અહમદ મકરાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 30, 2012 at 9:51 PM by ધવલ · Filed under અહમદ મકરાણી, મુક્તક
આભને તું સાવ નીચું લાવ મા,
પાંખને તું આટલી ફેલાવ મા.
પાર મારાથી ગયો છું નીકળી,
સાદ દઈને તું મને બોલાવ મા.
– અહમદ મકરાણી
કોશિશ પર તારી ભરોસો છે કે તું કંઈ પણ કરી જઈશ. પણ આજે મારો વારો છે. સમયનો તકાજો છે. નીકળી જવું – ને નીકળવામાંથી પણ નીકળી જવું – એ જ એક રસ્તો છે. હવે આ વિદાયની આમન્યા રહેવા દે. સાદ કરવાનું રહેવા દે.
Permalink
June 10, 2010 at 1:08 AM by વિવેક · Filed under અહમદ મકરાણી, ગઝલ
ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે ?
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે ?
ફળ અહીં એનું મળે ના યે મળે;
બંદગીનો કયાં ભરોસો હોય છે ?
આવશે તો ગેબી રસ્તે આવશે;
શાયરીનો કયાં ભરોસો હોય છે ?
અબઘડી વરસ્યા કરે છે, નાહી લો;
વાદળીનો કયાં ભરોસો હોય છે ?
તૂર ઉપર નૂર જોવા ક્યાં ગયા ?
આંખડીનો કયાં ભરોસો હોય છે ?
– આહમદ મકરાણી
જીવન, પ્રાર્થના, કવિતા, મોસમ અને આંખ- કશાયનો કાયમી ભરોસો ખરો ?
(તૂર=પર્વત)
Permalink
February 21, 2008 at 1:21 AM by વિવેક · Filed under અહમદ મકરાણી, ગઝલ
માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.
ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે,
કોઈ તાજું નીર લાવો વાવનું.
આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?
સોગઠાં, ચોપાટ ફેંકીને ઊઠો,
કાળ સામે શું તમારા દાવનું ?
જિંદગી વીતી રહી છે રણ સમી,
કોઈ સરનામું મળે જો છાંવનું.
-આહમદ મકરાણી
સાવ સહજ બાનીમાં કવિ ફ્રિજમાં ઠરી ગયેલી વાસી ક્ષણોનું તરોતાજા કલ્પન લાવી આપણી રુગ્ણ માનસિક્તા પર જનોઈવઢ ઘા કરે છે. અને સામે કાળ સામે બાંયો ચડાવવાની બાળમમત ત્યજવા પણ કહે છે. કાળ સામે કોનું ચાલ્યું જ છે કે આપણું ચાલવાનું? મહાભારત યાદ આવે છે: સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન; કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.
Permalink
October 18, 2007 at 2:11 AM by વિવેક · Filed under અહમદ મકરાણી, ગઝલ
કોઈને જોયા હશે-ની યાદ છે,
મેળવી ખોયાં હશે-ની યાદ છે.
છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે-ની યાદ છે.
ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે-ની યાદ છે.
આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.
-અહમદ મકરાણી
આંગળીના ટેરવાંમાં સ્પર્શ પરોવાઈ જાય તો ટેરવાં તોરણ બનીને બારસાખ પર સ્થિર લટકી-અટકી જાય-ની વાત કેવી મસૃણતાથી અહીં રજૂ થઈ છે ! અને બાકીના ત્રણ શેર પણ એવા જ મજાનાં નથી?
Permalink