શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.
– રક્ષા શુકલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

શ્વેત પરછાઈ – કનક રાવળ

સમો દિવાળીની રાત, શરદના શીતળવા
ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે
રચાયો રાસ રત્ન રાશિનો
આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે
પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા
આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની
ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
મઘમઘી દિશાઓ પુષ્પગાને,
યાદી ભરી ગતરાત્રિ સંવનનોની,
મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
થયું ભાથું ભેગું અતીત ઓવારે
રહી બાકી શ્વેત પરછાઈ
– ધરી રક્તબિંબ અધરે

– કનક રાવળ

White Shadows

Blazing with zillion diamond stars
Was the autumn night of the moonless Diwali Amaas
They all took to their heels
At the first rays of the New Year morning sun.
Did they leave behind something in their celestial exodus?
Carpeted was the dew-wet ground under the Parijat tree
-With millions of them.
Beautiful snow-white five star petals with their stubby sunset red stems.
-And they all were singing in unison
A haunting tune of their divine fragrance
In memory of the last night.
It was embedded in the vaults of nostalgia for the years to come.
Have you ever seen?
-White Shadows with Red Kisses?

– Kanak Ravel

દિવ્ય વૃક્ષ ગણાતા ‘પારિજાત’ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાઈ ચૂકી છે. કહે છે કે પારિજાતિકા નામની રાજકુમારી સૂર્યના પ્રેમમાં પડી અને અછોવાનાં કર્યા પછી પણ જ્યારે એ સૂર્યનું દિલ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે એણે આત્મહત્યા કરી. એની રાખમાંથી એક વૃક્ષ ઊગી આવ્યું જેના પર માત્ર રાત્રે જ પુષ્પો ખીલે છે અને સવારે સૂર્ય ઉગતાની સાથે જ એ સઘળાં ફૂલો જાણે કે રાજકુમારીના આંસુ ન હોય એમ ખરી પડે છે. (દંતકથા સાચી હોય કે ન હોય, પારિજાતના સમયચક્રની આ વાત જરૂર સાચી છે !) (botanical name: Nycatanthes Arbortristis. Nyctanthes means ‘night flowering’ and Arbortristis means ‘The sad tree’ or ‘The tree of sorrow’)

એવી પણ વાયકા છે કે શ્રી કૃષ્ણ આ વૃક્ષ સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા અને સત્યભામા અને રૂક્મણી વચ્ચે એ વૃક્ષ પોતાના આંગણમાં રોપવા બાબત ઝઘડો થયો. શ્રી કૃષ્ણે એ વૃક્ષ પછી સત્યભામાના બાગમાં એ રીતે રોપ્યું કે ફૂલ બધાં રૂક્મણીના આંગણામાં પડે!

એવું પણ મનાય છે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ પ્રગટ થયું હતું. પારિજાતના ફૂલો મા દુર્ગાના આવણાંના પડછમ પોકારે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ બંનેના મહત્ત્વને એમની કવિતાઓમાં સ્થાન આપ્યું છે. અન્ય પુષ્પોથી સાવ વિપરીત પારિજાતના પુષ્પો એકમાત્ર એવા પુષ્પો છે, જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.

પારિજાતના પુષ્પોની ચારથી આઠ પાંખડી લોહી જેવા નારંગી રંગની ફરતે ચક્રની જેમ ગોઠવાયેલી હોય છે. એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.

પારિજાત વિશે આટલું જાણ્યા પછી કવિતા અને એનો કવિએ જ કરેલો અંગ્રેજી અનુવાદ- બંને માણીએ…

Comments (14)

અડધું-અધૂરું – હર્ષદ ચંદારાણા

ખૂબ મથતો પણ ‘તને’ હું ઓળખું અડધું-અધૂરું
એ જ કારણથી રહ્યું છે આયખું અડધું-અધૂરું

શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું

આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું

હું કદી ‘તારા’ સુધી પહોંચ્યો નથી, સાચું ! પરંતુ
છે સબબમાં કેડીઓનું માળખું અડધું-અધૂરું

‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું

– હર્ષદ ચંદારાણા

કવિએ ખૂબ જ વેધક વાત કરી છે-  આપણે આ ‘તું’ને અડધું-અધૂરું જ જાણીએ છીએ… કદી પૂરેપુરા જાણી શકતા જ નથી.   પછી ભલેને એ ‘તું’ એટલે કે ઈશ્વર હોય, પ્રેમી હોય, પ્રેમ હોય કે પછી ખુદનો માંહ્યલો.  ‘તું’ની છે…ક ભીતર લગી કદી પહોંચી શકતા જ નથી, અને એટલે બધુ તો અડધું-અધૂરું લાગે જ છે પણ જાત પણ અડધી-અધૂરી લાગે છે !

Comments (26)

ગઝલ – સુરેશ ઝવેરી

ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.

 પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં. 

દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!

સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.

ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!

વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.

– સુરેશ ઝવેરી

દોરાધાગા ને ટીલાંટપકાંવાળા ઠેર ઠેર ફૂટી નીકળતા અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારા કહેવાતા ચમત્કારીક ‘અવતારી’ બાબાઓ ખરેખર તો પેલી દસ માથાળી રાવણવૃત્તિથી વિશેષ હોતા જ નથી… કાશ, આટલી વાત ‘શ્રદ્ધાળુ’ ભક્તો સમજી શકે !   ગંગાજળવાળો શે’ર તો ખૂબ જ સ્પર્શી ગયો…

Comments (9)

ધારો કે – મનહર મોદી

ધારો કે હું ધારું છું
હું લીલું લલકારું છું

મારો સૂરજ સાદો છે
એને હું શણગારું છું

હોડીમાં હું બેઠો છું
દરિયાને હંકારું છું

ફાગણમાં ફૂટ્યું ફૂલડું
ચૈતરમાં વિસ્તારું છું

ભડકાજી, આવો ઘરમાં
હું સૌને સત્કારું છું

– મનહર મોદી

Happiness is not getting what you want, it is wanting what you get. આ ગઝલમાં એ ભાવને મઝાનો વણી લીધો છે. મન ચંગા તો… એવી સ્થિતિએ પહોંચીને કવિએ જીંદગીને સરળ કરી નાખી છે. અને એ મોટી વાતની જાહેરાત એ આ નાની બહેરની ગઝલથી કરે છે.  સદા ‘લીલું’ લલકારવામાં, સાદાને શણગારવામાં, ‘હોડી’ને બદલે ‘દરિયા’ને હંકારવા (એટલે કે મનોસ્થિતિને પરિસ્થિતિ મુજબ બદલી નાખવામાં), આજના (ફાગણના) આનંદને કાલ (ચૈત્ર) સુધી વિસ્તારવામાં અને દરેક માણસને (ભડકા જેવા ને પણ) સત્કારવામાં – આ દરેકમાં એક નાનું સુખ છે. નાના નાના સુખને જોડવાથી જ એક સુંવાળી-હુંફાળી જીંદગી બને છે.

Comments (11)

આંખની સામે ઊભરાય છે દ્રશ્યો – શ્રીનાથ જોશી

દ્રશ્યોનો શાંત સમુદ્ર…
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.

– શ્રીનાથ જોશી

દ્રશ્યોની આંગળી પકડીને અદ્રશ્ય તરફ જવાની વાત છે. મન દ્રશ્યોથી એવું ભર્યું ભર્યું થઈ જાય કે દ્રશ્યને અતિક્રમી જાય ! બીજી રીતે જુઓ તો આ અવાજોની આંગળી પકડીને મૌન તરફ જવા જેવી વાત છે. યાદ કરો, ધ્યાનમાં મંત્રનો સહારો લઈને જ મનને સમાધિ તરફ લઈ જવાનું હોય છે.

ઓહ ! આ તો સૌંદર્યો પીને ઊઘાડી આંખે સમાધિ પામવાની વાત છે – અને એય શાંત, ધીમી, લાવણ્યમય ગતિએ  !

Comments (5)

ગઝલ – હરીન્દ્ર દવે

સાદ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.

વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.

આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.

એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.

જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.

આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.

મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.

– હરીન્દ્ર દવે

બધા જ શેર એકમેકથી ચડે તેવા છે. મન્સૂર-અલ-હિલ્લાજ સૂફી મસ્તરામ હતો જેણે મશહૂર એલાન કરેલું – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. ઇસ્લામમાં તે વાક્ય –‘હું જ ઈશ્વર છું’– ને સમાનાર્થી ગણાય. આ ગુસ્તાખી બદલ તેને ક્રુરતાપૂર્વક ત્રાસ અપાયો છતાં તેણે પોતાનું વિધાન પાછું ન ખેંચ્યું. અંતે તેનો વધ કરાયો. આ અનુસંધાનમાં છેલ્લો શેર છે.

Comments (10)

પ્રેમ – શેખ નુરુદ્દીન વલી

પ્રેમ
.            એ તો એક માત્ર પુત્રનું મરણ :
.            માતા કદી ચેનથી સૂએ ?

પ્રેમ
.            એ તો મધમાખી કેરા વિષડંખ :
.           લાગ્યા પછી ચેન કોઈ લહે ?

પ્રેમ
.          એ તો હૃદયે હુલાવેલી કટાર :
.          પછી એક નિસાસો ય રહે ?

– શેખ નુરુદ્દીન વલી

પ્રેમની વ્યાખ્યા કદાચ મનુષ્યજાતિ જેટલી જ જૂની છે છતાં પ્રેમ કદી પૂરેપૂરો પરખાયો નથી. કબીર જેવો જ્ઞાનપંથી કવિ પણ ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય જેવો મત ધરાવે છે. તો મીરાબાઈ પણ લાગી કટારી પ્રેમની ગાયા વિના રહ્યા નથી. અહીં કાશ્મીરના સૂફી સંત કવિએ આપેલી ત્રણ વ્યાખ્યાઓ કદાચ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓમાંની એક છે.

એકનો એક પુત્ર મરી જાય ત્યારે એની માતા કેવી વેદના અનુભવે ? મધમાખીનું ટોળું તૂટી પડે અને રોમે-રોમે ડંખ દે ત્યારે કેવી દાહ થાય ? એક કટારી સીધી હૃદયમાં જ ઉતરી જાય ત્યારે એક નિઃસાસો વ્યક્ત કરવાનીય સુધ બચે ખરી ? આ અનુભૂતિઓનો સરવાળો… શું આ જ પ્રેમ છે ?

Comments (7)

ગોવાલણ – ઇન્દિરા સંત (અનુ. સુરેશ દલાલ)

મારે કેટલું બધું રડવું’તું
પણ… મારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવું’તું
પણ…
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયો’તો
મારે કેટલું બધું બોલવું’તું,
પણ… પેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધો’તો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવું’તું…
પણ… પગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધો’તો :
તેથી જ…
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું.

– ઇન્દિરા સંત (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધા-કૃષ્ણના પ્રેમના કાવ્યો તો હજ્જારો લખાયા છે. પણ એક સામાન્ય ગોવાલણના હૃદયને કેટલા કવિઓએ આલેખ્યું હશે?! એક ગોવાલણના હૃદયનો ભાવોદ્રેક અહીં સરળ શબ્દોમાં સબળ આલેખાયો છે. પ્રેમમાં તો કંઈ કેટલુંય રડવાનું, બોલવાનું ને વિહરવાનું હોય, પણ પ્રેમ એકતરફી હોય ત્યારે પ્રેમના સાધન જ વ્યવધાન બની રહેતાં હોય છે… પ્રેમની ઉત્કટતાને અક્ષરદેહ આપવા કવિ અંતે ગેડી-દડા અને કાળીનાગના પ્રતીકો બખૂબી પ્રયોજે છે. ચારેતરફ સંસાર નડતર બનીને પ્રણયાભિવ્યક્તિની આડે ઊભો હોય ત્યારે સહેજે મન થાય કે આના કરતાં દડો થઈ યમુનામાં ડૂબી જઈએ તો ક્હાનજી બધાંને છોડીને પાછળ આવશે પણ જુઓ તો કમનસીબી ! ત્યાંય કાળીનાગ કાનાને વહેંચી લેવા ઊભો જ છે !

Comments (7)

આપણે – રતિલાલ બી. સોલંકી

 લાશ ખુદની ઉંચકીને ચાલનારા આપણે,
તે છતાં ખોટા ભરમમાં રાચનારા આપણે.

કોણ કોનું સુખ દેખી થાય છે રાજી અહીં,
રામને વનવાસ આપી કાઢનારા આપણે.

જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.

સંત જેવો એ હતો, શયતાન ક્યાંથી થઈ ગયો ?
હાથમાં ચાકુ-છરી પકડાવનારા આપણે.

ને પટાવી-ફોસલાવી ટોચ પર મૂકી દીધો,
સ્થિર થાશે એટલામાં પાડનારા આપણે.

પીઠબળ એનું હતું તો થઈ શક્યા પગભર તમે,
પીઠ પાછળ કારમો ઘા મારનારા આપણે.

– રતિલાલ બી. સોલંકી

‘આપણા’પણાંને છડેચોક નગ્ન કરતી ધારદાર ગઝલ… વાંચતાવેંત સોંસરવી ઉતરી ગઈ !  ‘આપણે’ વિશે આટલું જાણ્યા પછી આ ગઝલ વિશે આપણે કંઈ બોલવાનું રહે ખરું?

Comments (14)

ફૂલ ફૂટ્યાં છે – હરિકૃષ્ણ પાઠક

અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
આમ જુઓ તો ઊડતી પીળી પામરી
અને આમ જુઓ તો ઝૂલતી રાતી ઝૂલ;
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

પંચમસૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યાં, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એનાં અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

– હરિકૃષ્ણ પાઠક

વસંતપંચમી આવે રંગબેરંગી ફૂલો અને કોયલનાં ટહુકાઓ જરૂર યાદ આવે, પણ જો વસંતપંચમી આવે એની ખબર હોય તો !  આજે શહેરોમાં કદાચ ઘણાને ખ્યાલ પણ નથી રહેતો કે વસંતપંચમી ક્યારે આવી ને ક્યારે ગઈ.  આજે જ ક્યાંક વાંચ્યું કે દીકરાની શાળામાં વસંતપંચમી વિશે ભણવાની વાત આવી ત્યારે મા-બાપને યાદ આવ્યું કે આજે વસંતપંચમી છે.  વેસ્ટર્ન વેલેંટાઈંસ ડે માટે કદી આવું નથી થતું.  એ હાલત માત્ર એકની જ નહીં, આપણા જેવા અનેકોની છે.  અમારે ત્યાં પણ વસંત તો આવે જ છે પણ જરા મોડી આવે છે. અને જ્યારે આવે છે ત્યારે આખું વાતાવરણ ટ્રાંસફોર્મ થઈ જાય છે.  ઘરમાંથી બહાર નીકળતા જ રસ્તાની બાજુમાં ઠેર ઠેર રોપવામાં આવતા ચેરી બ્લોસમ્સથી ભરાઈ ગયેલા ઝાડ, બાગ-બગીચા તથા ઘેર ઘેર રોપેલા ખાસ સ્પ્રિંગમાં ઉગતા ફૂલો કદી અમને ભૂલવા જ નથી દેતા કે ‘Spring is here!’  આ વસંતગીતમાં ‘પંચમસૂર રેલાવતો કોકિલ’  શબ્દો વાંચીને મને યાદ આવ્યો તાજેતરમાં જ વાંચેલો ગુ.સ.નો એક લેખ… જેમાં લખ્યું હતું કે– વસંતમાં મીઠા ટહુકા ટુહૂ ટુહૂ ટુહૂ નરકોકિલ કરે છે.  કોયલડી તો ગાતી જ નથી.  છતાં કવિઓ નરકોકિલને ડોન્ટકેર કરીને કોયલડીની પાછળ જ પડ્યા છે.   🙂

લયસ્તરોનાં વાચકોને વસંતપંચમીની અઢળક વાસંતી-શુભેચ્છાઓ.

Comments (5)

એમ પણ નથી – ભરત વિઝુંડા

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી.

તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.

એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી.

આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

– ભરત વિઝુંડા

દેખીતી વાત અશક્તિની છે. અંદરની વાત આસક્તિની છે. નિરાકાર થવા છતા કવિને છુપાવામાં ફાંફા પડે છે ! અવ્યક્તનો અહેસાસ જ પોતાને વ્યાખ્યાયિત કરે છે એ કબુલ કરતા કવિ, આડકતરી રીતે પોતાને જ વ્યક્ત કરે છે એ વિરોધાભાસ પર વિચાર કરી જુઓ તો ગઝલ વધારે ખુલે છે.

Comments (18)

મિલન – નિરંજન ભગત

વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

– નિરંજન ભગત

મિલનની ઘડીની અદભૂત શબ્દ-છબિ !

Comments (3)

જ્યાં તારું ઘર નથી – મરીઝ

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

મક્તામાં નામ ન હોય તો પણ પહેલા શેર થી જ ખબર પડી જાય કે આ મરીઝ સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે. ‘પાગલપણું આ…’ શેર મને શિરમોર સમાન લાગ્યો – કોઈકે મજનુંને પૂછેલું, ‘તું આ નુક્કડ પર શું કરે છે ? અહી લૈલાનું ઘર નથી.’ મજનું કહે, ‘મને દરેક જગ્યાએ લૈલા સિવાય કશું જ નથી દેખાતું તેથી જે ઘર ઉપર મારી નજર પડે તે લૈલા નું ઘર બની જાય છે !’ બીજો શેર પણ સુંદર છે – જાણીતી વાત સરસ અંદાઝમાં કહેવાઈ છે.

Comments (14)

કવિનો હાથ – નલિન રાવળ

કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પત્ર રે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઉછળંત લય

લય અહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.

-નલિન રાવળ

કવિનો, સર્જકનો હાથ જ્યારે હાથમાં આવે છે ત્યારે આકાશમાં સૂર્ય તાપ વરસાવતો નહીં, સ્મિત કરતો લાગે છે.  વસંતરાજના મહાસાગરનો મોહલ લય જે કદાચિત્ બ્રહ્મ અને બ્રહ્માંડના લય સાથે પણ તાલમેળ ધરાવે છે એની અનુભૂતિ કવિનો હાથ હાથમાં આવે ત્યારે થાય છે. પણ આ હાથ શું કોઈ સ્થૂળ હાથ છે? હરીન્દ્ર દવે આ કવિતા સમજાવતી વખતે ખૂબ સૂક્ષ્મ વાત કરે છે-

તમે ક્યારેય કવિના હાથ સાથે હાથ મેળવ્યો છે ?
હા ?
તો તમને આ બધી જ વાત ઉપલક લાગશે.
ના ?
તો તમને આ સમજાશે નહીં.

– હવે કવિના આ ‘હાથ’ વિશે ફરી વિચારીએ…

Comments (8)

ગઝલ – હીરજી સિંચ

વાત મારી સાંભળી લેજે સખા !
જો પછી કરતો નહીં કોઈ ડખા !

જા રહેવા દે દવા લેવી નથી
દર્દ લાગે છે મને આ નવલખા !

એકલો વરસાદમાં ચાલ્યો, અને –
ત્યાં મને આ કોણ વીંઝે ચાબખા !

તેં ય પીધી છે સુરાહી પ્રેમની
તો મને પણ સ્વાદ થોડો-શો ચખા !

– હીરજી સિંચ

ઓછા શેરની અને નાની બહેરની સહજ અને સરળ ગઝલ… વરસાદની ભીની મોસમમાં ‘એકલા’ નીકળવું પડે ત્યારે વરસાદનું ઝીંકાતું પાણી પાણી નહીં, ચાબખાની જેમ વાગે છે એ વેદના કવિએ કેવી સરસ રીતે કરી છે ! શેરનો ઉપાડ ‘એકલો’ શબ્દથી થાય છે એમાં જ ખરી કવિતા સર્જાય છે…

Comments (12)

નથી જોયું -મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.

પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.

નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?

મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.

નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.

રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.

ભલે ગાફિલ કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.

-મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

(જન્મ: ૨૭-૭-૧૯૧૪ – મૃત્યુ: ૯-૪-૧૯૭૨)

વિકસતા વ્હાલ જેવું વ્હાણું, શરમની લાલી જેવા રંગનું લ્હાણું અને પ્રિયાના નેન જેવું ઠકરાણું — આ રૂપકો તો દિલને ખૂબ જ અડી ગયા… (સાચું કહું તો ગલગલિયા કરાવી ગયા !  🙂  )  આપણને જીવાડવા માટે આપણામાં સતત પ્રાણ પૂરે છે અને તે છતાં હવા અદૃશ્ય રહે છે;  બિલકુલ દેખાડો કર્યા વગર અદૃશ્ય રહીને અપાતું આના જેવું મીઠું ઉપરાણું જીવનમાં બીજું કંઈ હોઈ શકે ખરું ?

કવિશ્રીનાં કાવ્યસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩) માંથી સાભાર.  આ કવિએ ‘સરોદ’નાં ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’નાં તખલ્લુસથી ગઝલો લખી છે.

* લયસ્તરોનાં વાચકોને લયસ્તરો-ટીમ તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ… આગળ મૂકેલા પતંગ-કાવ્યો આજે ફરી અહીં માણો:

Comments (9)

ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ…

પ્રિય મિત્રો,

ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:

“सरहद की दोनों ओर चहकता चमन रहे |”

– આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર, 47, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…

આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…

Comments (9)

હવે કેટલો વખત – હરીશ મીનાશ્રુ

(પુણ્ય સ્મરણ: મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’)

ઊઠતી બજારે હાટ, હવે કેટલો વખત?
વહેવારનો ઉચાટ, હવે કેટલો વખત?

*
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.

પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.

ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.

રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત

છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત

પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત

અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.

પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત

– હરીશ મીનાશ્રુ

કવિની વિચારસૃષ્ટિના ઊંડાણનો પરિચય આ ગઝલમાં થાય છે. છેલ્લા પાંચે શેર એકમેકથી ચડે તેવા થયા છે. હવે એક આખો દિવસ આ બધા શેરને મમળાવવામાં જશે.આ ગઝલ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ની એક પંક્તિ અને રદીફ-કાફિયા લઈને એમના પુણ્યસ્મરણ રૂપે લખાયેલી.

(ગફલતથી આ ગઝલ કવિ મકરંદ દવેની છે એવું આગળ મૂક્યું હતું. એ ભૂલ સુધારી લીધી છે. એપ્રિલ 2020)

Comments (7)

સ્વભાવ હશે – ગની દહીંવાળા

નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.

દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે  !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.

બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.

બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય !
છૂપો વસંતની વાણીમાં વેરભાવ હશે.

અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.

પણે રસે છે સિતારાને લાગણીના રસે,
કોઈ તો રોકો, કે એ આપણો સ્વભાવ હશે.

હસી પડે છે હવે તો ઉદાસીઓ ય ‘ગની’ ,
નવી નવાઈના જન્મેલ હાવભાવ હશે.

– ગની દહીંવાળા

ગનીચાચાની સુંવાળી ગઝલ. સૌથી સરસ શેર એ છેલ્લો શેર છે : નવી નવાઈની જન્મેલી ઉદાસીઓના હસી પડવાની વાત જ મઝાની છે !

Comments (11)

એકલો જાને રે – રવીન્દ્રનાથ ઠાકુર

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી, 
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …  

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ  એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી  ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

– રવીન્દ્રનાથ ઠાકુર
( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

ગાયક : ભાઈલાલભાઈ શાહ
(આભાર: મેહુલ શાહ)

[audio:http://dhavalshah.com/audio/TariJohak.MP3]

મૂળ બંગાળી રવિન્દ્રનાથના સંગીત સાથે :
ગાયક : કિશોરકુમાર

[audio:http://dhavalshah.com/audio/EkloJane.mp3]

રવિબાબુનું આ કાવ્ય અનિવાર્ય રીતે આકર્ષક છે. શબ્દો કોમળ છે અને દરેક પંક્તિ માં રવીન્દ્રનાથ છલકે છે. અર્થ સ્પષ્ટ છે – મનચાહ્યો  સંગાથ હોવો તો ઘણી સારી વાત છે જ,પરંતુ જયારે આપણે વણખેડાયેલા અથવા જોખમી માર્ગે ધપીએ છીએ ત્યારે સંગાથનો અભાવ આપણા પગની બેડી ન બની જાય તે કાળજી આવશ્યક છે. બાહ્યયાત્રા માટે આ વાત જેટલી સાચી છે તેટલી જ તે અંતરયાત્રા માટે પણ સાચી છે. સાથ ન દેનાર માટે આ કાવ્ય માં કોઈ કટુતા નથી તે આ કાવ્ય ની સુંદરતા છે. 

મૂળ બંગાળીમાં લખાયેલા ગીતનો અનુવાદ પણ ધ્યાનાકર્ષક છે. ગાંધીજી ની વિશેષ પ્રીતિ ને પામેલું આ ગીત Robert Frost ના કાવ્ય – Road  less traveled ની યાદ અપાવે છે.

Comments (7)

ગઝલ – ડૉ. નીરજ મહેતા

ભલે તું બાદશાહી દે
ધરાની ધૂળને ભૂલું નહીં એવી ઊંચાઈ દે

હૃદયનું ખોરડું નાનું
બધા અક્ષર પરત લઈ નાથ મુજને ફક્ત ઢાઈ દે

થશે કર અબઘડી પાંખો
ખરેખર આપવી હો તો મને ચોપાસ ખાઈ દે

ધર્યો ચોખ્ખો જ ઉરકાગળ
ગઝલ આપી ન દે તો કૈં નહીં નાની રૂબાઈ દે

બધું ફાવી ગયું ‘નીરજ’
કવન રંગીન રાખીશું ભલે કાળી સિયાહી દે

– ડૉ. નીરજ મહેતા

શેરના ઉલા મિસરા (પહેલી કડી)માં લગાગાગાના બે આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં એનાથી બેવડા આવર્તનો લઈને ચાલતી આ ગઝલને શું કહીશું? દોઢવેલી ગઝલ? વિષમ છંદ ગઝલ?

ગઝલના બંધારણને જે નામ આપવું હોય એ આપીએ પણ મને તો કવિનો ખુમારીદાર મિજાજ ગમી ગયો. સમૃદ્ધિના શિખરે પણ છકી ન જવાની ચિવટાઈ સ્પર્શી ગઈ. નાના અમથા હૃદયમાં બીજું કશું ન માઈ શકે તો કંઈ નહીં, માત્ર પ્રેમના અઢી અક્ષર જ સમાઈ શકે તોય કવિ ખુશ છે. અને જિંદગી પાસેથી ભલે દુઃખ અને વેદનાની કાળી શાહી કેમ ન મળે, કવિ એના કાવ્યોને રંગીન ઓપ જ આપવા માંગે છે… સાહિરના લબ્ધપ્રતિષ્ઠ શેરથી સાવ વિપરીત પણ કદાચ વધુ ઉજળી વાત છે આ. (દુનિયાને તજુર્બાતોં હવાદિશ કી શક્લમેં, જો કુછ મુજે દિયા હૈ, વો લૌટા રહાહૂઁ મૈં)

Comments (15)

ગઝલ – દિલેરબાબુ

લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.

સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.

તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.

પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ત્યાં ટોળે વળ્યું હશે.

તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.

ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.

– દિલેરબાબુ

(જન્મ : ૧૪ -૦૬-૧૯૪૬, મૃત્યુ : ૦૪-૦૧-૨૦૧૦)

રવિવારે રાજેન્દ્ર શાહ જેવા દિગ્ગજ કવિના દેહાવસાનના ડુંગર પછીતે સોમવારે ભાવનગરના દિલેરબાબુના નિધનના સમાચાર લગભગ સાવ જ ઢંકાઈ ગયા.  બી.એ.ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ અને પોસ્ટ ખાતામાં નોકરી. ભાવનગરના ભાદ્રોડ (મહુવા) ખાતે શબ્દની મૂંગી આરાધના કરતા આ કવિ પ્રસિદ્ધિની પાછળ કદી દોડ્યા નહોતા. એમના સુંદર કવિકર્મની જો કે યોગ્ય નોંધ પણ કદી લેવાઈ નથી.

‘લયસ્તરો’ તરફથી શબ્દના આ મૌન આરાધકને એન નાની-શી શબ્દાંજલિ !

Comments (17)

(તૈયાર છું) – રવીન્દ્રનાથ ટાગોર, અનુ.: શૈલેશ પારેખ

મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.

– રવીન્દ્રનાથ ટાગોર
અનુ.: શૈલેશ પારેખ

ગઈકાલે ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો વાંચ્યા: “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”

– આ વાંચીને ટાગોરની આ કવિતા યાદ આવી ગઈ. મૃત્યુ અફર છે એ જાણવા છતાં અને પ્રત્યેક શ્વાસ મૃત્યુ તરફની અનવરત ગતિ હોવાનું પૂર્ન જ્ઞાન હોવા છતાં દરેક મનુષ્ય પોતે કદી મરવાનો જ નથી એ જ રીતે જીવતો હોય છે અને મૃત્યુની એંધાણી મળે ત્યારે બહુધા સ્વસ્થ રહી શક્તો નથી. ઋષિકવિ જ મૃત્યુને આવકારી શકે. મરતી વખતે વિદાય લેવાની કવિની આ રીત ખરેખર તો જિંદગીનું ગૌરવગાન છે. ‘હવે પરોઢ થયું છે’ પંક્તિમાં આ કાવ્ય ખરો ઉજાસ પામે છે…

Comments (7)

મુક્તક – મનીષ પરમાર

ચાલચલગત જીવની ધૂની હતી
ખૂબ ઈચ્છાની રમત જૂની હતી
એમનાં પગલાં સુંઘી આવું ઘેર
સાંજ પડતાં શેરીઓ સૂની હતી

– મનીષ પરમાર

Comments (3)

નવા નવા – ‘રાઝ’ નવસારવી

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.

તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.

તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.

તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.

– ‘રાઝ’ નવસારવી

હજુ તો ગઈકાલે જ મૃત્યુને ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ ગણાવીને રાજેન્દ્ર શાહ ગયા. ને આજે આ ગઝલનો છેલ્લો શેર વાંચવામાં આવ્યો. આ બધી ફિલસૂફી પછી પણ જીવન(ની આસક્તિ) અને મૃત્ય(ના ડર) ના સમીકરણો ક્યાં બદલાય છે ? એ ખરેખર જો બદલાય તો તો પયગંબરી મળે.

Comments (13)

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહના ગીતોમાંથી સૌથી વધુ લોકચાહના મેળવનાર આ ગીતને કવિના મુખે સાંભળો. આ ઝલક સર્જક અને સાહિત્ય દસ્તાવેજી ફિલ્મશ્રેણીમાંની રાજેન્દ્ર શાહ પરની ફિલ્મ ‘નિરુદ્દેશે’માંથી લીધી છે. (નિર્દેશન: પરેશ નાયક, છબીકલા: રાવજી સોંદરવા, પ્રાપ્તિસ્થાન: ગુજરાતી સાહિત્ય પરિષદ )

 

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

Comments (4)

રાજેન્દ્ર શાહનું અવસાન: ગુજરાતી કવિતાના એક સૂર્યનો અસ્ત

અહો ! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
શ્યામ વસન શત દીપક અંકીત સોહે સુકોમલ ધાત્રી

નહીં ટહુકાર છતાંય નિખિલ શું સભર ભર્યુ તવ ગાને
અચંલની લહેરી સહ રમતો સમીરણ સુરભીત કાળે
હરખી હરખી રહી કશું મનોમન
ચંચલ ધૃતિમય ચમકે લોચન
અહો સુંદર…

અવગુંઠન થકી ઉદય પથે પલ પલ નિરખત હે રાત્રી
ક્ષિતિજ બની રહી રંગીન આવે કોણ અરુણરથ યાત્રી
અહો સુંદર…

-રાજેન્દ્ર શાહ

સંગીત : અજીત શેઠ

સ્વર : ભૂપિન્દર

[audio:http://dhavalshah.com/audio/sundar.mp3]

‘આપણા દુ:ખનું કેટલું જોર?’ એવું ગાનાર કવિ રાજેન્દ્ર શાહનું સત્તાણું વર્ષની વયે ગઈકાલે મુંબઈમાં અવસાન થયું છે. કવિનો જન્મ 1913માં કપડવંજમાં. એમના ગીતો અને સોનેટો આજે ય લોકોની જીભે રમે છે. એમણે થોડી ગઝલો પણ લખેલી. એમની કાવ્યસમૃદ્ધિ વીસ જેટલા સંગ્રહોમાં વિસ્તરાયેલી છે. એમને સૌદર્ય અને પ્રેમને બહુ બુલંદ અવાજે ગાયો છે. એમને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો.

કવિને ખરી શ્રદ્ધાંજલી એમની કવિતાને યાદ કરીને જ આપી શકાય. આજે મારું બહુ ગમતું ગીત અહીં મૂકું છું. ગીતમાં શરદની એક રાતનું વર્ણન માત્ર છે. પણ ગીતના શબ્દો અને સંગીતનો જાદૂ બન્ને ભેગા મળીને જે માહોલ રચે છે એ સ્વયં એક નશા સમાન છે. પહેલા આંખ બંધ કરીને ગીત સાંભળો અને એ પછી જ વાંચજો.

(વસન=વસ્ત્ર, ધાત્રી=પૃથ્વી, સમીરણ=પવન, ધૃતિ=સ્થિરતા,દૃઢતા, અવગુંઠન=ઘૂંઘટ)

Comments (22)

વર્ષો વીતી ગયાં છે – બંકિમ રાવલ

પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે,
જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ,
ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે.

સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે.

-બંકિમ રાવલ

મનોજ ખંડેરિયાની વરસોના વરસ લાગે ગઝલની યાદ આવે એવી પરંતુ જરા નોખી જ ‘ફ્લેવર’ ધરાવતી આ ગઝલ.. મારી દૃષ્ટિએ જેમ જેમ ગઝલ આગળ વધે છે એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. ઇન્ટરનેટ અને ટેલિફોનના પરિણામે દૂધ પીતી થઈ રહેલી ટપાલસેવાને સાંકળીને જે બે શેર લખાયા છે એ તો અદભુત છે…

Comments (8)

આંકો નૂતન કેડી ! – સ્નેહરશ્મિ

દિશ દિશ ચેતન રેડી
વન વન આંકો નૂતન કેડી !

ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી !
વન વન આંકો નૂતન કેડી !

પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી !
વન વન આંકો નૂતન કેડી !

ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી !
વન વન આંકો નૂતન કેડી !

– ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

‘લયસ્તરો’ના સમસ્ત વાચકગણને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક હો !

ત્રણ અંતરામાં કવિએ જે વાત કરી છે એ નવા વર્ષના દહાડે ગુંઠે બાંધી રાખવા જેવી છે. રસ્તો ગમે તેવો વાંકો-ચૂકો કે કઠિન કેમ ન હોય, સહુ સાથે મળીને એને ખેડીને સરળ બનાવીએ. દિશા-સ્થળ અને કાળના કાંટાળા થોર ઉખેડી ફેંકી વિશ્વમાનવ બનીએ.  ગઈકાલ અને આવતીકાલના ગોફણમાં સૂર્ય-ચંદ્રને ઊડાવી દઈને બ્રહ્મનું નિશાન તાકીએ…

Comments (7)

દીકરી જન્મ્યાનું ગીત – જતીન બારોટ

મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં
.                                જડતી રે પાણીની ઠીકરી.
.                            દીકરી આવી છે મને દીકરી.

મેશનું કરું હું એને કાળું તે ટપકું ને,
.                  બોખા મોઢે એ સ્હેજ હસતી,
કોઈ દી મેં દાદાને હસતા ના જોયા,
.                એ કરતા રે ગેલ અને મસ્તી.
મોટી થઈને મને રાખશે રે એમ
.                          જેમ માળામાં બચ્ચાંને સુગરી.
.                              દીકરી આવી છે મને દીકરી.

દીકરાનો દલ્લો તો લાગ્યો ના હાથ કોઈ,
.                        એમ કહ્યું કડવી તે ફોઈએ
એવી મિરાતની શું રે વિસાત
.            મારે બદલીમાં ઈશ્વર નહીં જોઈએ
એને રમાડું હું રાત અને દી,
.                            નથી કરવી રે કોઈનીય નોકરી.
.                                  દીકરી આવી છે મને દીકરી.

– જતીન બારોટ

પુત્રજન્મનું મહાત્મ્ય હજી જ્યાં લગીરે ઓછું થયું નથી અને સ્ત્રીભ્રુણહત્યાનું પાતક સરકારી પ્રતિબંધ પછી પણ ઘટ્યું નથી એવા દીકરીના દુકાળના દેશમાં આ ગીત સ્ત્રીજન્મના રાષ્ટ્રગીત સમું સોહે છે. એક બાપની સાવ સહજોક્તિ અનાયાસ કવિતા થઈ અહીં પાંગરી છે. ધીરગંભીર દાદાના બુઢાપાની સુક્કી ડાળી પર પણ દીકરી લીલુંછમ્મ પાન બનીને મહોરી છે. દીકરીના બદલામાં સાક્ષાત્ ઈશ્વર પણ મળે તો બાપને મન એ નક્કામો. દીકરીની નોકરી કરીએ તો બીજી કઈ નોકરી રુચે?

Comments (15)

મુક્તક – ખલીલ ધનતેજવી

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

Comments (12)

શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

– અશરફ ડબાવાલા

તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે.

Comments (15)

સૂર્ય અને ચંદ્ર – સુરેશ જોષી

સૂર્ય

થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાસના બોજાથકી;
જૂઈની કળીને ખભે
ટેકવી માથું શિશુશો ઢળી પડ્યો !

ચંદ્ર

અવાવરુ વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી,
સ્વપ્નો ગૂંથેં રેશમી ભાત રે કશી !

– સુરેશ જોષી

બે કાવ્ય-ચિત્રો. જાણે નર્યા સૌંદર્યની બે મીઠી ચૂસકીઓ. શબ્દોની મરકતી મીઠાશ અને વર્ણન-પીંછીના બારીકતમ લસરકાઓથી શોભિત.

Comments (6)

તો જગત શું કહેશે ? – હરીન્દ્ર દવે

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ?

જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ?

મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે ?

જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે ?

– હરીન્દ્ર દવે

માનવીના મનનું કુંડાળું અને દુનિયાનું વર્તુળ કદી એકરસ થઈ શક્તા નથી. સામાજીક પ્રાણી હોવાની કિંમત માણસે ક્ષણે-ક્ષણે ચૂકવવી પડતી હોય છે. મનને કંઈ ઓર જ કરવું હોય પણ દુનિયા શું કહેશે એ પ્રશ્ન સતત મન-હૃદય પર રાશ બનીને જકડાયેલો રહે છે. પ્રણય અને મૃત્યુ હરીન્દ્ર દવેની કવિતાના પર્યાય સમા છે. મૃત્યુથી શરૂ થતી આ ગઝલ પણ પ્રણયની ત્રણ ગલીઓમાં ફરીને અંતે મૃત્યુ પર જ સ્થિર થાય છે.

Comments (4)

પુનઃ – વિપિન પરીખ

રીટા,
એક વૃદ્ધ તમારી પાસે આવશે
એ કેટલા વખતથી હઠ લઈને બેઠો છે :
એને તમને કશું કહેવું છે
તમે એને ના ન કહેશો
એ આવશે
કશું બોલવાનો પ્રયત્ન કરશે
બોલી શક્શે નહીં, થોથવશે.
ધ્રુજશે ને પછી
એક શબ્દ પણ બોલ્યા વિના
પાછો ચાલી જશે,
પચાસ વર્ષ પહેલાં ચાલી ગયો હતો તેમ જ !

-વિપિન પરીખ

રીટા નામની કાલ્પનિક પ્રેયસી સાથેનો કાવ્યનાયકનો આ સંવાદ કવિતા પૂરી થાય ત્યારે હૈયામાં એક ટીસ જન્માવે છે. પચાસ વર્ષના એકપક્ષી પ્રેમ અને પચાસ વર્ષની નિષ્ફળ પ્રતીક્ષાના અંતે કાવ્યનાયક પ્રિયામિલનની આશા ત્યજી શક્યો નથી. પ્રેમ હઠીલો છે. શરીરે કરચલી પડી ગઈ છે, હોઠ થોથવાવા માંડ્યા છે અને પ્રેયસીને જે કહેવું છે એ કહેવાની હિંમત તો પચાસ વર્ષ પહેલાં પણ નહોતી અને કદાચ આજે પણ નથી પણ પ્રેમનો દેહ એવો ને એવો જ છે… અજર. અમર. સુરેશ દલાલ આ કવિતાને નિષ્ફળ પ્રેમની સફળ કવિતા તરીકે ઓળખાવે છે.

Comments (13)

ગીત – નેહા પુરોહિત

આમ જુઓ તો ઝળહળ ઝળહળ, આમ જુઓ તો આંસુ,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

છાતી માંહે સળવળ સળવળ ભ્રમરોની વણજાર,
હળવે હળવે વીંધે મારી ગઈકાલ ને આજ,
ભરી ભરી પાછું ઠલવાવું એમ થયું છે ખાસ્સું,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

તું ચૈતરીયું નભલું કોરું, હું આષાઢી મે’,
હું રે વરસું રિમઝિમ, તુંને માવઠડાનો ભે’,
આપ્યું આંખો બંધ કરી મેં, કેમ કરી તપાસું ?
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

ઊર્મિનો ભમ્મરીયો કૂવો છલ્લક છલ્લક થાતો,
પાળી બાંધી ઉપરવાસે અટકાવ્યો છલકાતો,
પિયુ, વિચારી ભરીયે ડગલાં, કોઈ રહે ના પ્યાસુ
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…

– નેહા પુરોહિત

દહીં વલોવાય ત્યારે માખણ સપાટી પર તરી આવે છે, ભીતર વલોવાય ત્યારે આંસુ! પણ આંખની મધ્યમ મધ્યમ ઝરમર જોઈને કંઈ અંદરના ચોમાસાનો ખરો અંદાજ આવે? પોતે અષાઢનો મેઘ હોવાની પ્રતીતિ સામે પ્રિયતમ ચૈત્રનું કોરું આભ હોવાની ખાતરી કેવી દર્દદાયી હોય છે ! છાતીમાં આવ-જા કરતાં શ્વાસ પણ ભમરાની જેમ શું કાલ કે શું આજ, આખા આયખાને ડંખે છે. પોતે ઊર્મિનો છલકાતો કૂવો હોય અને પ્રિયજન પાળ બાંધી દઈ એનું છલકાવું રોકી દે એય કેવું વસમું! પ્રેમમાં તો છલકાઈ જવાનું હોય, રેલાઈ જવાનું હોય અને ભીંજવી દેવાનું હોય… પ્રેમમાં કોઈ તરસ્યું રહે એ કેમ ચાલે ? પણ કાવ્યનાયિકાની આ વેદના કાવ્યનાયક સમજશે ખરો?

Comments (19)

ધરતીના સાદ – નાથાલાલ દવે

એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.

બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !

ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !

ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !

ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !

– નાથાલાલ દવે

સાચું ભારત તો એના ગામડાંઓમાં વસે છે પણ એ તો જેણે ગામડાંને જાણ્યું-માણ્યું હોય એ જ સમજી શકે.  આજે આધુનીકરણના બિલ્લીપગલે થતા સંક્રમણના પગલે ગામડાંઓ ઝડપથી ભુંસાવા માંડ્યા છે પણ કવિએ અહીં ગામડાંનું જે શબ્દચિત્ર દોર્યું છે અને પોતાનો અદમ્ય ગ્રામ્યજીવન પ્રેમ તાદૃશ કર્યો છે એ અજરામર છે…

Comments (5)

સ્વરૂપે અવસ્થાનમ્ – જવાહર બક્ષી

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.
અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એકસામટી જ સફર!
અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

અવસ્થાન એટલે અચળતા કે સ્થિરતા. આપણી ‘સ્થિરતાનું સ્વરૂપ’ સમજાવવા મથતી આ ગઝલ metaphysical ભૂમિકા પર રચાયેલી છે.

આપણી અંદર અસંખ્ય અણુઓ પરમાણુઓ અક્લ્પ્ય ઝડપે સતત ગતિશીલ છે. વળી આપણે જે પૃથ્વી પર છીએ એ અને સૂર્યમંડળ, આકાશગંગા અને સમગ્ર બ્રહ્માંડ પણ અવિરત ગતિશીલ છે. આ બધી અંદરની અને બાહરની ગતિની વચ્ચે આપણે એક મૂરખની જેમ વિચારીએ છીએ કે,  વાહ ! આપણે કેટલા ‘સ્થિર’ છીએ !

સ્થિરતા એક ભ્રમ છે. કવિ તો એથી આગળ જઈને પૂછે છે કે સ્થિરતા એ ય ગતિનું જ કોઈ સ્વરૂપ જ છે કે શું ? !!

ગતિ અને સ્થિતિ ની વચ્ચેની સિમા દેખાય છે એટલી સુદૃઢ નથી… દિશાઓનો સંકેત દેખાય છે એટલો અવિચલ નથી… ગંતવ્યનો આસાર એક ઘુમ્મસથી વધારે કાંઈ નથી. અનાદીકાળથી ચાલતી આ ગતિ-સ્થિતિની રમતમાં આપણે તો એક પ્યાદું જ છીએ. આપણું અસ્તિત્વ કશે પહોંચવાનો ‘ગણતરીપૂર્વકનો પ્રયાસ’ નથી… એ તો આંખનો ‘અમસ્તો ઉઘાડ-વાસ’ માત્ર છે.

Comments (8)

યાદગાર ગીતો… ના ! આ કંઈ અંત નથી સફરનો…

ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે છેલ્લા પંદર દિવસોમાં આપણે ગુજરાતી સાહિત્યના ત્રીસ યાદગાર ગીતો કવિ-પરિચય અને ગીત-પરિચય સાથે માણ્યાં. વીસમી સદીના ઉત્તરાર્ધમાંશ્વાસ ભર્યા હોય એવા ત્રીસ જ ગીતકારનું ચયન અમે અમારા વાંચન અને સૂઝ-બૂઝના આધારે કર્યું છે ત્યારે ઘણા સારા ગીતકારોને અમે ચૂકી ગયા હોવાની પૂરેપૂરી વકી છે… એ તમામ ગીતકારોની ક્ષમાપ્રાર્થના સાથે યાદગાર ગીતોની આ શૃંખલા હાલ અહીં અટકાવીએ છીએ… પણ હા… આ કંઈ અંત નથી સફરનો… ‘લયસ્તરો’ની યાત્રા તો શક્ય હશે ત્યાં સુધી અનવરત ચાલુ જ રહેવાની…

…આશા રાખીએ કે આપ સહુને ગુજરાતી ગીતોની આ સફરમાં મજા પડી હશે…

-ધવલ-ઊર્મિ-વિવેક
(લયસ્તરો ટીમ)

Comments (11)

યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? – મુકેશ જોષી

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
          સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
          કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
          તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
          વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
          આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?…  હું થોડા દિવસ…

– મુકેશ જોષી

મુકેશ જોષી (૦૨-૧૦-૧૯૬૫) મુંબઈમાં રહે છે. આ પેઢીમાં રમેશ પારેખનો વારસો જાળવી શકે એવા ચંદ ગીતકારોમાંથી એક છે. ગીત ઉપરાંત ગઝલ અને બીજા અનેક પ્રયોગો કર્યા છે. (કાવ્યસંગ્રહ: કાગળને પ્રથમ તિલક)

મુકેશ જોષીનું આ ગીત પ્રિયજનમાં દૂધમાં સાકરની જેમ ભળી જવાની ઈચ્છા અજબ સુંવાળી રીતે વ્યક્ત થઈ છે. ‘હું થોડા દિવસ તારામાં રહું?’ એવી કોમળ માંગણી કરતા પહેલા પણ કવિ પૂછી લે છે, ‘તને ખોટું ન લાગે તો એક વાત કહું’ ! જરાય નડ્યા વિના પ્રિયજનના થઈ જવું એ બહુ મોટી વાત છે. પ્રિયજનના પગ કંટકમાં પડે એ પહેલા હથેળી ધરવાનું કામ બહુ અઘરું છે. અને છતાંય કવિને આ બધુ કરવાનું એક અરજના રૂપમાં કરે છે. એક એક પંક્તિઓમાં પ્રિયજનમાં રહી, પ્રિયજનના થઈ ને પ્રિયજનને પામી જવાનો મહિમા કોમળતમ શબ્દોથી ગવાયો છે. હજી કોઈ સંગીતકારે આ ગીતને સ્વરબદ્ધ કર્યુ નથી એ એક આશ્ચર્યની વાત છે.

Comments (6)

યાદગાર ગીતો :૨૯: પ્રેમ એટલે કે – મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પળાય એવો કાયદો;
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં
ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે,
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે;
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો.

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી ને તે ય શ્યામવરણી,
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી;
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

(જન્મ: ૨૧-૧૨-૧૯૫૯)

સંગીત અને સ્વર : સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/01 Prem Aetle Ke.mp3]

 મુકુલ મનહરલાલ ચોક્સી.   જન્મે ને કર્મે સુરતી.  કવિ અને હાસ્ય કવિ.  મનોચિકિત્સક અને સેક્સોલોજીસ્ટ.  પિતા જાણીતા સાહિત્યકાર.  વિવેક કહે છે કે– સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ એટલે મુકુલભાઈ.  કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે.  આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

‘પ્રેમ એટલે કે’ ગીતનો પર્યાય એટલે મુકુલ ચોક્સી.  એમણે આ એક જ ગીત લખ્યું હોત તોય પ્રેમીઓનાં જગતમાં તેઓ ચિરસ્મરણીય રહેત.  આ ગીતની સફળતામાં આપણા સોલીભાઈનો ફાળો પણ અગત્યનો છે કે જેમણે એને સ્વરબદ્ધ કર્યું અને માત્ર લોકોનાં હોઠો પર જ નહીં, પરંતુ હૈયામાંય રમતું કર્યું.  પ્રેમની વ્યાખ્યા સંજોગો-સમય-વ્યક્તિ પ્રમાણે બદલાતી જ રહે છે, પરંતુ સંવેદના તો કાયમ એવી જ લીલીછમ્મ રહેતી હોય છે.  પ્રિયતમાનાં ગાલોના ખંજન પર પ્રેમીને ચોર્યાસી લાખ જન્મો કુરબાન કરી દેવાનું મન થાય, એ પણ પ્રેમ…  અને દાઢી કરવા જેવી સાવ સામાન્ય દૈનિકક્રિયામાંથી પ્રિયજનનું અસામાન્ય સ્મરણ થાય, એય પ્રેમ જ છે.  વળી, કવિએ ખૂબ મજાની અને સાવ સત્ય વાત કરી છે કે આપણા આ હૃદયરૂપી ઘરમાં તમામ સંવેદનાઓરૂપી ઓરડામાંથી પ્રેમની સંવેદનાનો ઓરડો સદાનો સાવ અલાયદો જ રહેવાનો.  મને અત્યારે એમનાં બીજા બે ગીતો પણ યાદ આવે છે, જે મને ખૂબ જ પ્રિય છે- તારા વિના કશે મન લાગતું નથી અને પ્રિય પપ્પા, હવે તો તમારા વગર

Comments (2)

યાદગાર ગીતો :૨૮: તો અમે આવીએ – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.(જન્મ: ૧૩-૮-૧૯૫૫)

[audio:http://urmisaagar.com/saagar/audio/aapi-aapi-ne-tame-pichhu-aapo-sajan-Vinod-Joshi.mp3]
વિનોદ જોશી.  જન્મ બોરિંગડા-અમરેલી. મૂળ વતન બોટાદ.  ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ.  તળપદાં ગીતો માટે ખાસ જાણીતા કવિ.  ગીતોમાં ગ્રામ્યજીવનનો અદભૂત લહેકો અને લયનો અનુભવ કરાવનાર ઉત્તમ ગીતકાર.  બાળપણ સૌરાષ્ટ્રનાં ગ્રામપ્રદેશમાં વિતેલું હોવાથી તેઓ ગુજરાતી કવિતામાં તળપદાં લોકજીવનની મીઠાશને ખૂબ જ સુંદર રીતે ઘોળી શક્યા છે.  એમની ઘણી રચનાઓને એમણે નારીની સૂક્ષ્મ સંવેદનાઓથી  ખૂબ જ સુંદર રીતે સજાવી છે અને સ્ત્રીની સંવેદનાને વાચા આપી છે.  એમને ઉમાશંકર જોશી એવોર્ડ અને જયન્ત પાઠક પારિતોષિક પણ મળ્યાં છે.  

આ ગીતમાં પ્રિતમનાં બોલાવવાની રાહ જોતી પ્રિયતમા ખૂબ જ મજાની વાત કરે છે.  જો કે પ્રિયતમ સાક્ષાત ત્યાં નથી એટલે અટકળો કરીને કાગળમાં લખવાની ચેષ્ટા કરતી હોય એવું લાગે છે.   પ્રિયતમાએ એક પીંછાં જેવા આછકલા ને અલ્પજીવી સુખથી બિલકુલ ભોળવાઈ નથી જવું.  એને તો લાગણીની પાંખો જોઈએ છે, સ્નેહનાં અનંત આકાશમાં ઉડવા માટે.  માત્ર પ્રિયતમ માટે બધું છોડીને અને શમણાંઓ ઓઢીને આવેલી પ્રિયતમાને કોઈ એક-બે વાર મળેલો ક્ષણભંગુર ટેકો પણ નથી જોઈતો, એને તો શાશ્વત સંબંધ જોઈએ છે.  અને એ સંબંધમાં કળવાશરૂપી આંસુ નથી જોઈતા, એને તો સથવારાનું સ્વપ્ન સાકાર કરવા સ્વપ્નશીલ આંખો જોઈએ છે.  અને જો સ્નેહ-સંબંધો જાળવવા હોય તો પ્રિયતમે આટલું તો એને આપવું જ પડે ને !  આ જ વાત કવિ આ ગીતમાં ખૂબ જ નાજુકાઈથી કહી છે.  (તમને કદાચ આ ગીતનો આનાથી બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે!)

આ સાથે જ વિનોદભાઈનાં બીજા યાદગાર ગીતો યાદ આવ્યા વગર રહે જ નહીં; જેમ કે- કુંચી આપો બાઈજી, ડાબે હાથે ઓરુ સાજન લાપસી, એક કાચી સોપારીનો કટકો રે, ટચલી આંગલડીનો નખ, તું મીંઢણ જેવો કઠ્ઠણ, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, તને ગમે તે મને ગમે, વિગેરે વિગેરે…… (ક્યાંક તો મારે અટકવું પડે ને! 🙂 ) 

Comments (8)

યાદગાર ગીતો :૨૭: પાંદડી વાયરાને વળગી શું કામ ? – પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
            ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

પન્ના નાયક

(જન્મ: ૨૮-૧૨-૧૯૩૩)

સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા

[audio:http://urmisaagar.com/saagar/audio/07 – Paandadi vaayara ne valagi shu kaam.mp3]

પન્ના નાયક આપણા પહેલા દરજ્જાના કવયિત્રી છે. અભ્યાસ મુંબઈમાં પૂરો કર્યા પછી એ સાંઈઠના દાયકામાં ફિલાડેલ્ફીયા આવીને રહ્યા.  ત્યાંજ આગળ અભ્યાસ અને પછી અધ્યાપનનું કામ કરી નિવૃત થયા છે. ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વ તણી વિશાળતા- એ ન્યાયે, એમની કવિતા પણ એમના વિદેશ નિવાસને કારણે એટલી વધુ મ્હોરી છે. એમની કવિતાનું વિશ્વ મહદઅંશે એમનું અંગત વિશ્વ છે. લાગણીઓને જરાય ‘એડીટ’ કર્યા વિના સીધી જ કાગળ પર ઉતારવાની એમને અજબ ફાવટ છે. (કાવ્યસંગ્રહો: પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ, આવનજાવન, વિદેશિની – સમગ્ર કવિતા, ચેરી બ્લોસમ્સ, રંગઝરૂખે;  વેબસાઈટ: પન્નાનાયક.કૉમ)

આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.

Comments (9)

યાદગાર ગીતો :૨૬: પાસપાસે તોયે – માધવ રામાનુજ

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

– માધવ રામાનુજ

(જન્મ: ૪-૨૨-૧૯૪૫)

સંગીત: શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર: ?

[audio:http://urmisaagar.com/saagar/audio/pas-pase-toye-Madhav-Ramanuj.mp3]

માધવ ઓધવજી રામાનુજ. જન્મ અને વતન અમદાવાદ જિલ્લાનું પચ્છમ ગામ. હાલ અમદાવાદમાં. અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ આર્ટ્સમાં ચિત્રકળામાં ડિપ્લોમા અને એ જ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા અને નિવૃત્તિ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને અચ્છા ચિત્રકાર. લયમાધુર્ય અને ભાવની લવચીકતા એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિનું સુરેખ અનવરુદ્ધ રેખાંકન એટલે માધવ રામાનુજ.  (કાવ્યસંગ્રહો: ‘તમે’, ‘અક્ષરનું એકાંત’, ‘કલરવના દેશ’)

આ ગીત કેટકેટલાય લોકોના સાવ ‘અંગત’ દામ્પત્યજીવનનું પ્રતિબિંબ હશે ! પાસે હોવું અને સાથે હોવું એ બે વચ્ચેનો તફાવત કવિએ જે માધુરીથી અહીં આળેખ્યું છે એ કવિતાની ભીતરના આંસુને જાણે હળવાશથી લૂંછી આપે છે.  એક સંબંધ ખરે ત્યારે એ કેટકેટલા દિવસ-રાતના સંભારણાં લઈને ખરતો હોય છે ! ભીંત વળોટીને આરપાર જવું શક્ય નથી હોતું. ઔપચારિક ‘આવજો’ શું આવી જ કોઈ ભીંત નથી હોતી? ખરેલા સંબંધમાં આરપાર જવા માટે યાદની બારી સિવાય અવર શું હોઈ શકે? બાજુમાં જ સૂતેલા વજન પાસે પહોંચવા માટે શમણાંનો સહવાસ યાચવો પડે એ કરુણતાને આપણે શું કહીશું?

Comments (5)

યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું- સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

(જન્મ: ૨૯-૦૬-૧૯૫૫)

સંગીત: શ્યામલ – સૌમિલ
સ્વર: શ્યામલ મુનશી

[audio:http://urmisaagar.com/saagar/audio/em_puchhine_thaai_nahi_prem.mp3]

તુષાર દુર્ગેશ શુક્લ.  પિતા જાણીતા સાહિત્યકાર.  પોતે કવિ અને કુશળ સંચાલક ઉપરાંત આકાશવાણી-અમદાવાદ સાથે પણ સંકળાયેલા છે. ફિલ્મો-ટેલીવિઝન માટે પણ અનેક ગીતો લખ્યા છે. (કાવ્યસંગ્રહો: ‘તારી હથેળીને‘,’મારો વરસાદ’,’પૂછીને થાય નહીં પ્રેમ’,’આશકા’ અને ‘આ ઉદાસી સાંજની‘)

આ ગીતની ધ્રુવપંક્તિ આજકાલ પ્રેમી-પંખીડાઓ માટે કહેવતસમાન બની ગઈ છે એટલી હદે આ ગીત લોકપ્રિય થઈ ચૂક્યું છે.  તુષારભાઈનાં સરળ શબ્દોની કમાલને લોકોની જીભે રમતી કરવામાં અને આ ગીતને ચાર ચાંદ લગાડવામાં આપણા ગુજરાતી સુગમ સંગીતની લોકપ્રિય બેલડી શ્યામલ-સૌમિલભાઈઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે.  કિનારાની રેતીને ભીંજવવા માટે દરિયાએ પહેલા એની પરવાનગી લેવી પડતી નથી, એવી જ રીતે પૂછીને પૂછીને કદી પ્રેમ નથી પ્રગટતો.  પ્રેમનું પ્રાગટ્ય તો સાવ સહજ અને અનાયાસ છે.  વાંધાની વાડને વટાવીને એકમેકનાં અલગ અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર કરવો એનું નામ પ્રેમ.  પુરુષનાં મિજાજને રજૂ કરતા આ ગીત પછી તુષારભાઈએ સ્ત્રીનાં મિજાજને રજૂ કરતું આવું જ એક બીજું ગીત પણ (આના જવાબરૂપે) તાજેતરમાં જ લખ્યું છે, એ પણ માણવાલાયક છે- મને મોજું થઈ મળવાને આવ ને…!

આ ઉપરાંત પણ ઘણા એમનાં ગીતો લોકપ્રિય થઈ ચૂક્યા છે, જેમ કે- આંખોમા બેઠેલા ચાતક કહે છે, શબ્દ કેરી પ્યાલીમાં, સંગાથે સુખ શોધીએ, સાવ અચાનક મૂશળધારે, હું અને તું નામના કાંઠાને તોડી, મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને કોઈ, વગેરે જેવા કેટલાંયે સુંવાળા ગીતો.

તા.ક.:

કવિશ્રી તુષારભાઈનાં શબ્દો આ ગીત વિશે…

‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ – એ રચનાને નવી પેઢીએ પ્રેમ કર્યો છે.  મેં એ મારી ઓફિસનાં ટેબલ પર લખેલી.  ચાહવા માટે પૂછવું જરૂરી નથી- એ વાત કહેવાની જરૂર લાગી, એ ક્ષણ એની પ્રેરણાની ક્ષણ. આ ગીતનો ઉઘાડ એની સફળતા છે.  મૂળ આ ગીત ‘એમ પૂછીને…’ થી શરૂ થતું હતું, પરંતુ સ્વરકારોએ ‘દરિયાનાં મોજા…’થી શરૂ કર્યું અને જામ્યું, આ એમનું યોગદાન !  સ્વરબદ્ધ થયા પછી સાંભળ્યું અને ગમ્યું… આ ઉઘાડ રહસ્ય જાળવે છે અને પછી નિર્ણય આવે છે- એમ પૂછીને થાય નહીં પ્રેમ !  એમાં આવતો ‘ખીજું ?’ એ સવાલ છે… ઉક્તિ છે ‘ખિજાવું’.  એ અર્થમાં રમતીયાળ expression ‘સામી અગાશી’ છે.  અહીં અગાશી સાથે જોડતા બધા જ સંદર્ભો યાદ કરી શકાય… એકપક્ષી પ્રેમનું પુરસ્કર્તા છે પણ પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા પણ આપે છે.  દરિયો ભિંજવશે એ શ્રદ્ધા છે એટલે રેતીને કોરા થવાનું મન થાય છે, કે રેતીને કોરી જુવે છે એટલે દરિયાને ભિંજવવા દોડી આવવાનું ગમે છે.  એ સંશોધનનો નહીં સંવેદનાનો વિષય છે.  તમને ગમ્યું એ મને ગમ્યું…

Comments (10)

યાદગાર ગીતો :૨૪: વ્હાલબાવરીનું ગીત – રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

– રમેશ પારેખ

(જન્મ: ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ: ૧૭-૫-૨૦૦૬)

સંગીત: સોલી કાપડિયા
સ્વર: નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/66.Saavariyo re mharo.mp3]

રમેશ મોહનલાલ પારેખ.  ગુજરાતી કવિતાનું મોંઘેરું ઘરેણું.  જેટલું લખીએ એટલું ઓછું. થોડું આપ અહીં જાણી-માણી શક્શો.

ર.પા. તો ગીતના કવિ. એમનું યાદગાર કોઈ એક જ ગીત શોધવું એ તો કેવી વિમાસણનું કામ ! છેલ્લે કળશ ઢોળ્યો આ રચના પર. પ્રેમના સાગરમાં ગળાડૂબથી ય વધુ ડૂબવાનું (સાથે જીવવાનું પણ!) કંઈ શક્ય હોય તો એ રીતે ડૂબેલી પ્રેમઘેલીનું આ મદોન્મત્ત ગીત. લયનું તોફાન અને હેતની હેલીથી ગીત સાંવરિયાની દ્વિરુક્તિના ઉઠાવથી જ સરાબોળ ભીંજવે છે.  પ્રેમની ચરમસીમા પર ખોબાની સામે દરિયો જ અપાય. વહાલમની બાથ સિવાય બીજે ક્યાંય રહેવાનો વિચાર સુદ્ધાં ન આવે એ જ ખરી મુગ્ધતા. પ્રિયતમનું નામ જ પ્રેમનું ખરું ચલણ છે. અત્તર રુમાલ પર ઢોળાય ત્યારે કયો તાંતણો બાકી રહે? (આ પંક્તિ વાંચું ત્યારે અચૂક મકરંદ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું‘ યાદ આવે)

Comments (5)

યાદગાર ગીતો :૨૩: બીક ના બતાવો ! – અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને થાય પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

– અનિલ જોશી

(જન્મ: ૨૮-૭-૧૯૪૦)

સંગીત અને સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Koi-Dalkhiman-kavi-anil-joshi-PU.mp3]

અનિલ રમાનાથ જોશી  કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે.  જન્મસ્થળ ગોંડલ. વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ.  આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે.  મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

એક ઝાડનાં ઠૂંઠાને જોઈને કવિશ્રીને સ્ફૂરેલું આ ગીત સાવ ખાલી થઈ ગયેલા માણસની ખુમારીનું ગીત છે.  ખાલીખમ્મ ડાળખીવાળા ઝાડને વળી પાનખરનો શો ભય ?  આપણને જીવનમાં પાનખરનાં આવવાનો સતત ભય લાગે છે કારણકે આપણે આપણા હોવાપણાનો ભાર કાયમ સાથે જ લઈને ચાલીએ છીએ. માણસ જો સાવ ખાલીખમ્મ થઈ શકે તો આવનારી કોઈપણ પરિસ્થિતિનો ભય રહેતો જ નથી. પરંતુ સાચું તો એ જ છે કે આ ખાલીખમ્મ થવાનું શિખવામાં જ આપણી આખી જીંદગી ખર્ચાઈ જતી હોય છે, અને તોય એ ક્યાં શીખી શકાય છે…  જો ખરેખર શીખી શકાય તો પાનખરમાં પણ લીલાછમ્મ ઝાડની સ્મૃતિમાત્ર આપણા પાંદડા વગરનાં ઠૂંઠાપણાને હર્યુભર્યુ રાખી શકે.

જો કે, આ યાદગાર ગીતની સાથે જ એમનાં બીજાં યાદગાર ગીતોય જરૂર યાદ આવે, જેવા કે- કન્યાવિદાય(સમી સાંજનો ઢોલ ઢબુકતો), અમે બરફનાં પંખી, આકાશનું ગીત, ઝીણા ઝીણા રે આંકેથી અમને, પેલ્લા વર્સાદનો છાંટો, તુલસીનું પાંદડું, અને બીજાં ઘણાય…

Comments (9)

યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

સંગીત : અજીત શેઠ
સ્વર :  ભૂપિંદર

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Aankhe-Kankuna-suraj-Aathamya-Bhupinder.mp3]

‘શબ્દ એટલે નવરાત્રિનો ગરબો’ એમ લખનાર રાવજી પટેલ (જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)નો જન્મ ડાકોર પાસે વલ્લવપુર ગામમાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં ને એ પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષણ અને આર્ટસ કોલેજના બે વર્ષ. આર્થિક સંકડામણને લીધે નાની વયે નોકરી શરૂ કરી દીધી. એમની પ્રતિભાને કોઈ બરાબર ઓળખે એ પહેલા તો એ ક્ષયનો ભોગ બન્યા અને 28 વર્ષે  અવસાન પામ્યા. એમનો એકમાત્ર સંગ્રહ ‘અંગત’ એમના મૃત્યુના બે વર્ષ પછી પ્રગટ થયો.

આ ગીતનું આમ તો કોઈ નામ નથી. પણ મને પોતાને ગીતનું ‘અનઓફિશિયલ’ નામ – આભાસી મૃત્યુનું ગીત – બહુ ગમે છે એટલે મેં એ અહીં વાપર્યું છે.  લગ્નગીતનો ફરમો અને લગ્ન સંબંધિત શબ્દો-કલ્પનો (કંકુ, વે’લ, શગ, ઘોડો, ઝાંઝર) ને લઈને મૃત્યુ(ના આભાસ)નું ગીત લખવાનું કામ કોઈ માથાફરેલ કવિ જ કરે. આ ગીત ઉપર વિવેકે વાંચકોને પોતાનો અભિપ્રાય આપવા માટે આમંત્રણ આપેલું ત્યારે વાંચકોએ અભૂતપૂર્વ પ્રતિભાવથી આ ગીતને વધાવી લીધેલું. એ પછી વિવેકે પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો એનાથી વધારે મારે ખાસ કાંઈ લખવાનું હોય નહીં.

Comments (11)

યાદગાર ગીતો :૨૧: બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

(જન્મ: ૧૯-૦૭-૧૯૩૯, મૃત્યુ: ૦૪-૦૫-૧૯૬૬)

પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સંગીત: અજીત શેઠ
સ્વર: નિરુપમા શેઠ

[audio:http://urmisaagar.com/saagar/audio/Umbre-Ubhi-Shmbhalu-Nirupama-Seth.mp3]

મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

આ ગીત વિશે લયસ્તરો પર આગળ લખી ચૂક્યો છું, એમાં એક શબ્દ પણ બદલવાનું મન થતું નથી: ‘ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાં ય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાં ય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
                                                                      એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
                                                                      તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

[audio:http://urmisaagar.com/saagar/audio/Have-pehlo-varsaad-bhagvatidada-soli-kapadia.mp3]
સંગીત અને સ્વર: સોલી કાપડિયા

ભગવતીકુમાર શર્મા (જન્મ: ૩૧-૫-૧૯૩૪, સુરત) એ સુરતનું ગૌરવ છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વ્યંગલેખક એવી બહુવિધ પ્રતિભા ધરાવતા ભગવતીકુમારે સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં અડધા દાયકા સુધી રહ્યા. સુરતની સઘળી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવામાં એમનો મોટો હાથ. સાહિત્યકાર સામાન્ય રીતે રાજકીય ઘટનાઓથી દૂર રહે એવું જોવા મળે. પણ ભગવતીકુમારમાંનો પત્રકાર અને સાહિત્યકાર હંમેશ એકબીજાના પૂરક બની રહ્યા એ એમની વિશિષ્ઠ સિદ્ધિ. (કાવ્યસંગ્રહો: સંભવ, છંદો છે પાંદડાં જેનાં, ઉજાગરો)

આ ગીતનો આસ્વાદ વિવેકે એટલી એટલી સરસ રીતે કરાવેલો કે એ જ અહીં ટાંકું છું : વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (13)