છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ
– રઈશ મનીઆર

યાદગાર ગીતો :૧૧: કેવા રે મળેલા મનનાં મેળ -બાલમુકુન્દ દવે

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

-બાલમુકુન્દ દવે

(જન્મ: ૭-૩-૧૯૧૬, મૃત્યુ: ૨૮-૨-૧૯૯૩)

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હર્ષદા-જનાર્દન રાવલ

[audio:http://urmisaagar.com/saagar/audio/KEVA-RE-MALELA-MAN-NA-MEL-SangeetSudha.mp3]

સ્વર : સોલી-નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Keva-re-malelaa-SoliNishaKapadia.mp3]

બાલમુકુન્દ મણિશંકર દવે. વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કરેલું.  ૧૯૪૯માં એમને કુમારચન્દ્રક પણ મળેલો.  બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે. (ગુ.સા.પરિષદ પરથી સાભાર)

બાલમુકુંદ દવેનાં નામની સાથે જ યાદ આવે- આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, જૂનું ઘર ખાલી કરતાં જેવા બીજા ઘણા કાવ્યો… પરંતુ યાદગાર ગીતની વાત આવે ત્યારે મને તો સૌપ્રથમ આ જ ગીત યાદ આવે.  કેટલીયે વાર સાંભળવા છતાં કદી જૂનું જ નથી લાગતું.  પ્રસન્ન દામ્પત્યજીવનની અદભૂત ઝાંખી કરાવતું પ્રણય-સભર સુંદર ગીત.  વિવાહિતજીવનમાં સૌથી અઘરી (અને સૌથી સરળ પણ) એક જ વાત હોય છે, પતિ-પત્નીનાં મનનું મળવું.  ગીતમાં કવિએ પ્રકૃતિનાં શાશ્વત તત્ત્વોનું તાદાત્મ્ય વર્ણવીને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે કે દામ્પત્યજીવન કેવું હોવું જોઈએ.  એકમાંથી બે થવું જેટલું લાગે એટલું સહેલું નથી કારણ કે આખરે તો બે નહીં પણ એક જ બનીને રહેવાનું હોય છે… ઉભયનાં અલગ અલગ અસ્તિત્વનો સહજ સ્વીકાર કરીને.  એકીકરણમાં બે મહત્વની આવશ્યકતા એટલે કે પારદર્શકતા અને અહંકારની આહુતિ. સંગનો ઉમંગ જો સહજીવનની પ્રત્યેક પળે માણી શકાય તો જ સાહચર્યપણું સાર્થક ગણી શકાય, અને જીન્દગીને સાચી રીતે માણેલી-જીવેલી કહી શકાય.

6 Comments »

  1. Girish Parikh said,

    December 11, 2009 @ 6:23 PM

    મારાં સાહિત્ય સંસ્મરણો
    બાલમુકુંદ દવે મારા પ્રિય કવિઓમાંના એક છે. એમની સાથે મને પ્રત્યક્ષ પરિચય પણ થએલો. નિમિત્ત બનેલાં એમના બાળગીતોનો સંગ્રહ “સોનચંપો”, અને મારાં બાળગીતોનો જન્મ લેવાની તૈયારી કરતો સંગ્રહ “ટમટમતા તારલા”.
    અમદાવાદમાં અમારા ઘરથી બાલમુકુંદભાઈ નજીકમાં જ રહેતા હતા.
    ૧૯૬૧માં પ્રગટ થએલા મારા પુસ્તક “ટમટમતા તારલા”ના ‘નિવેદન’માં મેં લખ્યું છેઃ
    “વર્ષોથી બાલગીતોનો સંગ્રહ પ્રગટ કરવાના મનોરથ હતા. ભૂતપૂર્વ મુંબઈ સરકારે પછી તો બાલસાહિત્યનાં પુસ્તકોને દર વર્ષે ઈનામો આપવાની યોજના કરી ને સંગ્રહ પ્રગટ કરવાની મારી આકાંક્ષા વધુ દ્રઢ થઈ.
    એવામાં એક સાંજે બાલમુકુંદ દવેનો બાલગીતોનો સંગ્રહ ‘સોનચંપો’ ખરીદ્યો ને અનેક વાર એ નાનકડી પુસ્તિકા વાંચી નાખી. એ સંગ્રહને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક મળેલું. (પછી ભારત સરકારનું પણ એને પારિતોષિક મળ્યું.) મેં બાલમુકુંદભાઈની મુલાકાત લીધી ને મારાં ગીતો એમની આગળ ધરી દીધાં. એમણે એમાંથી પાંત્રીસ ગીતો પસંદ કરી ગોઠવી આપ્યાં ને ‘ટમટમતા તારલા’ની હસ્તપ્રત તૈયાર થઈ. ભૂતપૂર્વ મુંબઈ સરકારનું પારિતોષિક પણ એને પ્રાપ્ત થયું.
    પુસ્તક પ્રગટ કરવામાં પણ શ્રી. બાલમુકુંદભાઈએ મને ખૂબ જ મદદ કરી.”
    બાલમુકુંદભાઈની નિખાલસતા મને સ્પર્શી ગઈ.

  2. મોનલ said,

    December 12, 2009 @ 2:02 AM

    શ્રી. બાલમુકુંદભાઈનું વારંવાર સાંભળવાનુ ગમે તેવું સુંદર ગીત! ક્ષેમુ દિવેટીયાની એક અમર સંગીત રચના… શબ્દો, સંગીત અને સ્વર- ત્રણેયનો સરસ સમનવય!

  3. વિવેક said,

    December 12, 2009 @ 5:17 AM

    સુંદર મજાનું હળવું ગીત… રુદિયાના રાજા અને રાણી કહીને કવિએ પ્રણયોર્મિની બળકટતાને ધાર કાઢી છે…

  4. pragnaju said,

    December 12, 2009 @ 7:24 AM

    વાહ્

    આ શિરમોર પંક્તીઓ
    તુંબુ ને જંતરની વાણી,
    હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
    ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
    હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

    જંતર એટલે કે તારને તુંબડાનું બન્ધન છે તો એમાંથી સૂરીલું જીવનસંગીત રેલાય છે….અને આ જુઓ તો- કોણ પેલું મચી પડ્યું છે? આ તો પેલો ઘેલો વરસાદ મન મૂકીને ધરતીને ભીંજાવી રહ્યો છે અને કહે છે કે “વરસાદનાં વાદળ કાંઈ ધરતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ!” પ્રેમમાં આવી ભીનાશ જોઈએ. પ્રેમથી દલડાને ભીનું ભીનું એવું કરીએ, કે જે રીતે ભીની ધરતીમાં અન્કુર ફૂટી નીકળે અને વરસાદ-ધરતીના મિલનના ફળસ્વરુપે આ જગતના આંગણાંમાં ફૂલડાં ખીલી ઊઠે, બિલકુલ તેવી રીતે પતિ-પત્નીના પ્રેમની ભીનાશથી જગતને સુન્દર સંસ્કારી સંતાન મળે!

  5. ક્ષેમુ દીવેટીયા, Kshemu Divetia « ગુજરાતી સારસ્વત પરિચય said,

    April 7, 2011 @ 12:38 AM

    […] સાંભળો    – 1 – 2 – ૩ – 4 […]

  6. ક્ષેમુ દીવેટીયા, Kshemu Divetia « ગુજરાતી પ્રતિભા પરિચય said,

    May 27, 2011 @ 1:49 AM

    […] સાંભળો    – 1 – 2 – ૩ – 4 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment