બાઈ કિયા તે … – મનોહર ત્રિવેદી
બાઈ કિયા તે કામણને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે !
અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.
સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ,
લથબથ ભીંજાઈ પેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે !
– મનોહર ત્રિવેદી
પ્રેમ એટલે પ્રતીક્ષા… અને કોઈ ષોડષી પ્રેમમાં પડે તો એની પ્રતીક્ષા કેવી હોય ! ઊભીહોય બારસાખ પર પણ નજરને ધકેલી હોય ઠેઠ બહાર રસ્તા પર… ક્યારે આવશે મારા મનનો માણીગર ? ઝાંખરા, કેડી અને સીમ ગામડાનું દૃશ્યચિત્ર ખડું કરે છે. ગમે તેમ ઊગી આવેલ ઝાંખરા ભૂરા આકાશની અસીમ શક્યતાઓના વાયરાની પછેડી ઓઢી ઊભા છે… પિયુના પગલાં પડે એ કારણસર કેડી પણ ઉતાવળે દોડતી જાય છે અને કન્યા આશાની કેડી પર જેમ આગળ ખેંચાતી જાય છે એમ જ અટકળના તાંતણે બંધાતી પણ જાય છે…
સોળ સોળ શ્રાવણ વરસી ગયા પણ આ શ્રાવણ જ કંઈ ઓર આવ્યો છે જેમાં એ પહેલવહેલીવાર પોતાની જાણ બહાર આમ લથબથ ભીંજાણી છે…
Pushpakant Talati said,
July 17, 2010 @ 9:20 AM
The figure of 16 has got a SPECIAL EFFECT in the human life and perticularly for a feminine gender. That is why it is called “Sweet Sixteen” – અને વળી તેમા પણ વળી વરસાદી મોસમ હોય પછી તો પુછવાનુ હોય ?
આજે ઘણી રાહ જોયા પછી આ “ટપાલ” મળી. (આજ ના જમાના મા તો હવે આ જ ટપાલ ગણવી રહી કારણ કે અસલ ટપાલ અને પત્ર તો હવે મ્યુઝીયમ ની અસ્ક્યામત થઈ રહી છે.) પરન્તુ પ્રતીક્ષા સફળ થઈ હોય તેવી પ્રતિતી પણ થઈ.
બારસાખ ઝાલીને ઊભી રહી ને ક્યારની પોતાના લોચનોને બારણે ધક્કેલતી ષોડષી સુન્દરી ની મનોવ્યથા / મનોસ્થિતિ બહુજ સુન્દર રીતે આલેખવામા આવી છે. જાણે વગર કેમેરા એ ફોટો પડી ગયો.
આ સોળ વર્ષી ની હાલત -” ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં” – આ શબ્દોમા અફલાતુન રીતે કન્ડારાઈ ગઈ છે.
વળી સીમમા પડેલ વરસાદી પૂરનુઁ ખેચાણ છેટ ઉંબર સુધી આવી પૂગ્યું. આ બધુ તો થીક પણ છેલ્લી લીટી – “લથબથ ભીંજાઈ પેલવેલ્લી – ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે !” લખીને તો હદ કરી નાખી.
લય બધ્ધ શબ્દો તેમજ તર્જને કારણે આ ગીત ખરેખર સુપર તેમજ કાબિલ્-એ-તારીફ” થયુ છે.
pragnaju said,
July 17, 2010 @ 9:36 AM
સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ,
લથબથ ભીંજાઈ પેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે !
ખૂબ સરસ અભિવ્યક્તી…જાણે ૫૫વર્ષ પહેલાની મારી અનુભવવાણી
અમારા જુ’ભાઇની રચના યાદ આવે છે
તાપ
ગ્રીષ્મો સોળ સોળ સુધી ઝીલ્યો,
તે બાષ્પ થઈ અકળાવતો,
લાચાર કરતો,
સાત સાગર પાર્
જાવા ઝંખવે.
આટલું છેટું
સમય-સ્થળનું વીંધીને
એક ‘હેલો’ માત્ર
સાંભળવા મથે.
ને અચીંતી –
બે અંતીમોને સાંધતી –
એ એક ચેષ્ટા
અવશ એવાં ટેરવાંની,
દુ..ર, દરીયા વીંધતી
રણકી ઉઠે !!
એક અમથું સાવ
‘હેલો’
સાંભળું-ના સાંભળું ત્યાં
સોળ વર્ષો સામટાં
ઉભરાઈને, છલકાઈને
હેલી બની વરસી રહે…
એક ‘હેલો’ આહીંથી
ને એક સામેથી વહે;
ને પછી ક્ષણ મૌન !!
એ મૌનથી
બસ સોળ વર્ષાની ઝડી
વરસી રહે;
સોળ હેમંતો-શીશીરોને
મળી ર્ હે હુંફ;
વસંતો સોળ સોળ
ખીલી ઉઠે !
બસ એક ક્ષણ
ને
આટલું અંતર વીંધીને સામટું
મૌનની ઉંડી ગુહાથી નીકળ્યો
ભેટે પીતા !
બુચકારતો, પુચકારતો
શો કોચમેન્ ડોસો અલી
સંભળાય કાને !
ગાલ – મરીયમ પત્ર – પર
અંકાઈ ર્ હે શી છાપ !
બે અંતીમોને સાંધતી
એ ચાર આંખો
એટલું ટપકે પછી –
કે
સાત સાગરની બધી ખારાશ
મીઠું મઘમઘે !
Kalpana said,
July 17, 2010 @ 4:19 PM
સરસ. યૌવનને પ્રાઁગણે ઉભી ઉભી લથબથ ભીઁજઈ પહેલ વહેલી!
પ્રથમ પ્રેમ પાઁગરવાની ઘડી હવે ક્યાઁ રહી? દશમા ધોરણમા સારા ટકા લાવવાના! સોરી! બહુ લુક્ખી વાત યાદ આવી ગઈ!
ઔરઁગઝેબની બહેન.
કલ્પના
વિહંગ વ્યાસ said,
July 19, 2010 @ 3:56 AM
સુંદર ગીત
Faruque Ghanchi બાબુલ said,
July 20, 2010 @ 3:23 PM
ઉમદા ઉર્મિગીત !
Ajitsinh Bhatti said,
July 24, 2010 @ 8:53 AM
આ “લથબથ” શબ્દની તાકાતનો અંદાજ છે? એ શબ્દની વ્યુત્પતિના કોરાપણાની ખંજવાળે જે બળતરા ઉપજે એના કરતાં એની અંદરની ભિનાશ નિચોવવાથી આહ્લાદક શાતા વળે.કાંઇક આવી જ અનુભૂતિ પેલી ષોડશી મુગ્ધાને થૈ હોવી જોઇએ.લથબથ કાયાની (પુરુષ કે સ્ત્રી ) માયા અને કામણ બન્ને સ્ફૉટક પદાર્થની વ્યાખ્યામાં સમાવિષ્ટ થાય અને એટલે જ વરસાદી માહૉલ detonating device જેવું કામ કરે.અને પછી થયેલા વિસ્ફોટ ના પરિણામો અને પરિમાણો માત્ર ‘કલ્પના’ નો વિષય બની જાય. —અજીત ભટટી “અલાયદો”