કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.
ડેનિશ જરીવાલા

યાદગાર ગીતો :૧૪: આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
          રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! 

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

(જન્મ:૧૮-૫-૧૯૨૬)

સંગીત : આશિત દેસાઈ
સ્વર : આશિત દેસાઈ -હેમા દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/aapano ghadik sang-niranjan%20bhagat.mp3]

નિરંજન નરહરિલાલ ભગત.  સાહિત્યનો ચલતો ફરતો ખજાનો છે. આપણા મોટા ગજાના કવિઓમાં નિરંજન પહેલા એવા કવિ જે ગામડાને બદલે શહેરમાં ઉછરેલા. ગુજરાતી કવિતા એ રીતે એક બીંબામાંથી છૂટી. ‘છંદોલય’માં એ કવિતાને એવા ઊંચા સ્તરે લઈ ગયા કે પછી પાછળથી નિરંજન ભગત પોતે પણ એને પહોંચી શક્યા નહીં. વિશ્વસાહિત્યના ઉત્તમ અભ્યાસીઓમાંથી એક. એમના વિવેચન લેખો અને પ્રવચનો આપણી મોંઘેરી મૂડી છે. (કાવ્યસંગ્રહો: છંદોલય, પ્રવાલદ્વિપ, કિન્નરી, 33 કાવ્યો )

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

6 Comments »

  1. Girish Parikh said,

    December 12, 2009 @ 4:51 PM

    નિરંજન ભગતની જન્મ તારીખ વાંચતાં આદિલ મન્સૂરીની જન્મ તારીખ યાદ આવી. બન્ને મે મહિનાની ૧૮મી તારીખે જન્મેલા — આદિલજી ૧૯૩૬ની સાલમાં.
    નિરંજન ભગતે આદિલ અને ગઝલ વિશે કાવ્ય લખ્યું છેઃ

    અરે દોસ્ત આદિલ!

    કદી ગુજરાતે ગઝલને પરાઈ ગણે છે?
    જીવી ગઈ એક નવાઈ ગણી છે
    સદા ગુજરાતે ગઝલને સવાઈ ગણી છે
    અરે, દોસ્ત આદિલ! તમે તો ગઝલને
    સ્વયં જીંદગીની ખરાઈ ગણી છે.

  2. ઊર્મિ said,

    December 13, 2009 @ 12:15 AM

    ખૂબ જ સુંદર ગીત અને સુમધુર ગાયિકી…

  3. pragnaju said,

    December 13, 2009 @ 4:43 AM

    સુંદર ગીત
    અને
    મધુર ગાયિકી

  4. BB said,

    December 13, 2009 @ 6:33 PM

    How nice the lyrics and the composition too. Beautiful

  5. વિવેક said,

    December 14, 2009 @ 1:17 AM

    ખૂબસુરત કાવ્ય…

    છંદોલય બાદ લાં…બા આરામના અંતે નિરંજન ભગત છેલ્લા કેટલાક વર્ષોથી પુનઃ પ્રવૃત્ત થયા છે…

  6. Sandhya Bhatt said,

    December 20, 2009 @ 10:17 AM

    નિરંજન ભગતનું ગીત સાંભળવાની મઝા આવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment