એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

શેખાદમ આબુવાલા

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે – કાર્લ વેન્ડેલ હાઈન્સ

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે.
ચાલો તેનાં થોડા વખાણ કરીએ
તેની કીર્તિના સ્મારકો રચીએ
તેને માટે પ્રાર્થનાઓ ગાઈએ.

મૃત્યુ પામેલા વીરો ભારે સગવડ કરી આપે છે.
તેમની જિંદગી પરથી આપણે ઘડી કાઢેલી
મૂર્તિઓને પડકારવા તેઓ કદી ઊભા પણ થઈ શકે ?

અને વળી,
વધારે સારી દુનિયા રચવા કરતાં
સ્મરકો બાંધવાં સહેલાં છે.

તો હવે તે સહીસલામત રીતે મૃત્યુ પામ્યો છે ત્યારે
આપણે નિરાંત જીવેથી
આપણાં સંતાનોને શીખવશું
કે તે કેવો મોટો માણસ હતો … જાણીએ છીએ
કે જે કારણ માટે તે જીવ્યો
તે તો હજીયે એમનું એમ જ છે.
જે સ્વપ્ન માટે તે શહીદ થયો
તે હજીયે સ્વપ્ન જ છે,
મરેલા માણસનું સ્વપ્ન.

– કાર્લ વેન્ડેલ હાઈન્સ
( અનુવાદ : જયા મહેતા)

દરેક પ્રજાને પોતાના શહીદો ખૂબ વહાલા હોય છે. ને સ્મારકો પર ફૂલો ચડાવવામાં કોઈ કરતા કોઈ પાછળ પડતું નથી. પણ એ શહીદી પાછળના મૂળ વિચારને કે એ કાર્યને આગળ વધારવા માટે કોઈ તૈયાર થતું નથી. ‘હવે એ સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે’ એ પહેલી જ લીટીમાં જ કવિએ એવો ફટકો માર્યો છે કે એની કળ છેલ્લે સુધી વળતી નથી.

વધારે સારી દુનિયા રચવાનું આપણું ગજુ નથી, આપણે તો સ્મારકો જ બાંધી શકીએ એમ છીએ.

14 Comments »

  1. ધવલ said,

    May 10, 2010 @ 10:24 PM

    મૂળ અંગ્રેજી કવિતા, જે માર્ટિન લુથર કિંગ ના મૃત્યુ પછી લખાયેલી.

    “Now That He Is Safely Dead” by Carl Wendell Hines

    Now that he is safely dead,
    Let us Praise him.
    Build monuments to his glory.
    Sing Hosannas to his name.

    Dead men make such convenient Heroes.
    They cannot rise to challenge the images
    We would fashion from their Lives.
    It is easier to build monuments
    Than to make a better world.

    So now that he is safely dead,
    We, with eased consciences, will
    Teach our children that he was a great man,
    Knowing that the cause for which he
    Lived is still a cause
    And the dream for which he died
    Is still a dream.

  2. અભિષેક said,

    May 10, 2010 @ 11:45 PM

    સરસ કટાક્ષ કર્યો છે આ કવિતામાં.

  3. રાકેશ ઠક્કર , વાપી said,

    May 11, 2010 @ 2:29 AM

    સરસ કટાક્ષ
    જે સ્વપ્ન માટે તે શહીદ થયો
    તે હજીયે સ્વપ્ન જ છે,
    મરેલા માણસનું સ્વપ્ન.

  4. Dr. J. K. Nanavati said,

    May 11, 2010 @ 4:01 AM

    ભલે “રામ બોલો” રમે સૌની જીભે
    ખરેખર તો મનમાં હતું કે, હવે ટળ ……!!!!!

    ડો. નાણાવટી

  5. kanchankumari. p.parmar said,

    May 11, 2010 @ 4:23 AM

    વર મરો……કન્યા મરો…..પણ ગોર નુ તરભાણુ ભરો……આ દુનિયા મા સૌ પોતપોતાના સ્વાર્થ મા જ રાચે છે.

  6. વિહંગ વ્યાસ said,

    May 11, 2010 @ 5:20 AM

    *****

  7. રાજની ટાંક said,

    May 11, 2010 @ 8:30 AM

    જબરો કટાક્ષ

  8. ચાંદ સૂરજ said,

    May 11, 2010 @ 8:53 AM

    કવિની કલમે કેવું વ્યંગચિત્ર દોરી દીધું ! પરોપકારના પંથે પોતાની પાછળ જિંદગીનાં ફોરમતાં પાથરણાં પાથરી ચાલી નીકળેલી વિભૂતિઓ એમની પાછળ ખોડાયેલી અને કબૂતરોના ચરકથી ખરડાતી ખાંભીઓ કાજે એ કહેવા ક્યાં આવવાની કે ‘ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થા’વું’.

  9. pragnaju said,

    May 11, 2010 @ 9:13 AM

    હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે.
    ચાલો તેનાં થોડા વખાણ કરીએ
    તેની કીર્તિના સ્મારકો રચીએ
    તેને માટે પ્રાર્થનાઓ ગાઈએ.
    આ કટાક્ષ ઘણા ખરાના મનની સ્થિતી સૂચવે છે.
    દુઃખ ઘણા ઓછાને હોય છે.બાકી વ્યવહાર નિભાવવાનો છે.

    યાદ આવી
    કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ,
    મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે.
    આ બધા બેફામ જે આજે રડે છે મોત પર,
    એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
    રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
    હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

  10. Girish Parikh said,

    May 11, 2010 @ 9:57 AM

    યાદ આવે છે ગુરુ દત્ત્તની અમર ફિલ્મ ‘પ્યાસા’નું અમર ગીતઃ ‘યે દુનિયા અગર મીલ ભી જાયે તો ક્યા હૈ?’

  11. Praveen Thaker said,

    May 11, 2010 @ 11:07 AM

    ખાસું અંતરથી ઊગેલું, અસરકારક સમસામયિક કાવ્ય; અનુવાદ પણ સચોટ. અભિનંદન !
    વાંચીને, વર્ષો પૂર્વે હૈયે વસી ગયેલી, આપણા દિવંગત મૂર્ધન્ય કવિ મકરન્દ દવેની
    આ મર્મવેધી કંડિકા સાંભરી આવી –

    “અમે જીવ્યા, જલ્યા, દફનાઈ ચાલ્યા
    તમારા મહેલના પાયા તણા પથ્થરથરોમાં,
    હવે ગીતો અમારાં ગાઈને બેસી મિનારે,
    ભલા, નીચે પડેલાં હાડની હાંસી કરો મા !”

  12. વિવેક said,

    May 12, 2010 @ 1:51 AM

    “ખરી” અનુભૂતિની કવિતા…

    રોજબરોજની જિંદગીમાં આપણે આ સતત અનુભવતા જ હોઈએ છીએ પણ કવિ એજ વાતને થોડા શબ્દો વડે કેવી કવિતા બનાવી આપણી સમક્ષ મૂકી દે છે!!!

  13. Pinki said,

    May 12, 2010 @ 12:07 PM

    ……… deep observation and nice expression !

  14. himanshu patel said,

    May 12, 2010 @ 8:32 PM

    કે જે કારણ માટે તે જીવ્યો
    તે તો હજીયે એમનું એમ જ છે.
    જે સ્વપ્ન માટે તે શહીદ થયો
    તે હજીયે સ્વપ્ન જ છે,
    મરેલા માણસનું સ્વપ્ન.
    અમેરિકા હજું પણ બદલાયું નથી,પોલિટિકલ પોએટ્રિ તરીકે હજું પણ આ કાવ્ય એટલી જ તિવ્રતા ધરાવે છે.
    છેલ્લી પંક્તિ ઉમેરાઈ છે કાવ્યમાં નથી અને કાવ્યમાં જે કટાક્ષ હતો તેને રાજકિય રાખવાને બદલે
    દયામય કે કરુણામય બનાવે છે, દયાળૂ કરી નાખે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment