ગઝલ – મનીષ પરમાર
આ હવાની ભીંત કોતરવી પડે,
શ્વાસને ડ્હોળી નદી તરવી પડે.
વેદનાનાં વ્હેણ ક્યારે થંભશે ?
કે ક્ષણોની નાવ લાંગરવી પડે.
મ્હેકને ઢાળી હવા ચાલી ગઈ,
શ્વાસની શીશી ફરી ભરવી પડે.
સૂર્યના ઘોડા ઉપર બેસી હવે,
વાદળોની ખીણ ઊતરવી પડે.
હુંય સરનામું બની ભૂલો પડ્યો,
ને ગલી અંધારની ફરવી પડી.
– મનીષ પરમાર
મત્લાના શેરમાં જ કવિ બે મિસરામાં બે સાવ અલગ-અલગ ચિત્રો દોરી આપે છે. એકબાજુ હવાની ભીંત કોતરવાની વાત છે તો બીજી બાજુ શ્વાસની નદી તરવાની.. બંને સાવ જ નોખા કલ્પન અને તોય બંને વચ્ચેનો તાંતણો હવા અને શ્વાસના અદ્વૈતના કારણે અલગ નથી અનુભવાતો. આ જ તો કવિની તાકાત છે. આખી જિંદગી હવાની ભીંત કોતર્યા કરતા શ્વાસને અંતે તો ડ્હોળાઈ ગયેલી નદી – વૈતરણી?- તરવી જ પડતી હોય છે…
પણ આવી મજાની ગઝલમાં કવિએ આખરી શેરમાં રદીફ ‘પડે’ની જગ્યાએ ‘પડી’ કેમ લીધી હશે? કે પછી એ ટાઇપ-ભૂલ હશે?!