ગીત – બંકિમ રાવલ
જ્યારે જેની હોય અપેક્ષા એ જ ક્ષણે એ ખૂટતું લાગે,
શહેર ! મને તારું ઘર ક્ષણમાં બનતું ક્ષણમાં તૂટતું લાગે.
ભીંત ઉપર વાદળ ચીતરાવ્યાં,
નદીઓ ખૂબ વહાવી;
દૃશ્યોની દિવાળી પડદે
બારે માસ મનાવી
માછલીએ રહેવું વાસણમાં, એય અરેરે ! ફૂટતું લાગે !
શહેર! મને તારું…
પહેલી લીટી એક અજંપો,
બીજી લીટી ડૂમો;
તારું હોવું ‘ફ્રેન્ચ કવિતા’
કેમ કરું તરજૂમો !
સમણાં જેવું વસ્તર આ તો, આ પકડો – આ છૂટતું લાગે.
શહેર! મને તારું…
– બંકિમ રાવલ
આદિલ મન્સૂરીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ ગઝલની જોડાજોડ બેસી શકે એવું મજાનું શહેરનું આ ગીત… શહેરની સહુથી મોટી ખાસિયત (કે ખામી?) એ જ કે જ્યારે જેની અપેક્ષા હોય એ જ ન મળે, એ સિવાય આખું બ્રહ્માંડ હાજર હોય ! સિમેન્ટ-કોંક્રિટના જંગલથી રિસાઈ ગયેલી કુદરતને ઘરના ચિત્રોમાં કે એક્વેરિયમમાં હાથમાંથી સરકી જતાં પાણીની જેમ પકડવાનાં આપણાં વલખાં આખરે તો તૂટી-ફૂટી રહેલું અસ્તિત્વ જ છે. જિંદગીની કવિતા કેવી? તો કે એકે લીટી અજંપો ને બીજી લીટી ડૂમો… શહેરમાં સંબંધ પણ કેવાં? તો કે (આવડતી ન હોય એવી) પરભાષાની કવિતા જેવા જેનો અનુવાદ જ શક્ય નથી… એક સાંધો ને તેર તૂટે જેવાં બટકણાં-છટકણાં સમણાંઓની વસ્તી એટલે જ શહેર…