પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૨)
ગયા અઠવાડિયે પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ સંગ્રહના વિમોચન નિમિત્તે મેં આપેલ ટિપ્પણીનો અડધો ભાગ આપણે અહીં જોયો. હવેએ પ્રવચનનો બાકીનો ભાગ માણીએ:
*
*
એવું કહીએ કે કવિ માત્ર પ્રેમની જ વાતો કરે છે તો એ પણ સાચું નથી. કવિ કેટલાક ચિંતનાત્મક શેરો પણ લઈ આવે છે:
આદત સફરની એવી પડી’તી કે શું કહું ?
રસ્તો પૂરો થયો છતાં હું ચાલતો રહ્યો.
ફૂલ સાથે રહી કંઈ ફરક ના પડ્યો,
કંટકો સાવ એવા ને એવા રહ્યા.
પાણીને બદલે ઝાંઝવામાં ફેરવું છું નાવ,
ડૂબી જવાની એટલે ચિંતા નથી હવે.
તેં પરિચય કરાવ્યો ભીતરનો મને,
તારો હે રિક્તતા ! ખૂબ આભાર છે.
ચિંતનાત્મક શેર ક્યારેક ઉપરથી ખૂબ સાદા દેખાતા હોય છે પણ એમની આ છેતરામણી સાદગીની પાછળનું સાચું સૌંદર્ય ચૂકી જવાય તો સરવાળે ભાવકને જ નુક્શાન થાય છે. એક ઉદાહરણ જોઈએ:
હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?
– આ શેર ઉપરથી કેટલો સરળ લાગે છે! પણ સહેજ વિચારતાં માલુમ પડે છે કે કવિએ એક નાની બહેરના શેરની બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે ! છીપ ધીમેથી ઊઘડે અને અંદરથી મોતી જડે એવો છે આ શેર. ફરી સાંભળીએ:
હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?
એવો જ એક અદભુત શેર આ સંગ્રહમાંથી મળી આવે છે. ગુજરાતી સાહિત્યના ચિરસ્મરણીય શેરોની યાદીમાં આસાનીથી સમાવિષ્ટ થઈ શકે એવો. જુઓ:
ક્યારનો મંજિલ ઉપર પહોંચી ગયો હોત,
હર કદમ પર મુજને આ રસ્તા નડે છે.
કવિ શબ્દો વડે મજાનું ચિત્ર પણ ખડું કરી શકે છે. સૌંદર્ય અને પ્રકૃતિને પણ કવિ એટલા જ વહાલથી અડે છે:
સ્પર્શવી છે સુગંધને ‘ગૌરવ’,
પણ પવન જેવી આંગળી ક્યાં છે ?
આ કવિ શબ્દ અને મૌનની વચ્ચેના એકાંતને પણ અડકી શકે છે. એ મૌનની તાકાત પણ જાણે છે અને શબ્દોના વિસ્ફોટથી પણ પરિચિત છે. જુઓ:
શબ્દ ફાટે છે ક્યારેક એવી રીતે,
મૌનમાં પણ તિરાડો પડી જાય છે.
હોઠના ઘરમાં પ્રવેશી ચુપકીદી,
ને બિચારો શબ્દ બેઘર થઈ ગયો.
– આ થઈ ગૌરવની ગઝલો વિશે થોડી વાત. એની ગઝલોમાં કેટલું સત્વ છે એ જોયું. હવે એની ગઝલો ક્યાં નબળી પડે છે એ પણ જોઈ લઈએ. ગૌરવના સંગ્રહમાંથી પસાર થતી વખતે બે વસ્તુ મને સતત ખટકી. એક તો છંદના નાવીન્યનો અભાવ અને બીજું કાફિયાની સજ્જતાની કમી. ગઝલની હવે પછીની ગઝલો પાસેથી છંદબાહુલ્ય અને ચુસ્ત કાફિયાની અપેક્ષા રાખી શકાય…
સરવાળે ગૌરવની ગઝલો ઊર્મિપ્રધાન છે અને ઉજળું ભવિષ્ય ધરાવે છે… આંખની કમી એની ગઝલોને ક્યાંય નડી નથી, ઊલટી એની સંવેદનાને એના કારણે વધુ ધાર મળી હોય એમ જણાય છે.
ગૌરવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
(‘પળનું પરબીડિયું’ કિંમત ૬૦ રૂ., સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત–૯)
કિરણસિંહ ચૌહાણના સાંનિધ્ય પ્રકાશનની આકર્ષક યોજના અને આ કાર્યક્રમનો ટૂંકસાર આપ અહીં માણી શકો છો.