બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર,
ઉપર-ઉપરથી ફકત હાલચાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

આ અમથાજી – રમણીક સોમેશ્વર

માણસ નહિ પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી,
થરથરતી ઠંડીમાં ભીનું બાકસ છે આ અમથાજી.

લોક વચાળે ગાય-વગાડે, તાતા થૈ થૈ નાચે છે,
ચોરે ચૌટે ભજવતું એક ફારસ છે આ અમથાજી.

ફાટેલા દિવસને બખિયા ભરી ભરીને સાંધે છે,
ટાંકા-ટેભાવાળું તોયે અતલસ છે આ અમથાજી.

જીવતરનાં સૌ દૃશ્યો અમથો ઝાંખાં-ઝાંખાં ભાળે છે,
આંખો વચ્ચે ફેલાયેલું ધુમ્મસ છે આ અમથાજી.

રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે,
આમ જુઓ તો ફ્લોપ ગયેલું સરકસ છે આ અમથાજી.

– રમણીક સોમેશ્વર

અમથું જ કૈંક વાંચતા વાંચતા અમથી અમથી ગમી ગયેલી અમથાજીની આ અમથી-ગઝલ… એક અમથાભાઈને અમથી અમથી જ અર્પણ.  🙂  આ અમથાભાઈ કદાચ આપણી અંદર જ તો નથી રહેતા ને…?  ચાલો, જરા ચકાસી જોઈએ…

Comments (14)

થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ? – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

ના, તમે ભૂલી નથી ગયા. આજે ગાંધી-જયંતિ નથી 🙂

આ ગઝલ શેખાદમના ઈમરજન્સીના વખતમાં કરેલા રાજકીય કટાક્ષકાવ્યોના સંગ્રહ ‘ખુરશી’માંથી છે. આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે.

Comments (17)

ઝાડ – કિરીટ ગોસ્વામી

ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી.

પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી તાજી;
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી.

કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી,
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી;
અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી.

– કિરીટ ગોસ્વામી

પ્રસિદ્ધિની ભવ્ય ક્ષણોમાં માણસ પણ જો ઝાડની જેમ જ નમ્ર થઈને ઝૂકી શકે તો… ?   તો કદાચિત પોતાના પ્રેમની લીલપની  સરવાણી સૌ પર એકસરખી રીતે વહાવી શકે ! પણ કદાચિત…

Comments (17)

મારો અવાજ તારા લગી ન પહોંચે તો – અફઝલ અહમદ સૈયદ

મારો અવાજ તારા લગી ન પહોંચે
તો એમાં ઉમેર પડઘો –
પૌરાણિક કથાઓનો પડઘો.

અને એમાં ઉમેર –
એક રાજકુમારી

અને રાજકુમારીમાં ઉમેર –
તારું રૂપ

અને તારા રૂપમાં ઉમેર –
એક આશિકનું દિલ

અને ઉમેર આશિકના દિલમાં-
એક છરી.

– અફઝલ અહમદ સૈયદ

વાત તો એ જ છે જે આપણે અસંખ્ય કથાઓમાં અને કવિતાઓમાં સાંભળી ચૂક્યા છીએ. પણ કવિની વાત કહેવાની અદા જ આ કવિતાને મહાન બનાવી દે છે.

Comments (11)

જીવન-ગીત – ગની દહીંવાળા

ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત ?
મારે ગાવું જીવન-ગીત.

આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વય છે ઝાંઝર તારાં;
લાવ અધર પર સ્મિત !
મારે ગાવું જીવન-ગીત,

હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી !
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત,

યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે.
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયા નો,
જે વીતે તે વીત !
મારે ગાવું જીવન-ગીત.

– ગની દહીંવાળા

સરળ વાણી,સુંદર અર્થ,સબળ કાવ્ય-બંધારણ એટલે ગનીચાચા. ‘યજ્ઞ મહીં હોમાઈ જવું છે’- આ ભાવના આખા ગીત ને એક અનેરી ઊંચાઈ અર્પે છે-હકારાત્મકતાની દ્યોતક આ ભાવના ગીતા-ધ્વનિની યાદ અપાવી જાય છે.

Comments (7)

આંસુ – જયન્ત પાઠક

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !

– જયન્ત પાઠક

ગઈકાલે જ આંસુ વિશે શ્રી ઉશનસે લખેલ એક સૉનેટ માણ્યું. આજે આંસુ વિશે જ એક બીજું સૉનેટ જયન્ત પાઠકની કલમે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવવા જેવું છે.

આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે…

Comments (8)

આંસુ – ઉશનસ્

(વસંતતિલકા)

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું !

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું !
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને !

– ઉશનસ્

આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!

આંસુ જાણે કે સમુદ્રનું જ નાનકડું સ્વરૂપ છે, એ જ સૌંદર્ય અને એ જ એની ભીતરમાં ભારેલો અગ્નિ.. અને સમુદ્ર પણ કેવો! યુગોથી એનું તળિયું કોઈ પામી શક્યું નથી. એને કોઈ કિનારો નથી પણ તોય એવો કોઈ ભડવીર જાણમાં છે જે એને પાર તરી શક્યો હોય? જેમાં આંગળીનું તેરવુંય ન ડૂબે એમાં આખા જ્ન્મારાનાં વહાણ અને તોફાન અને સ્વપ્નાંઓ ડૂબી જાય છે પણ ક્યાંય કોઈ નિશાની જડતી નથી… આંસુ ભલે મૌન હોય પણ એના પેટમાં જાણે કે જીવતરની આખી ભાષા ભરી પડી છે…

Comments (18)

ગરબડ ન કર -રઈશ મનીઆર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

આજે આપણે થોડા હળવા થઈ જઈએ… (હસીને, diet કરીને નહીં!)  🙂

Comments (32)

કદાચ -વિપિન પરીખ

મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

-વિપિન પરીખ

આ કવિતા એટલે ગાગરમાં સાગર.  કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો !  અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !

Comments (16)

રાજસ્થાન – જયન્ત પાઠક

અરધા ડુંગર, અરધી રેતી,
વચમાં વચમાં, થોડીક ખેતી.

થોડાં બકરાં, થોડાં ઘેટાં,
ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટાં!

વનરાજિ સમ આછીપાંખી
પ્રજા ઉઘાડી અરધી ઢાંકી.

રેત અને પથ્થરના વ્હેળા
વહે રુધિરના રેલા ભેળા.

સૂનો મહેલ, છતોને માથે
કાળ લટકતો ઊંધે માથે.

ટેકરીઓ પર ઊગે ભાણ,
ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.

ભાલા, તીર, બખ્તર ને ઢાલ:
સંગ્રહસ્થાને કેદી કાળ !

– જયન્ત પાઠક

રાજસ્થાન કવિઓને ખૂબ આકર્ષે છે. એકવિધ રેતીના દરિયાને પોતાનું સૌંદર્ય છે. કથાઓ અને કારસ્તાનોના આ પ્રદેશમાં એકએક પથ્થરની નીચે ઈતિહાસ દબાયેલો પડેલો છે. આ કાવ્યમાં જ.પા. થોડા શબ્દોમાં રાજસ્થાન નામની દંતકથાત્મક ઘટનાને દેહ આપવામાં સફળ રહે છે.

Comments (10)

થઈ ગયો – ઉદયન ઠક્કર

પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને લીલો થઇ ગયો
તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઇ ગયો.

કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો
પાંદડાએ બોલતાં શીખવ્યું, સૂરીલો થઇ ગયો.

પૃથ્વી તો સ્હેજે ફૂદરડી ફરતી, રમતી નીકળી
ધીરે ધીરે થઇ ગઇ આદત ને ચીલો થઇ ગયો.

પાણી પ્રગટ્યું, ત્યારે ચાંદો સોળ-સત્તરનો હશે…
જોઇને દર્પણમાં, છોગાળો-છબીલો થઇ ગયો

માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઇ ગયો

સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું
અંતે જકડી રાખનારો એક ખીલો થઇ ગયો

– ઉદયન ઠક્કર

પ્રકૃતિના મૂળભૂત તત્વો –  હવા,પાણી,પ્રુથ્વી,સૂર્ય,માટી – ની એકબીજાની સાથેની પ્રતિક્રિયાને મસ્તીખોર રીતે રજૂ કરતી ગઝલ.  એક રીતે જુઓ તો સૃષ્ટિના સર્જનને જાણે માણસ મોટો થતો હોય એમ વર્ણવ્યું છે. પહેલા શેરમાં જન્મ, પછી બોલતા શીખવું, ચાલતા શીખવું, જુવાન થવું, સમયની થાપટ ખાવી અને છેવટે દુનિયાદારી શીખવી.જોકે, ગઝલની ખરી મઝા તો આવો લાંબો વિચાર કર્યા વિના જ આસ્વાદવામાં છે.

હંમેશની જેમ ઉ.ઠ.ની આ ગઝલ પણ તાજા કલ્પનોની લ્હાણી કરતી આવે છે અને હસતા – ને વિચારતા – કરી જાય છે.

Comments (17)

ગઝલ – મુકુલ ચોક્સી

આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી,
ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી.

ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.

નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

સહરાની જેમ તું ય ધધખતો ભલે ને હોય,
વરસી શકે જરાક,તો વાદળ કશું નથી.

દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.

– મુકુલ ચોકસી.

છ શેરની આ ગઝલમાં એક સળંગ સૂર સંભળાય છે. અસ્તિત્વના વર્તુળનું કેન્દ્ર ‘સ્વ’ છે. વાસ્તવિક બંધનોની જાળ કરતા ભ્રમણાના બંધનોની જાળ જાણે વધુ વ્યાપક હોય છે !

Comments (14)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)

મુક્તક -વિવેક મનહર ટેલર

આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

-વિવેક મનહર ટેલર

આજે ‘ગાગરમાં સાગર‘ પર જયશ્રીએ મૂકેલી વિવેકની એક ઓવનફ્રેશ ગઝલનો મા ગુર્જરી વિશેનો એક શે’ર એના કાવ્યપઠનની સાથે માણ્યો… અને તરત જ મને એનું આ મુક્તક યાદ આવ્યું અને તરત જ અહીં ટપકાવી પણ દીધું…

Comments (13)

(ચાલ, થોડો યત્ન કર) – ચિનુ મોદી ‘ઇર્શાદ’

chinu-modi-yatna-kar(આગામી કાવ્યસંગ્રહની એક કૃતિ કવિનાં પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

થોડા વખત પહેલા અહીં ન્યુ જર્સીમાં યોજાયેલા ‘સર્જક સાથે સાંજ’ દરમ્યાન ચિનુભાઈને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.  થોડા સમયમાં ચિનુભાઈનો કાવ્યસંગ્રહ ‘ખારા ઝરણ’ પ્રકાશિત થનાર છે, જેમાંની ઘણી ગઝલો એ કાર્યક્રમમાં સાંભળવા મળી અને અહીં મૂકવાની મંજૂરી પણ.  થોડી ગઝલોમાંથી પસાર થતા એમની આ ગઝલ મને જરા વધુ ગમી ગઈ.  ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા ‘ પ્રકારનાં ભાવવાળી આ ગઝલનાં બધા શે’રો આપણને હાથ પકડીને બેઠા અને ઊભા કરે છે.  સડક સીધી હોય કે ન હોય પરંતુ મનુષ્ય જો થોડો પ્રયત્ન કરે તો એના પર જરૂર દોડી શકે છે.  બીજો શેર મને ખૂબ જ અદભૂત અને પોતીકો લાગ્યો છે.  જેને મેં મારી રીતે અનુભવ્યો છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કવિતાસર્જનમાં mental BLOCK જેવું અનુભવાતુ હોય.  કવિતાનો સ્વભાવ પણ કદાચ નદી જેવો જ છે, એની મેળે ખળખળ વહેવાનો.  થોડો વખત એ ‘થીજી’ જાય તો ભલે, પરંતુ સ્વભાવ અનુસાર એ જરૂર અનુસરવાની અને બરફ તોડીને ફરી જરૂર વહેવાની… 🙂

Comments (22)

મુક્તક – યુસુફ બુકવાલા

મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?

– યુસુફ બુકવાલા

Comments (11)

(અડધો અડધો) – કુંતલકુમાર જૈન

જીવતરના બે ભાગ કર્યા, પછી એક અડધિયું જીવ્યા
પ્રેમ પણ અર્ધો કર્યો, ધિક્કાર અર્ધો જીવ્યા
સત્ય બોલ્યાપણ પહેલાં એના બે ભાગ કર્યા
સાહસ હતું ઓછું, જૂઠાણું પણ અર્ધું જીવ્યા !
ન્યાય હતો સહેજ છેટો, પણ મજલ અર્ધી જ કાપી
મન પણ પૂરેપૂરું પાપી નહોતું, છેહ તો પુણ્યને ય આપ્યો
પૂછો, પૂછો –
તરસ છીપી નહિ કે
આપણે જ ઓછું પાણી પીધું ?

– કુંતલકુમાર જૈન
(અનુ. રમેશ પારેખ)

આપણે કશું જીગર ફાડીને પૂરેપૂરું કરી શકતા નથી. પ્રેમ – સત્ય – ન્યાય – જીવન -મૃત્યુ બધું જ અડધું કરે રાખીએ છીએ. એ અડધામાંથી કંઈ ન ઊગે એમાં વાંક કોનો ? – આપણો જ સ્તો !

Comments (10)

એક પગલાની પીછેહઠ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)

રેતી,ધૂળ,ઢેફાં અને કાંકરા જ માત્ર
ફરી એક વાર પોતીકી સફરે નીકળ્યાં હતાં એમ નહીં,
પણ હંમેશ કાદવ ગળચતી,
સમતુલા ગુમાવી બેઠેલી, તોતિંગ ભેખડોએ
એકમેકના મૂંડા આછેરા અફાળ્યા
અને કંદરાઓમાં ગબડવા લાગી.
આખા ને આખા ભૂમિખંડો પોપડે પોપડે ઉતરડાઈ ગયા.
આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
મને હચમચી ગઈ લાગી.
પણ પીછેહઠના એક જ પગલાથી
મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
છિન્નવિચ્છિન્ન થયેલું એક વિશ્વ
મારી આંખ સામેથી પસાર થઇ ગયું.
ત્યાર પછી વરસાદ ને વાવાઝોડું જંપ્યાં
અને મને કોરો કરવા માટે સૂરજ બહાર પડ્યો.

-રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ.- જગદીશ જોષી)

Exsistentialism (અસ્તિત્વવાદ) ની વાત છે…. કવિની ખાસિયત પ્રમાણે નાનાંનાનાં સૂચક શબ્દો ખૂબી થી પ્રયોજ્યાં છે (દા.ત. બીજી પંક્તિમાં ‘ફરી એક વાર….’). મૂલ્યો ખાતર કુરબાન થવું કે પછી એક પગલાની પીછેહઠથી મૂલ્યોના ભોગે જાતને બચાવવી અને એક નવી સવારની આશા અને પ્રતિક્ષામાં તોફાનને પસાર થઇ જવા દેવું-અત્યંત અંગત પ્રશ્ન છે અને ઉત્તર સરળ નથી. અસ્તિત્વ જ ન રહે તો મૂલ્યોનો શો અર્થ ? મૂલ્યો વગરના અસ્તિત્વનો શો અર્થ ?

***

One Step Backward Taken – Robert Frost

Not only sands and gravels
Were once more on their travels,
But gulping muddy gallons
Great boulders off their balance
Bumped heads together dully
And started down the gully.
Whole capes caked off in slices.
I felt my standpoint shaken
In the universal crisis.
But with one step backward taken
I saved myself from going.
A world torn loose went by me.
Then the rain stopped and the blowing,
And the sun came out to dry me.

Comments (5)

તિથિસાર ! – વીરુ પુરોહિત

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી !

ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,
છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી !

મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,
આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી !

નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી !
“અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી !”

બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !
ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !

પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !

– વીરુ પુરોહિત

તમામ ગુજરાતી તિથિઓને કળાત્મકરીતે સાંકળી લેતું આવું સરસ મસ્તીસભર પ્રણયગીત આ પૂર્વે કદી વાંચ્યાનું સ્મરણ છે ?

Comments (7)

ખંખેરી નાખ – સુધીર પટેલ

ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !

ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !

રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !

નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !

જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !

– સુધીર પટેલ

ખંખેરી નાખ જેવી અર્થપૂર્ણ રદીફ લઈ કવિ મજાના પાંચ શેર નિપજાવે છે. સંપૂર્ણ જ્ઞાનપ્રાપ્તિની સહુથી પહેલી શરત છે સંપૂર્ન અજ્ઞાન ! અધકચરી સમજણના ડાબલાં આંખ ઉપર બંધાયેલા હોય તો જ્ઞાનમાર્ગ નજરે ચડવો સંભવ નથી… ઊભા થવાનું આહ્વાન એ શિક્ષાનું પ્રથમ સોપાન છે અને ધૂળ પેઠે સમજણને ખંખેરી નાંખવી એ બીજું…

Comments (31)

ક્યાં ભરોસો હોય છે ? – આહમદ મકરાણી

ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે ?
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે ?

ફળ અહીં એનું મળે ના યે મળે;
બંદગીનો કયાં ભરોસો હોય છે ?

આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?

અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?

તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?

– આહમદ મકરાણી

જીવન, પ્રાર્થના, કવિતા, મોસમ અને આંખ- કશાયનો કાયમી ભરોસો ખરો ?

(તૂર=પર્વત)

Comments (11)

ચૈત્રરાતે – સુરેશ જોષી

ચૈત્રરાતે ચાંદની
એના મૃદુ કરથી લખી ગઈ
આ દેહ પર શા લેખ
તે અંગેઅંગે ફેરવીને અંગુલિ
કૂતુહલથકી ઉકેલવા બેઠો પવન ,
એ સ્પર્શસુખે આ સવારે હું મગન.

– સુરેશ જોષી

જાપાનીઝ કવિતાઓના ઋજુ સૌંદર્યની યાદ અપાવાતી કવિતા. અનુભૂતિની સચ્ચાઈથી જ કવિતાનો ગર્ભ રચાય છે. ને એ સચ્ચાઈ હોય તો કાવ્ય-સૌંદર્ય તો એની મેળી જ ખીલે ઊઠે છે. એમના જ બે સૌંદર્ય-શુદ્ધ લઘુકાવ્યો પણ જોશો.

Comments (4)

સૂરતનો વરસાદ – નયન દેસાઈ

પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ

બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…

નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે…  સૂરતનો…

– નયન દેસાઈ

સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? 🙂

Comments (18)

મળો તો- -જગદીશ જોષી

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઊના ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી સમણું ઊગે-
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બાવરી;
કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી :
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

અનેક આવરણો ઓઢીને આપણે આયખું વ્યતિત કરીએ છીએ….ઘણીવાર તો દર્પણ મૂંઝાતો હશે કે ઉપસ્થિત થનાર માનવ-આકારનો મૂળભૂત ચહેરો કયો હશે ! ઝંખના છે આવરણરહિત મિલનની…પરંતુ ઝંખનારે આવરણો ત્યજ્યા છે ખરા ? અમૃત ની કામના છે તો સમુદ્રમંથન અનિવાર્ય છે. ક્યાંક કશુંક ખૂટે છે તે વાત કાવ્યમાં ખૂબીથી વણાયેલી છે.

Comments (7)

ગઝલ – મરીઝ

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.

દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.

દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.

કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

– મરીઝ

મરીઝને ગયાને જમાનો થયો પણ એની ગઝલો આજે પણ સર્વોત્કૃષ્ટ અને સહુથી વધારે વંચાતી ગઝલો છે. સરળ દિલ અને સાફ બયાનીમાં લખાયેલી આ ગઝલો આપણા સાહિત્યની અમૂલ્ય જણસ છે…

Comments (19)

પત્રલેખા – (સંસ્કૃત) અનુ. હરિવલ્લભ ભાયાણી

પત્રલેખા – ૧

બસ થયું !
પત્રલેખન રહ્યું –
લેખિની બોળવાને સખીએ નમાવેલ
કાંડાથી જે સરી પડ્યું કંકણ
એ જ બસ પ્રિય પ્રતિ મોકલો –
. વિરહનું વેદના-દર્પણ !

***
પત્રલેખા – ૨

જેમ જેમ પત્ર પર અક્ષર અંકાય
તેમ તેમ ટપકતાં આંસુએ ભૂંસાય

(મૂળ સંસ્કૃત)
– અનુ. હરિવલ્લભ ભાયાણી

આજે SMS અને e-mailના યુગમાં પત્રલેખન ઝડપથી ઇતિહાસ બની રહ્યું છે. સંસ્કૃત મુક્તકોમાંથી બે નાનકડા મુક્તક આ જ વિષય ઉપર આજે આપના માટે…

બંને મુક્તકમાં પ્રોષિતભર્તૃકાનો વિરહભાવ વ્યક્ત થયો છે પણ બંનેની વાત જરા અલગ છે… જુદાઈની આગમાં સળગી સળગીને પત્રલેખાની કાયા એટલી કૃશ થઈ ગઈ છે કે કલમ કડિયામાં બોળવા એ કાંડું નમાવે છે તો પાતળા થઈ ગયેલ હાથમાંથી કંગન પણ સરી પડે છે. લખવાની તાકાત પણ નથી એટલે પ્રિયને વિરહ વેદનાના અરીસાસમું એ કંગન જ મોકલી આપવા એ કહે છે… બીજા મુક્તકમાં પણ વિરહ-વ્યથા ચરમસીમાએ છે… જેના માટે પત્ર લખાઈ રહ્યો છે એની જ યાદમાં ટપકતાં આંસુઓ એને ભૂંસી રહ્યા છે…

Comments (9)

પ્રાર્થના – હરીન્દ્ર દવે

તારું બની કરણ જીવીશ હું સદાય
તારું લહી શરણ જીવીશ હું સદાય,
પંથે વિશૂન્ય મનથી ભટકી રહ્યો છું
તારાં ગ્રહી ચરણ જીવીશ હું સદાય.

-હરીન્દ્ર દવે

ચાર લીટીની આ નાનકડી પ્રાર્થનામાં કોઈ કી-વર્ડ હોય તો તે છે વિશૂન્ય મન.  મન જ્યાં સુધી શૂન્યથીય વધુ શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી પ્રભુના ચરણ ગ્રહી શક્વાનું નસીબ થતું નથી. વળી અહંકારનો અભાવ પણ આ પ્રાર્થનાનો મુખ્ય સંદેશ છે. હું તારું કરણ બનીને જીવી રહ્યો છું એવો અહંકાર મનમાં આવે તો કદી પ્રભુશરણ મળતું નથી… પણ હું તારું કરણ બનીને જીવીશ, તારા શરણમાં અને ચરણમાં જીવીશ એવો નિરંહકારી સંકલ્પ કરીએ તો જ ભટકતા પંથ અને પંથીને એની ખરી મંઝિલ મળે…

Comments (7)

વતનની યાદ – શેખાદમ આબુવાલા

વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું
કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે

– શેખાદમ આબુવાલા

‘ગુલાબી ભીડ’ જેવો પ્રયોગ શેખાદમ જ કરી શકે. લોકોને એકાંત સાલતુ હોય છે, કવિને ભીડ સાલે છે  અને એય ગુલાબી ! દેશમાં રહીને ‘ગુલાબી ભીડ’નો અર્થ સમજવો અઘરો છે. એ તો વતનથી દૂર રહીને જ સમજી શકાય એમ છે.

Comments (10)

(એક માણસ કેટલો ઘરડો પડે!) – હરદ્વાર ગોસ્વામી

એક પડઘાનો પછી પડઘો પડે,
મૌનના ઘરનો સીધો રસ્તો પડે.

આયના એના વિષે ઝગડી પડ્યા,
કોઈના ચહેરા વિશે પડદો પડે!

છે લપસણી આજની એવી હવા,
પંખીને પણ ઉડતા ફડકો પડે!

એક લીલી લાગણીને પામવા
એક માણસ કેટલો ઘરડો પડે!

ભીતરે સળગાટ કૈં એવો હતો,
આંખમાંથી આંસુ નહીં, તણખો પડે!

-હરદ્વાર ગોસ્વામી

મારો સૌથી પ્રિય શેર – એક લીલી લાગણીને પામવા, એક માણસ કેટલો ઘરડો પડે. હા, રમૂજ તો છે જ, પણ વાત પણ એટલી જ ઊંચી છે. કોઈની લાગણી કદી ઓછી હોતી નથી, એ તો આપણો માહ્યલો જ ‘ઘરડો’ પડતો હોય છે !

કવિની વેબસાઈટ ગુજરાતી છું… પર એમની વધારે રચનાઓ હાજર છે.

Comments (14)

ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

અડચણોને ગાઈ લેવી … તકલીફોને સજાવી લેવી… પણ ગઝલનો (ને જીગરનો) મિજાજ તો બરકરાર જ રાખવો !

Comments (23)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Zanzat tamam padti muki bes thodi vaar
(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

*

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર

લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર

જોવાં- ન જોવાં જેવું ઘણું જોયું બસ હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર

અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર

– પંકજ વખારિયા

નવી પેઢીના ગઝલકારોમાં કદાચ પંકજ મારો પ્રિયતર કવિ છે.  એની ગઝલોમાં સપાટી પર રમતો શેર શોધી કાઢવાનું કામ દોહ્યલું છે.  બેસ થોડીવાર જેવી મજાની રદીફ એણે પાંચેય શેરમાં બખૂબી નિભાવી બતાવી છે…

Comments (16)

ગઝલ – જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

-જવાહર બક્ષી

સંબંધમાં અંતર તો ક્યારેક જ તકલીફદાયક હોય છે પણ સાથે રહેવું તો ક્ષણેક્ષણ અગ્નિપરીક્ષા જેવું છે…

Comments (11)

ગઝલ – અલ્પેશ કળસરિયા

શું વ્હાલું, શું દવલું ? વ્હાલા !
સઘળું અહીં તો નવલું, વ્હાલા !

ભભૂત લગાવી બેઠાં સાધુ,
પ્હેર્યું અલખનું ઝભલું, વ્હાલા !

ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
રિક્ત સમયનું સસલું, વ્હાલા !

જાત-ઇયળને ચણી જવાનું,
એકલતાનું ચકલું, વ્હાલા !

ઘેંટા-બકરાં જેવા આપણ,
ડગલાં પાછળ ડગલું, વ્હાલા !

માનસપટની રેતમાં રખડે,
એક અટૂલું પગલું, વ્હાલા !

– અલ્પેશ કળસરિયા
૯૪૨૭૫૧૧૫૭૩

વાંચતા જ વહાલી લગે એવી મજાની ગઝલ… ખાલીપાનું સસલું ક્ષણોના ઘાસને ખાઈ રહ્યું હોવાનું કલ્પન સવિશેષ સ્પર્શી જાય એવું છે. આપણી ગાડરિયાપ્રવાહની માનસિક્તા પણ સુપેરે ઉપસી આવી છે… પણ આ બધા જ શેરોની ભીડમાંથી જે મારા માનસપટ પર કાયમ માટે અંકાઈ જવાનો છે એ શેર તો આખરી છે… રેતીમાં પડતાં પગલાં તો ભૂંસાઈ જવા જ સર્જાયા હોય છે પણ એકાદ સ્મરણ તો અમીટ છાપ મૂકી જ જતું હોય છે…

Comments (17)

એક પાંદડું – ડેવિડ ઈગ્નાતો

એક પાંદડું પડી રહ્યું ડાળ પર
ઉદાસી કે આશાનો કોઈ સૂર નહીં
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
અને કોઈ અસુખ નહીં.
એક પાંદડું : કેવળ પાંદડું
હવામાં, અને એકલતા કે મૃત્યુ વિશેની
કોઈ વાત નહીં. એક પાંદડું અને એ પોતાને ખર્ચી નાખે છે.
ઝૂલીને હળવેથી લહરમાં.

-ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અનાવશ્યક આવરણો દૂર કરીને આપણી છેક પોતાની અંદર સુધી જઈએ તો આપણું ‘હોવાપણું’ પણ ચોક્કસ આ પાંદડા જેવી જ અવસ્થામાં મળે.

હોવું એટલે કે being એટલે કે સરળતા. થવું એટલે કે becoming એટલે કે સંકુલતા.

અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું – બસ ઝૂલી લેવું લહેરમાં, આ ક્ષણમાં – એ જ જિંદગી !

Comments (9)

(પત્તાંનો મહેલ) – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી

એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે

ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા

સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

બહુ કાળજીથી રચેલો નક્શીદાર શબ્દ-મહેલ પણ એક જ અનુભૂતિના પ્રભાવની સામે કાંઈ નથી. અનુભૂતિ હંમેશા શબ્દરમતથી ચડી જ જાય છે. કવિ અહીં ભાષાના વિવિધ તત્વોને બહુ મઝાની રીતે સાંકળી લીધા છે.

Comments (15)

નથી શકતો – ઘાયલ

ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– ઘાયલ

Comments (12)

ગઝલ – આકાશ ઠક્કર

ઊગી ગયું  છે  હાથમાં  તે  ઘાસ  છે
ઝાંખી  થયેલી  મેંદીનો  ઇતિહાસ  છે .

સૂના  પડ્યાં  છે  ટેરવે  વસતાં નગર
લકવો  પડેલાં  સ્પર્શ  તો ચોપાસ  છે .

ભગવી   ધજાને  ફરફરાવે  એ   રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સન્યાસ છે .

ઈશ્વર ,  તને  જોયા પછી  સમજાયું છે
બન્ને  તરફ   સરખો   વિરોધાભાસ  છે .

પાંખો મળી  પણ  જાત માણસની મળી
‘આકાશ’માં  પણ  ધરતીનો સહવાસ છે

– આકાશ ઠક્કર

Comments (11)

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૨)

ગયા અઠવાડિયે પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ સંગ્રહના વિમોચન નિમિત્તે મેં આપેલ ટિપ્પણીનો અડધો ભાગ આપણે અહીં જોયો. હવેએ પ્રવચનનો બાકીનો ભાગ માણીએ:

*

Gaurav

*

એવું કહીએ કે કવિ માત્ર પ્રેમની જ વાતો કરે છે તો એ પણ સાચું નથી. કવિ કેટલાક ચિંતનાત્મક શેરો પણ લઈ આવે છે:

આદત સફરની એવી પડી’તી કે શું કહું ?
રસ્તો પૂરો થયો છતાં હું ચાલતો રહ્યો.

ફૂલ સાથે રહી કંઈ ફરક ના પડ્યો,
કંટકો સાવ એવા ને એવા રહ્યા.

પાણીને બદલે ઝાંઝવામાં ફેરવું છું નાવ,
ડૂબી જવાની એટલે ચિંતા નથી હવે.

તેં પરિચય કરાવ્યો ભીતરનો મને,
તારો હે રિક્તતા ! ખૂબ આભાર છે.

ચિંતનાત્મક શેર ક્યારેક ઉપરથી ખૂબ સાદા દેખાતા હોય છે પણ એમની આ છેતરામણી સાદગીની પાછળનું સાચું સૌંદર્ય ચૂકી જવાય તો સરવાળે ભાવકને જ નુક્શાન થાય છે. એક ઉદાહરણ જોઈએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

– આ શેર ઉપરથી કેટલો સરળ લાગે છે! પણ સહેજ વિચારતાં માલુમ પડે છે કે કવિએ એક નાની બહેરના શેરની બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે ! છીપ ધીમેથી ઊઘડે અને અંદરથી મોતી જડે એવો છે આ શેર. ફરી સાંભળીએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

એવો જ એક અદભુત શેર આ સંગ્રહમાંથી મળી આવે છે. ગુજરાતી સાહિત્યના ચિરસ્મરણીય શેરોની યાદીમાં આસાનીથી સમાવિષ્ટ થઈ શકે એવો. જુઓ:

ક્યારનો મંજિલ ઉપર પહોંચી ગયો હોત,
હર કદમ પર મુજને આ રસ્તા નડે છે.

કવિ શબ્દો વડે મજાનું ચિત્ર પણ ખડું કરી શકે છે. સૌંદર્ય અને પ્રકૃતિને પણ કવિ એટલા જ વહાલથી અડે છે:

સ્પર્શવી છે સુગંધને ‘ગૌરવ’,
પણ પવન જેવી આંગળી ક્યાં છે ?

આ કવિ શબ્દ અને મૌનની વચ્ચેના એકાંતને પણ અડકી શકે છે. એ મૌનની તાકાત પણ જાણે છે અને શબ્દોના વિસ્ફોટથી પણ પરિચિત છે. જુઓ:

શબ્દ ફાટે છે ક્યારેક એવી રીતે,
મૌનમાં પણ તિરાડો પડી જાય છે.

હોઠના ઘરમાં પ્રવેશી ચુપકીદી,
ને બિચારો શબ્દ બેઘર થઈ ગયો.

– આ થઈ ગૌરવની ગઝલો વિશે થોડી વાત. એની ગઝલોમાં કેટલું સત્વ છે એ જોયું. હવે એની ગઝલો ક્યાં નબળી પડે છે એ પણ જોઈ લઈએ. ગૌરવના સંગ્રહમાંથી પસાર થતી વખતે બે વસ્તુ મને સતત ખટકી. એક તો છંદના નાવીન્યનો અભાવ અને બીજું કાફિયાની સજ્જતાની કમી. ગઝલની હવે પછીની ગઝલો પાસેથી છંદબાહુલ્ય અને ચુસ્ત કાફિયાની અપેક્ષા રાખી શકાય…

સરવાળે ગૌરવની ગઝલો  ઊર્મિપ્રધાન છે અને ઉજળું ભવિષ્ય ધરાવે છે… આંખની કમી એની ગઝલોને ક્યાંય નડી નથી, ઊલટી એની સંવેદનાને એના કારણે વધુ ધાર મળી હોય એમ જણાય છે.

ગૌરવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

(‘પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ., સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત–૯)

કિરણસિંહ ચૌહાણના સાંનિધ્ય પ્રકાશનની આકર્ષક યોજના અને આ કાર્યક્રમનો ટૂંકસાર આપ અહીં માણી શકો છો.

Comments (8)

વહાલ વાવવાની વાત (ભાગ:૨) – ગૌરાંગ ઠાકર

નવમી મેના રોજ ગૌરાંગ ઠાકરના બીજા ગઝલસંગ્રહ- વહાલ વાવી જોઈએ-ના e-વિમોચન (e-મોચન)માં આપણે જોડાયા. આજે એ સંગ્રહના ઉત્તરાર્ધના કેટલાક શાનદાર-જાનદાર શેર મમળાવીએ:

પવન તો બાગથી ખુશબૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

એ બધું છોડીને બેઠો છે અહીં.
એટલે તો સર્વગ્રાહી થાય છે.

મારું સઘળું એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનું સ્થાન લઈ બેઠા !

માત્ર સરનામું એમણે દીધું,
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.

ધોવાણ કે પુરાણ બંને ગતિથી થાય,
કાંઠે ઊભા રહો પછી સમજાઈ જાય છે.

પ્રેમની પળનો વિલય હોતો નથી,
ફક્ત આપણને સમય હોતો નથી.

હવે આ સદનની સજાવટ બહુ થઈ,
જે ભીતરમાં ખૂલે તે બારી બનાવું.

વરસ્યા વિનાનાં વાદળો જોઈને થયું એમ,
ડૂમાથી અહીં ઓગળી આંસુ ન થવાયું.

કમ સે કમ એવું તો ના બોલો હવે,
મારી સાથે બોલવા જેવું નથી.

તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.

જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે
મારામાં શું થયા પછી માણસ બનાય છે ?

મનની તરસ વિશે તમે એને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને એ મૃગકળમાં જાય છે.

પર્વતની છાતી જોઈને ઝરણાંને મેં કહ્યું,
તારા ગયાનાં સળ, તને ક્યાંથી ખબર પડે ?

એક તો આજે પવનમાં છત ગઈ,
ને ઉપરથી ઝીણું દળવાનું થયું.

દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું.

મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.

હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં.

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.

Comments (19)

ગઝલ – ગની દહીંવાલા

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.

-ગની દહીંવાલા

‘હૈ તો હૈ’ ફેમ દિપ્તી મિશ્રના સંગ્રહની પ્રસ્તાવનામાં કાલે એક મજાની વાત વાંચી. એ કહે છે કે જીવનના ઋણમૂલક (-)ને જેમ જેમ ઊભી લીટીથી કાપતી ગઈ એમ એમ ધનમૂલક (+) થતું ગયું… નકારાત્મકતાને સકારાત્મક્તામાં ફેરવવાની આ વાત કેવી મજાની છે! આ આખી ગઝલ આજ વાતનો પડઘો નથી?!

Comments (10)

ગોરખ આયા ! – રાજેન્દ્ર શુક્લ

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા !

ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા !

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા !

નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા !

એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા !

ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા !

લગી લેહ, લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા !

– રાજેન્દ્ર શુક્લ

બે દિવસ પર મૂકેલી કવિશ્રીની ચેત મછંદર ગઝલની સાથેની આ યુગ્મ-ગઝલ આજે મૂકવાની લાલચ છોડી શકતો નથી. ‘ગોરખ આયા’ એટલે ચેતનાનો ચમકરો થવાની ઘટના. ચેતનાની ક્ષણનું આવું સબળ વર્ણન કવિશ્રીના ઘૂંટાયેલા અંતરનાદની સાહેદી પૂરે છે.

ગોરખ-મછંદરની કથા વાંચવાની ઈચ્છા થાય તો એ અહીં મૂકી છે. ( દિનકર જોશીના પુસ્તક ગ્લિમ્પસીસ ઓફ ઈન્ડિયન હિસ્ટરીમાંથી)

(અલખ=પરમેશ્વર, અરૂ=અને, કરાકો=કડાકો, લેહ=લગની, ખલકત=આદત, સૃષ્ટિ)

Comments (7)

એક ઉઝરડે – અમર પાલનપુરી

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે,
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે ?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે !

કહેશે કોણ ઝવેરી તમને ?
ફેંકી દીધાં રત્ન ઉકરડે !

રાખ્યું નામ अमर એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે ?

– અમર પાલનપુરી

અમર પાલનપુરીને હજુ પણ ઘણા લોકો એક ઉઝરડે શેરથી ઓળખે છે.  બીજો શેર પણ એટલો જ પ્રખ્યાત છે.  પરંપરાગત શૈલી છતાં ગઝલ આજે ય આકર્ષક લાગે છે.

Comments (18)

ચેત મછંદર ! – રાજેન્દ્ર શુક્લ

ના કોઈ બારું, ના કોઇ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર !

નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !

કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર !

સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !

સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર, ચેત મછંદર !

દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !

ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર !

– રાજેન્દ્ર શુક્લ

સ્થૂળને ઓળંગી જવાની સલાહ કવિ પોતાની લાક્ષણિક શૈલીમાં આપે એની મઝા જ કંઈ ઓર છે. જીવનની મરિચિકાઓની ચેતવણી આપીને  કવિ ‘આપ-સમંદર’ને તરવાનો સીધો રસ્તો બતાવે છે.

(ધૂણો=અગ્નિકુંડ, અપારા=અપાર, સૂન=શૂન્ય, કંદર=ગુફા, અરૂ=અને, ઉસાંસ=ઉચ્છવાસ, અહાલેક= ઈશ્વરના નામનો પોકાર, ધૂરકી ઢેરી=ધૂળની ઢગલી, ઘાસની ઢગલી, પવનપાવડી= આકાશમાં ઊડી શકાય એવી જાદુઈ પાવડી, પવન જેવી ઉતાવળી દોડ )

Comments (17)

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૧)

કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવન હૉલ, સુરત ખાતે આજે સવારે શ્રી કિરણસિંહ ચૌહાણના ‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલ સંગ્રહના વિમોચન સાથે થયા હતા. આ પ્રસંગે કિરણસિંહ ચૌહાણે પોતાની સંસ્થાની કેફિયત આપી હતી. રઈશ મનીઆરે કવિપ્રતિભાનો પરિચય અને બે ગઝલોનું પઠન કર્યું હતું અને ગૌરવે પોતાની જીવનયાત્રા અને ગઝલયાત્રાને મંત્રમુગ્ધ કરી દેતી શૈલીમાં વ્યક્ત કરી હતી.  આ પ્રસંગે મેં સંગ્રહની સમીક્ષા કરી હતી જે અક્ષરશઃ નીચે સમાવિષ્ટ છે:

P5166019_thumb
(ગૌરવ ગટોરવાળાની કથા અને વ્યથા એમના જ મુખે)

*

પળનું પરબીડિયું – સમીક્ષા: વિવેક ટેલર

P5166004
(સંગ્રહની મીમાંસા….                                  …વિવેક મનહર ટેલર)

ગઝલના ગામમાં મારી પોતાની કોઈ ઓળખ છે કે નહીં હજી તો એય હું જાણતો નથી અને ગૌરવના ગઝલસંગ્રહ વિશે ટિપ્પણી આપવા જેવું કામ માથે આવી પડ્યું. પણ મિત્ર કિરણસિંહના અનુરોધની અવગણના પણ શી રીતે કરી શકું? ગૌરવને આ પૂર્વે એક જ વાર એક કવિસંમેલનમાં સાંભળવાનું થયું છે પણ રૂબરૂ મુલાકાત કદી થઈ નથી એટલે આ કવિને હું પહેલવહેલીવાર એની ગઝલોની ગલીઓમાં મળી રહ્યો છું એમ કહું તો અતિશયોક્તિ નથી.

સંગ્રહની ચોપ્પન ગઝલોમાંથી આ ટિપ્પણીના બહાને અવારનવાર પસાર થવાનું થયું અને સાચું કહું તો મજા આવી. આ કવિ માત્ર સ્પર્શ અને શ્રુતિના સહારે આ વિશ્વને જુએ છે. એ અવાજને અડી શકે છે અને રંગોને જોઈ શકે છે એની પ્રતીતિ આ સંગ્રહના પાનેપાને થતી રહે છે. એની આંખોની સામે અંધારું છે પણ એના દિલમાં ઊર્મિઓનું અજવાળું છે. એના પગ નીચેનો રસ્તો રણમાં દિશાહીન થઈ જનારા મુસાફર જેવો વિકટ છે પણ એની પાસે સંવેદનાના ઊંટ છે જે એને કવિતાના રણદ્વીપ સુધી ખેંચી લાવ્યા છે. સરવાળે આ સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે કવિ આપણને ગઝલિયતના સમ્યક્ દર્શન કરાવવામાં સફળ રહે છે.

ગૌરવની ગઝલોનો આ પહેલો આલેખ છે. બાળક જ્યારે પ્રથમવાર ચાલવાની કોશિશ કરે ત્યારે એ પડે-આથડે જરૂર છે, ગૌરવની ગઝલોમાં પણ બાળકના પહેલા પગલા જેવી અસ્થિરતા કવચિત્ નજરે ચડે છે પણ જે મુખ્ય વસ્તુ એની ગઝલોમાં નજરે ચડે છે એ છે એની સૌંદર્ય-દૃષ્ટિ. એની ગઝલોમાં પરંપરાના પ્રતીકો છે પણ એ પ્રતીકોને નવો જ ઓપ આપતા કલ્પનોની તાજગી છે. એની ગઝલોમાં હવે પછીના પગલાંમાં આવનારી મક્કમતા નજરે ચડે છે.

આ કવિ પોતાની હદોથી વાકેફ છે. એટલે જ કહે છે:

હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.

કવિ પ્રજ્ઞાચક્ષુથી કામ લે છે. પ્ર એટલે વિશેષ અને જ્ઞા એટલે જાણવું. પ્રજ્ઞાચક્ષુ એટલે બુદ્ધિરૂપી કે જ્ઞાનરૂપી નેત્રથી જોનાર. આ માણસ કેવો પ્રજ્ઞાચક્ષુ છે એ એના આ શેરો પરથી જાણી શકાય છે :

ફૂલની સૌરભને ‘ગૌરવ’ સ્પર્શવા,
આંગળીના ટેરવાંનું કામ શું ?

જુઓ, ગઝલના શેરોમાં એની દૃષ્ટિ કેવી ખુલી છે!:

ખંજન ભરેલા ગાલના આ કેનવાસ પર,
આંસુનું ચિત્ર દોરતા પહેલાં વિચાર કર.

આંખો અને સ્વપ્નોને લગતા કેટલાક શેર માણીએ:

સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,
કોઈપણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.

ઊંઘ વચ્ચે જ તૂટી ગઈ એટલે,
સ્વપ્ન મારા ફરીથી અધૂરા રહ્યા.

તારી પાંપણનો નરમ તકિયો કરી,
તારી આંખોમાં જ ઊંઘી લેવું છે.

કેટલાયે તૂટી ગયા શમણાં
તોય આંખો હજી ક્યાં ખૂલી છે ?

– આ કવિ જેમ આંખના શેર વધુ કહે છે એમ જ આંસુ પણ એની ગઝલોમાં અવારનવાર નજરે ચડે છે:

ધોઈ લઉં છું રોજ આંસુથી ખૂણાઓ આંખના,
તે છતાં અવશેષ ખંડિત સ્વપ્નનાં રહી જાય છે.

આંખને પણ થાક લાગ્યો પણ અલગ રીતે જરા,
તેથી પરસેવાને બદલે આંસુના ટીપા પડ્યા.

ખરખરો કરવાને આવ્યા આંસુઓ,
કોઈ ઇચ્છા પામી લાગે છે મરણ.

ક્યાંક નવસર્જન થયું આંસુ થકી,
ક્યાંક સર્જાયેલું ભૂંસાઈ ગયું.

આંસુ અટક્યું છે નયનના ઉંબરે કેમ?
એને નક્કી કોઈ મર્યાદા નડે છે.

ગૌરવ નવયુવાન કવિ છે, અપરિણિત છે અને ગઝલ જેવા પ્રણયોર્મિના સાગરને અડે છે એટલે સાહજિક પ્રણયોદ્ગાર પણ એમની ગઝલોમાં આવવાનો જ. પ્રેમની નજાકતના કેટલાક અશ્આર જોઈએ:

જ્યારથી મોતી જડાયું છે તમારા નામનું,
ત્યારથી આ જિંદગીનો હાર ઝગમગ થાય છે.

મેં મને મારામાં શોધ્યો બહુ વખત,
પણ પછી જાણ્યું હું તારામાં હતો.

મહેકી ઊઠ્યું છે આજ બગીચાનું રોમ-રોમ,
લાગે છે કોઈ ફૂલને ચૂમી ગયો પવન.

તેં ટકોરા કર્યા તો જાણ્યું કે
દિલને પણ હોય બારણાં જેવું.

અને પ્રણયરસથી તરબતર આ શેર જુઓ, એનું કલ્પન જુઓ, એની તાજગી અને કવિની મસ્તી જુઓ:

તારી અદામાં ઊઠતા વમળોને જોઈને,
ક્યારેક થાય છે કે તને હું નદી કહું.

એક બીજો પ્રણયરસનો શેર:

જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
આટલો અધિકાર મારો થઈ ગયો.

રેતીઓ થઈ ગઈ કમળ ને થઈ ગયું મૃગજળ તળાવ,
દિલના ઉજ્જડ રણમાં જ્યારે આપના પગલા પડ્યા.

અને દોસ્તો, જ્યાં પ્રણય આવે ત્યાં પ્રણયભંગ પણ આવે. મિલન આવે ત્યાં જુદાઈ પણ આવે. વસ્લની પાછળ પાછળ સ્મરણ પણ આવે જ. અને પ્રણયપ્રચૂર શેર કરતાં પ્રણયભગ્ન હૈયાને ચીસો હંમેશા વધુ આસ્વાદ્ય જ હોવાની. કેટલાક શેર જોઈએ:

તારા પર મારો ભલે કંઈ હક્ક નથી,
પણ હજી પણ મારું છે તારું સ્મરણ.

પ્રતીક્ષા ઉપર ગાલિબની કક્ષાનો કહી શકાય એવો આ શેર જુઓ:

જિંદગી પૂરી થવા આવી હવે,
ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.

કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ,
તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં.

(બાકીની સમીક્ષા આવતા શનિવારે…..)

***

P5166014_thumb
(કવિપ્રતિભાનો પરિચય…                           …રઈશ મનીઆર)

*

P5165980
(‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ…                 …કિરણસિંહ ચૌહાણ)

*

P5166011
(પળનું પરબીડિયું…..                                 ….વિમોચન વિધિની પળો)

Comments (25)

એકલો દરિયો – સુરેશ દલાલ

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો !
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.

-સુરેશ દલાલ

ભાગ્યે જ કોઈ કવિએ એકલતા વિષે નહિ લખ્યું હોય….પરંતુ શું ખરેખર એકલતા એ મૂળભૂત સનાતન સત્ય નથી ? એકલતાની પીડાને સાવ નકારી તો ન શકાય પરંતુ જરાક વધુ વિચારતા બુદ્ધની વાત સામે આવ્યા વગર રહેતી નથી- do not be alone to learn but learn to be alone. અત્યંત સમીપનું સ્વજન પણ એક અલાયદું અસ્તિત્વ જ છે-ભલે વીણાના સઘળા તાર એક લયમાં કંપન કરી જીવનને ધન્ય કરતુ સંગીત ઉપજાવતા હોય,પણ પ્રત્યેક તાર શું એકલતાની ફરિયાદ કરતો હશે ? સતત આપણાં મૂળભૂત એકલાપણાના ભાન સાથે જીવનના પ્રવાહોમાં વહેતા રહીએ તો કદાચ જળકમળવત જીવવાનો આદર્શ સાર્થક કરી શકાય. પ્રત્યેક જીવ મૂળભૂત રીતે એકલો જ હોય છે.

Comments (11)

સ્વપ્નમાં – (રશિયન) આન્ના આખ્માતોવા (અનુ. સુરેશ દલાલ)

કાળી, કાયમની જુદાઈ
તારા જેટલી જ તારી સાથે હું સહન કરું છું.
તું રડે છે શા માટે ? એના કરતાં તો મને આપ તારો હાથ,
ફરી પાછું સ્વપ્નમાં આવવાનું વચન આપ.
તું અને હું છીએ ન ખસી શકીએ એવા વેદનાના પ્હાડ….
તું અને હું આ પૃથ્વી પર કદી નહીં મળીએ.
મધરાતે જો તું મોકલી શકે તો મોકલ
તારાઓ મારફત શુભેચ્છા.

-આન્ના આખ્માતોવા (રશિયન)
અનુ. સુરેશ દલાલ

કાળો રંગ અભાવનો રંગ છે. જુદાઈ એટલે જ આપણને કાળી લાગે છે. પહાડ ચસી શક્તા નથી એટલે પહાડની દૃઢતાથી જમાનાએ જેમને અલગ-અલગ જમીનમાં રોપી દીધા છે એવા પ્રેમીઓ પણ જાણે જ છે કે આ જન્મમાં હવે એમનું મિલન શક્ય નથી… તો વિરહની આ કારમી કાળી રાત્રિઓ પસાર કેમ કરવી?  બંનેની વેદના સમાન છે. બંનેનુઆ સ્વપ્ન પણ સમાન છે અને બંનેની જમીન ભલે અલગ હોય, આકાશ અને આકાશમાંના તારા પણ એકસમાન છે…

પ્રણયનું આવું ચરમસીમાદ્યોતક કાવ્ય આ પહેલાં વાંચ્યું હોવાનું સ્મરણ નથી…

Comments (8)

ચિનુ મોદી

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે.  ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની અત્મકથાના પાનાં જેવા લાગે છે. એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે. સત્ય તો હંમેશા કાંટાળુ જ હોવાનું અને આ દુર્યોધનોની દુનિયામાં સાચું બોલવું એ સમજદારી પણ તો નથી…

Comments (11)

ગઝલ – જગદીપ ઉપાધ્યાય

વસંતો તણા દિવસોમાં કદી આપણે છોડી મળતા ગુલાબોની વચ્ચે,
ગયો એ જમાનો ! થતી ક્યાં હવે તો કદીયે મુલાકાત ખ્વાબોની વચ્ચે !

નથી હાસ્ય તારા અધર પર અસલ એ, નથી આંસુઓ આંખ વચ્ચે ખરા એ,
ગયું આવડી જીવવાનું મને પણ છુપાવી સંબંધો નકાબોની વચ્ચે !

ગયો આજ ભૂલી જગા એ જ્યાં મળતા, થતું; કાલ ભૂલી તને પણ જવાનો,
ગઈ પસ્તીમાં એ કિતાબો; ખતો કે ફૂલો રાખતા જે કિતાબોની વચ્ચે !

પળો કોઈ વેળા ફરી સાંજની એ અકળ મૌન થઈને અહીંયા વહે છે,
નથી મેં કર્યાં એ સવાલોની વચ્ચે, નથી તેં દીધા એ જવાબોની વચ્ચે.

મજાઓની મારી કથા એમ છે કે ભરું ખાલીપો મિજલસોમાં જઈ હું,
મળ્યાં છે ખબર કે નથી તુંય સુખી કનક, મોતીઓ, કિનખાબોની વચ્ચે.

– જગદીપ ઉપાધ્યાય

લાંબી બહેરની ગઝલો ટૂંકીટચ રદીફ સાથે આલેખવી હંમેશા અઘરું બની રહે છે પણ અહીં લગાગાના આઠ ધ્વન્યાત્મક આવર્તનોથી નિપજતી લયબદ્ધ સુરાવલિઓની આડે પણ કવિ સરસ કવિકર્મ કરી શક્યા છે અને સરવાળે આપણને એક આસ્વાદ્ય ગઝલ મળી છે.  આખી ગઝલમાં ક્યાંય ભારીખમ્મ વાતો નથી કે નથી જોડણીકોશોમાં સંતાઈ રહેલા કલ્પનો… આખી ગઝલ બોલચાલની ભાષાના શબ્દો અને રોજબરોજના પ્રતીકોની મદદથી જ લખાઈ છે પણ બધા જ શેર સોંસરવા ઉતરી જાય એવા સરસ થયા છે…

Comments (7)