હરિશ્ચન્દ્ર ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 1, 2016 at 1:50 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, હરિશ્ચન્દ્ર ભટ્ટ
વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.
અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.
રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.
પ્રભો-નિયતિ ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.
– હરિશ્ચન્દ્ર ભટ્ટ
ગઈ ગુજરી ભૂલીને ઉજળા ભાવિ તરફ ડગ માંડવાની વાત કવિ પરંપરિત ઢબમાં રજૂ કરે છે. ઈશ્વર અને નિયતિનો સાથ માંગે છે પણ પોતાનું ભવિષ્ય અને પોતાનું ભાગ્ય તો આખરે પોતાના હાથમાં જ રાખવા માંગે છે.
Permalink
July 10, 2010 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, હરિશ્ચન્દ્ર ભટ્ટ
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતામહીં કર્યો.!
કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ !
સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં !
છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી !
– હરીશ્ચન્દ્ર ભટ્ટ
મરણ સ્મરણ બનીને રહી જાય છે… બહેનના ભરયુવાનીમાં થયેલ અકાળ અવસાન નિમિત્તે લખાયેલ આ કાવ્યમાં મૃત્યુ સામે કોઈ જાતનો ડંખ નજરે ચડતો નથી એ જન્મ અને મરણની અવસ્થાને સમાનભાવથી આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.
પ્રથમ ત્રણ બંધમાં કવિ નાયિકાની કાચી વય અને મૃત્યુ વચ્ચેની વિસંગતતા અલગ અલગ પ્રતીકો વડે વ્યક્ત કરે છે પણ ક્યાંય કોઈ આક્રોશ નથી. જે આંખોએ હજી સપનાં જોવાનુંય શરૂ નહોતું કર્યું, જે કાયાએ હજી યૌવનની ચુંદડી ડિલે ઓઢીય નહોતી, જે કૂમળી કન્યાએ હજી સંસારસાગરનું આચમનેય લીધું નહોતું એના જીવનનો અકાળે અંત અને કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ પણ નથી પહોંચાડતી પણ સ્મશાનવત્ શાંતિનો અહેસાસ કરાવે છે…
ખરવું પુષ્પની નિયતિ છે પણ કળીનું શું? અને કાલઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ સમજી શકાય પણ વસંતમાં ? અને ખુદ વસંતની ફૂંકથી ?
Permalink
June 21, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, હરિશ્ચન્દ્ર ભટ્ટ
મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.
-હરિશ્ચંદ્ર ભટ્ટ
સર્જનપ્રક્રિયાને બખૂબી વર્ણવતું સચોટ લઘુકાવ્ય.
સર્જન એટલે એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ. કવિ કાવ્ય કરે ત્યારે બ્રહ્મા સાથે તાદાત્મ્ય સાધતો હોય છે પણ સર્જન પૂર્ણ થતાં જ એ પાછો સાધારણ મનુષ્ય -ભાવક- બની જતો હોય છે. આ એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ એટલે કે યુગાન્તર અણદીઠ છે… આવા અણદીઠની સતત વાંછના અને કળી ન શકાય છતાં વર્ષો સુધી અંતરને તાવ્યા કરતી કોઈક અગમ્ય વેદના એ સર્જનની કાચી સામગ્રી છે. પણ માતા સરસ્વતીની કૃપા વિના બધું અધૂરું છે. માની કૃપા ઉતરે એટલે સર્જક એક ભવમાં જાણે બીજો ભવ પામે અને એનું દારિઢ્ર્ય દૂર થાય છે… વળી અધૂરાં ગીત પૂરાં કરવા ફરી ફરીને જન્મ લેવાની ઈચ્છા સિસૃક્ષાની ચરમસીમાનું દ્યોતક છે.
આ સાથે સર્જનપ્રક્રિયા પર જ બ.ક.ઠાકોરનું ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ ભણકારા પણ જોવા જેવું છે.
(દ્વિજ= બે વાર જન્મેલ, બ્રાહ્મણ, દૈન્ય= ગરીબી)
Permalink
December 28, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ઊર્મિકાવ્ય, હરિશ્ચન્દ્ર ભટ્ટ
મારા ઉરે કોઇ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવાં નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું,ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું,
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઇ કરું પૂરાં.
– હરિશ્ચન્દ્ર ભટ્ટ
ગુજરાતી સાહિત્યમાં યુરોપિયન સાહિત્યનું આકંઠ પાન કરનાર કવિ.
Permalink