ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !
સુરેશ દલાલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
March 21, 2010 at 1:10 AM by તીર્થેશ · Filed under ઉમાશંકર જોશી, સોનેટ
કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?
કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.
– ઉમાશંકર જોશી.
[1937]
પ્રણયની ચરિતાર્થતા શેમાં ? વ્યક્તિનિષ્ઠ પ્રણય એ સમષ્ટિનિષ્ઠ પ્રણય ના માર્ગની બાધા બને તે કવિને રુચતું નથી. શું વ્યક્તિ એક જ પાત્રને ચાહી શકે ? માની લો કે બીજા પાત્ર માટે પ્રણયની તીવ્ર લાગણી થાય તો આત્મવંચના કરી પ્રથમ પાત્ર માટે જ પ્રેમ છે તેવું સેલ્ફ-હિપ્નોસીસ કરવું , કે ખુલ્લા દિલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ? પ્રશ્નોના સર્વસ્વીકાર્ય ઉત્તર કદાચ ન હોઈ શકે – તુંડે: તુંડે: મતિ: ભિન્ના: …… પરંતુ પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે. જાતને છેતરવાનો આસાન રસ્તો લેવો કે ચીલો ચાતરવાની તૈયારી સાથે road less travelled ઉપર ચાલી નીકળવું તે દરેક વ્યક્તિની ફિતરત ઉપર છોડવાની વાત છે……
Permalink
March 20, 2010 at 12:12 AM by વિવેક · Filed under અછાંદસ, અનન્યા ધ્રુવ, દિનેશ ડેકા, વિશ્વ-કવિતા
દરેક જગા દુઃખથી ભરેલી રાત છે
સાંજને સમયે
કંસના અત્યાચારથી દેવકીની દુઃખભરી રાત
નથી વીતતી નથી સવાર થતી
વેગપૂર્વક આવે છે
હૃદયની વચ્ચેથી અંધકાર
દેવકીની રાત નથી વીતતી નથી સવાર થતી
એવો જ આવે છે કોઈ સમય
માણસે સેવેલાં સપનાંને મસળીને
દાટી દે છે એની ઇચ્છા અને અભિલાષા
તો પણ મનુષ્ય એક નદી છે
દુઃખ અને યાતનાને સહીને પણ
એ નદી વહેતી રહે છે
ઉજ્જડ ખીણોમાં થઈને અનંતકાળ સુધી
મનુષ્ય એક નદી છે
એ લઈ આવે છે
દેવકીની દુઃખની રાતના બંધન કાપીને
નંદોત્સવના સમાચાર
– દિનેશ ડેકા (અસમિયા)
(અનુ. અનન્યા ધ્રુવ)
છે મનુષ્યજીવનની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી. આપણી ઇચ્છા, સપનાં અને અભિલાષા મૂલતઃ આપણને પૂરા સુખી થવા દેતા નથી. આ એક એવી કાળી રાત છે જે પસાર થવાનું નામ જ લેતી નથી જાણે કે કંસના કારાગારમાં દેવકી પર થતો અત્યાચાર ન હોય ! આ સાંજ સ્થિર જાણે કે સમયનો થીજી ગયેલો ચોસલો છે પણ મનુષ્યજીવન થીજી જતું નથી એ તો નદીની જેમ વહેતું રહે છે. ભલે આ નદી અનંતકાળ સુધી ઉજ્જડ અંધારી ખીણમાં કેમ ન વહ્ય કરતી હોય પણ એ વહ્યા કરે છે કારણ કે એને ખતરી છે કે આ નદીપારથી જ નંદોત્સવના, સુખના સમાચાર આવવાના છે…
Permalink
March 19, 2010 at 1:58 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રીતમ લખલાણી
લીલી લોન,
વિશાળ ઘરમાં
આલિશાન ફર્નિચર
અને ડ્રાઇવ-વેમાં
ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!
– પ્રીતમ લખલાણી
શરીરથી વિદેશમાં વસેલા પણ હૃદય ભારતની ગલીઓમાં જ ભૂલી ગયેલા ‘ડાયાસ્પૉરા’ સાહિત્યકારોના કારણે આપણને એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય માણવા મળે છે જેમાં ક્યારેક બે દેશની સંસ્કૃતિઓ તડ-સાંધા વિના એકાકાર થઈ જતી જોવા મળે છે તો ક્યારેક વતન-ઝુરાપાની એક જુદી જ ‘ફ્લેવર’ નજરે ચડે છે. પ્રીતમ લખલાણીની પ્રસ્તુત કવિતા વતન-ઝુરાપાની વાત સાવ સાદા શબ્દ-ચિત્રથી અંકિત કરે છે. પાંજરે પૂરાયેલી મેનાના ટહુકા અટકતા નથી પણ આકાશ ખૂટી ગયું હોય છે. લીલી લોનથી શરૂ થતું કાવ્ય ‘લીલા’લહેરથી એક યુ-ટર્ન લે છે ત્યારે બધી લીલોતરી પર એકસામટી પાનખર બેસી ગઈ ન હોય એવો ડંખ અનુભવાય છે…
Permalink
March 18, 2010 at 6:59 PM by ધવલ · Filed under ગઝલ, નીતિન વડગામા
આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ.
દેહના આ દબદબાની નોંધ લેવી જોઈએ.
આજ કડવી ઝેર છે, એ વાત જુદી છે છતાં,
કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.
ઊંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,
વ્હાલભીની વારતાની નોંધ લેવી જોઈએ.
પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
જીવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.
બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે ?
સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.
આવતીકાલે પછી ઘેઘૂર જંગલ થઈ જશે,
ઊગતી એ આપદાની નોંધ લેવી જોઈએ.
આખરે તો આપણો આધાર સાચો એ જ છે,
શ્વાસ જેવા આ સખાની નોંધ લેવી જોઈએ.
– નીતિન વડગામા
આમ તો કવિનું કામ જ – જેની બીજા કોઈ નોંધ ન લે એ બધાની – નોંધ લેવાનું છે. કવિ ન લે તો આ બધી નાની-નાની જણસોની નોંધ બીજું લેશે પણ કોણ ?
Permalink
March 17, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, જટિલ
તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર !
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર !
તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર !
ઘનશ્યામ ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર !
મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર !
અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર !
છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર !
– ‘જટિલ’
પ્રભુ સાથે પ્રીત કરવાથી માંડીને છેક મિલન સુધીની કેટકેટલી તકો મળવા છતાંયે એને બરાબર ન પકડી શકવામાં કારણભૂત તો પોતાની અસમર્થતા જ છે, એ વાતનો કવિ અહીં ખુલ્લા દિલે સ્વીકાર કરે છે.
Permalink
March 16, 2010 at 8:00 AM by ઊર્મિ · Filed under ગીત, વિવેક મનહર ટેલર
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)
જમુનામાં અવિરત વહેતા જળનું કારણ માત્ર રાધા જ છે, મોરપિચ્છનાં રંગોનું રહસ્ય ફક્ત રાધા જ છે, અને વાંસળીમાંથી ફૂંકાતા હૃદયસ્પર્શી સૂરોનો રાઝ પણ કેવળ રાધા જ છે- કેવી મજાની અભિવ્યક્તિ !
પ્રિય વિવેકને લયસ્તરો તરફથી જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ..
Permalink
March 15, 2010 at 7:25 PM by ધવલ · Filed under ગીત, બાલમુકુન્દ દવે
આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.
આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.
– બાલમુકુન્દ દવે
આઝાદીની ઝંખના, જ્ઞાન-પ્રકાશની ખેવના અને ભક્તિના આનંદને ‘એક-તારે’ વણી લેતું ‘કાનથી વાંચવાનું’ ગીત. ઘણા ઘણા વખતથી મનમાં તો હતું પણ આજે આ ગીત હાથમાં આવ્યું તો ‘આનંદ અપરંપાર’ થઈ ગયો !
Permalink
March 14, 2010 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !
ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી…..
કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ ?
એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !
– શ્રી પ્રિયકાંત મણિયાર
એક એક શબ્દ મહત્વનો છે- જમનાજીનો ઘાટ એ સામાન્ય માનવજાત જ્યાં ઊભી છે તેનું પ્રતિક છે, જમનાજીનું નીર સાક્ષાત પરમતત્વ છે,ઘટ અને માટ [માટલું] એ ગોપીની જાત છે. ગોપી એકલી છે-કારણકે તે પરમતત્વને પામવાને માર્ગે ચાલી નીકળી છે. તે જળ ભરતી નથી,નીરખ્યા કરે છે…..તેને જળ માં કાનુડો દેખાય છે. તેનો ઉચાટ ક્યાંથી કોઈને સમજાય ? જો તે જળને ઘટમાં ભરે તો તે પરમતત્વ સાથે એકાકાર થઇ જાય-ગોપી અને કૃષ્ણ અલગ ન રહે ! કદાચ તે ગોપી જ રહીને અનંતકાળ સુધી કૃષ્ણને ચાહ્યા જ કરવા ઝંખતી હોય !
Permalink
March 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રવીન્દ્ર પારેખ
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
સ્તબ્ધતાએ આદરી દીધી સફર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
શૂન્યતા હસતી રહે અર્થોસભર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને ક્ષણો પીગળ્યા કરે સૂરજ ઉપર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને અહીં શબ્દો ભમે ભીંતો વગર.
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ઝાંઝવાનું નામ અહીંયા માનસર !
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ક્યાં હવે એમાં મળે ટહુકાનું ઘર ?
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
કોણ પડછાયાને ઉલેચે અરર !
રેત, તડકો ને સ્મરણનું આ નગર,
છે સ્મરણમાં પણ મરણ, તમને ખબર ?
– રવીન્દ્ર પારેખ
રવીન્દ્રભાઈ સ્વભાવે પ્રયોગશીલ છે. અહીં આખી ગઝલમાં ઉલા મિસરા (પહેલી કડી)ને ગઝલના રદીફની જેમ જાળવી રાખીને બાકીની એક લીટી જેટલી સાંકડી જગ્યામાં એમણે આઠ શેર કહેવાનું સાહસ કર્યું છે જે ભાવકોના (સદ્)ભાગ્યે સફળ થયું છે.
કવિ જે નગરની વાત કરી રહ્યા છે એ રેતી, તડકા અને સ્મરણનું બનેલું છે… ત્રણેય કલ્પનો પર એક સાથે ધ્યાન આપીએ તો કેટલીક અર્થચ્છાયાઓ ઉપસી આવે છે. ત્રણેય પકડી શકાતા નથી, ત્રણેય પકડાય એનાથી વિશેષ છટકતા રહે છે, ત્રણેય સ્થિર નથી રહેતા અને ત્રણેયનો આકાર પણ ક્ષણેક્ષણ બદલાતો રહે છે… ત્રણેય કદાચ ભીનાશના અભાવ સાથે પણ સંકળાયેલા છે…
…હવે ગઝલ ફરીથી વાંચીએ?
Permalink
March 12, 2010 at 12:42 AM by વિવેક · Filed under શેરકો બીકાસ, હિમાંશુ પટેલ
ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.
– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)
ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.
Permalink
March 11, 2010 at 4:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ખેંચતી ઘૂમરાતી પળ વચ્ચે જીવ્યો
હું જ પોતાનાં વમળ વચ્ચે જીવ્યો
જે મને ડસતી રહી સર્પો બની
એવી કૈં પહેરણની સળ વચ્ચે જીવ્યો
લોહનાં પૂતળાં ઘણાં ભાંગી ગયાં
હું સમયના બાહુબળ વચ્ચે જીવ્યો
એક આંસુનું અજબ ઊંડાણ આ
હું અતળ ઈચ્છાના જળ વચ્ચે જીવ્યો
છંદ શબ્દો લય અવાજો ને ધ્વનિ
તેં દીધાં રૂપાળાં છળ વચ્ચે જીવ્યો
– મનોજ ખંડેરિયા
પોતાના જ બનાવેલા વમળોની મધ્યે ખેંચતી ઘૂમરાતી પળોની વચ્ચે ક્યારેક જીવન તો પસાર થઈ જાય છે, પરંતુ એ પળોની વચ્ચે ખરેખર કેટલું જીવી શકાય છે? અહીં કવિ બેધડક સ્વીકારે છે કે આવી પળ, પોતાના બનાવેલા વમળ ને બીજાએ દીધેલા છળની વચ્ચે પણ ‘જીવ્યા’. આપણને કોઈ પણ પરિસ્થિતિમાં જો હળવા રહેતા/થતા આવડી જાય તો માત્ર પસાર કરવાની જગ્યાએ જીવનને ખરા અર્થમાં ‘જીવી’ શકાય…
Permalink
March 10, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.
– કિરણસિંહ ચૌહાણ
કિરણભાઈની મને ઘણી ગમતી ગઝલોમાંની આ એક ગઝલ. જેના પાંચેપાચ અશઆરમાંથી કયો શે’ર શિરમોર છે, એ મૂંઝવણ તમે ઉકેલી જ ના શકો. જો કે મને અંગત રીતે ત્રીજો શે’ર વધુ ગમે છે… જેને યાદ જ ના કરવી પડે એવી યાદને ‘યાદ’ તો કેમ કહી શકાય? કદાચ ‘ચિરસ્મરણ’ કહી શકાય…!
Permalink
March 9, 2010 at 10:17 PM by ધવલ · Filed under ગીત, મકરન્દ દવે
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.
દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.
– મકરન્દ દવે
નારી-ઘડતરની આ નમણી કવિતા મહિલા દિવસે એટલે કે ગઈકાલે મૂકવી’તી. પણ ગઈકાલે હું એક ખાસ મહિલાની સેવામાં હતો એટલે શક્ય ન થયું. તો હવે આજે પોસ્ટ કરું છું 🙂
(ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર, હાસ=હાસ્ય, હુલાસ=ઉલ્લાસ)
Permalink
March 8, 2010 at 11:15 PM by ધવલ · Filed under પ્રફુલ્લા વોરા, મુક્તક
સદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છે
અને આ આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે
તમોને તો મુબારક હો વસંતી વાયરા મીઠા
અમે તો પ્રેમથી આ આંગણે બાવળ ઉછેર્યાં છે
– પ્રફુલ્લા વોરા
Permalink
March 7, 2010 at 11:31 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના, સુશીલા દલાલ
કેટલું સારું હોય છે
એકબીજાને વગર જાણ્યે
પાસે પાસે હોવું
અને એના સંગીતને સાંભળવું
જે ધમનીઓમાં બજે છે
એના રંગોમાં તરબોળ થવું
જે બહુ જ ઘેરા ચઢે-ઊતરે છે.
શબ્દોની શોધ શરૂ થતાં જ
આપને એકબીજાને ખોવા માંડીએ છીએ
અને એમની પકડમાં આવતાં જ
એકબીજાના હાથમાંથી
માછલીની જેમ સરકી જઈએ છીએ.
પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
કંઈક પણ બરાબર જાણી લેવું
પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.
કેટલું સારું હોય છે
એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
અને પોતાની જ અંદર
બીજાને મેળવી લેવું.
– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)
જ્ઞાન બેધારી તલવાર છે. બાળક જન્મે છે, મોટું થાય છે, જીવનનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે, વૃદ્ધ થાય છે – કોઈક ભાગ્યશાળીને સમજાય છે કે જીવનનું ગંતવ્ય છે – બાળસહજ જ રહેવું ! ભગવાનની રમૂજવૃત્તિનું શું આ શ્રેષ્ઠ ઉદાહરણ નથી ?
Permalink
March 6, 2010 at 1:51 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સ્વામી વિવેકાનંદ
(મન્દાક્રાન્તા)
તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !
– સ્વામી વિવેકાનંદ
(૦૬-૦૧-૧૮૯૬)
*
To an Early Violet
What though thy bed be frozen earth,
Thy cloak the chilling blast;
What though no mate to clear thy path,
Thy sky with gloom o’ercast —
What though of love itself doth fail,
Thy fragrance strewed in vain;
What though if bad o’er good prevail,
And vice o’er virtue reign —
Change not thy nature, gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume
Unasked, unstinted, sure !
– વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે. પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે સ્વામીજીએ આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું.
ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર !!
Permalink
March 5, 2010 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, જયંત ડાંગોદરા
આંધળી આંખે બધું જોતાં રહે છે ટેરવાં,
સ્પર્શનું રૂપાંતરણ કરતાં રહે છે ટેરવાં.
એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ,
ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં.
ના થવાની તૃપ્ત હું ક્યારેય પણ વ્હાલી સખી,
રોજ મારામાં તરસ ભરતાં રહે છે ટેરવાં.
આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.
શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા,
એમને સ્પર્શ્યા પછી રાતાં રહે છે ટેરવાં.
– જયંત સંગીત
ધીમે ધીમે ઉઘાડો તો સકળ ઓગળીને એકાકાર થઈ જાય એવી પણ દોડીને પસાર થઈ જાવ તો સપાટી પર ફક્ત ટેરવાં જ તરતાં રહી જાય એવી ગઝલ. અને આ સ્પર્શની, પ્રેમની તરસની કદી તૃપ્તિ પણ થતી નથી… જેટલું પીઓ એટલી એટલી એ વધવાની, ઇચ્છાની જેમ જ…. દિવસ હાથમાં નથી ને રાતની ઝંખના છે…
Permalink
March 4, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under ગીત, ભગવતીકુમાર પાઠક
વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !
ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?
થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?
દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !
તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !
સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;
મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.
તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,
સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;
ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.
– ભગવતીકુમાર પાઠક
આ કવિશ્રી વિશે મને ઝાઝી ખબર નથી, પરંતુ વાંચીને સાવ હળવા થઈ જવાય એવી એમની કે આ સાવ ‘હળવી’ કવિતા ક્યાંક વાંચી હતી અને મને ખૂબ જ ગમી ગઈ હતી. કો’ક ઘરનાં કે આજુબાજુનાં ઘરડા વડીલોને ઘ્યાનમાં રાખીને આ કવિતા બિલકુલ ના ગણગણશો; કારણકે મુજ વીતી તુજ વિતશે નાં નિયમ મુજબ એક દિ’ આપણોય વારો આવવાનો જ છે ! 🙂
Permalink
March 3, 2010 at 11:10 PM by ધવલ · Filed under અછાંદસ, તસલીમા નસરીન, સોનલ પરીખ
મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે
તેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખી
ઘેર લાવી પટકવો છે પથારીમાં
ને પેટ ભરાય એટલે
એડીવાળાં સેન્ડલથી ફટકારી, ગંદી ગાળો દઈ
હડસેલી મૂકવો છે: ‘ચાલ ફૂટ… તારી જાતના…’
માથા પર મેલો પાટો બાંધી
ચામડી ખણતો
સવારે તે ઝોકાં ખાતો હશે શેરીમાં
કૂતરાં તેના જખમ પરથી ફૂટતાં લોહીપરુ ચાટતા હશે
ને જતી આવતી સ્ત્રીઓ, બંગડીઓ રણકાવતી
અટ્ટહાસ્યથી ગલી ગજવતી જશે
સાચે જ
એક પુરુષ ખરીદવો છે મારે
તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો
તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
ને બરાડવું છું: ‘મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!’
– તસલીમા નસરીન ( -અનુ. સોનલ પરીખ)
ચાબખાના સોળ જેવી આ કવિતા એટલે નકરો, નફકરો અને નગ્ન આક્રોશ. જ્યારે ચીસો સદીઓ સુધી બહેરા કૂવાઓમાં ભટક્યા કરે ત્યાર પછી જ આવો આર્તનાદ ઉદભવી શકે. આ કવિએ પોતાનું વતન, બાંગ્લાદેશ, તો ઘણા વર્ષોથી છોડી દેવું પડેલું. અને હવે છેવટે ભારત પણ છોડી દેવું પડ્યું છે. કોઈને સત્ય સાંભળવું ગમતું નથી.
( ‘દિવ્યભાસ્કર’ માંથી )
Permalink
March 2, 2010 at 6:00 PM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, માર્ટિન નાઈમુલર
નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.
એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.
એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.
એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.
એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.
– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)
માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.
હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.
અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.
મૂળ કવિતા અને વધુ માહિતી
Permalink
March 1, 2010 at 11:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી !
હૈયુ અતિ અધીરું ને આંખ સાવ ઘેલી !
નયને કટાક્ષ આછા વાણી પ્રીતે રસેલી,
હૈયામાં પ્રીત જાણે મ્હેંકી ઊઠી ચમેલી!
પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી.
શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!
ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી!
જોઈ રહ્યાં છો સ્વપ્નો ! કાં આંખ છે ઢળેલી ?
તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી !
કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી?
ફૂલો તો શું વસંતે કળિયો છે છકેલી,
સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી.
– રતિલાલ ‘અનિલ’
તમામ વાચકમિત્રોને લયસ્તરો તરફથી ફાગણનાં રંગો અને હોળીની શુભેચ્છાઓ… (એમ પણ અમેરિકામાં જરા મોડી જ આવે છે! 🙂 ) અને પહેલી પ્રીતનાં રંગોથી રંગાયેલી આ રંગીન ગઝલ પણ !
Permalink
February 28, 2010 at 9:57 PM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
ઊંડી વાવમાં તડકો પેસવા જાય
તો તડકો કેટલો ઊંડે પેસે ?
પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
બહુ બહુ ચાલીસ પગથિયે
બહુ થયું માનીને તડકો
બસ કહીને બેસે;
કેટલો ઊંડે પેસે ?
તડકો માપે એટલી ઊંડી વાવ,
તડકો આપે એ જ ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;
તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
નસે નસે.
પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !
તડકાના આ રાજમાં વાવની
વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.
-મકરંદ દવે
કહેવા માટે એક નક્કર વાત છે, સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે – ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે. નોંધપાત્ર પંક્તિ એ છે કે જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને ! આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…
Permalink
February 27, 2010 at 1:24 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.
બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી;
એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી.
હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર,
એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી.
ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે,
મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી.
છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો,
એણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી.
– અશરફ ડબાવાલા
આમ તો આખી ગઝલ ધ્યાનાર્હ થઈ છે પણ મને ફક્ત મત્લાના શેર વિશે વાત કરવાનું મન થાય છે… આપણી ‘સામાન્ય’ નજરમાં રહેલી ખામીને કવિએ સરળતાથી વર્ણવી દીધી છે. આપણી સૌથી મોટી નબળાઈ મૂળભૂત લક્ષ્ય ચૂકી જઈને રસ્તામાં અટવાઈ પડવાની છે… સદીઓનો ઇતિહાસ તપાસો… આ જ નજરે ચડશે… આપણે ઈશ્વરને ભૂલી જઈ એના સાચા ભક્તોની ભક્તિ કરવા જ મચી પડીએ છીએ. સાધ્ય કરતાં સાધક મોટો બની બેસે છે… ગૉડ ભૂલાઈ જાય છે અને ઈશુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવી જાય છે… ઈશ્વર ને અલ્લાહનું સ્થાન સાધુ-સંતો, કબીર કે મોહંમદ લઈ લે છે…
…અને છતાં આપણે કશું શીખતાં જ નથી…
Permalink
February 26, 2010 at 1:03 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ !
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ !
રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ !
પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.
કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ !
જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !
-અનિલ ચાવડા
દરેક યુગમાં દરેક સંસ્કૃતિમાં કવિતાએ (વ્યાપક અર્થમાં જોઈએ તો તમામ કળાઓએ) સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલેલું જોવા મળે છે. કોઈ પણ કળા અને એના કાળનું મૂલ્યાંકન કરીએ એટલે જે તે દેશની જે તે સમયની સભ્યતા વિશે બખૂબી જાણી શકાય…
અનિલ ચાવડાની આ ગઝલ વિશે બીજું કંઈ લખવાની જરૂર ખરી ?
Permalink
February 25, 2010 at 8:50 AM by ઊર્મિ · Filed under ગીત, બાલમુકુન્દ દવે
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
-બાલમુકુંદ દવે
એમ તો હોળીને હજી થોડા દિવસોની વાર છે પણ ફાગણ તો આવી જ ગયો છે ને… તો બાલમુકુન્દ દવેના આ ખૂબ જ મજાનાં ફાગણિયા ગીતને માણવા માટે હોળીનાં દિવસ સુધી શા માટે રાહ જોવી ? 🙂
Permalink
February 23, 2010 at 11:21 PM by ધવલ · Filed under ખલીલ ધનતેજવી, મુક્તક
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
– ખલીલ ધનતેજવી
Permalink
February 22, 2010 at 9:55 PM by ધવલ · Filed under ચંદ્રકાન્ત ટોપીવાળા, હાઈકુ
જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?
દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.
બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.
આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.
તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.
વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?
ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.
પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.
મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.
જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.
-ચંદ્રકાંત ટોપીવાળા
(‘પરબ’ ફેબ્રુઆરી 2010માંથી)
આપણા બહુશ્રુત ભક્તિપદોની હાઈકુના સ્વરૂપે હળવી ઠેકડી કરવાનો આ પ્રયોગ મને તો બહુ જ ગમી ગયો. કવિતામાં બધુ ગંભીર જ હોવું જોઈએ એવો તો કોઈ નિયમ નથી, છતાંય કેટલાય કવિઓ કારણ વગર ગંભીર રહેવાની કોશિશ કર્યા કરે છે. કવિએ આ પ્રયોગથી એ બધા ‘ચહેરા-ભારે’ (માથા-ભારે જેવું ચહેરા-ભારે) કવિઓને ‘ટોપી’ પહેરાવવાની કોશિશ કરી છે એવું લાગે છે 🙂
Permalink
February 21, 2010 at 12:59 PM by તીર્થેશ · Filed under ગીત, શેખાદમ આબુવાલા
બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર ભરવા રાગ
બંસી….
રાગ સુણી મુજ અંતર નાચે
સૂરતણી રમઝટમાં રાચે
કેવાં મુજ ધનભાગ
બંસી….
સ્મૃતિ વેરણછેરણ જાગી
રડી ઊઠ્યું મુજ હૈયું અભાગી
ઉજ્જડ મુજ ઉરબાગ
બંસી….
પૂનમની એ રસભર રજની
બંસી હું ને સ્નેહલ સજની
ક્યાં એ જીવનરાગ
બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર લાગી આગ
– શેખાદમ આબુવાલા
પ્રથમ પંક્તિમાં ‘રાગ’ છે અને અંતિમમાં ‘આગ’ છે અને વચ્ચે આ મધુરું કાવ્ય છે… વાત harmony ની છે, વાત ઋજુ યાદોની છે…
Permalink
February 20, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દામોદર બોટાદકર
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીનીo
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે … જનનીનીo
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીનીo
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીનીo
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીનીo
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીનીo
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે … જનનીનીo
ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીનીo
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીનીo
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીનીo
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહીં આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
– દામોદર ખુ. બોટાદકર
જનનીની સ્તુતિ કઈ ભાષામાં કયા કવિએ નથી કરી? પણ તોય લોકપ્રિયતાની ચરમસીમાઓ અડી ચૂકેલું બોટાદકરનું આ ગીત એક અલગ જ ‘ફ્લેવર’ સર્જે છે…
મધથી મીઠું તે વળી શું હોય ? અને તરસી ધરતી માટે મેઘથી અદકેરું ગળ્યું શું હોય ? પણ જગતની સઘળી મીઠાશથીય મીઠી તો મા જ હોય ને ! ગંગાના નીરમાં વધ-ઘટ થઈ શકે, વાદળના વરસવાની મોસમ હોઈ શકે, ચંદ્રની ચાંદની કળાનુસાર ક્ષીણ થઈ શકે પણ માનો પ્રેમ તો અનર્ગળ અનવરત એકધારો વહેતો જ રહેવાનો… મા તો પ્રભુના પ્રેમની પ્રસાદી છે સાક્ષાત્ ! એની જોડ ક્યાંથી જડી શકે ?
Permalink
February 19, 2010 at 12:56 AM by વિવેક · Filed under ગઝલ, સ્મિતા પારેખ
જિંદગી કેવી અધૂરી હોય છે !
ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?
એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું,
પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.
કોણ જાણે કેવી મજબૂરી રહી ?
હોય પાસે તોય દૂરી હોય છે.
વાતવાતે આમ હસતી હોઉં છું ,
વેદના ભીતર ઢબૂરી હોય છે.
રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.
– સ્મિતા પારેખ
એક સરળ સહજ ગઝલ… અધૂરી ઇચ્છાના ઝૂરાપા સાથે સંધ્યાના રાતા થવાની વાત કવિએ કેવી સુંદર રીતે વણી લીધી છે!
Permalink
February 18, 2010 at 9:00 PM by ઊર્મિ · Filed under મુક્તક, સૈફ પાલનપુરી
માર્ગદર્શક બને એ સર્વ સહારા લઈ લે !
ઈશ ! તેજસ્વી બધા તારા – સિતારા લઈ લે !
તારી શક્તિનો હું એ રીતે અનુવાદ કરીશ,
મંઝિલો આવશે સામે, તું ઉતારા લઈ લે !
-સૈફ પાલનપુરી
Permalink
February 17, 2010 at 5:00 PM by ઊર્મિ · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! –
કશુંયે ચમકે નહીં !
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –
લાંબી લાંબી વાટ,
પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
મને સમજાય નહીં;
આ તે કેવો દેશ ?! – દિશા જ્યાં નથી નથી !
આ મારો પરિવેશ ? – હું જ ત્યાં નથી નથી ! –
-ચંદ્રકાન્ત શેઠ
ઘોર નિરાશાનું છતાંયે પોતીકું લાગતું ગીત. આખા ગીતમાં ‘નથી નથી’ ની પુનરોક્તિ નિરાશાને સતત ઘૂંટી ઘૂંટીને એવી ઘોળે છે કે જેની ઘેરી અસર ભાવકનાં મન-હૃદય સુધી પહોંચ્યા વિના રહેતી જ નથી…
Permalink
February 16, 2010 at 10:22 PM by ધવલ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
માન તમારે હાથ ન સોંપ્યું;
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
પર્વત ચીરે ઝાટકે – માન…
હિમાદ્રિ અમલિન સુહાસે
ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
હાસ્ય કરી અવહેલતો – માન…
રેતી કેરા રણ ઉપર ના
બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
પાયા રોપ્યા પ્રાણના !
માન તમારે હાથ ન સોંપ્યું,
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
શર સૌ પાછાં પામશો.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આ ગીતની ધૃવપંક્તિનો કહેવત સમાન થઈ ગઈ છે. એલેનોર રૂઝવેલ્ટની પ્રખ્યાત વાત યાદ આવે છે, No one can make you feel inferior without your permission.
Permalink
February 15, 2010 at 8:43 PM by ધવલ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે.
કોણ તારા વિશે ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?
ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.
એક વેળા ફૂટી જઈ માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.
ટેવવશ સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કાચી ઈંટોને હજુ નિભાડામાં સીંચી માંડ હોય અને ત્યારે જ વરસાદ પડે તો કાચી ઈંટોની માટી બધી પાણી સાથે વહી જાય. આ વાતને સાંકળી લઈને કવિએ ગઝલનો શીરમોર શેર ઓણ ચોમાસું… બનાવ્યો છે. અને જે કોઈએ એકાદ રાત પણ તાજી ઉદાસીના સથવારે કાપી હોય, એ બધાને છેલ્લો શેર તો પોતીકો જ લાગવાનો.
Permalink
February 14, 2010 at 4:15 PM by તીર્થેશ · Filed under ગીત, રવીન્દ્રનાથ ઠાકુર
સ્વર્ગ મારું
સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ ?
તેનું ઠામઠેકાણું નાહીં.
તેનો આરંભ નાહીં,નહીં રે એનો છેડો,
ઓરે, નહીં રે તેનો કેડો,
ઓરે, નહીં રે એની દિશા
ઓરે નહીં રે દિવસ, નહીં રે તેની નિશા.
ફર્યો છું તે સ્વર્ગે શૂન્યે શૂન્યે
ખાલી છલનાભર્યું ફાનસ,
કૈંક યુગયુગાંતરો ના પુણ્યે
જન્મ્યો છું આજ માટી ઉપર ધૂળ માટીનો માણસ.
સ્વર્ગ આજે કૃતાર્થ મારા દેહે,
મારા પ્રેમે, મારા સ્નેહે,
મારા વ્યાકુળ હૈયે,
મારી લાજે,મારા સાજે,મારાં દુઃખેસુખે.
મારા જન્મમૃત્યુ તરંગે
નિત્યનવી રંગછટાઓ ખેલાવે એ રંગે.
મારા ગાને સ્વર્ગ આજે
કેવું ગાજે !
મારા પ્રાણે સ્થાન પામે એ એનું,
આકાશભર્યા આનંદે એથી જોઈ મને એ રહ્યું.
દિગંગનાના આંગણે એથી બજી ઉઠ્યો આજ શંખ,
સપ્ત સાગર બજવે વિજયડંક;
એથી ફૂટી રહ્યા છે ફૂલ,
વનનાં પાને, ઝરણા ધારે, એથી આ સૌ હલચલ.
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
વાયરે એની ખબર છૂટી છે આનંદ-કલ્લોલે.
-રવીન્દ્રનાથ ઠાકુર (‘બલાકા’માંથી)
(અનુવાદ – ઉમાશંકર જોશી)
જીવનોત્સવનો આનંદ માણતા રવિબાબુ આ મધુર કાવ્યમાં દ્રષ્ટિગોચર થાય છે. સ્વર્ગ શોધવા આ ધરતી છોડીને કશે જવાની જરૂર શી ? એથી પણ આગળ વધીને કવિ ગાય છે કે સ્વર્ગ મારા દેહરૂપે મૂર્ત થઇને કૃતાર્થ થયું છે – સ્વર્ગ કૃતાર્થ થયું છે !!! મારા પ્રાણમાં સ્થાન પામેલું સ્વર્ગ આકાશમાં પણ ન સમય તેવડા આનંદથી મને જોઈ રહ્યું છે અને તેની અસર આ પ્રકૃતિ પર કેવી અદભૂત થઇ છે તે નિહાળો… સુખમાં સ્વર્ગ તો સૌને અનુભવાય, કવિને દુઃખમાં પણ ઈશ્વરકૃપા અનુભવાય છે.
(દિગંગના = દિક+અંગના = દિશારૂપી સુંદરી)
Permalink
February 13, 2010 at 1:24 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગૌરાંગ ઠાકર, દિવ્યા મોદી, દેશભક્તિ, મુકુલ ચૉકસી, રઈશ મનીયાર, વિવેક મનહર ટેલર, શેર, સંકલન, સંધ્યા ભટ્ટ
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…
કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:
કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:
बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे |
लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |
બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:
કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.
ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.
ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:
उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे
मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे
-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:
कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?
आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |
– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે. એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:
बदली हुई हवाए हैं , बदली है हर दिशा,
बदली हुई फिज़ाओमें बदला पवन रहे.
संसार को दिखा दें के हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.
રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:
કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !
– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:
सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.
તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।
-વિવેક મનહર ટેલર
Permalink
February 12, 2010 at 1:41 AM by વિવેક · Filed under ગઝલ, વજેસિંહ પારગી
સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.
છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.
ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.
હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.
મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.
– વજેસિંહ પારગી
વિષાદના કાળા રંગે રંગાયેલી ગઝલ… જીવનની વાસ્તવિક્તાને શબ્દો વડે કવિ જાણે વધુ નજીકથી અડે છે.
Permalink
February 11, 2010 at 11:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રતિલાલ બી. સોલંકી
કાયમ હો કે વચગાળાનું,
વળગણ સૌને અજવાળાનું.
સંબંધોને અંકગણિત બસ,
માફક આવે સરવાળાનું.
લગભગ ચોરી એ જ કરે છે,
કામ કરે જે રખવાળાનું.
શત્રુની તાકાત નથી આ,
કાવતરું છે ઘરવાળાનું.
સોળ અહીં ને આંસુ ત્યાં છે,
કેવું બંધન વરમાળાનું !
ભર બપોરે ટાઢક-ટાઢક,
શમણું આવ્યું ગરમાળાનું.
– રતિલાલ બી. સોલંકી
કયા શે’ર વિશે લખવું એની મૂંઝવણ થઈ આવે એવા બળુકા એકેક શે’ર… સૌને અજવાળાનું જ વળગણ હોવાની કેવી સાચુકલી વાત !
Permalink
February 10, 2010 at 4:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, સુરેશ વિરાણી
ખુદની કિંમત જો તમે આંકી શકો,
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.
કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો.
આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.
માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.
– સુરેશ વિરાણી
પોતાની જાતની ‘સાચી કિંમત’ આપણે આંકી જ ક્યાં શકીએ છીએ? કાળમીંઢા કાળજાને કૂણા પાડી શકતા સાચા સ્મિતવાળી વાત પણ ખૂબ જ સ્પર્શી જાય છે…
Permalink
February 9, 2010 at 9:48 PM by ધવલ · Filed under ગઝલ, રઈશ મનીયાર
જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.
પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.
વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.
આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.
મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.
એ નથી વંટોળ, એ ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.
એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.
– રઈશ મનીઆર
વરસાદમાં મન, અંતર અને આત્મા બધુ પલળે – અને પીગળે છે. અને એ ઓગળવાની ક્ષણની સાહેદીએ જ આવી ગઝલ રચાવી શક્ય છે. કલ્પનોની રેલમછેલથી શોભતી આ ગઝલ વરસાદના અવાજની સાથે કવિના romantic affair જેવી છે. હવે પછી જ્યારે જ્યારે વરસાદ પડવાનો અવાજ સાંભળો ત્યારે આ ગઝલ ન યાદ આવે તો પૈસા પાછા 🙂
Permalink
February 8, 2010 at 8:37 PM by ધવલ · Filed under કાયમ હજારી, ગઝલ
પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !
ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?
જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !
લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?
હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !
માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !
ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !
– ‘કાયમ’ હજારી
આકરા આક્રોશથી અવતરેલી આ ગઝલના સંદેશને મારે કેવી રીતે સમજાવવો ? જે સમય નથી સમજાવી શક્યો, એ સમજાવવાનું મારું શું ગજુ ?
Permalink
February 7, 2010 at 5:47 PM by તીર્થેશ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.
ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.
હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.
તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?
– મુકુલ ચોકસી.
માણસ સુખની શોધમાં ભટકે છે,છલનાઓને સત્ય સમજી વળગે છે. પણ તે માટે માણસને દોષ કેમ કરી દેવો ? સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું ? સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..
Permalink
February 6, 2010 at 12:30 AM by વિવેક · Filed under અમિત ત્રિવેદી, ઊર્મિ, જગદીપ નાણાવટી, દિલીપ ગજ્જર, નઈમ ફાતિમા તૌફિક, મીનાક્ષી ચંદારાણા, સિરાઝ પટેલ, સુધીર પટેલ
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’ નામના બીજનું સંવર્ધન પાકિસ્તાનના ‘જંગ’ અખબારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. આ અન્વયે બે દેશના શાયરો વચ્ચે ફિલબદી (પાદપૂર્તિ) યોજવાની વિચારણા હતી અને ઇન્ટરનેટના માધ્યમનો હવાલો મને સોંપવામાં આવ્યો. કમનસીબે પાકિસ્તાનની વેબસાઇટ્સ અને અખબારોના તંત્રીઓને લખેલા એક પણ ઇ-મેલનો જવાબ સરહદપારથી હજી આવ્યો નથી… આ કાર્યક્રમને ઘણા લોકોએ વખોડ્યો પણ ખરો, પણ અમે તો એટલું જ માનીએ છીએ કે દુર્યોધન ભલે યુધિષ્ઠિર ન થાય પણ યુધિષ્ઠિર તો દુર્યોધન ન જ થાય…
દેશ-વિદેશમાં વસતા ભારતીય કવિઓએ સરહદની પેલે પાર પ્રેમભર્યો હાથ લંબાવ્યો છે… એની થોડી ઝલક:
યુ.કે.થી ગુજરાતી લિટરરી ગ્રુપ ઑફ લેસ્ટરના સેક્રેટરી દિલીપ ગજ્જર વિખરાયેલા બે દાણાઓને તસ્બીમાં પરોવી દેવા જેવી ઉદાત્ત ભાવના સાથે આવે છે:
सीमीत मनकी पंखका निस्सीम हो विस्तार,
अब घोंसला है विश्व सभीका सदन रहें
तस्बीमें पीरों दूँ में ये बिखरे हुए दाने
हरदम खुशीमें चुरचुर मन और तन रहें
ફ્લોરિડા, અમેરિકાથી જૈફ શાયરા નઈમ ફાતિમા તૌફિક એકતાની આહલેક જગાવે છે:
हम एक हैं, हम एक हैं – नारा बुलंद हो,
सरहद की दोनों ओर चहकता चमन रहे
વડોદરાના મીનાક્ષી ચંદારાણા ગઝલની પંક્તિને બખૂબી ગીત બનાવીને પીરસે છે અને બે ધર્મ, બે પ્રાંત અને બે માણસોના મીઠા મિલનથી વાતાવરણને રંગી દે છે:
कविता हो शायरी हो, गाना हो, हो तरन्नुम,
हो भक्ति, हो तसव्वुफ, हो प्रेम, हो तगझ्झुल,
आझान आरती का मीठा मिलन रहें…
सरहद की दोनो और चहकता चमन रहें ।
-તો અમિત ત્રિવેદી સરહદને જોનારી આંખોને અંધકરાર આપે છે:
अंधी जो आंखे देख सके उस लकीर को –
बोलो क्युँ देखे हम भी वो जिस पर कफन रहे
– યુ.કે.થી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના માનદ્ સેક્રેટરી શ્રી સિરાઝ પટેલ ‘પગુથનવી’ પણ કાયમી શાંતિની આશાને પુષ્ટિ આપે છે:
सरहदकी दोनों और चहकता चमन रहे’
बेसाखता हे हसरत अमनो अमन रहे
અમેરિકાથી ‘ઊર્મિ’ પણ અંતરો વચ્ચેના અંતરને ઓછું કરવાના મતની છે અને માથા પર કોઈ સીમા વિના વિસ્તરેલા આકાશના વિશાળ ઐક્યને દિલોમાં ઉતારવાની મધુરી વાત કરે છે:
हर दिलसे ये दुआ उठे की दूरियां हो कम,
दोंनो तरफको चैन मिले और अमन रहे.
तो क्या हुआ अलग है जमीं और अलग धरम,
यु इक बने रहे सभी जैसे गगन रहे.
-જેતપુરના તબીબ કવિ ડૉ. જે.કે. નાણાવટીનો અંદાજ-એ-બયાઁ બધાથી નિરાળો છે. એમની પંક્તિઓ દિલ પર સદાકાળ માટે અંકિત થઈ જાય અવી છે:
आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे
भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे
-અમેરિકાથી સુધીર પટેલ પણ એમની હળવી સરળ બાનીમાં ઊંડી અને ઊંચી વાત કરે છે:
हद की लकीर चाहे रहे नक़्शे पे यहां ,
दिल पे मगर ना कोइ भी हद का चलन रहे |
– સુરતના કવિઓના દિલની વાત આવતા શનિવારે….
Permalink
February 5, 2010 at 12:55 AM by વિવેક · Filed under ગઝલ, શબ્દપ્રીત
નામ તારું ટેરવે સંભળાય છે
ને હથેળી સ્પર્શથી છલકાય છે
ઝાડ, માળો, ડાળને છોડ્યા પછી
એ જ પંખી આભનું થઈ જાય છે
લાગણીની લોકશાહી જોઈ લે
પાનખરમાં પર્ણ સૌ મલકાય છે
જે નથી વાંચી શકાતું શબ્દમાં
એ જ તારી આંખમાં વંચાય છે
જે મને ઉદગાર થઈ ભેટયા હતા
એ હવે પ્રશ્નાર્થ થઈ પરખાય છે
– શબ્દપ્રીત
ટેરવાં સાંભળે અને હથેળી અમૂર્તને અનુભવે એ વાત કેવી મજાની છે અને કવિએ કેવી સરસ રીતે કરી છે ! સંબંધોના અલગ-અલગ સમીકરણોને તાગવા મથતી ખૂબસુરત ગઝલ…
Permalink
February 4, 2010 at 9:46 PM by ધવલ · Filed under ગઝલ, મૂકેશ જોષી
પ્રેમમાં કયાં જાણકારી જોઈએ,
બસ હૃદય વરચે કટારી જોઈએ.
શ્રીહરિ ને છોકરીમાં સામ્યતા,
બેઉ પણ માટે પૂજારી જોઈએ.
આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાંય બારી જોઈએ.
નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દીકરા જેવો મદારી જોઈએ.
એ અગાસીમાં સૂતેલાં હોય તો
ચાંદ પર મારે પથારી જોઈએ.
– મૂકેશ જોશી
આજે મૂકેશ જોશીની એક રમતિયાળ ગઝલ માણો. પહેલો શેર તો આપણા બધાયનો માનીતો શેર છે. એ સિવાય આપણા ઘરમાં… શેર પણ મારો ગમતો શેર છે.
Permalink
February 3, 2010 at 1:15 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…
આંખોં જરા પહોળી કરી – પાછા જુવે સામું –
વણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !…
જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…
મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..
અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !
– કવિ રાવલ
જીવન પરત્વે પારદર્શક કાચ જેવો સ્પષ્ટ અને સાફ અભિગમ ધરાવતા સીધી લીટી જેવા લોકો ક્યારેક સમાજ માટે એક કોયડો બની રહે છે. કવિની એક જ હથેળીની પાંચ આંગળી સમા આ ગઝલના પાંચેય શેરમાંથી આ જ વાત ટપકી રહી છે…
Permalink
February 2, 2010 at 10:27 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.
આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?
હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?
– પન્ના નાયક
એક સન્નાટાની જેમ ત્રાટકતી કવિતા. મૂળસોતા ઊખડેલા મનની વિપદાનું ધારદાર વર્ણન. આ ‘શોધ’ શેની શોધ છે ? પોતાના ઘરની, પોતાના મૂળની કે પોતાની જાતની ?
Permalink
February 1, 2010 at 9:35 PM by ધવલ · Filed under ગઝલ, નિરંજન યાજ્ઞિક
ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતીમાં પગલાંનું ટળવળવું હવે
ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…
દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…
એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…
રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…
– નિરંજન યાજ્ઞિક
અભાવના અનુભવની, ઘેરા રંગને ઘુંટતી ગઝલ.
Permalink
January 31, 2010 at 3:24 PM by તીર્થેશ · Filed under જગદીશ જોષી, સોનેટ
વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.
ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!
ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !
તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….
-જગદીશ જોષી.
પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.
Permalink
January 30, 2010 at 12:05 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
વર્ષમાં ઋતુ હોય શિયાળો,
શિયાળામાં માસ જાન્યુઆરી,
અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,
તયેં ઠંડીગાર પકડ હૃદયથી
નિચોવે છે ટપ-
કું રક્તનું,
વિશ્વ જેવડું વિશાળ
પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.
– ઉમાશંકર જોશી
આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન -શહીદ દિન- નિમિત્તે લયસ્તરો તરફથી એ યુગપુરુષને નાનકડી શબ્દાંજલિ.
એક નાનું અમથું કાવ્ય જ્યારે આકાશથીય વિશાળ સાક્ષાત્ પ્રેમસ્વરૂપ પરમાત્માને વામનના ત્રણ પગલાંની જેમ માપી શકે ત્યારે શબ્દની તાકાત ખરેખર શું છે એ ખબર પડે છે. સાચું અછાંદસ કોને કહેવાય એ જાણવું હોય તો આ કવિતા ચૂકવી ન જ જોઈએ. શિયાળાની ઋતુમાં શરીર નિચોવી નાંખતી ઠંડી જાણે ત્રીસમી જાન્યુઆરીના દિવસે હૃદય નિચોવતી હોય એમ કવિ અનુભવે છે કેમકે આ દિવસ ભારતના ઇતિહાસનું સહુથી કાળું પાનું છે. વાત એક સંવેદનાસિક્ત લોહીના ટીપાંની જ છે પણ કવિ ‘ટપકું’ શબ્દને ‘ટપ’ અને ‘કું’માં વહેંચી દઈને જાણે અમૂર્તને મૂર્ત કરે છે એમાં જ આ કવિતાની ખરી કમાલ છે… પણ આ ટપકું ગાંધીના હૃદયમાં વાગેલી ગોળીના કારણે નીકળ્યું છે.. એ વિશ્વ જેવું વિશાળ છે અને એમાં સાક્ષાત્ પરમાત્મા પ્રતિબિંબિત થાય છે…
ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને !!
Permalink
Page 78 of 113« First«...777879...»Last »