ગઝલ – તુષાર શુક્લ
શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.
જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
-તુષાર શુક્લ
ગઈકાલે શૂન્ય પાલનપુરીની એક ગઝલ આજ છંદમાં, આજ રદીફ અને આજ કાફીયા સાથે આપણે માણી. એટલે સુધી કે મત્લાની પહેલી કડી (ઉલા મિસરા)માં પ્યાલી અને સુરા પણ યથાવત્ રહ્યા છે. પણ તોય બંને ગઝલની મૌસિકી સાવ જ અલગ છે અને બંને ગઝલમાં જે વાતાવરણ ઊભું થાય છે એ પણ તદ્દન નોખું. શૂન્યની ગઝલમાં મૃત્યુના શ્વાસ અડતાં અનુભવાય જ્યારે તુષાર શુક્લની ગઝલમાં પ્રણયની રાગિણી રેલાતી સંભળાય. એકનો રંગ ભગવો છે તો બીજાનો ગુલાબી. એકમાં વિરક્તિ છે તો બીજામાં મસ્તી. કવિતાની કળા એ આજ ને?
‘હસ્તાક્ષર’ આલ્બમના આધારે લીધેલી આ ગઝલમાં શક્ય છે કે અન્ય શેર પણ હોય. કોઈ મિત્ર જો ખૂટતાં અશ્આર (જો હોય તો!) મોકલી આપશે તો ઋણી રહીશું. (આ ગઝલને વિષમ-છંદ ગઝલ કહી શકાય ખરી? મત્લાના શેરની બંને કડીમાં ‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તન વપરાયા છે જ્યારે પછીના ત્રણે ય શે’રમાં ઉલા મિસરામાં ચાર આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં ત્રણ આવર્તન વપરાયા છે).
(આવતા અઠવાડિયે એક વિષમ-છંદ ગઝલ માણીએ…)
Pinki said,
January 4, 2008 @ 2:04 AM
શબ્દોની મહેફિલ જામી હોય, તુષારભાઈના હાથમાં સુકાન હોય
અને ત્યારે મહેફિલના અંતે તેઓ આ શબ્દો બોલે કે,
લ્યો અમે તો આ ચાલ્યા
ત્યારે ખરે જ વિવેકભાઈએ કહ્યું એમ જ થાય કે,
તમે તો ચાલ્યાં પણ હવે અમારું શું ???
સુનીલ શાહ said,
January 4, 2008 @ 3:46 AM
સરપ્રાઈઝ ખુબ ગમી, વિવેકભાઈ.
pragnaju said,
January 4, 2008 @ 11:19 AM
વાહ
તેમાં
જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
ગમી
ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
પંક્તીઓ વધુ ગમી
યાદ આવી
સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે,ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે
ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી, દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે
અને
સમય ફૂલ પર સહી કરી દઈ સમયસર,વહી જાશું જાણે કે ઝાકળની ઝરમર,
અમે તો જશું ને નવા આવશે પણ ,ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણા પણ,
ગાગરમાં સાગર » Blog Archive » લ્યો, અમે તો આ ચાલ્યા -તુષાર શુક્લ said,
January 4, 2008 @ 1:32 PM
[…] વિવેકે લખેલી આ ગીત (કે ગઝલ?) ની પ્રસ્તાવના લયસ્તરો પર જરૂરથી વાંચશો… અને સાથે સાથે આવી જ બીજી એક શૂન્યસાહેબની ગઝલ પણ માણવા જેવી છે… […]
ભાવના શુક્લ said,
January 4, 2008 @ 2:10 PM
ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
……………..
ગઈકાલએ શુન્યસાહેબની મીરાભાવ ગઝલ સામે આ જ સાક્ષાત રાધાભાવ ગઝલ!!!!!!!
આશ્ચર્ય પણ આશ્ચર્યથી ભરપુર!!!!
ધવલ said,
January 4, 2008 @ 9:40 PM
જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
– આ બે શેર વધુ ગમ્યા… સરસ ગઝલ !
Pinki said,
January 5, 2008 @ 2:49 AM
વિવેકભાઈ,
આ ગઝલ પ્રણય કરતાં, મહેફિલને અનુલક્ષીને લખાઈ હોય તેવું નથી લાગતું ?!!
ખાસ તો તુષારભાઈએ લખી છે એટલે,
કલાકાર અને પ્રેક્ષકને સાંકળતી ગઝલ હોય એવું વધુ લાગે છે.
ખાસ કરીને પ્રથમ પંક્તિ સૂચવે છે ,
શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
અને બાકીના બે શેર પણ એવું જ ઈંગિત કરે છે
અને છેલ્લો શેર પણ,
ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
Niraj said,
January 5, 2008 @ 3:24 AM
બન્ને ગઝલ માણવાની મઝા આવી.
Chetan Framewala said,
January 5, 2008 @ 4:30 AM
બન્ને ગઝલ માણવાની બહુ મજા આવી…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
ajitgita said,
January 5, 2008 @ 6:12 AM
Wodnerful. Loaded with inspirations & lovly feelings.
It seems that we are hanging in the sky under the rainbow of our imaginations,
Keep on sending such collection & creations.
ajitgita@yahoo.com
Vijay Shah said,
January 5, 2008 @ 11:55 AM
ખરેખર મઝા આવી ગઈ…
વિવેકભાઈ તમારુ સંશોધન કાબીલે તારીફ છે
આવતી કાલની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં મને તે રજુ કરવામાં અત્યંત આનંદ થશે
raeesh maniar said,
January 7, 2008 @ 12:12 AM
પ્રિય વિવેક
શ્યામલ સૌમિલ મૂળ શૂન્યની ગઝલ ગાતા હતા પરન્તુ શબ્દોને થોડા સરળ બનાવવા એમણે તુશારભાઇને વિનન્તિ કરતાં પહેલિ ગઝલને આધારે જ બીજી ગઝલ લખાઇ છે. આ વાત તુશારભાઇએ કદી છુપાવી નથિ.
raeesh maniar said,
January 7, 2008 @ 12:26 AM
જે રીતે ગાલિબના શેર ‘દિલ ઢૂંઢતા’ને અન્જલિ આપતા ગુલઝારે મૌસમ ફિલ્મ્નુ ગીત લખ્યું છે એ જ રીતે આ રચના લખાઇ છે. આ જ રદીફ કાફિયામા રઈશ મનીઆર નામના ગઝલકારે પણ્ એક ત્રીજી ગઝલ લખી છે જે એણે કશેછપાવી નથી પણ કાર્યક્રમના અન્તે ક્યારેક બોલે છે. આપણે સૌ બાળકો શૂન્ય અને મરીઝના ખભા પર બેસીને જ ઊંચા દેખાઇએ છીએ.
વિવેક said,
January 7, 2008 @ 1:17 AM
પ્રિય રઈશભાઈ,
અહીં આ આખા મુદ્દાને ઊઠાંતરીના સંદર્ભમાં લીધો જ નથી… બંને ગઝલોની રચનાકીય સરખામણી બતાવીને બંને કેવી નોખી જ ભાત પાડે છે એજ દર્શાવવાની નમ્ર કોશિશ અહીં કરી છે. અને એટલે જ ગઝલની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, \”પણ તોય બંને ગઝલની મૌસિકી સાવ જ અલગ છે અને બંને ગઝલમાં જે વાતાવરણ ઊભું થાય છે એ પણ તદ્દન નોખું. શૂન્યની ગઝલમાં મૃત્યુના શ્વાસ અડતાં અનુભવાય જ્યારે તુષાર શુક્લની ગઝલમાં પ્રણયની રાગિણી રેલાતી સંભળાય. એકનો રંગ ભગવો છે તો બીજાનો ગુલાબી. એકમાં વિરક્તિ છે તો બીજામાં મસ્તી. કવિતાની કળા એ આજ ને?\”
આખી વાતમાં તમે જે ગઝલ લખી છે પણ છપાવી કે છુપાવી નથી, એ ઈ-મેઈલ વડે નહીં મોકલી આપો? આવતા અઠવાડિયે એને પણ આ મહેફિલમાં સ્થાન કેમ ન આપીએ?
એક બીજી વાત… ગઝલના બંધારણ અંગે આપે કંઈ જ્ઞાન ન આપ્યું. આને વિષમ-છંદ ગઝલ ગણાય કે નહીં? વિષમ-છંદ ગઝલ વિશે થોડું શીખવશો?
લયસ્તરો » અમસ્તો થઈ ગયો - જવાહર બક્ષી said,
January 18, 2008 @ 1:41 AM
[…] ગયા અઠવાડિયે શૂન્ય પાલનપુરીની ગઝલના છંદ-કાફીયા-રદીફના પાયા ઉપર તુષાર શુક્લે રચેલી અલગ જ ઈમારત જોઈ. વિષમ છંદ ગઝલનો એ એક નમૂનો હતો. એમાં શેરની બંને કડીમાં એક જ છંદના અલગ-અલગ આવર્તનો જળવાયા હતા. આજે એવી જ એક વિષમ છંદ ગઝલ જવાહર બક્ષીની કલમે માણીએ. અહીં બંને કડીમાં છંદ પણ અલગ અલગ વપરાયા છે. દરેક શેરની પહેલી કડીમાં ગાલગાગા | ગાલગાગા | ગાલગા અને બીજી કડીમાં લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગા છંદ વપરાયો છે. આ એક એવો કવિ છે જે કદી ઠાલાં શબ્દો વેડફશે નહીં. મત્લાનો શેર જોઈએ. માણસ ગમે એટલો મોટો ચમરબંધ કેમ ન હોય, પ્રેમ એને માખણથી ય મુલાયમ કરી નાંખે છે. હજારોની મેદની સામે સિંહગર્જના કરી શક્નાર પણ પ્રિય વ્યક્તિની સામે આવી ઊભે તો સસલાને ય બહાદુર કહેવડાવે એ રીતે ફફડી શકે છે. પ્રેમ અને પ્રિયાની ઉપસ્થિતિ બે હોઠોની છીપમાંથી ધાર્યા શબ્દોના મોતી સરવા દેતાં નથી. અને જે બોલાય એ પણ તૂટક-તૂટક… છૂટક-છૂટક… આવી જ કોઈ અનુભૂતિને કવિ અહીં શબ્દોમાં ઢાળે છે… એ રીતે છૂટોછવાયો થઈ ગયો, તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો… […]
tushar shukla said,
March 22, 2009 @ 11:22 AM
dear vivek , i was not aware of Lay staro . very happy to note . keep it up . saumil told me about it . i wrote this poem for our prpgramme .shyamaln was murmaring the tune .and i liked it .pinky and raish are wright .your ras darshan is good .as you know , my songs are sung first , published later .a new one is on the book shelf : Tari Hatheline .love . Tushar
:
વિવેક said,
March 23, 2009 @ 12:29 AM
આદરણીય તુષારભાઈ,
લયસ્તરોની મહેફિલમાં આપનું હાર્દિક સ્વાગત છે… આપને કદાચ જાણ નહીં હોય પણ લયસ્તરો આજની તારીખે ગુજરાતી કવિતાની સૌથી મોટી વેબસાઈટ છે જે લગભગ પોણા પાંચસો કવિઓની ચૌદસો જેટલી રચનાઓના રસથાળથી મઘમઘ થાય છે. અને પ્રતિદિન એક નવી કવિતાનો આમાં ઉમેરો થતો રહે છે…
આપની અન્ય ત્રણ રચનાઓ આપ અહીં જોઈ શકો છો:
https://layastaro.com/?cat=155
***
લયસ્તરો » યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ said,
December 18, 2009 @ 9:12 AM
[…] છે, જેમ કે- આંખોમા બેઠેલા ચાતક કહે છે, શબ્દ કેરી પ્યાલીમાં, સંગાથે સુખ શોધીએ, સાવ અચાનક મૂશળધારે, […]
kantilal sopariwala said,
July 10, 2024 @ 7:44 PM
જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
શબ્દો માં તુષારશુક્લ ને કોઈ પહોચી નથી શક્યું કુદરતે અઢળક
શબ્દો એક સરીતા ની જેમ એમના વક્તવ્ય માં વહેતા રાખ્યાછે
આપણા ગુજરાત નું ગૌરવ છે તુષારભાઈ
કે બી સોપારીવાલા