ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.

જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો
– ડૉ. મનોજ જોશી ‘મન’

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

શું કહું કે કેટલા સુંદર હતા !
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા !

મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ, જે ચૈતર હતાં !

હાથ ના પકડે હકીકત તોય શું ?
સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતાં !

આજના સંદર્ભમાં તાજા છતાં –
દર્દના કારણ ઘણાં પડતર હતાં !

ના જવાયું સાવ નજદીક એમની;
એ ઉપર થોડાં, ઘણાં ભીતર હતાં !

– લક્ષ્મી ડોબરિયા

રાજકોટના કવયિત્રીની સરળ બાનીમાં સંતર્પક ગઝલ…  સંબંધમાંથી અહમનો સૂર્ય હટી જાય તો ચૈત્રના તાપની જગ્યાએ અષાઢની ભીનપ અનુભવાય.  દુઃખ-દર્દના કારણોના મૂળ તો સદીઓથી એના એ જ હોય છે પણ તોય કોઈ દર્દ કદી વાસી લાગતું નથી… ખરું ને?

17 Comments »

  1. વિહંગ વ્યાસ said,

    April 9, 2010 @ 1:45 AM

    સહજ સુંદર ગઝલ. બધાજ શેર ગમ્યાં.

  2. Rakesh Thakkar, Vapi said,

    April 9, 2010 @ 2:06 AM

    સહજ સુંદર ગઝલ
    મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
    થઈ ગયા આષાઢ, જે ચૈતર હતાં !

  3. Dr. J. K. Nanavati said,

    April 9, 2010 @ 4:06 AM

    સરળ…સહજ…સક્ષમ….ગઝલ……

  4. preetam lakhlani said,

    April 9, 2010 @ 7:12 AM

    બહુ જ સારી ગઝલ્….ગમતો શેર્……
    ના જવાયું સાવ નજદીક એમની;
    એ ઉપર થોડાં, ઘણાં ભીતર હતાં !

  5. Sandhya Bhatt said,

    April 9, 2010 @ 10:17 AM

    સ્વપ્ન પણ પગભર જોવાની કવયિત્રીની ખુમારી ગમી ગઈ.લક્ષ્મીબેનને ઘણી ઘણી શુભકામના

  6. અભિષેક said,

    April 9, 2010 @ 11:28 AM

    બધા ગુજરાતીઓ માટે એક આનંદના સમાચાર છે. સાહિત્યને ‘તારી આંખનો અફીણી’,’નયણાં’, ‘પ્યારનો પારો’ જેવી ઉત્તમ રચના આપતા કવિ વેણીભાઇ પુરોહિતના કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યવિશેષ – વેણીભાઇ’ આવતીકાલ એટલે કે શનિવાર ૧૦ એપ્રિલે પ્રકાશિત થઇ રહ્યો છે. પ્રસિધ્ધ સ્વરકાર શ્રી દિલીપભાઇ ધોળકિયાના હસ્તે મુંબઇના ભારતીય વિદ્યાભવન ખાતે રાત્રે 0૮:૦૦ વાગ્યે તેનુ વિમોચન કરવામાં આવનાર છે.

    એટલું જ નહીં સુરેશ જોષીના સંગીત સંકલનમા તેમની અનન્યરચનાઓને ગુજરાતના જુદા જુદા ગાયકોના અવાજમાં આપ માણી પણ શકો છો. વધુ માહિતી http://www.krutesh.info/2010/04/blog-post_09.html

  7. ઊર્મિ said,

    April 9, 2010 @ 12:15 PM

    વાહ… બધ્ધા જ શે’ર મસ્ત થયા છે… એકદમ ખાસ લાગ્યા… ખૂબ જ ગમી ગયા… કોઈ એક શે’ર નહી પણ આખી ગઝલ જ ફરી અહીં કોપી-પેસ્ટ કરવી પડે… અભિનંદન લક્ષ્મીબેન.

  8. Girish Parikh said,

    April 9, 2010 @ 1:06 PM

    ગઝલ ગમી. નીચેનો શેર વધુ ગમ્યોઃ

    હાથ ના પકડે હકીકત તોય શું ?
    સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતાં !

    ‘સ્વપ્ન જન્મ્યાં ત્યારથી પગભર હતાં !’ જોઈએ! અનુસ્વારનું નાનકડું ટપકું મૂકવાનું તો ભલભલા સર્જકો પણ ભૂલી જતા હોય છે!

    આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ
    ના જવાયું સાવ નજદીક એમની;
    એ ઉપર થોડાં, ઘણાં ભીતર હતાં ! (અનુસ્વાર પણ બરાબર મૂક્યા છે).

    અભિષેકભાઈઃ ‘કાવ્યવિશેષ – વેણીભાઇ’ પુસ્તક પ્રકાશિત થશે એ જાણીને આનંદ થયો. એના પ્રકાશક કોણ છે એ જણાવવાની કૃપા કરશો. ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક મેં તૈયાર કર્યું છે અને યોગ્ય પ્રકાશકની શોધ કરી રહ્યો છું. હાલ પુસ્તકના ભાગ નીચેના બ્લોગ પર પોસ્ટ કરી રહ્યો છું:
    http://www.girishparikh.wordpress.com

  9. Sunil Thakkar said,

    April 10, 2010 @ 1:44 AM

    સુપર્બ ગઝલ, બહુ સારુ , બહુ ન પ્રખ્યાત નામ પાસે વાન્ચિ સારુ લાગ્યુ . અભિનન્દન

  10. ડૉ.મહેશ રાવલ said,

    April 10, 2010 @ 1:54 AM

    લક્ષ્મીબેનની ગઝલયાત્રાનો હુંય સાક્ષી રહ્યો છું.રાજકોટમાં રહીએ, એટલે અમે બધાજ એકબીજાની ગઝલ -સમજને સમજી અને વિકસિત કરતા રહ્યાં છીએ.
    અહીં પ્રસ્તુત ગઝલ એનું જ સહજ,સરળ અને સ-રસ ઉદાહરણ છે.
    -અભિનંદન લક્ષ્મીબેન.

  11. કવિતા મૌર્ય said,

    April 10, 2010 @ 1:53 PM

    હાથ ના પકડે હકીકત તોય શું ?
    સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતાં !

    ના જવાયું સાવ નજદીક એમની;
    એ ઉપર થોડાં, ઘણાં ભીતર હતાં !

    સુંદર શેર !

  12. sudhir patel said,

    April 10, 2010 @ 10:54 PM

    સુંદર ગઝલ માણવી ગમી.
    સુધીર પટેલ.

  13. PRADIP SHETH BHAVNAGAR said,

    April 12, 2010 @ 12:51 AM

    સરળ શબ્દો , સુન્દર રચના.

  14. pragnaju said,

    April 12, 2010 @ 4:17 AM

    સહજ સુંદર ગઝલ
    આ શેર વધુ ગમ્યો
    આજના સંદર્ભમાં તાજા છતાં –
    દર્દના કારણ ઘણાં પડતર હતાં !

  15. sudhir rokadia said,

    May 4, 2010 @ 9:25 AM

    સુન્દર્,સરલ

  16. Manoj Shukla said,

    June 1, 2011 @ 11:11 PM

    મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
    થઈ ગયા આષાઢ, જે ચૈતર હતાં !

    હાથ ના પકડે હકીકત તોય શું ?
    સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતાં !

    ખુબ જ સરસ વાત કહી છે.

  17. Celina said,

    December 13, 2015 @ 8:50 PM

    I love these aricslet. How many words can a wordsmith smith?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment