પાંપણો પર બોજ વધતો જાય છે,
સ્વપ્નનો ઉપચાર કરવો જોઈએ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

યાદગાર ગીતો :૧૮: રાધાનું નામ તમે – સુરેશ દલાલ

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત;
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે: કેમ અલી ? ક્યાં ગઇ તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

– સુરેશ દલાલ

(જન્મ: ૧૧-૧૦-૧૯૩૨)

સંગીત: ક્ષેમુ દિવેટિયા
સ્વર: હંસા દવે ?

[audio:http://urmisaagar.com/saagar/audio/RADHA-NUN-NAAM-Sangeet-Sudha.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: આરતી મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/Radha-Nun-Naam-Arti-Munsi.mp3]

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ. કવિ ઉપરાંત નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. મિત્રો સાથે મળીને ૧૯૯૪માં ‘ઈમેજ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી. ૧૯૬૭થી ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. સતત લખતા રહેતા આ કવિની ઘણી કવિતાઓ ઘણી જ લોકપ્રિય બની છે. એમની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ગીતો અને ઊર્મિકાવ્યનો ફાલ માતબર, વિપુલ અને વિવિધતાવાળો છે. સંપાદનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્ત્વનું છે. સાહિત્યના પ્રસાર, પ્રચાર, પ્રકાશન માટે પણ તેમના અવિરત પ્રયત્નો ચાલુ છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી )

રાધાની વકીલાત કરતી ગોપી કૃષ્ણને વાંસળીનાં સૂરમાં રાધાનું નામ વહેતું ન મૂકવાની ભલામણનાં કંઈ કેટલાયે કારણો આપે છે, પણ એમાં ફરિયાદનો સૂર તો જરાયે સંભળાતો જ નથી. જો કે, જે ગમતું હોય એની ના પાડવામાંય એક અનેરી મજા હોય છે; કારણ કે એ ‘ના’માં જ તો ‘હા’ હોય છે… 🙂  ન્યુજર્સીમાં ૨૦૦૭માં સુ.દ.ની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી વખતે પ્રશ્નોત્તરી દરમ્યાન આ ગીત વિશે એમણે કહેલી એક અંગત વાત, એમનાં જ શબ્દોમાં:   કુંવારો હતો ત્યારે એક રવિવારે એક છોકરીવાળા મને જોવા આવેલાં અને તેઓ એમની છોકરીને જબરદસ્તી મને વળગાડવા માંગતા હતાં… ત્યારે કંટાળામાંથી આવેલું આ પ્રસન્નતાનું ગીત… “રાધાનું નામ તમે વાંસળીનાં સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ…” અને આ ભજન નથી, પ્રણયકાવ્ય છે !  આ જ ગીતની જેમ મને યાદ આવે એમનું મને ઘણું ગમતું ડોસા-ડોસીનું લોકપ્રિય ગીત… કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે !

9 Comments »

  1. Jayshree said,

    December 14, 2009 @ 12:53 AM

    સુરેશ દલાલનું એકાદ યાદગાર ગીત મુશ્કેલ તો ખરું..!! પણ એ વાત સાચી, એ લિસ્ટમાં આ ગીત મોખરે આવે જ..

  2. વિવેક said,

    December 14, 2009 @ 1:24 AM

    સુંદર ગીત… સુરેશ દલાલની મબલખ કવિતાઓમાં કેટલાક કાવ્યરત્ન સાચે જ એવા થયા છે કે એમાંથી સર્વોત્કૃષ્ટ રત્ન શોધવું દોહ્યલું થઈ પડે…

    ગીતનો ઇતિહાસ પણ ગમ્યો…

  3. મોનલ said,

    December 14, 2009 @ 2:02 AM

    વાહ્! નાનપણમાં ખુબ સાંભળેલું અને ઘણી વાર ગાયેલું મને ગમતું ગીત!

  4. pragnaju said,

    December 14, 2009 @ 2:57 AM

    સર્વાંગ સુંદર્ ભાવભીની રચનાની ખૂબ મધુર્ ગાયકી
    આ જમાનામાં
    ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,

    અને ઉપરથી ગોપીઓ ને રાધા..

    અહીં મારે તો જીવવાના વાંધા ..

    આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?

    ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?

    આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા

    અહીં મારે તો જીવવાના વાંધા ..

    માપણ મધુરતમ લાગે………

  5. Nila Shah said,

    December 14, 2009 @ 4:39 AM

    Dear UrmiBen,

    This is just awesome! The words the poet, Shri Suresh Dalal has inscribed to liven the scene are just WOW to express! Even to distinguish which word is better than another is impossible; All words are totally brilliantly placed in the poem.

    And the singing is beautifully melodious..Just makes one feel in paradise.

    This song is definitely to be in the top list for this Yadgaar Songs.

    All the best wishes to all at Laystaro,
    Nila Shah

  6. BB said,

    December 14, 2009 @ 9:34 AM

    Sureshbhai Dalal has some magic to write . and both the gayaki r so nicely done. I love it. Sureshbhai I am in love with the KAVYA PARICHAY that u have done. It is such a hard work to collect the work of all the famous poets of the world. Apx. 690 pages. not a joke. it is life time collectible. Thanks to entire team to give very selected rachans of different poets. I m sure u will find some more from the “KAVYA PAICHAY ” by SURESHBHAI DALAL.

  7. Dr.J.K.Nanavati said,

    December 14, 2009 @ 12:57 PM

    હું મારા સુર પણ છેડી લઉં….????

    વાંસળીના સુર…
    સા..રે..ગ..મ..પ..ધ..નિ..સા

    તમે વાંસળીમાં રાધાને ફુંકો છો શ્યામ
    પછી સાત સાત સુર વહે આભમાં
    એક એક સુર મહી રાધાના રૂપ દિસે
    ગોકૂળીયું ગામ કેવું લાભમાં…

    પહેલો તે સુર એની સુંવાળી કાયા પર
    રેશમનો પાલવ સોહામણો
    બીજો તે સુર એની રમતી અદાઓથી
    હરણાનો દેશ દિસે વામણો

    ત્રીજો તે સુર એની ગભરૂતા નખશીખે
    નીતરતી જાય દિન રાતરે
    ચોથો તે સુર એની મારકણી આંખોનો
    ગામના ગોવાળ બધાં મ્હાત રે

    પાંચમો તે સુર એનો પાયલ ઝંકાર
    જાણે ઘંટડીઓ ગાયોની ડોકમાં
    છઠ્ઠો તે સુર એની ધલવલતી ચાલ
    કહે પનઘટ, કે બાંવરીને રોકમાં

    સાતમો તે સુર એની નાભિથી નીકળતો
    સીધો રે વાલમના કાનમાં
    બાઈ મીંરા કહે ભલે રાધાનો હોય
    મારા તંબુરે રહેતો એ બાનમાં

  8. Girish Parikh said,

    December 14, 2009 @ 11:24 PM

    મારાં સાહિત્ય સંસ્મરણો

    આ લખું છું ત્યારે મારા ટેબલ પર સુરેશ દલાલે સંપાદીત કરેલું ૮ ૧/૨” x ૧૧” સાઈઝનું, ૬૨૮ + ૨૦ પાનાનું “બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” નામનું એમણે ઓટોગ્રાફ કરેલું દળદાર પુસ્તક છે. ગુજરાતી કવિતાનો એ ખજાનો છે ને એ આખું પુસ્તક વાંચવાનો મને ખૂબ જ આનંદ આવેલો.

    અશરફ ડબાવાલાએ યોજેલાં કવિસંમેલનોમાં સુરેશ દલાલને સાંભળ્યા છે. નમ્રતાપૂર્વક નોંધું છું કે એ સંમેલનોના અહેવાલો પણ મેં “સંદેશ”ની અમેરિકન આવૃત્તિમાં પ્રગટ કરેલા. મારો આશય ગુજરાતી કવિતાના કાર્યક્રમોમાં ડોલર પાછળ દોડતા ગુજરાતીઓને રસ કરતા કરવાનો હતો!

    ડોસા-ડોસીનું લોકપ્રિય ગીત… કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે ! મેં સુરેશ દલાલના સ્વમુખે સાંભળેલું. એમની રજૂઆત પણ મઝાની હતી.

  9. devan vasavada said,

    July 24, 2012 @ 10:19 AM

    પહેલા ગીતમાં સ્વર રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇના છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment