કવિનું પગલું વામનના પગલાં સમું હોય છે. વામન ત્રણ પગલાંમાં ત્રણ લોક માપી લે છે તો કવિ પણ પગલે-પગલે એક નવું જ લોક, નવું જ બ્રહ્માંડ આંકતો હોયુ છે. ‘મારા હિસ્સાનો સૂરજ’ પછી ‘વહાલ વાવી જોઈએ’ ગૌરાંગ ઠાકરનું બીજું પગલું છે. અને કવિની ગઝલોનો ગ્રાફ વામનના પગલાંની જેમ અહીં પણ વધુ ઊંચે જતો અને વિસ્તરતો હોવાની પ્રતીતિ થાય છે.
(કવિશ્રી ગૌરાંગ ઠાકર એમની લાક્ષણિક અદામાં… )
*
આજે સુરત ખાતે સાંજે ગૌરાંગ ઠાકરના આ બીજા ગઝલ સંગ્રહનું વિમોચન થનાર છે પણ એ પહેલાં ખાસ ‘લયસ્તરો’ અને એ દ્વારા નેટ-ગુર્જરીના તમામ વાચકો માટે આ આગોતરું ઇ-વિમોચન આપણે અત્યારે કરી રહ્યા છીએ… કવિશ્રીને આ ખાસ પ્રસંગે ખાસમખાસ અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.
આ સંગ્રહની કેટલીક ગઝલો આપણે ‘લયસ્તરો’ પર આપણે અગાઉ માણી જ ચૂક્યાં છીએ પણ વહાલ આવી જાય એવા કેટલાક શેર આપણી સંવેદનાની વાડ પર વાવી જોઈએ:
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.
મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.
કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.
અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.
લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.
તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.
તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે.
કુકડાની બાંગ થઈ અને ફફડી ગયું જગત,
કેવી રીતે દિવસ જશે સૌને થતું હતું.
આકાશ પછી મેઘધનુષ દોરવા બેસે,
વરસાદ જ્યાં તડકાથી મુલાકાત કરે છે.
જેના પડછાયા વડે છાંયો પડ્યો,
પહેલા એના પર અહીં તડકો પડ્યો.
દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?
વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.
શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.
દશાને દિશા આપશે, પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું !
આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.
સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.
રાત પૂછે આપણી આ દોડ જોઈ,
સૂર્યની શું રાતપાળી જોઈએ ?
જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.
ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.
પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
પાનખરમાં વસંત જેવું કેમ ?
ક્યાંક તું આસપાસ લાગે છે.
(પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-1)