તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
બેફામ

ગઝલ – હનિફ રાજા

પળ, પ્રહર ને દિન દરિયો, રાત દરિયો થૈ ગઈ,
જળતણું વળગણ થયું ને જાત દરિયો થૈ ગઈ.

કેટલી ગુમ થૈ જતી રણમાં જ નદીઓ આમ તો,
કેમ મારાં આંસુઓની વાત દરિયો થૈ ગઈ ?!

જાન દેવી પણ અમારી માત્ર નાદારી ઠરી;
એમની ચપટીભરી ખેરાત દરિયો થૈ ગઈ.

મુગ્ધભાવે સાવ કાચી ઉમ્મરે એક છોકરી;
માત્ર બોલી, ‘હુંય દરિયો થાત’, દરિયો થૈ ગઈ.

એ નદી, કે જે પહાડો વીંધતી વહેતી હતી;
કેટલા નાજુક હશે હાલાત, દરિયો થૈ ગઈ.

વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.

એક સહરા-શી હતી મારી ગઝલ તો પણ ‘હનિફ’;
જ્યાં મળી એ કંઠની સોગાત દરિયો થૈ ગઈ.

– હનિફ રાજા

દરિયામાં દરિયો થઈ જઈએ ત્યારે નખશિખ તરબતર થઈ જવાય એવી જ રીતે આ ગઝલ સરાબોળ ભીંજવે છે. રદિયો થૈ ગઈ જેવી રદીફને કવિએ કેટલી બખૂબી નિભાવી છે! નદી અને દરિયાના મિલન વિશે કેટલા બધા કવિઓએ કેટલા બધા આયામથી વિચાર્યું હશે!

17 Comments »

  1. Dr. J. K. Nanavati said,

    April 22, 2010 @ 3:52 AM

    મુગ્ધભાવે સાવ કાચી ઉમ્મરે એક છોકરી;
    માત્ર બોલી, ‘હુંય દરિયો થાત’, દરિયો થૈ ગઈ.

    સમયની સરિતા કેવી ચંચળતાથી
    દરિયાના દેશમાં પહોંચી જાય છે તેનું સુંદર નિરૂપણ…

    મઝા આવી ગઈ

  2. pragnaju said,

    April 22, 2010 @ 4:31 AM

    સુંદર ગઝલ
    આ શેરો વધુ ગમ્યા
    એ નદી, કે જે પહાડો વીંધતી વહેતી હતી;
    કેટલા નાજુક હશે હાલાત, દરિયો થૈ ગઈ.

    વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
    આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.
    યાદ્
    કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
    હું તો પાણીમાં તરફડતી માછલી;
    જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
    ખાલીખમ શ્રીફળની કાચલી;

    જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
    દરિયો કહે તો તને મારા સોગંદ.

  3. રાકેશ ઠક્કર , વાપી said,

    April 22, 2010 @ 4:37 AM

    સરસ ગઝલ.
    આલેખનમાં દરિયો થૈ ગઈ ને બદલે રદિયો થૈ ગઈ લખાયું છે.
    સુંદર શેર
    વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
    આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.

  4. વિહંગ વ્યાસ said,

    April 22, 2010 @ 5:49 AM

    સરસ ગઝલ.

  5. preetam lakhlani said,

    April 22, 2010 @ 6:58 AM

    લાખોમા એક એવી સરસ ગઝલ્……….

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    April 22, 2010 @ 8:14 AM

    વાહ,રાજા વાહ.

  7. Praveen said,

    April 22, 2010 @ 9:30 AM

    ગઝલ સાચે સારી આવી છે. અભિનંદન !
    જોકે, વધુ સારી થવાની શક્યતા પણ દેખાય.

    એક સર્વલક્ષી પ્રશ્ન ઊઠે – આજકાલ કવિઓ, કવિ થઈને, ‘થઈ’ને બદલે ‘થૈ’ કેમ લખતા હશે ? ઈ અને ઐ વચ્ચે તફાવત નથી શું ?

    વાસ્તવમાં, ભાષા એટલે જ તફાવતોની ખાસ વ્યવસ્થા. જેટલા તફાવતો ઓછા થયા એટલું અંધારું વધવાનું. અને આખરે તો, કવિતા એટલેય એક ખાસ પ્રકારનો ‘તફાવત’ જ ને ?!

  8. અભિષેક said,

    April 22, 2010 @ 10:41 AM

    દરિયાના મોજા જેવી ધોધમાર ગઝલ.

  9. urvashi parekh said,

    April 22, 2010 @ 10:50 AM

    સરસ ગઝલ્.
    વેદનાની વાત વાળી વાત વધુ ગમી.

  10. ડૉ.મહેશ રાવલ said,

    April 22, 2010 @ 12:19 PM

    જનાબ હનિફભાઈની બળુકી અભિવ્યક્તિ અને શબ્દ વૈભાવ ગઝલને વધુ અસરકારક બનાવી શકી છે.
    -ગમ્યું.
    અભિનંદન.

  11. Pinki said,

    April 22, 2010 @ 1:23 PM

    દરિયાને જોઈ હું તો દરિયો થઇ જાઉં … ! 🙂

  12. sudhir patel said,

    April 22, 2010 @ 9:35 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  13. વિવેક said,

    April 23, 2010 @ 12:59 AM

    પ્રિય પ્રવીણભાઈ,

    ‘ઈ’ અને ‘ઐ’ વચ્ચે તો ફરક છે જ… અહીં કવિએ થ્+અ+ઈ = થઈ= થૈ વાપર્યું છે જે ભાષા અને ઉચ્ચારની દૃષ્ટિએ બરાબર જ છે. છંદને અનુસાર લિપિ કરવાની પ્રથા પહેલાના સમયમાં પ્રવર્તમાન હતી એ આધારે થઈનું થૈ લખવામાં આવ્યું છે…

  14. Praveen said,

    April 23, 2010 @ 11:47 AM

    પ્રિય વિવેકભાઈ,
    પ્રતિભાવ બદલ હાર્દિક ધન્યવાદ ! પણ સખેદ, મતભેદ રહે.
    તમે બતાવેલું સમીકરણ ઝટ ગળે ઊતરતું નથી.
    થ્+અ=થ + ઈ =થઈ, અને થ્ + અઈ =થૈ વચ્ચે ઉચ્ચારના તફાવતનો અનુભવ થાય છે. તેથી મેં નોંધ ટપકાવેલી.
    છંદને અનુસાર લિપિમાં ફેરફાર ચોકસ પ્રણાલિ મુજબ થતા હોવાનો મારો નમ્ર મત છે. કવિ તરીકે તમે જાણો જ છો કે છંદ અને ઉચ્ચાર અન્યોન્ય આધારિત છે. ઉચ્ચાર બદલાવે તેવા લિપિના ફેરફાર કરી શકાય ?

  15. દિનકર ભટ્ટ said,

    April 24, 2010 @ 1:03 AM

    પળ, પ્રહર ને દિન દરિયો, રાત દરિયો થૈ ગઈ,
    જળતણું વળગણ થયું ને જાત દરિયો થૈ ગઈ.

    પહેલી પંક્તિ જ ગઝલ વાંચવાનું વળગણ લગાડે તેવી છે. સુંદર રચના.

  16. jigar joshi prem said,

    April 24, 2010 @ 1:54 AM

    વાંચીને દરિયો થઈ જવાય એવી રચના….
    વિવેકભાઈ પણ સરસ રચનાઓ શોધી આપે છે વાંચકો માટે એમેને પણ અભિનંદન અને ખાસ તો સર્જકને દરિયો ભરીને વહાલ…

  17. Praveen said,

    April 27, 2010 @ 4:38 PM

    ૨૩ એપ્રિલે મેં અત્રે લખેલી ટીપમાં, મારા નમ્ર મતનાં સમર્થનમાં આ આવશ્યક સુધારો કરું, વિવેકભાઈ ? મારા ધ્યાનમાં તે ગઈ કાલે જ આવ્યો.
    હકીકતે, થ્ + અ + ઈ = ‘થઈ’ થાય તે સાચું, પણ ‘થૈ’ ન થાય, કેમ કે, સંધિના નિયમ મુજબ, અ + એ = ઐ થાય છે, નહિ કે અ +ઈ =ઐ. તેથી, ‘થૈ’નું ખરું સમીકરણ આ પ્રમાણે કરવું પડશે – થ્ + અ + એ = થૈ, જેમાં ‘ઈ’ આવે નહિ.
    મને જે ઉચ્ચારભેદનો અનુભવ થતો હતો તેનાં મૂળમાં પણ કંઈક આવી વાત હશે.

    આ બધું જોતાં, ‘થઈ’ને સ્થાને ‘થૈ’ નો પ્રયોગ કેટલો વ્યાજબી ગણશું ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment