોરાં ચોંટવા શરૂ થઈ જાય છે. જિંદગીની મુસાફરીમાં એક પછી એક એટલા બધા મહોરાંઓ આપણા ચહેરા પર ચોંટી જતા હોય છે કે આપણે આપણી જાત સુધીનો રસ્તો પણ ભૂલી જતા હોઈએ છીએ. બધા જ મહોરાંઓ ઉતરડીને ફેંકી દઈએ, બધા જ સરનામાંઓનો નાશ કરી નાઅંખીએ એ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે… એ ઘડીએ આપણને આપણા ગ્લોબલ હોવાની જાણ થાય છે.
Permalink
August 30, 2012 at 7:58 AM by વિવેક · Filed under અછાંદસ, નરેન્દ્ર સક્સેના, નૂતન જાની, વિશ્વ-કવિતા
કેટલાંક બાળકો બહુ જ સારાં હોય છે
તેઓ બૉલ કે બલૂન માંગતા નથી
નથી માગતા મિઠાઈ કે નથી કરતા જીદ્દ
હેરાન તો થતા જ નથી
મોટાઓનું કહ્યું માને છે
આટલાં સારાં હોય છે
આટલાં સારાં બાળકોની તપાસમાં રહીએ છીએ
આપણે
અને મળતાં જ એમને ઘરે
લઈ આવીએ છીએ
ત્રીસ રૂપિયા મહિને અને ખાવાના પર.
– નરેન્દ્ર સક્સેના (હિંદી)
(અનુ. નૂતન જાની)
આજે બાળનોકરોનો પગાર કદાચ ત્રીસના બદલે હજાર-બે હજાર થયો હશે પણ આપણી માનસિક્તા ?
Permalink
December 4, 2007 at 1:35 AM by વિવેક · Filed under અનુપમા બસુમતારી, નૂતન જાની, વિશ્વ-કવિતા
મારો પોષાક પથ્થરનો
મારાં ઘરેણાં પથ્થરનાં
મારા હોઠ – તે સુદ્ધાં પથ્થરના હતા;
હું કશું જ બોલી શક્તી નહોતી.
તે આવ્યા,
તેમણે મારી તરફ જોયું
મારાં જીર્ણ અંગેઅંગ નીરખ્યાં,
કાળજીપૂર્વક કોતર્યાં
મારાં સ્તન, મારા હોઠ ને આંસુ
પથ્થરના શરીરમાંથી કાઢીને
તેઓ મને
એક જુદા જ પથ્થરમાં ઘડતા ગયા.
એમના હાથમાં જાદુ હશે,
અથવા તો તે વેળા જ હશે
હૃદયના મિલનની-
એક દિવસ
મારું હૃદય ધડકવા લાગ્યું
અને મારા બાહુઓએ
એમને નજીક લીધા
ત્યારથી હું સ્ત્રી છું.
-અનુપમા બસુમતારી (આસામી)
અનુ. નૂતન જાની
સ્ત્રી હોવાના મનોભાવો જે સૂક્ષ્મતાથી આ કાવ્યમાં કંડારવામાં આવ્યા છે એ જવલ્લે જ કોઈ કાવ્યમાં જોવા મળશે. કવિતાની શરૂઆત જ કવયિત્રી એ પોષાક અને ઘરેણાંથી કરી છે એ પણ સૂચક છે. એ આવ્યા પણ એ કોણ એ કવયિત્રી સહેતુક અધ્યાહાર રાખે છે. એ કોણ? સર્જનહાર કે પ્રિયતમ? અને એ જ્યારે એને ઘડે છે ત્યારે કવયિત્રી વળી સહેતુક સ્તન, હોઠ અને આંસુ- આ ત્રણ શબ્દો વાપરે છે. આ જ સ્ત્રીનો સરવાળો છે અને કવિતાના શબ્દોની ખરી કમાલ પણ છે. પણ આ પથ્થરમાં હૃદય ધડકે તો પણ એ સ્ત્રી નથી બનતો. આ પથ્થર સ્ત્રી બને છે એના પ્રિયતમને બાહુઓમાં સમેટી લે ત્યારે…
Permalink