ગઝલ – જગદીપ ઉપાધ્યાય
વસંતો તણા દિવસોમાં કદી આપણે છોડી મળતા ગુલાબોની વચ્ચે,
ગયો એ જમાનો ! થતી ક્યાં હવે તો કદીયે મુલાકાત ખ્વાબોની વચ્ચે !
નથી હાસ્ય તારા અધર પર અસલ એ, નથી આંસુઓ આંખ વચ્ચે ખરા એ,
ગયું આવડી જીવવાનું મને પણ છુપાવી સંબંધો નકાબોની વચ્ચે !
ગયો આજ ભૂલી જગા એ જ્યાં મળતા, થતું; કાલ ભૂલી તને પણ જવાનો,
ગઈ પસ્તીમાં એ કિતાબો; ખતો કે ફૂલો રાખતા જે કિતાબોની વચ્ચે !
પળો કોઈ વેળા ફરી સાંજની એ અકળ મૌન થઈને અહીંયા વહે છે,
નથી મેં કર્યાં એ સવાલોની વચ્ચે, નથી તેં દીધા એ જવાબોની વચ્ચે.
મજાઓની મારી કથા એમ છે કે ભરું ખાલીપો મિજલસોમાં જઈ હું,
મળ્યાં છે ખબર કે નથી તુંય સુખી કનક, મોતીઓ, કિનખાબોની વચ્ચે.
– જગદીપ ઉપાધ્યાય
લાંબી બહેરની ગઝલો ટૂંકીટચ રદીફ સાથે આલેખવી હંમેશા અઘરું બની રહે છે પણ અહીં લગાગાના આઠ ધ્વન્યાત્મક આવર્તનોથી નિપજતી લયબદ્ધ સુરાવલિઓની આડે પણ કવિ સરસ કવિકર્મ કરી શક્યા છે અને સરવાળે આપણને એક આસ્વાદ્ય ગઝલ મળી છે. આખી ગઝલમાં ક્યાંય ભારીખમ્મ વાતો નથી કે નથી જોડણીકોશોમાં સંતાઈ રહેલા કલ્પનો… આખી ગઝલ બોલચાલની ભાષાના શબ્દો અને રોજબરોજના પ્રતીકોની મદદથી જ લખાઈ છે પણ બધા જ શેર સોંસરવા ઉતરી જાય એવા સરસ થયા છે…
રાકેશ ઠક્કર , વાપી said,
May 13, 2010 @ 1:06 AM
સરસ આસ્વાદ્ય ગઝલ
ગયો આજ ભૂલી જગા એ જ્યાં મળતા, થતું; કાલ ભૂલી તને પણ જવાનો,
ગઈ પસ્તીમાં એ કિતાબો; ખતો કે ફૂલો રાખતા જે કિતાબોની વચ્ચે !
ડૉ.મહેશ રાવલ said,
May 13, 2010 @ 2:01 AM
એક ચોક્કસ સમયગાળામાં પાંગરેલી લાગણીઓની વાત, કવિએ અહીં સુંદર નજાકતથી કંડારી છે.
વિષયની માંગને અનુરૂપ શબ્દ-પ્રતિકોનું ચયન અને સરળ બયાનીમાં કવિકર્મ અભિવ્યક્તિને વફાદાર રહ્યું છે.
અભિનંદનીય ગઝલ.
dr.jagdip nanavati said,
May 13, 2010 @ 4:23 AM
વાહ..જગદીપભાઈ….મને પણ લાં…બી બહેરની ગઝલ
એટલીજ ગમે છે…લખવાની પણ મઝા આવતી હોય છે…
જગદીપ ભાઈની ગઝલનો પડઘો
પાડતી અને કંઈક એવાજ મુડની
ગઝલ મુક્યા વગર નથી રહેવાતું….
નામની આટલી તો અસર
થાયજ ને…!!
લાગણી તાણો અમારો, આપનો વાણો અનાદર
બેઉના સંબંધની વણવા મથુ છું એક ચાદર
હાર કે ગજરો નહીં, આદી અમે એક ફુલનાં બસ
ભીડ ઘટનાની નહીં, અવસર તણું એકાંત પાદર
આંગળીમાં ચક્ર રાખે, હોઠ પર મુસ્કાન કાયમ
આ જગતમાં કૃષ્ણ નામે એક છે એવો બિરાદર
કાતિલોની હર અદા કેવી સુકોમળ ને મુલાયમ
મહેફીલે શમ્મા પતંગાને નિમંત્રે રોજ સાદર
આંખ ભીની, હાથમાં બે ફુલ સુક્કા હોય હરદમ
જે અધુરી રહી ગઈ, એ ખ્વાઈશોનો એજ આદર
જદગદીપ નાણાવટી
વિહંગ વ્યાસ said,
May 13, 2010 @ 5:59 AM
વાહ……! ર.પા. કહે છે એમ “આવેલું શમણું પણ અવસર થઇ જાય એવા દિવસોની વાત !” સલામ કવિને, તેનાં ઇશ્ક-એ-મિજાજ ને.
pragnaju said,
May 13, 2010 @ 8:14 AM
લાબી બહેરની મઝની ગઝલ
મજાઓની મારી કથા એમ છે કે ભરું ખાલીપો મિજલસોમાં જઈ હું,
મળ્યાં છે ખબર કે નથી તુંય સુખી કનક, મોતીઓ, કિનખાબોની વચ્ચે.
વાહ્
મતાએ-લોહ વ કલમ છિન ગઇ, તો ક્યા ગમ હૈ
કિ ખૂને દિલ મેં ડૂબો લી હૈ અંગુલિયાં મૈને
તેરા ગમ હૈ, તો ગમે-દહર કા ઝઘડા ક્યા હૈ
તેરી સૂરત સે હૈ આલમ મેં બહારોં કો સબાત
ધવલ said,
May 14, 2010 @ 8:39 PM
પળો કોઈ વેળા ફરી સાંજની એ અકળ મૌન થઈને અહીંયા વહે છે,
નથી મેં કર્યાં એ સવાલોની વચ્ચે, નથી તેં દીધા એ જવાબોની વચ્ચે.
– સરસ !
PRADIP SHETH BHAVNAGAR said,
May 16, 2010 @ 11:00 AM
અંતિમ શેર ખુબજ સરસ છે…..