આજકાલ – વેદ રાહી (ડોગરી) અનુ. નૂતન જાની
દિવસો એમ વીતી રહ્યા છે
જેમ
શત્રુના સિમાડા પાસેથી સૈન્ય.
શ્વાસ એમ લેવાઈ રહ્યા છે
જેમ
ઘાયલ થયેલા પંખીની ગભરાયેલી ચીસ.
પ્રેમ એમ થઈ રહ્યો છે
જેમ
સામર્થ્યથી વધુ, કોઈ મજૂર,
ઉપાડીને
લઈ જઈ રહ્યો છે ભાર.
– વેદ રાહી (ડોગરી)
અનુ. નૂતન જાની
આમ તો આજે પંદરમી ઓગસ્ટ. સ્વતંત્રતા દિન. એટલે વરસમાં બે દિવસ પૂરતી જાગી ઊઠતી દેશભક્તિ સાથે સુમેળ ખાય એવી કવિતા શોધવાની નેમ હતી પણ આ કવિતા આંખ તળેથી પસાર થઈ અને શ્વાસ થંભી ગયા. આજના દિવસે આથી વધુ યથાર્થ બીજી કઈ કવિતા હોઈ શકે? પોલાં દેશભક્તિના નારા લગાવવાના બદલે નાગી વાસ્તવિક્તાની જ વાત ન કરીએ?