મુક્તક -શોભિત દેસાઈ
હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું,
ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું;
હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો,
હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.
-શોભિત દેસાઈ
નવરંગી નશો… આહાહાહા !!! 🙂
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
હું જ છું પાતાળમાં ને કહેકશાંમાં હું જ છું,
ભાન પણ છું હું જ, નવરંગી નશામાં હું જ છું;
હું છું એવા ભ્રમને હું ભૂંસી રહ્યો છું ક્યારનો,
હું નથી એ નામની અંતિમ દશામાં હું જ છું.
-શોભિત દેસાઈ
નવરંગી નશો… આહાહાહા !!! 🙂
(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)
પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;
ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;
વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…
-વિનોદ જોશી
લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું. આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂 આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે. એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.
એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી !
એક દિન હતો, એક પળ હતી !
તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું !
એક દિન હતો, એક પળ હતી !
– કરસનદાસ માણેક
શબ્દો ચંચળ ગોઠવણી, મોહક લય અને વિરોધાભાસને કારણે આકર્ષક આ ગીત, શંકર મહાદેવન-જાવેદ અખ્તરના ગીત બ્રેથલેસની યાદ અપાવે છે.
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?
રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે
કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે
વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે
એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.
– હિતેન આનંદપરા
કૃષ્ણ આનંદ-ઉલ્લાસ-પ્રેમના દેવ છે. એમની પીડાની વાત ભાગ્યે જ કોઈ કરે છે. એ અવતારની પાછળની પીડાને જે.વી.એ આ લેખમાં બહુ ઉમદા રીતે સમજાવી છે. આ લેખ અને ગઝલ બન્ને બહુ મનનીય થયા છે. ( આભાર, શ્રુતિ મેહતા)
મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?……… અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને… 🙂
આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે. હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.
સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
– મનોજ ખંડેરિયા
આખી વાત એક રમ્ય ખલેલની છે. અસ્તિત્વના શાંત જળમાં એક વિક્ષેપ થાય છે અને ભાનનો લોપ થાય છે અને મદહોશીમાં સરી જવાય છે. જે એકલતા કદી પીડાદાયી નહોતી લાગતી-જે સ્થાયીભાવસમ હતી,તે પીડવા માંડે છે. ‘પરપોટો ફૂટે….’ – પંક્તિ કાવ્યને ચરમસીમાએ લઇ જાય છે.
નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
– ઉર્વીશ વસાવડા
સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…
(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)
અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?
સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી
મારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરી
દૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરી
રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી
તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી
કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
– સૌમ્ય જોશી
કવિતા ગમવાના ઘણાં કારણ હોઈ શકે. એક કારણ એ પણ છે કે કવિતા એક જ વસ્તુના અલગ અલગ એટલા આયામ નાણી-પ્રમાણી શકે છે કે ભાવક સાનંદાશ્ચર્ય આંચકો અનુભવે. શબરીના બોર અને એની પ્રતીક્ષા તો સદીઓથી જાણીતાં છે પણ સૌમ્ય એની પ્રતીક્ષાના સાત રંગોનું જાણે એક નવું જ ઇન્દ્રધનુ રચે છે…
મૂળથી સંશય વિખેરી ના શક્યા,
કોઈને ભીતર ઉછેરી ના શક્યા.
એકબીજાને સતત ટોળે વળ્યા,
પણ સ્વયંને સહેજ ઘેરી ના શક્યા.
પત્ર વર્ષોથી અધૂરો રહી ગયો,
એક પણ અક્ષર ઉમેરી ના શક્યા.
આંખને ટૂંકું પડ્યું લ્યો વસ્ત્ર આ,
પારદર્શકતા પહેરી ના શક્યા.
દેવ છેવટ થઈ ગયા પથ્થર બધા,
શ્રદ્ધાના શ્રીફળ વધેરી ના શક્યા.
શું મનોમંથનથી ‘વંચિત’ નીપજે,
એક ટંકની છાસ જેરી ના શક્યા.
– વંચિત કુકમાવાલા
કંઈક ન કરી શક્યાની અસમર્થતાનો ભારોભાર રંજ આ આખી ગઝલ-ગાગરમાં છલકે છે. પારદર્શકતાને આંખનાં વસ્ત્ર તરીકે ઓળખાવવાની કવિની વાત ખૂબ જ સ્પર્શી ગઈ. વાત પણ સાચી કે એકબીજાને ટોળે વળવું જેટલું સહેલું છે એટલું જ અઘરું છે સ્વયંને ઘેરવું. અને ‘શ્રદ્ધા હોય તો દેવ નહીં તો પથ્થર’ ની વાતને પણ કવિએ બખૂબી વર્ણવી છે. વળી આટલી બધી અસમર્થતાનું કારણ શોધવા માટે કવિનાં દિલોદિમાગમાં ચાલતું મનોમંથન પણ આખરે તો નિષ્ફળ જ…
તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
અહીં ગીતની નાયિકા ભલે એમ કહે છે કે મારી આંખોએ બેઠું ચોમાસું, પરંતુ મને તો લાગે છે કે નાયિકા પોતે જ ચોમાસું બની ગઈ છે… 🙂
કોઈ શેર કહું
કે દુનિયાની કોઈ બાબત પર
એક લેખ વાંચી લઉં
કે વાત અનોખી સાંભળી લઉં
એ વાત
જે થોડી રમૂજી હો
એ વાક્ય
જે ખૂબ મઝાનું હો
હો કોઈ વિચાર જે વણસ્પર્શ્યો
કે ક્યાંક મળે
કોઈ દ્રશ્ય
જે ચોંકાવી દે
કોઈ પળ
જે દિલને સ્પર્શી લે
હું મારા મનના ખૂણામાં
આ સઘળું સાચવી રાખું છું
ને એમ વિચારું
જ્યારે તું મળશે
તો તને એ સંભળાવીશ
– જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)
વિરહની પળેપળથી ગૂંથું પ્રિયજન મારે હાર.
છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
તું સોપો છાતી સરસો ચાંપી રાખ હ્રદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
આ પથરાળા રસ્તાની ઠેશે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.
– અશરફ ડબાવાલા
શું છુપાવી શકાય ? અને, છુપાવીને ક્યાં સુધી ચાલી શકાય ? ઢાંકપિછોડો છોડીને, જાતને ખુલ્લી કરવાનું કવિ કહે છે. કબીરે ઘૂંઘટ કે પટ ખોલ કહેલું એ જ વાત અહીં ઢાંકપિછોડો રે’વા દેમાં આવી છે.
આપણી અંદર અજવાળું નથી પણ ફાનસ છે – જેને જાતે પેટવીએ તો જ પ્રકાશ થાય. સોપો અને ધબકારો બન્ને એકબીજાની સાથે અતૂટ રીતે જોડાયેલા છે. ધબકારા જેટલો જ સોપો પણ જરૂરી છે. (મેડિકલ લાઈનના માણસો systole અને diastole બન્ને સરખા મહત્વના છે સમજે છે) ભલે ગમે તેટલો યશ મળે પણ માંહેલું સપનું સેવવાનું ભૂલાય નહીં એ જોતા રહેવું. માણસ તો અલગ માનસ મળવાના જ – આપણું કામ તો એ બધા ય અલગ માનસને અડકી લેવાનું છે. માણસ પોતાની અંદરની ‘ચિનગારી’ને ભૂલી જાય તો એની રચનાઓ ‘ઠંડી અને ઠરેલી’ જ રહેવાની.
મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ ….. તને…
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું …. તને….
તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ ….. તને….
– મુકેશ જોષી
ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવા તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ.
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
-હરિકૃષ્ણ પાઠક (માર્ચ 1974)
આપણું જીવવું એટલે જાણે કે જળમાં નામ લખવા સમાન… જળમાં નામ લખવાની વાત સાથે જ મને ઓજસ પાલનપુરીનો એક શેર યાદ આવે છે: મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ…
કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?
હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?
કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.
આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.
જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.
હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.
મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?
-રવીન્દ્ર પારેખ
વાંચતાવેંત ગમી ગયેલી આ ગઝલનાં છેલ્લા ચાર શેરો જરા વધુ ગમી ગયા…
કવિ
(સદગત પ્રિયકાન્તની સ્મૃતિમાં)
લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.
* * *
શબ્દ
મૌન, તારો તાગ લેવા
શબ્દ થઈ દઉં કાળજળમાં
. ડૂબકી.
– ઉમાશંકર જોશી
ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા એમ કહીએ તો એમની કવિપ્રતિભાને હાડોહાડ અન્યાય થાય. લઘુકાવ્યો, મુક્તક અને કવચિત્ હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે.
***
સાથે કવિના જીવનના બે યાદગાર પ્રસંગો મમળાવીએ:
એક વાર મુબઈમાં બસમાં જતો હતો. આગલી બેઠક ઉપરના વૃદ્ધે મને બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના પ્રોફેસર ! વંદન કર્યાં. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલો મને ઓળખ્યો. ‘કેમ ન ઓળખું?’ પછી કહે, ‘તારે પોતાનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો ને?’ ઉમાશંકરે સમજાવ્યું કે બી.એ.ના છેલ્લા બે વર્ષો તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા એટલે એમનો સંગ્રહ બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર માન્યા નહીં. કવિ કહે છે, એક કથા (લીજેન્ડ) તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્યસંગ્રહ ભણવાનો આવે તો કેવું ? – એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહિ !
કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે મજાની બીના બની. કવિ કહે છે, અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ આખું મંડળ એકઅવાજે ત્યાં બોલતું હત્યું: ‘જાગશે !’
***
આજે આ ઉમાશંકર વિશેષ સપ્તાહ પૂર્ણ થાય છે પણ ઉમાશંકરના કાવ્યોનો રસથાળ આખા વર્ષ દરમિયાન પીરસાતો રહેશે…
યુધિષ્ઠિર : હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
. ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
. ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ ?
. ક્યાં છે તે મહામનીષી ? ક્યાં છે કૃષ્ણ ?
અન્ય સૌ : કૃષ્ણ ? કૃષ્ણ !
પડઘા : કૃષ્ણ ! !
યુધિષ્ઠિર : કેવા કૃષ્ણ હવે ?
અર્જુન : કૃષ્ણ હવે અન્તર્યામી…
. કૃષ્ણલૂખું જીવન જે, એ જ મૃત્યુ.
સહદેવ : મૃત્યુયાત્રી,
. ચલો, જયેષ્ઠબંધુ પૂઠે, હિમશય્યા મૃત્યુશીળી
. પ્રતીક્ષા કરી છે રહી.
ભીમ : કોણ, કોઈ પડ્યું ? થયો
. શાનો આ અવાજ ?
યુધિષ્ઠિર : અરે પાંચાલી !
ભીમ : થાકી ગઈ કે ?
. ઊંચકી લઉં આ સ્કંધે ?… નથી અરૈ ઊચલાતી…
યુધિષ્ઠિર : ભીમ, લાક્ષાગૃહે થકી જનેતા સમેત ચાર
. બંધુને ઉપાડી દોડ્યો ભોંયરે તું એકશ્વાસે,
. હતો એયે સમય, આ સમય છે જુદો, ભાર
. સ્વ-કર્મનો ઊઠાવીને ચાલી શકે એ જ આજે
. ઘણું તારે માટે. ઊઠો, પાંચાલી, યાત્રા છે શેષ…
દ્રૌપદી : હશે તે તમારે માટે, મારી તો આ પૂરી થઈ
. તમારી આંખોની અમી-છાયા નીચે પાંચેયની.
. વિદાય આપો અને લો. જીવનમાઅં પીધું-પાયું
. સ્મરણ તેનું કરી લો. અગ્નિજા હું હતી ક્યારે-
. ક્યારે અગ્નિજિહ્વાળી, ને તપ્ત વેણ સ્હેવાં પડ્યાં
. હશે ધર્મરાજનેયે, ક્ષમા તેની આપો અને
. પાંચેના જીવનમાં હું પ્રવેશી, પુરુષવરો,
. તે પૂર્વે હતા પ્રવાસી તેમ હવેયે પ્રવાસ
. આગે ચલાવો તમારો…
સહદેવ : પાંચ આંગળીઓ જેવા
. હતા પાંચેય પાંડવ;
. વળી જે મુક્કી તે કિંતુ
. દ્રૌપદીના પ્રભાવથી.
– ઉમાશંકર જોશી
કવિ તરીકે ઉમાશંકર સબળ તો હતા જ, સજાગ પણ હતા. ગુજરાતી કવિતાનું માથું વૈશ્વિક સ્તરે ઊંચું રહે એ માટે ગુજરાતી કવિતાનું ખેડાણ જે ક્ષેત્રમાં ઓછું અથવા નહિવત્ થયું હોય એ ક્ષેત્રમાં પણ એ ઝંપલાવતા. કવિ કહે છે, ‘નાટ્યકવિતા (રંગભૂમિ પર ટકી શકે એવી) દુનિયાના સાહિત્યમાં વિરલ છે. નાટ્યકવિતા એ કવિત્વશક્તિને આહ્વાનરૂપ છે. ગુજરાતી કવિતાએ પણ એ આહ્વાનનો પ્રતિશબ્દ પાડવાનો રહે છે જ.’ એમણે લગભગ ચૌદ પદ્યનાટક લખ્યા. એમાંના એક નાટક મહાપ્રસ્થાનનો એક અંશ અહીં રજૂ કર્યો છે. મહાભારતના યુદ્ધ અને કૃષ્ણના નિર્વાણ પછી પાંડવો મહાપ્રસ્થાન કાજે હિમાલયમાં જાય છે. દ્રૌપદી સહુથી પહેલી ઢળી પડે છે એટલો ભાગ અહીં લીધો છે. છે નાટક પણ કવિતા સતત ઊભરાતી રહે છે. ચાર ભાઈ અને માતાને ખભે ઊંચકીને લાક્ષાગૃહમાંથી દોડેલો ભીમ આજે દ્રૌપદીને પણ ઊઠાવી નથી શક્તો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સ્વ-કર્મનો બોજ ઊંચકાય તોય ઘણું… સહદેવ કહે છે કે પાંચ પાંડવ પાંચ આંગળી સમા હતા પણ દ્રૌપદી જ એમની ખરી તાકાત, મુઠ્ઠી હતી…
(પ્રવચન કરતાં ઉમાશંકર જોશી સાથે બચુભાઈ રાવત, સ્નેહરશ્મિ, નગીનદાસ પારેખ, વિ.)
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
-ઉમાશંકર જોશી
ચાંદનીના સથવારે ચાલવાની વાતમાં જીવનરસને જીવ ભરીને પી લેવાની ઈચ્છા વણાયેલી છે. ચાલવું … મ્હાલવું… છલકવું… ભળવું… બે મટી એક થવું… અનંત થવું !
કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?
પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ?
મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?
કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ?
સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?
કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ?
દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?
ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ?
મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?
– ઉમાશંકર જોશી
ઉમાશંકરના કવ્યોમાં વ્યંગ ભાગ્યે જ જોવા મળે. અને આ તો આખું કાવ્ય જ વ્યંગથી ભરેલું. જોકે કવિની કુશળતા જુઓ કે આ બધા ચાબખા એમણે કેવા શિષ્ટતમ ભાષામાં છુપાવ્યા છે !
(અદય=નિષ્ઠુર, ક્રૂર, અર્ધ્ય=આરતી, પતરાજી=શેખી, ડંફાસ, અવગુંઠન=બુરખો, લાજ, વામ= ડાબો, દક્ષિણ=જમણો, અંતરતમ=અત્યંત પોતાનું, નજીકનું)
(ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સાથે…)
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
-ઉમાશંકર જોશી
સ્વર – સંગીત : અજિત શેઠ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Bhomiyaa Vinaa Maare Bhamvaa Taa-Umashankar Joshi.mp3]
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : ઉદય મઝુમદાર
[audio:http://urmisaagar.com/saagar/audio/bhomiya vina maare bhamavata dungraa – Umashankar Joshi]
Wanderlustને ચરિતાર્થ કરતું ઉમાશંકરનું અમર ગીત.
(હિન્દી સાહિત્યસમ્રાટ અજ્ઞેય સાથે…)
*
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)
માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.
– ઉમાશંકર જોશી
કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !
(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)
( કનૈયાલાલ મા. મુનશી સાથે ઉમાશંકર જોશી)
*
કોઈ કહે : દુનિયાનો થાશે પ્રલય આગ થકી.
કહે કોઈ : હિમથી.
મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી
સાચા લાગે આગ પક્ષના નકી.
પણ બે વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી,
તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે
કે કહી શકું : લાવવા અંત
હિમ પણ છે પ્રતાપવંત
ને પૂરતું નીવડશે.
– રોબેર્ટ ફ્રોસ્ટ
(અનુ. ઉમાશંકર જોશી, ૨૭-૧૧-૧૯૭૧)
આસ્વાદ શ્રી ઉમાશંકરના શબ્દોમાં –
. ‘ફ્રોસ્ટે લખ્યું છે- ” કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં.” આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી છે. ફ્રોસ્ટની ભાષા બહુધા સાદી હોય છે. છંદ કે લય બહુ આગળ પડી આવતા નથી. પરંતુ કૃતિની સુરેખતા હમેશા જળવાઈ રહે છે. શબ્દોનો કરકસરપૂર્વકનો ઉપયોગ કલાને વધુ નિખારે છે.
. કાવ્ય દ્વન્દ્વના બંને છેડો કેટલા કાતિલ હોય છે તેની વાત કરે છે-ઉષ્ણ અને શીત,રાગ અને દ્વેષ. પૃથ્વીના ઈતિહાસમાં હિમપ્રલય,જળપ્રલય ની વાત છે પરંતુ આગથી થયેલ પ્રલય જાણમાં નથી. મહત્વ એ વાત નું છે કે દ્વન્દ્વનો કોઈપણ છેડો પ્રલય લાવવા સક્ષમ છે. આ ઉપરાંત પણ અર્થ છુપાયેલા છે જે ભાવકની શુદ્ધિબુદ્ધિ ઉપર છોડાયેલ છે.’
*
વર્તમાન જયારે મારા આ ધ્રૂજતા આયખા પર આગળા ભીડી દે,
અને ફાલ્ગુન માસ હરિયાળા ખુશહાલ પાંદડાં ફફડાવી રહે
નવા કાંતેલ રેશમ શી નાજુક-જાળિયાળી પાંખો શાં, ત્યારે
પડોશીઓ કહેશે વારુ કે
‘એ હતો માનવી, આવી વસ્તુઓ જોવાની અચૂક ટેવ હતી જેને’ ?
બને કે સાંજુકી વેળા,જેમ નીરવ પડે પલક આંખની
તેમ ઊતરી આવે ઝાકળ-ઘડીએ બાજ, છાયાઓ પાર,જંપવા જરી
ઉપલાણે પવન-અમળાયેલ કાંટ્ય પર; એ બધું જોઈ રહેલા ત્યારે
થશે કો માનવીને શું : ‘એને તો ખસૂસ આ દ્રશ્ય પરિચિત
હશે જ હશે’?
હું કોઈ ફૂદાં-ભરેલી ઉષ્માભરી શ્યામલતામાં વિચરું રાત્રિલોકની,
જયારે ઘાસ પર પથ કાપતો શેળો ફરુરર કરતો જાય સરકી,
કોઈ કહેય તે : ‘આવા નિર્દોષ પ્રાણીને ન ઈજા કશી થવા
પામે તે માટે તે મથ્યો,
પણ તે જૂજ જ કાંઈ કરી શખ્યો તેઓ કાજે;અને હવે તો તે ગત થયો.’
જો સૌ ઊભે મુજ દ્વારે,અંતે હું શમી ગયો – એ સમાચારે,
પૂર્ણનક્ષત્રમય નભ ન્યાળીને – જે શિયાળાને જ જોવા મળે.
મારો ચહેરો નીરખવાના નથી જે,મનમાં તેઓના ઊગશે શું
વિચાર આ કે
‘તે હતો એવો,જેને નજર હતીસ્તો આવીક રહસ્યમયતાઓ
માટે’ ?
મારી ચિર વિદાયની ઘંટા જયારે રણકી ઊઠે અંધકારે
અને વાયુલહર આડી ફરી એના તરંગપ્રવાહને કાપે ક્ષણ માટે,
થંભેલા સ્વર ફરી પાછા ઊભરે,થયો હો ઘંટરવ નવો જાણે ના !
કહેશે ત્યારે તેઓ શું : ‘નથી આ સુણતો એ,પણ આવું આવું
હમેશ ધ્યાનમાં આવતું એના’ ?
– ટોમસ હાર્ડી
(અનુ. ઉમાશંકર જોશી, તા ૨૭-૧૧-૧૯૭૧)
કવિશ્રી ઉમાશંકરે આ કાવ્યનો આસ્વાદ પણ કરાવ્યો છે જેનો ટૂંક સાર આ પ્રમાણે છે-
‘ એક પછી એક પાંચ ચિત્રો થકી કવિ પોતાના વિષે પોતાના દેહાવસાન બાદ શું શું કહેવાશે તેની કલ્પના રજૂ કરે છે….-કવિને ઓળખનારા તેની પાંચ લાક્ષણિકતાઓને વાગોળશે-
૧- વસંતવૈભવમાં કુદરતની સૂક્ષ્મ કારીગરી જોઈ શકનારી સૌન્દર્યદ્રષ્ટિ
૨- આતતાયી એવા બાજ પક્ષી માટે પણ તે કુદરતના ચક્રનું એક અભિન્ન અંગ છે તેવી વહાલભરી સમદ્રષ્ટિ.
૩- કરુણાવૃત્તિ
૪- આકાશ ભરી દેતા નક્ષત્રલોકથી ચિત્તમાં ઉદબુદ્ધ થતી રહસ્યદર્શિતા
૫- સૌંદર્ય તેમ જ જીવનની ધારાવાહિતામાં વચમાં ભંગ થાય અને અને નવીનતાનો ભાસ ઊપજે તેને લીધે એકસાથે નવીનતા અને એકસૂત્રતા – બંનેનો અનુભવ કરતી દ્રષ્ટિની અખિલાઈ.
અહી કવિનું સૂક્ષ્મ સૂચન એ છે કે કોઈપણ કવિમાં આ લાક્ષણિકતાઓ સામાન્ય હોય છે-અહી કવિ સાથે અસંમત થઇ શકાય પરંતુ કાવ્યવિષય વ્યક્તિગત નથી જ નથી. આખી કૃતિ ઉચ્ચ કક્ષાની સર્જકતાની પ્રતીતિ કરાવતા કલ્પનો અને ચિત્રણોથી માતબર છે પરંતુ ઉત્તમ ચિત્રણ અને મૌલિકતાની પરાકાષ્ઠા છેલ્લી કડીમાં નિષ્પન્ન થાય છે- ઘંટાનાદનો પ્રવાહ વાયુની લહેર આડી આવતા ક્ષણભર માટે કપાય છે – અને ક્ષણાર્ધમાં પાછો સંધાઈ જાય છે….ઘંટારવ ફરી સંભળાય છે -જાણે નવો જ ન થયો હોય ! ‘
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા ! શે સમજવી ?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી –
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે–હ્રાસે પરમ ૠતલીલા અભિરમે.
–બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું –
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
– ઉમાશંકર જોશી
21 જુલાઈ, 1952ના રોજ પોતાની 41મી વર્ષગાંઠે કવિએ ‘ગયાં વર્ષો-’ લખ્યું અને એ જ દિવસે આ સૉનેટ પણ લખ્યું. બંનેમાં કવિનો જીવન અને પ્રકૃતિ તરફનો નિરર્ગળ નિતાંત પ્રેમ જ વ્યક્ત થાય છે.
વીલે મોઢે જીવવાને બદલે લગ્નના સાત ફેરા ફરી જગ આખાનું સૌંદર્યપાન કરવા આહ્વાન કરે છે. દુઃખીજનને કાયમ એવું જ અનુભવાતું હોય છે કે આખી દુનિયા મારી જ દુશ્મન છે. હકીકત એવી નથી. પોતાના ‘હું’ને વિસારીને વરતીએ તો દુનિયા વધુ મીઠી લાગશે. જે વર્ષો રહ્યાં છે તેમાં અવનિના કણ-કણમાં વસેલું સૌંદર્ય શા માટે આકંઠ ન પીવું !
**
કવિના શબ્દો, ‘સર્જક કલાકાર તરીકે મને હમેશ લાગ્યાં કર્યું છે કે કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ-અંશ કરતાં નાદ-અંશનું મહત્ત્વ ઓછું નથી. એ નાદ-અંશ, કવિતા કાનની કળા હોઈ, અર્થ-અંશનો આધાર તો છે જ, પણ અર્થ-અંશને પ્રસ્તુત કરીને એ વિદાય લેતો નથી, કૃતિના સમગ્ર પિંડનો સ્વયં આવશ્યક ભાગ બની રહે છે. કવિતામાં શબ્દનો નાદ-અંશ અનુપ્રાસ, કાકુ, શબ્દક્રમ આદિની મદદથી અર્થના આરોહ-અવરોહમાં અનુપ્રવેશ સાધતો સમગ્ર સંદર્ભના – આખી કલાકૃતિના અવયવવિન્યાસના જ નહીં, અર્થવિન્યાસના બલકે રહસ્યવિન્યાસના હિલ્લોલ રૂપે, લય રૂપે પ્રતીત થાય છે. લય અંગેની આ વાત જેટલી ગીત અને છંદ અંગે સાચી છે તેટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ (કેમકે ગીત અને છંદની પહોંચમાં ન આવી શક્તા કશાકને પકડવા મથનાર) ‘અછાન્દસ’ માટે સાચી છે.’
ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.
ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !
– ઉમાશંકર જોશી
‘ગયાં વર્ષો-’ અને ‘રહ્યાં વર્ષો તેમાં-’ આ બે સૉનેટ કવિ ઉમાશંકરની કલમની ઓળખ આપી શકે એવાં છે. ઉમાશંકર સિક્કાની બંને બાજુને સમાનપણે ચાહી શક્તા. સ્વાભાવિકપણે ચડાવ એમને વહાલો હતો તો ઉતાર પણ એમને વર્જ્ય નહોતો. જે વર્ષો વીતી ગયાં છે એનો વસવસો આ સૉનેટમાં ક્યાંય નજરે ચડતો નથી કેમકે કવિ એને પણ બિનશરતી ચાહે છે ! સમય પસાર થાય છે ત્યારે એ માંડમાંડ વિતતો હોવાનું અનુભવાય છે પણ વીતેલા વખત પર નજર માંડીએ ત્યારે આટલો સમય કેમનો વીતી ગયો હશેનું આશ્ચર્ય જ અનુભવાય છે. કદી તો એવું લાગે છે જાણે ઊંઘમાં ચાલતાં ન હોઈએ એમ વરસો વીતી ગયાં. હૈયામાં જે પ્રણયોર્મિ છલોછલ હતી એ જ ડગલે ને પગલે જીવાડતી હતી. માર્ગમાં મુસીબતો પણ આવી પણ કો’ક અકળ સંકેતે જાણે કાંટા પણ ફૂલ બની બેઠાં…
**
કવિ પોતે શબ્દ વિશે શું કહે છે, જાણીએ? :’ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણ્રીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. … … પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી…. …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’
(ચિત્રકાર : રજની વ્યાસ)
*
આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o
ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o
ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o
– ઉમાશંકર જોશી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ
[audio:http://urmisaagar.com/saagar/audio/aaj maaru mann mane naa – Umashankar Joshi]
શ્રી ઉમાશંકરજીની કવિતામાં વિષયનું ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે. એમનાં કાવ્યો આપણને પ્રણય, પ્રકૃતિ, માણસ અને વતનથી માંડીને છેક માનવીનાં મન સુધી લઈ જાય છે. પોતાના ચંચળ અને અડબંગ મનને વારંવાર સમજાવવું એ આપણા સૌનો નિત્ય અનુભવ છે. જેને કવિએ અહીં ખૂબ જ સ-રસ રીતે આ ગીતમાં કંડાર્યો છે. પોતાના મનની સાથે સંવાદ કરવો એનું નામ જ કવિતા !
ગાણું અધૂરું મેલ મા,
. . ‘લ્યા વાલમા,
. ગાણું અધૂરું મેલ મા.
હૈયે આયેલું પાછું ઠેલ મા,
. . ‘લ્યા વાલમા,
. . હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
. . ‘લ્યા વાલમા,
. . ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o
ઓરાં બોલાવી ધકેલ મા,
. . ‘લ્યા વાલમા,
. .છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o
છાતીથી છેટાં મેલ મા,
. .. . ‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.
અરધે અધૂરું મેલ મા,
. . ‘લ્યા વાલમા,
.હોઠે આયેલું પાછું ઠેલ મા.
. . ગાણું અધૂરું મેલ મા.
– ઉમાશંકર જોશી
ગાણું અધૂરું મેલવાની વાત એટલે હૈયાનાં પ્રગટેલા હેતને પાછું ધકેલવાની વાત; અને હોઠે આવેલું પાછું ઠેલવાની વાત એટલે પ્રેમનું મધુરું ગાણું અધૂરું મેલવાની વાત. આખા ગીતમાં અલગ અલગ રીતે ગોળ ગોળ ફેરવીને કવિ આ જ વાતનું સતત પુનરાવર્તન કરે છે… અને પોતાના ‘વાલમા’ને પ્રીતનું ગાણું અધૂરું ન રાખવા વારંવાર વિનવે છે. અહીં ‘વાલમા’ એ કોઈ પ્રિયજન પણ હોઈ શકે અથવા પોતાનો માંહ્યલો પણ હોઈ શકે… અહીં ઉમાશંકર જોશીના જ બીજા એક ગીતની એક પંક્તિ યાદ આવે છે: કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે… કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી…
મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o
મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર !
મારું જીવન o
સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન o
– ઉમાશંકર જોશી
સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ
[audio:http://urmisaagar.com/saagar/audio/Maarun Jivan Ej Maari Vaani-paresh bhatt.mp3]
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્યામલ મુન્શી
[audio:http://urmisaagar.com/saagar/audio/maru jivan te mari vaani – Umashankar Joshi.mp3]
ગાંધીયુગનાં આ અગ્રણી કવિશ્રી ઉમાશંકરજીની ઘણી કવિતાઓ અને ગીતો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલ છે. ગાંધીવિચારનો પ્રભાવ એમની ગાંધી-કવિતામાં પૂરની માફક ઊમટે છે, જે ભાવકને છે…ક વિશ્વપ્રેમ સુધી પહોંચાડે છે. શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? , તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને વિશ્વગુર્જરી બનવાનો સંકેત આપતો પ્રશ્ન પણ પૂછે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’
શ્રાવણ હો !
. અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
. અરધી વાટે તું રેલીશ મા !
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે…
આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય.
. અરધી વાટે…
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા,
. શ્રાવણ હો !
– ઉમાશંકર જોશી
શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઉમાશંકરજીનું એક ઋજુ કાવ્ય… શ્રાવણને ન વરસવાનું કહીને અંતે કવિ એને પોતાનાં જ નયનો સાથે સરખાવે છે કે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે પરંતુ એમનાં નયનોમાં તો બારેમાસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે; એના માટે ‘શ્રાવણ’નાં આવવાની રાહ જોવી પડતી નથી. શ્રી ઉમાશંકરજીનું બીજું એક વિવિધ ઋતુઓ વિશેનું યુગ્મગીત ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય પણ ફરી ફરીને માણવા અને સાંભળવા જેવું છે.
(ઉમાશંકર જોશી… …૨૧-૦૭-૧૯૧૧ થી ૧૯-૧૨-૧૯૮૮)
*
ગુજરાતી કવિતાના રવીન્દ્ર શ્રી ઉમાશંકર જોશીનું જન્મ શતાબ્દી વર્ષ આજથી પ્રારંભ થાય છે. નેટ-ગુર્જરી પર લયસ્તરો.કોમ આ ઉજવણીના શ્રી ગણેશ કરે છે પરિણામે આવનાર આખું વર્ષ કવિશ્રીની કવિતાઓનો મેહુલો લયસ્તરોના વાદળ થકી તમારા હૃદયના કાગળ અનરાધાર ભીંજવતો રહેશે.
ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત અને એ સમગ્ર વિશ્વના મોખરાના કવિ લેખાયા હોત. ઉમાશંકર સાચા અર્થમાં માનવ નહીં, વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે.
સાહિત્યના જે આયામને એમની લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. કવિતા, નવલિકા, નાટક, પદ્યનાટક, નિબંધ, આસ્વાદ, વિવેચન, અનુવાદ, પ્રવાસ લેખન, સંશોધન, સંપાદન અને ‘સંસ્કૃતિ’ના તંત્રી. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે.
પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ના પહેલા કાવ્યની પહેલી લીટી ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી કવિતાની આખરી લીટી ‘ છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે સતત એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાથી પણ. પરિણામે એમની દરેક કવિતામાં આપણને નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને પણ સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને પણ અમૃતનો ઓડકાર ખાય છે. એમની કવિતા કાળાતીત છે. એ જગત આખાને અઢેલીને બેઠી છે. એમની કવિતામાં વિશ્વ છે અને એમના વિશ્વમાં કવિતા છે.
સૉનેટ, અછાંદસ, છાંદસ, ગીત, ખંડકાવ્ય, પદ્યનાટક, મુક્તક – કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા છે. ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી છે.
સાબરકાંઠાના બામણા ગામમાં જન્મ. એમ.એ. સુધીનો અભ્યાસ. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી અને બાદમાં વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧) ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮) ના પ્રમુખ પણ બન્યા. નાનાવિધ પુરસ્કારો અને સન્માનથી અભિષિક્ત.
ગુજરાતી કવિતાના આકાશમાં પ્રકાશેલા એ સર્વશ્રેષ્ઠ સૂર્ય હતા એમ કહીએ તો એમાં કશું ખોટું નથી ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘પ્રાચીના’, ‘આતિથ્ય’, ‘વસંતવર્ષા’, ‘મહાપ્રસ્થાન’, અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’, ‘સપ્તપદી’ જેવા દસ સશક્ત કાવ્યસંગ્રહો. ‘સમગ્ર કવિતા’માં આ તમામ સમાવિષ્ટ.
(આવતીકાલથી એક અઠવાડિયા સુધી રોજ ઉ.જો.ની બે કવિતાઓ જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે)
બાંધ ગઠરિયાં
મૈં તો ચલી
રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
સુન્ના ન લીયા, રૂપા ન લીયા,
ન લીયા સંગ જવાહર રી,
ખાખ ભભૂતકી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
છોટે જનકે પ્યાર તનિકકી
ગઠરી પટકી મૈં ઠહરી,
સુન્દર પ્રભુકે અમર પ્રેમકી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
– સુન્દરમ
શબ્દોની અદભૂત મીઠાશ અને મીરાંસમ સમર્પણથી શોભતું – પ્રેમલક્ષણા ભક્તિના સર્વોતમ પદોની પંગતમાં બેસી શકે એવું – પદ.
કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજારાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજારાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કર, ગુજરાતી લિટરરી એકેદેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થાથકી ગુજારાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.
ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે.
પત્નીને
કશી ખરીદીએ મોકલી
કે પછી
ટેલિવિઝન પાસેથી
ઉછીનો સમય મેળવીને
હું કવિતા લખવા
બેઠો હોઉં છું
ત્યારે
એક સદ્ ગત કવિમિત્ર
મારી પાસે આવીને
બેસી જાય છે.
કવિતા પૂરી થાય
કે તરત જ
તે મને પ્રશ્ન કરે છે
‘કવિતા છપાય ત્યારે
તને પુરસ્કારની રકમ મળશે ખરી ?’
હું તેની સામે જોતો રહું છું
તો તે કહે છે :
‘મારાં કાવ્યોના પુરસ્કારની રકમ
મને મળી હોત તો
હું હજી જીવતો હોત.’
– ભરત ત્રિવેદી
કવિતા તો અ-મૂલ્ય છે હોય છે. પણ આ ય એક સચ્ચાઈ છે.
કળાની કદર કરવી આખા સમાજની જવાબદારી છે. જે સમાજ કદર કરી નથી જાણતો, એ સમાજ કળાને લાયક પણ નથી રહેતો.
(માનદેય = માનદ વેતન, Honorarium)
હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.
હું તો નાનું હિમકણ,હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય!
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.
હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ,શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.
મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખુ,મારામાં તું જ ઊમટે.
– મકરંદ દવે
અનંત સાગરમાં એક અનંત બિંદુ…..
-ખલીલ જિબ્રાન.
બાઈ કિયા તે કામણને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે !
અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.
સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ,
લથબથ ભીંજાઈ પેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે !
– મનોહર ત્રિવેદી
પ્રેમ એટલે પ્રતીક્ષા… અને કોઈ ષોડષી પ્રેમમાં પડે તો એની પ્રતીક્ષા કેવી હોય ! ઊભીહોય બારસાખ પર પણ નજરને ધકેલી હોય ઠેઠ બહાર રસ્તા પર… ક્યારે આવશે મારા મનનો માણીગર ? ઝાંખરા, કેડી અને સીમ ગામડાનું દૃશ્યચિત્ર ખડું કરે છે. ગમે તેમ ઊગી આવેલ ઝાંખરા ભૂરા આકાશની અસીમ શક્યતાઓના વાયરાની પછેડી ઓઢી ઊભા છે… પિયુના પગલાં પડે એ કારણસર કેડી પણ ઉતાવળે દોડતી જાય છે અને કન્યા આશાની કેડી પર જેમ આગળ ખેંચાતી જાય છે એમ જ અટકળના તાંતણે બંધાતી પણ જાય છે…
સોળ સોળ શ્રાવણ વરસી ગયા પણ આ શ્રાવણ જ કંઈ ઓર આવ્યો છે જેમાં એ પહેલવહેલીવાર પોતાની જાણ બહાર આમ લથબથ ભીંજાણી છે…
જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?
એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.
દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી
સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.
મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.
આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.
– ગૌરાંગ ઠાકર
એક જ વાત એક જ શાયર વારંવાર કહે પણ સાવ નોખી જ ફ્લેવર સર્જી શકે તો વાતની મજા જ કંઈ ઓર છે… ગૌરાંગ ઠાકરની ગઝલોમાં પ્રકૃતિપ્રેમ, મા-બાપની વેદના અને ગરીબી અવારનવાર ડોકિયાં કરતાં રહે છે. કવિનું નામ ન લખ્યું હોય તો પણ સમજી શકાય એવી શૈલી એમણે હસ્તગત કરી છે.
આ ગઝલ માણ્યા પછી એમના ત્રણ અલગ અલગ શેર આ સંદર્ભમાં જોઈએ?
ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.
આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા ?
મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું ?
સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી.
આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે,
કોની છાયા શરાબમાં આવી !
તારા હૈયે જે વાત ઘૂંટાઇ,
જો એ મારી કિતાબમાં આવી.
એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.
લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.
પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.
– આદિલ મન્સૂરી
આજે માણીએ, એક આદિલીયતભરી ગઝલ…
ફક્ત બે ચહેરા :
અવાક.
જિંદગીના પરિઘમાં અટવાયેલા,
પોતાનામાં જ ઊંડે ડૂબેલા.
ભાષા કેટલું અર્થહીન શસ્ત્ર હોય છે
અંધારું ભેદવા માટે.
આ સંબંધનો નિ:શબ્દ સમુદ્ર.
અને તારામારા પાર્થિવ ચહેરા,
આંખો પણ છેતરામણી
પ્રતિબિંબમાં કેવળ
ઘટનાઓની પ્રસંગોની રેખા.
એટલે તો કહું છું દેહ ભૂલી જા.
– વસંત ડહાક
(મરાઠીમાંથી અનુ. જયા મહેતા)
સાથે જ છીએ. પણ સાથે હોવાની આ પાતળી હકીકત પર ચાલે છે જિંદગી નામની ઘટનાનું સતત આક્રમણ. ભાષા, સંબંધ, ચહેરા, આંખો – બધું ય નિષ્ફળ. ક્યાં સુધી દોડીશું ? ચાલ, દેહ ઊતારીને જરા આરામથી બેસીએ.
અંધારે ચાંદરણું શોધે
ડૂબતો માણસ તરણું શોધે
નથી નથીનાં ગૂઢ પ્રદેશે
હશે હશેનું શરણું શોધે.
સૂકેલાં પર્ણો ખખડીને
લીલુંછમ સંભારણું શોધે.
અડાબીડ અંધારું જંગલ
કિરણ તેજનું હરણું શોધે.
કાંટાળી કેડીને મારગ
અધવચ્ચે ફૂલખરણું શોધે.
ભવરણ તડકે ધખે મુસાફિર
વ્હાલપનું નિર્ઝરણું શોધે
– નયના જાની
શોધ એટલે આશા. શોધ એટલે ગતિ. શોધ એટલે જીવન.
પાછાં વળી જતાં મોજાં
પાછું વળીને જુએ છે ખરાં ?
સમુદ્રપ્રેમીઓ બોલાવી રહે છે છતાં ?
જોકે તરત પુરાઈ જાય છે
એમની ખોટ
તત્કાલ ચડી આવતાં નવા મોજાંથી.
મને યાદ આવે છે,
મેંય પીઠ ફેરવી લીધી છે
કેટલીય વાર.
મક્કમ પગલે ચાલી ગઈ છું
ઊંધી દિશામાં-
હૃદય વળ ખાઈને જોતું રહ્યું છે.
સાદ પાડ્યો નથી, જોકે ,મને
કોઈએ.
પુરાઈ ગઈ હશે તરત
મારી ખોટ પણ.
– પ્રીતિ સેનગુપ્તા
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!
કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !
સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !
છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !
– હરીશ્ચન્દ્ર ભટ્ટ
મરણ સ્મરણ બનીને રહી જાય છે… બહેનના ભરયુવાનીમાં થયેલ અકાળ અવસાન નિમિત્તે લખાયેલ આ કાવ્યમાં મૃત્યુ સામે કોઈ જાતનો ડંખ નજરે ચડતો નથી એ જન્મ અને મરણની અવસ્થાને સમાનભાવથી આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.
પ્રથમ ત્રણ બંધમાં કવિ નાયિકાની કાચી વય અને મૃત્યુ વચ્ચેની વિસંગતતા અલગ અલગ પ્રતીકો વડે વ્યક્ત કરે છે પણ ક્યાંય કોઈ આક્રોશ નથી. જે આંખોએ હજી સપનાં જોવાનુંય શરૂ નહોતું કર્યું, જે કાયાએ હજી યૌવનની ચુંદડી ડિલે ઓઢીય નહોતી, જે કૂમળી કન્યાએ હજી સંસારસાગરનું આચમનેય લીધું નહોતું એના જીવનનો અકાળે અંત અને કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ પણ નથી પહોંચાડતી પણ સ્મશાનવત્ શાંતિનો અહેસાસ કરાવે છે…
ખરવું પુષ્પની નિયતિ છે પણ કળીનું શું? અને કાલઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ સમજી શકાય પણ વસંતમાં ? અને ખુદ વસંતની ફૂંકથી ?
મને કોઈ પકડી રહ્યું તીણી ચાંચે,
હું કાગળ નથી કે મને કોઈ વાંચે.
આ સગવડીયું ઘર ચોતરફ કોતરે છે,
અખંડિતપણું ઝંખનાઓના ટાંચે.
છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
પહેરે બધાં પોતપોતાને ઢાંચે.
અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.
વિવશ છું હવે ગિરધારી ઉગારો,
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.
– ભરત ભટ્ટ ‘તરલ’
એક એવી ગઝલ જેના પાંચેપાંચ શેર આગળ વધતા કદમ પકડી રાખે… જાણે કોઈ તીણી ચાંચથી પકડી રહ્યું ન હોય !
સીંચવાનાં રસ્મરિવાજોથી તુલસીદલ સડ્યાં
સર્વને મૂકી દીધાં તડકે : ટપોટપ ઊઘડ્યાં
મંગળા બસ્સો, શયન સો, દોઢસોમાં રાજભો
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા
હાથ ચલવે બાવડું કે બાવડું આ હાથને ?
કેટલા સ્હેલા સવાલો : જોશીને ના આવડ્યા
કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું ?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યાં
જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આસકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા.
સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતા હતા,
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં
– ઉદયન ઠક્કર
દરેક યુગને એક મહાત્માની અને એક અખાની જરૂર પડે જ છે. સમાજ ગમે એટલો સુસંસ્કૃત અને સાક્ષર ભલે ને થઈ જાય, બદીઓથી બચીને ચાલતા એને આવડતું જ નથી. અખો છ પદના છપ્પામાં ચાબખા મારતો હતો, બરાબર એવી જ અસર ઉદયન ઠક્કર અહીં બબ્બે મિસરાના શેરમાં ઉપજાવે છે. આપણને અતિની આદત એવી પડી ગઈ છે કે એ બિમારી હોવાની સમજણ પણ નથી રહી… ક્યારામાં માપસરનું પાણી નાંખવાના બદલે આપણે છોડ સડી જાય એ હદે આપણો ભક્તિભાવ બતાવીએ છીએ. હકીકતે તો આપણા આ રીતિ-રિવાજોને તડકે મૂકવા જેવા છે…
અત્યારે ફૂટબોલ ફીવર એની ચરમસીમાએ પહોંચ્યો છે. જર્મનીમાં એક ઑક્ટોપસ ટીમની હાર-જીતનો ફેંસલો કરે છે અને દુનિયાભરની ટીવે ચેનલ્સ અને અખબારો આ ઑક્ટોપસબાબાના દર્શન ખુલ્લા મૂકે છે… આ ગઝલ આવા જ ધૃતરાષ્ટ્રો માટે લખાઈ છે…
કે પ્રથમ વ્હાલા લખો ને જત લખો,
તે પછી નખશિખ આખો ખત લખો.
હું વધાવું, પ્રેમથી વાંચું પછી
જે ગમે છે એ બધી બાબત લખો.
‘બાજ’ હો કે હો ‘કબૂતર’ ચાલશે,
કાં લખો સંધિ કાં પાણીપત લખો.
ખોટ ના દેખાડશો તો ચાલશે,
કેટલી છે પ્રેમમાં બરકત લખો.
અક્ષરોની માંડણી કરશું અમે,
હો ભલે કોરો પરંતુ ખત લખો.
-દિલીપ રાવળ
એકદમ હળવે હળવે ચાલતી હળવી ખત-ગઝલ… કવિની પ્રિયજનની પાસે એક જ માંગણી છે, એમને બસ પ્રિયજને મોકલેલો પત્ર જોઈએ છે. પછી પ્રિયજને એમાં જે લખ્યું હોય એ… અરે, અક્ષરો વિનાનો સાવ કોરો જ પત્ર મળે એનોય કવિને બિલકુલ વાંધો નથી. (અહીં કોરી ઈમેલ કે કોરા SMS ની વાત નથી હોં ! ) બાજ-કબૂતર ને સંધિ-પાણીપત વાળા શે’ર માટે તો આંખોને ‘દુબારા’ ‘દુબારા’ કહેવું પડે !! 🙂
સ્વસ્થ થા – નિરાંત અનુભવ – હું વૉલ્ટ વ્હિટમેન,
ખુલ્લા દિલનો અને વાસનાયુક્ત
– કુદરત જેવો જ;
જ્યાં સુધી સૂર્ય તને તરછોડે નહીં, હું ય તને તરછોડીશ નહીં.
જ્યાં સુધી પાણી તારા માટે ચળકવાનું છોડે નહીં,
અને પાંદડા તારા માટે અવાજ કરવાનું બંધ ન કરે,
મારા શબ્દો પણ
તારે માટે ચળકવાનું કે અવાજ કરવાનું બંધ નહી કરે.
પ્રિયે, હું તને વચન આપું છું કે આપણે જરૂર મળશું – હવે તારી જવાબદારી છે કે તું
તારી જાતને મારે લાયક બનાવે.
હું ન આવું ત્યાં લગી ધીરજ રાખજે અને તારી જાતને પૂર્ણ બનાવજે.
ત્યાં સુધી, મારી નજરની સલામ તને,
જેથી તું મને ભૂલી ન જાય.
– વૉલ્ટ વ્હિટમેન
(અનુ. ધવલ શાહ)
વ્હિટમેન એટલે અમેરિકન કવિતાનો દાદો. છેલ્લા દોઢસો વર્ષના બધા અમેરિકન કવિઓ એની કવિતાઓ વાંચીને ઉછર્યા છે એવું કહી શકાય. વ્હિટમેન માણસમાત્રની સમાનતાનો ભારે આગ્રહી હતો. આ કવિતા એણે વેશ્યા વિશે લખી છે પણ કવિતાનું હાર્દ માણસમાત્રની સમાનતાનો સિદ્ધાંત છે.
કવિએ આખી કવિતા વેશ્યા સાથે અંગત વાત કરતા હોય એમ લખી છે. શરૂઆત જ કવિ એકદમ ઋજુતાથી કરે છે. સામાન્ય વેશ્યાનું સ્થાન સમાજમાં એકદમ નીચે ગણાય. પણ એની સાથે કવિ કેવી ખુલ્લા દિલે વાત કરે છે એ જુઓ. કવિ પોતાનો પરિચય આપતી વેળા જ પોતામાં રહેલી વાસનાવૃતિની કબૂલાત આપે છે. પણ તરત જ ઉમેરે છે કે મારામાં વાસના છે એ કુદરતમાં – પ્રકૃતિમાં – વાસના છે એવી જ છે. વાસનાને લીધે જ આ સૃષ્ટિ ચાલે છે એ હકીકતને કવિએ સહજતાથી કહી દીધી છે.
જેમ કુદરતી તત્વો માણસ માણસ વચ્ચે ઊંચ-નીચના ભેદ કરતા નથી, એ જ રીતે કવિ પણ બધા માણસોને સમાન ગણે છે એ વિચાર કવિતાનું હાર્દ છે.
એના પછીની પંક્તિઓમાં કવિ, વેશ્યાને ‘પ્રિયે’ કહે છે અને મિલનનો વાયદો કરે છે. આ વાયદો દૈહિક મિલનનો વાયદો નથી. આ વાયદો જીવનના સ્તરથી ઉપરના સ્તરે મળવાનો વાયદો છે. ગમે તેટલી નીચા સ્તરની, પતિત વ્યક્તિની પણ ઉન્નતિ શક્ય છે એવી કવિની દ્રઢ માન્યતાનો આ પડઘો છે. સાથે જ કવિ આ ઊંચા સ્તરે પહોંચવા માટે કોશિષ કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની પર જ નાખે છે. પૂર્ણતા સુધી પહોંચવાનો બધાનો અધિકાર છે, અને એ જ બધાની વ્યક્તિગત જવાબદારી પણ છે – Individualismનો આ પાયાનો સિદ્ધાંત કવિએ બહુ માર્મિક રીતે મૂક્યો છે.
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહર્નિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો
અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ
પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો
દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો
ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો
– મનોજ ખંડેરિયા
વાત વિદાયની છે-વિરહની નથી. અત્યંત ખૂબીથી ઉત્તમ ઉપમાનાં શણગારથી આ ગીત સજાવાયું છે. વિદાયની ક્ષણે સંબંધની સમીક્ષા સહજભાવે થઈ જાય છે. કહેવાય છે કે મળેલા જીવને વિદાય કનડતી નથી. એકલતા મીણના સંબંધને ઓગાળી દે છે – પરંતુ મીણ જેને સંવર્ધે છે તેવી બે જ્યોત જયારે એક થઈ જાય છે તેને કોઈ જુદું નથી કરી શકતું. દરિયો સહેવાય છે પણ ક્ષણિક ઉપરછલ્લાપણું નથી જીરવાતું. ક્યાંક કોઈક કચાશ,કોઈક ખોડ હતી કે શું સંબંધમાં ? આત્મનિરિક્ષણ કરતાં જાત ઓળખાતી નથી-સંવાદિતા નથી. કદાચ વિદાયને આ રૂપમાં બહુ જવલ્લે જ જોવાઈ હશે.
સેજ પાથર હે સખી ! આજે કમળની
દ્વૈત-પળમાં આથડું છું હું અકળની.
એક ચાતકની તરસ લઈને ઊડું છું
લાવ સરવાણી ફરીથી તળ અતળની.
શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.
કે મને જકડી રહી છે આ ત્વચા પણ
ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.
– જયેશ ભટ્ટ
પ્રણય અને પ્રકૃતિની પેલે પાર પણ ગઝલ ક્યાં ક્યાં જઈ શકે છે એ પ્રમાણવા માટે આ ગઝલ પર નજર નાંખવું આવશ્યક છે. દ્વૈત-પળની અકળતા, ચાતકની તરસ, શબ્દમાં વિસ્તાર અને ચામડીના બંધનોમાંનો તરફડાટ અને કમળની સેજ યાને બ્રહ્મતત્ત્વની અભિલાષા, અંત અને અનંત-ઉભયની અમૃતધારાની કામના, મૌનની ઋચા સમ પવિત્રતાનું સ્વાગત અને પાંચ ઇન્દ્રિયોની કેદમાંથી મુક્ત થવાની ઝંખના- આ ગઝલનો પિંડ જ કંઈક અલગ ઘડાયો છે…
બોજ વધતો જાય તો સમજી જવું
કે હવે છે ડાળનું બટકી જવું
એ કહે છે કે હવે અટકી જવું
હું કહું છું કે હજી ધબકી જવું
કેટલે ઊંડે સુધી ધરબી શકો
યાદનો ગુણધર્મ છે ફણગી જવું
હર ટકોરો હોય નહિ ભણકારનો
હર પળે વિશ્વાસને વળગી જવું
– જિતુ ત્રિવેદી
સાદ્યંત સુંદર રચના… જીવનની ચાર અલગ અલગ વ્યાખ્યાઓ જ જોઈ લ્યો જાણે !