યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
– જગદીશ જોષી
[audio:http://urmisaagar.com/saagar/audio/Dharo-ke-ek-sanj-Aapne-Malya-Bhupinder.mp3]
સંગીત: અજીત શેઠ
સ્વર: ભૂપિંદર
જગદીશ જોષી (જન્મ:9/10/ 1932, મુંબઇ. અવસાન: 21/9/1978) એટલે અભાવનો કવિ, વિષાદનો કવિ. પણ એમની જીવનકથા એમની કવિતાથી તદ્દન ઊલટી. મુંબઈમાં સદ્ધર કુટુંબમાં ઉછરેલા કવિને શરૂઆતથી શિક્ષણમાં રસ. એ જમાનામાં શિક્ષણનો અભ્યાસ કરવા માટે કવિ અમેરિકાની ખ્યાતનામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયેલા. પાછા ફરીને મુંબઈની શાળામાં પ્રિંસિપાલ થયા. સફળ કેરિયર છતાં કોઈક કારણસર શિક્ષણમાંથી એમનો રસ ઓછો થતો ગયો અને એ માણસ કવિતાનો થતો ગયો. 1968 પછી જ, એટલે કે છેલ્લા દસ વર્ષમાં જ એમણે ખરી કવિતા લખી. વિશ્વકવિતાના આસ્વાદ અને અનુવાદ પણ પુષ્કળ કર્યા. એમની કવિતામાં અભાવ અને વિષાદ શાને એ તો કોઈને કદી ખ્યાલ જ ન આવ્યો. પોતાની તબિયત પ્રત્યે બહુ બેદરકારી રાખી અને નાની ઉમ્મરે ચાલી નીકળ્યા. (કાવ્યસંગ્રહ : આકાશ, વમળનાં વન, મોન્ટા-કોલાજ)
દરેક સંબંધની એક ‘એક્સપાઈરી ડેટ’ હોય છે. એનાથી વધારે સંબંધને ચલાવી શકાતો નથી. પણ આપણે તો દરેક સંબંધ ખાધું પીધું ને રાજ કીધું ની જેમ જાણે સનાતન સંબંધ હોય એમ વિચારીને ચાલ્યા કરીએ છીએ. જ્યારે સંબંધ તૂટે અને સત્યની સમજણ આવે ત્યારે દિલમાંથી એક ચીસની જેમ સવાલ આવે … આવું કેમ ? આ ગીત એ વેદનાને વાચા આપવા માટે લખેલું છે. પ્રેમના ઉડાન પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર પાછું ‘ક્રેશ લેન્ડીંગ’ કરવાનું આવે ત્યારની આ વાત છે. એ વખતે કવિનો પ્રશ્ન પણ આ માંડેલી વારતાનું શું? એક ઠંડા સૂસવાટાની જેમ ભોંકાય છે. …. કાશ, એ પ્રશ્નનો જવાબ કોઈને ખબર હોત.
Jayshree said,
December 15, 2009 @ 12:59 AM
Another gem from Ajit Sheth…
અજીત શેઠનું આલ્બમ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ મળે તો વગર વિચાર્યે લઇ લેવા જેવું..! દરેકે દરેક ગીત એટલું મઝાનું થયું છે એમાં કે દરેક ગીત – જેટલીવાર સાંભળો એટલીવાર એનાં કવિ-સ્વરકાર-ગાયકોને સલામ કરવાનું મન થાય.
RAJESH VYAS said,
December 15, 2009 @ 3:13 AM
seven year old boy impressed by handsome personality,and who was he .shri jagdish joshi was principal of “bazargate high school ‘fort mumbai,and littel child bless by shri jagdish joshi ,when he grow up and find out jagdish joshis poem than he realise , he had meet a geea person. stiil i can not forget shri jagdish joshi visual in white and white ,
dharo ke ek saanj, khobo bhari ne ame. become soul serching song for me,
thanks you all from USA, WHO IS SERVING GREAT TO OUR MOTHER GUJARATI
WHAT WE CAN NOT DO IN INDIA.
BB said,
December 15, 2009 @ 8:37 AM
I salute the poet and how beautifully Bhupinder ji has sung. Yes as Jaishreeben has said the album “Maari Aankhe Kanku na Suraj Aathmya” is worth collecting .
વિવેક said,
December 15, 2009 @ 9:07 AM
સાદ્યંત સુંદર અજરામર ગીત… ગાયકી પણ અદભુત… અને ધવલનો ફાઇનલ સ્ટ્રોક પણ ગમ્યો…
rekha sindhal said,
December 15, 2009 @ 9:08 AM
ફરેી આભાર !
pragnaju said,
December 15, 2009 @ 9:36 AM
સ રસ ગીત
અ દ ભૂ ત ગાયકી
પણ “કાશ, એ પ્રશ્નનો જવાબ કોઈને ખબર હોત….” આ અંગે વિચારીએ
એક વ્યક્તિને કોઇ ચાહે પરંતુ તે સામી વ્યક્તિમાં પ્રેમ કે ચાહત જેવી કોઇ ભાવના, કોઇ ભાવ ન હોય તો તે એકતરફી પ્રેમ છે. અને આવું તદ્દન શક્ય છે છોકરો અને છોકરી એટલે કાં તો ભાઇ બહેન કે પછી પતિ-પત્ની એવું અનાદિકાળથી આપણે માનીએ છીએ એટલે એવું થાય. મારા માટે પ્રેમ કરવા કે પામવા લાયક આ એક જ વ્યક્તિ સિવાય અન્ય કોઇ નથી ત્યારે તે એક તરફી પ્રેમ શરૂ થાય છે અને જો તેના નિશ્વિત મુકામ સુધી ન પહોંચે તો ઝંઝાવાત સર્જે છે. અનેક અવરોધો પાર કરીને નદી સાગરમાં વિલીન થાય છે અને તેની ખારાશ વિશે ક્યારેય ફરિયાદ કરતી નથી.
સાગરની લહેર હરખાતી, ઉછળતી, ઉમળકાભેર, કિનારે આવે, કાળમીંઢ પથ્થરને આલિંગન આપે પરંતુ પથ્થરએ ખડક તેને પોતાનામા સમાવી ન શકે ત્યારે લહેર ચૂર ચૂર થઇ જાય છે પછી તે તેના મૂળ સ્વરૂપે પાછી જઇ શકતી નથી…અને એ સમયે ભરત વિંઝૂડાનો એક શેર યાદ આવી જાય,‘હું તને ચાહું છું એ ચાહતનો કોઇ પાર નથી,તું સ્વપ્ન છે ને હકીકતનો કોઇ પાર નથી.’
આ છે એક તરફી પ્રેમની દુન્યવી થિયરી. આવું જ્યારે બને ત્યારે અવિશ્વાસ, આક્ષેપ, વિવાદ, ઝઘડા બધું જ શરૂ થાય છે. જે વ્યક્તિ લોહીના કણેકણમાં ભળી ગયાની અનુભૂતિ હોય તે જ વ્યક્તિના અભાવમાં ક્યારેક માણસ લોહિયાળ બને છે. એ છે એક તરફી પ્રેમ.
જેને માણસ ચાહે, જેને ઝંખે, પોતાની સામે એ રહે તેવું તે ઇચ્છે, લાગણીઓનું પ્રતિબિંબ, ઉર્મિઓની અભિવ્યક્તિનું સ્થાન જેનામાં જુએ એ વ્યક્તિમાં તે ઓતપ્રોત હોય પરંતુ જ્યારે સામે એવું ન બને ત્યારે લાગણીઓ પર વજ્રઘાત થાય છે કલાપી જેવા સંવેદનશીલ વ્યક્તિ એવું લખી શકે કે ‘સાકી મને જે દીધી સૂરા તે સનમને દીધી નહીં…’
સાધારણ માણસ કે જે કવિતા લખી શકતો નથી તેના માટે અભિવ્યક્તિનું માઘ્યમ શું? અને એટલે સર્જાય છે એક તરફી પ્રેમની અનેક તરફી અસરો…
માણસ હોય તો તેને રડવું આવે, હસવું આવે, ગુસ્સો ચડે નફરત થાય અને પ્રેમ પણ થાય. પ્રેમમાં રિસ્પોન્સ ન મળે તો સામાન્ય માણસ દુ:ખી પણ થાય એટલે આ બધી બાબતો સામાન્ય છે, પરંતુ પ્રશ્ન એ છે પ્રેમને એકથી વધારે ‘તરફ’ એકથી વધારે બાજુ હોય?
લાગણી ઘવાય ત્યારે માણસના માનસિક સંતુલન પર અસર થાય તેવી મનોચિકિત્સકોની વાત પણ ખોટી નથી ને લોકોના અનુભવો પણ ખોટા નથી પરંતુ આ ‘તરફ’ની વાતને સમજી શકાય તો પ્રેમની વધારે નજીક પહોંચી શકાય.
urvashi parekh said,
December 15, 2009 @ 9:51 AM
મને ખુબ ગમતુ ગીત…
ખુબ ખુબ આભાર…
ધવલ said,
December 15, 2009 @ 3:10 PM
પ્રજ્ઞાબેનનો જવાબ બહુ સરસ છે.
ઘણા વર્ષો પહેલા આ ગીત સાંભળતા બેઠેલા ત્યારે આવી જ વાત નીકળેલી. એક જણાએ બહુ મઝાની વાત કરેલી જે યાદ રહી ગઈ છે, “એક સાંજ મળ્યાં અને હળ્યાં – એટલે કે પ્રેમનો અદભૂત અનુભવ કરી લીધો – તે પોતે જ એક મોટી વાત છે. આ અનુભવને આખા આયખા સુધી લંબાવવાની જીદ કરવી જ શું કામ ?” 🙂
જો કે આ તો બધી ફિલોસોફીની વાતો છે…. ખરી વાત તો વખત આવે ત્યારે જ સમજાય છે.
ઊર્મિ said,
December 16, 2009 @ 9:25 AM
મારું ઓલટાઈમ ફેવરિટ ગીત… ધવલભાઈનો આસ્વાદ પણ એટલો જ મજાનો લાગ્યો.
Siddhi said,
December 18, 2009 @ 1:55 PM
ખૂબ જ સુંદર અને મારું મનપસંદ ગીત…
vasant g shah said,
June 11, 2016 @ 10:17 AM
વાહ ! વાહ !