સત્તર વરસની છોકરી નું ગીત – જતીન બારોટ
કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું ને ટૂંકી પડે છે તને કસ;
તારે સત્તરમું ભારે છે બસ.
ડાહ્યલીનો જંતરિયો ભૂવો તો કે’છે કે,
છુટ્ટા તે વાળ તારા રાખ નઈં;
મંતરેલું લીંબુ હું આલું તને
તું એમને એમ આંબલીઓ ચાખ નઈં.
જંતરિયો ભૂવાનો દોરો બાંધીને તારે કરવાના જાપ રોજ દસ.
તારે સત્તરમું ભારે છે બસ.
ઉંમરને સોંસરવી વીંધીને કોઈ મારા,
કમખે ગાગર જેમ બેઠું;
હેમખેમ સત્તરમું પૂરું કરવાને હું
કેટલા વરસ દુઃખ વેઠું?
ગામના જુવાનિયા કહે છે કે તારી તે વાતમાં પડે છે બહુ રસ.
તારે સત્તરમું ભારે છે બસ.
– જતીન બારોટ
ફેસબુક પરથી જડી આવ્યું આ ગીત… સેંકડો મિત્રોએ ફેસબુકિયા ચલણ મુજબ પોતાની વૉલ પર આ ગીત પોતે જ લખ્યું હોય એમ જ કવિનું નામ ગાયબ કરી દઈ વાહવાહી લૂંટી છે, તો કેટલાકે તો પોતાનું નામ ગીત નીચે લખવાની ધૃષ્ટતા પણ બેધડક કરી છે. બહુમતી મિત્રોની વૉલ પર આ રચના સાથે જતીન બારોટનું નામ લખાયેલું છે. જતીન બારોટને હું ઓળખતો નથી લયસ્તરો પર એમનું એક બહુ મજાનું દીકરીગીત આગળ મૂકી ચૂક્યો છું એટલે જ્યાં સુધી કોઈ કવિ હકદાવો કરવા આગળ ન આવે અથવા કોઈ મિત્ર જતીન બારોટનો સંપર્ક કરાવી ખાતરી ન કરાવે ત્યાં સુધી આ રચના એમની જ છે એમ માનીને ચાલું છું…
ગીત વિશે કશુંય પિષ્ટપેષણ કરવાને બદલે અત્તર જેવા સત્તરમા વરસમાં પ્રવેશતી છોકરીની અલ્લડતા સીધી જ માણીએ…