યાદગાર ગીતો :૦૭: મેંદી તે વાવી માળવે – ઇન્દુલાલ ગાંધી
મેંદી તે વાવી માળવે
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે ! –
નાનો દેરીડો લાડકો
ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી :
કરી પાનીઓ લાલ ગુલાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
ફાગણને ફુલેકે ખીલ્યો’તો ખાખરો,
એણે કેસૂડાંનો રંગ ધર્યો આકરો !
જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,
કૈંક નવું કામણ કીધું એણે આંખથી :
રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –
– ઇન્દુલાલ ગાંધી
(જન્મ: ૮-૧૨-૧૯૧૧, મૃત્યુ: ૧૦-૦૧-૧૯૮૬)
સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
મોરબીની મકનસર ગામમાં જન્મ અને ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ. શરૂમાં ૧૯૨૮ થી ૧૯૪૭ સુધી કરાંચીમાં પાનબીડીની દુકાન ચલાવી. ભાગલા થયા ત્યારે મોરબી આવી વસ્યા. ઊર્મિ’ સામયિક શરૂ કર્યું. મોરબી હોનારતના ખપ્પરમાં સર્વસ્વ ગુમાવી બેઠા પછી રાજકોટ સ્થાયી થયા. ‘નૂતન સૌરાષ્ટ્ર’માં પત્રકારત્વ અને ૧૯૫૪થી આકાશવાણી રાજકોટ કેન્દ્ર સાથે. કવિ હોવા ઉપરાંત એ નાટ્યકાર અને વાર્તાકાર પણ ખરા પણ એમની કવિતાઓનું લયમાધુર્ય એવું મજબૂત કે ગણગણવાનું મન થયા જ કરે. (કાવ્યસંગ્રહો: ‘તેજરેખા’, ‘જીવનનાં જળ’, ‘ખંડિત મૂર્તિઓ’, ‘ગોરસી’, ‘શતદલ’, ‘ઈંધણાં’, ‘ધનુર્દોરી’, ‘ઉન્મેષ’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’, ‘ઉત્તરીય’)
ઇન્દુલાલ ગાંધીનું યાદગાર ગીત શોધવું હોય તો પહેલી નજર ‘આંધળી માનો કાગળ‘ પર પડે.પણ લોકગીતની કક્ષાએ પહોંચેલું આ ઉત્તમ ગીત એમનું લખેલું છે એમ કહીએ તો કદાચમાથું ખંજવાળવાનું મન થાય. ફિલ્મમાં જે ગીત છે એ તો ઘણી બધી વેબસાઇટ્સ ઉપર છે જ અને એનો ઑડિયો આ સાથે સંલગ્ન પણ કર્યો છે, પણ મૂળ કવિતા ભાવકો સુધી ન પહોંચે તો શી મજા ! આ ગીતનો ઇતિહાસ માણવો હોય તો અહીં ક્લિક્ કરો. દિયર અને ભાભીના વહાલનું આ ગીત હકીકતે તો ભાઈ માટેના ભાભીના પ્રેમને જ ઉજાગર કરે છે. ફાગણના ફુલેકે ચડીને આવતા ખાખરાનો રંગ મેંદીના હાથના રૂમાલ સમો ભાસે એ કલ્પનમાં ગુજરાતી કવિતા ચરમશિખરે બેસે છે…
અરે હા… આજે જ આ કવિની વર્ષગાંઠ પણ છે…
manhar m.mody ('mann' palanpuri) said,
December 8, 2009 @ 1:37 AM
બહુ જ લોકપ્રિય લોકગીત એના મૂળ સ્વરૂપે માણવાની મઝા આવી.
pragnaju said,
December 8, 2009 @ 1:38 AM
જન્મદિનની અંજલી
આ મઝાનું ગીતતો ખૂબ ગાયું છે
પણ મને ખૂબ ગમતા આ ગીતથી ફરીથી અંજલી આપું છું
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર
વાદળા ય ન્હોતાં ને ચાંદો યે ન્હોતો,
ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીઝણો,
છેતરાયો નટવો નઠોર.
ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
કાજલ કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે,
સંકેલી લીધો કલશોર.
અહીં તો આ બધી કલ્પના લાગે ત્યારે
સમજાવવું પડે અમારા અનુભવનુ
ગીત!
Pushpakant Talati said,
December 8, 2009 @ 7:01 AM
સરસ ગીત – વળી આ ગીતનો ઇતિહાસ પણ જાણવા અને માણવા મળ્યો. દિયર અને ભાભીના વહાલનું આ ગીત હકીકતે બહુજ ગમ્યુ.
આ માટે આભાર તો માનવો જ જોઈએને ? તો આભાર O. K .
ધવલ said,
December 8, 2009 @ 8:31 AM
હું તો ગીત દેઠોક સાંભળ્યા કરતો’તો પણ ગીતનો ખરો અર્થ-ઈતિહાસ આજે ખબર પડ્યા.
ઊર્મિ said,
December 8, 2009 @ 9:02 AM
મારું ઓલટાઈમ ફેવરિટ ગીત…
કવિશ્રીનાં મૂળ ગીત સાથે માણવાની વધુ મજા આવી…
sudhir patel said,
December 8, 2009 @ 10:41 PM
ખૂબ જ સુંદર, લગભગ લોકગીત બની ગયેલુ ગીત ફરી એના ઈતિહાસ સાથે માણવા મળ્યું એ બદલ લયસ્તરોનો આભાર!
સુધીર પટેલ.
Mavjibhai said,
December 15, 2009 @ 7:28 AM
Dear Shri Dhavalbhai,
The text of the song which you have given above was really written by Shri Indulal Gandhi ?
-Mavjibhai
વિવેક said,
December 16, 2009 @ 1:19 AM
પ્રિય માવજીભાઈ,
આ પૉસ્ટ ધવલે નહીં, મેં મૂકી હોવાથી હું જવાબ આપીશ…
ફિલ્મી ગીતો અને કવિતાઓમાં મહદ અંશે મોટો તફાવત હોય છે. કવિ પોતે પોતાની કવિતા ફિલ્મમાં મૂકવાની હોય ત્યારે ફિલ્મના બેક-ગ્રાઉન્ડ મુજબ ફેરફાર કરી આપતા હોય છે… આ કવિતા વિશે પણ એવું હોઈ શકે…
બધી જ સાઇટ્સ પર કાયમના શિરસ્તા મુજબ ફિલ્મી ગીત જ કૉપી-પેસ્ટ કરેલું જોવા મળે છે એટલે મેં મૂળ કવિતા આપવાનું ઉચિત સમજ્યું…
પ્રતિભાવ બદલ આભાર!
મેંદી તે વાવી માળવે (યુગલગીત) - ઇન્દુલાલ ગાંધી | ટહુકો.કોમ said,
December 7, 2010 @ 9:25 PM
[…] […]
ગિરીશ કે શાહ said,
November 4, 2021 @ 2:14 AM
નમસ્કાર,
મને * મહેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો* ઍ લોકગીત નો ઇતિહાસ, સંદર્ભ તથા અર્થ સહિત રચૈતા,ગાયક અને સંગીત બદ્ધ કોને કર્યુ તેના નામ વિ. જણાવશો તો આભારી રહીશ.
દિપાવલી તથા નુતન વર્ષની શુભેચ્છા.
ત્વરીત પ્રત્યુતર ની અપેક્ષા સહ
ગિરીશ શાહ.