ઇન્દુલાલ ગાંધી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 10, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દુલાલ ગાંધી, ગીત
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
બાપુ, ભળી જાશે ખાખમાં.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં;
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
આંખનાં રતન તારાં છોને હોલાય,
છોને હીરા લૂંટાય તારા લાખના;
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી
ખોટા હીરાને ખેંચી રાખ મા.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.
– ઇન્દુલાલ ગાંધી
કવિની ખૂબ જાણીતી આ રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે.
અંતરના દીવડાની સાચી માવજત એ ઈશ્વર સાથેની પારદર્શિતા જ હોઈ શકે પણ આપણને ડગલે ને પગલે જીવનમાં પડદાંઓ જ ઊભા કરતા રહેવાની કુટેવ પડી ગઈ છે…
Permalink
December 8, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દુલાલ ગાંધી, ઓડિયો, ગીત, યાદગાર ગીત
મેંદી તે વાવી માળવે
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે ! –
નાનો દેરીડો લાડકો
ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી :
કરી પાનીઓ લાલ ગુલાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
ફાગણને ફુલેકે ખીલ્યો’તો ખાખરો,
એણે કેસૂડાંનો રંગ ધર્યો આકરો !
જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,
કૈંક નવું કામણ કીધું એણે આંખથી :
રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
– ઇન્દુલાલ ગાંધી
(જન્મ: ૮-૧૨-૧૯૧૧, મૃત્યુ: ૧૦-૦૧-૧૯૮૬)
સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
[audio:http://urmisaagar.com/saagar/audio/MehdiTeVaviMaLve.mp3]
મોરબીની મકનસર ગામમાં જન્મ અને ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ. શરૂમાં ૧૯૨૮ થી ૧૯૪૭ સુધી કરાંચીમાં પાનબીડીની દુકાન ચલાવી. ભાગલા થયા ત્યારે મોરબી આવી વસ્યા. ઊર્મિ’ સામયિક શરૂ કર્યું. મોરબી હોનારતના ખપ્પરમાં સર્વસ્વ ગુમાવી બેઠા પછી રાજકોટ સ્થાયી થયા. ‘નૂતન સૌરાષ્ટ્ર’માં પત્રકારત્વ અને ૧૯૫૪થી આકાશવાણી રાજકોટ કેન્દ્ર સાથે. કવિ હોવા ઉપરાંત એ નાટ્યકાર અને વાર્તાકાર પણ ખરા પણ એમની કવિતાઓનું લયમાધુર્ય એવું મજબૂત કે ગણગણવાનું મન થયા જ કરે. (કાવ્યસંગ્રહો: ‘તેજરેખા’, ‘જીવનનાં જળ’, ‘ખંડિત મૂર્તિઓ’, ‘ગોરસી’, ‘શતદલ’, ‘ઈંધણાં’, ‘ધનુર્દોરી’, ‘ઉન્મેષ’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’, ‘ઉત્તરીય’)
ઇન્દુલાલ ગાંધીનું યાદગાર ગીત શોધવું હોય તો પહેલી નજર ‘આંધળી માનો કાગળ‘ પર પડે.પણ લોકગીતની કક્ષાએ પહોંચેલું આ ઉત્તમ ગીત એમનું લખેલું છે એમ કહીએ તો કદાચમાથું ખંજવાળવાનું મન થાય. ફિલ્મમાં જે ગીત છે એ તો ઘણી બધી વેબસાઇટ્સ ઉપર છે જ અને એનો ઑડિયો આ સાથે સંલગ્ન પણ કર્યો છે, પણ મૂળ કવિતા ભાવકો સુધી ન પહોંચે તો શી મજા ! આ ગીતનો ઇતિહાસ માણવો હોય તો અહીં ક્લિક્ કરો. દિયર અને ભાભીના વહાલનું આ ગીત હકીકતે તો ભાઈ માટેના ભાભીના પ્રેમને જ ઉજાગર કરે છે. ફાગણના ફુલેકે ચડીને આવતા ખાખરાનો રંગ મેંદીના હાથના રૂમાલ સમો ભાસે એ કલ્પનમાં ગુજરાતી કવિતા ચરમશિખરે બેસે છે…
અરે હા… આજે જ આ કવિની વર્ષગાંઠ પણ છે…
Permalink
August 4, 2009 at 10:23 PM by ધવલ · Filed under ઇન્દુલાલ ગાંધી, ગીત
આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે
આવી આવીને આળોટતા હેઠા –
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.
એ વગડાઉ ભૂમિ મનમોહન
જમણી કોર મહા નદી હાંફતી –
ડાબી કોરે હતું તુલસીનું વન;
ઘેઘૂર વડલાની વડવાઈએ
હીંચકતા કદીએ ન ધરાતાં;
પાવાનાં ગીત જ્યાં લાગતાં મીઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.
ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ
કાંઠે ઊભી હતી બોરડી બેવડ:
વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ,
ખાતાં ધરાઈને બોર ખારેકડી
પાકેલ હીરકચાં, કોઈ રાતાં
પંખીઓએ કર્યા હોય જે એઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.
ટોળે ટોળાં ભમતાં હરણાંનાં,
ડોલન-નૃત્ય તરુ-તરણાંનાં,
ગીતલલિત નદી-ઝરણાંનાં;
હસી હસી વનનેય હસાવતાં
એવાં આવળનાં ફૂલને છોડી
કાગળના ફૂલ સૂંઘવા બેઠાં,
જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં-
આજે અમે બધું ભૂલવા બેઠાં.
– ઈન્દુલાલ ગાંધી
લોકો જૂની વાતો યાદ કરવા બેસે છે, જ્યારે અહીં તો કવિ બધું ભૂલવા બેઠાં છે ! બચપણની (હવે અલભ્ય એવી) યાદોને તાદ્રશ કરી દેતું વર્ણન કવિની વેદનાને એટલી વધુ તીવ્ર બનાવે છે.
Permalink
February 16, 2006 at 7:27 AM by વિવેક · Filed under ઇન્દુલાલ ગાંધી, ગીત
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
ઈન્દુલાલ ગાંધીની આ રચના સીધેસીધી મારી મિત્ર એસ.વી.ના બ્લોગ –
પ્રભાતનાં પુષ્પો પરથી એની રજા લીધા વિના અહીં રજૂ કરી છે. એસ.વી.નો વણકહ્યો આભાર.
કવિ, નાટ્યકાર અને વાર્તાકાર ઈન્દુલાલ (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) ના ગીતો હ્રદયના તાર સાથે એવું તાદાત્મ્ય સાધી લે છે કે એનો ગણગણાટ સહેજે જ હોઠે ચડી જાય. કાવ્યસંગ્રહો : ‘ઇંધણાં’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’.
Permalink