સૂર્ય છે તો શું થયું? તારો ય પડછાયો હશે;
તારી છાંયા કઈ જગાએ જઈ પડી શોધી શકે?
– નેહા પુરોહિત

તો જગત શું કહેશે ? – હરીન્દ્ર દવે

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ?

જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ?

મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે ?

જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે ?

– હરીન્દ્ર દવે

માનવીના મનનું કુંડાળું અને દુનિયાનું વર્તુળ કદી એકરસ થઈ શક્તા નથી. સામાજીક પ્રાણી હોવાની કિંમત માણસે ક્ષણે-ક્ષણે ચૂકવવી પડતી હોય છે. મનને કંઈ ઓર જ કરવું હોય પણ દુનિયા શું કહેશે એ પ્રશ્ન સતત મન-હૃદય પર રાશ બનીને જકડાયેલો રહે છે. પ્રણય અને મૃત્યુ હરીન્દ્ર દવેની કવિતાના પર્યાય સમા છે. મૃત્યુથી શરૂ થતી આ ગઝલ પણ પ્રણયની ત્રણ ગલીઓમાં ફરીને અંતે મૃત્યુ પર જ સ્થિર થાય છે.

4 Comments »

  1. Faruque Ghanchi said,

    December 29, 2009 @ 4:41 PM

    કવિ માટે અસ્તિત્વનો પર્યાય છે શબ્દ, અને સ્મરણોથી ભીંજાયેલા મનની તડપનને જાહેર કરવાના પરિણામ અંગે જગતનું શું કહેવું હશે? … ખૂબ સુંદર રચના…
    ” આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
    એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ?

    જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
    મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે ? ”

    બહોત ખૂબ!

  2. ધવલ said,

    December 29, 2009 @ 7:51 PM

    મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
    એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

    – સરસ !

  3. pragnaju said,

    December 30, 2009 @ 7:50 AM

    મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
    એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?

    એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
    બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે ?
    વાહ્

  4. kanchankumari parmar said,

    December 30, 2009 @ 10:23 AM

    મ્રુત્યુ અને જિવન ને ખુબ જ નજિક થિ જોયા પછિ નિ વેદના અનુભવિ શકાય છે……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment