શબરી – સૌમ્ય જોશી
(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)
અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?
સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી
મારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરી
દૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરી
રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી
તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી
કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
– સૌમ્ય જોશી
કવિતા ગમવાના ઘણાં કારણ હોઈ શકે. એક કારણ એ પણ છે કે કવિતા એક જ વસ્તુના અલગ અલગ એટલા આયામ નાણી-પ્રમાણી શકે છે કે ભાવક સાનંદાશ્ચર્ય આંચકો અનુભવે. શબરીના બોર અને એની પ્રતીક્ષા તો સદીઓથી જાણીતાં છે પણ સૌમ્ય એની પ્રતીક્ષાના સાત રંગોનું જાણે એક નવું જ ઇન્દ્રધનુ રચે છે…
Pancham Shukla said,
August 6, 2010 @ 6:06 AM
કોઈ એક ભાવ/અર્થમાં સ્થૂળ રીતે કેન્દ્રિત થયા વગર પ્રતીક્ષાના બૃહદ આયામો પ્રકટાવી મનને કોઈક રીતે ટ્રાંસમાં લઈ લે છે. અને એ કારણે આ ગઝલને એક સરસ કાવ્ય રૂપે પણ માણી શકાય છે.
Mukund Joshi said,
August 6, 2010 @ 6:29 AM
શબરી જન્મનુ પરમ સત્યૅ છે રામ પ્રતિક્ષા, જે આ ગઝલના શબ્દે શબ્દમાં ભારોભાર નાના રંગે-રૂપે ઝલકે છે.અભિનંદન સૌમ્ય જોશીને.
અનામી said,
August 6, 2010 @ 6:31 AM
વાહ…
સમયની શોધ થાય એની આગલી સાંજે,
મેં ઈન્તઝારને શોધ્યો હતો,ખબર છે તને?
વિવેક said,
August 6, 2010 @ 7:11 AM
પ્રિય અનામી મિત્ર,
મુકુલ ચોક્સીની આ આખી ગઝલ-
“સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?”
– એમના પોતાના હસ્તાક્ષરમાં અહીં માણી શક્શો: https://layastaro.com/?p=883
DR Bharat Makwana said,
August 6, 2010 @ 7:13 AM
રામ એકવાર મળી ગયા એ પછીનો સમય અને શબરી આ વિષય પસંદ કરવો અને તેના પર ગઝલ રચવી એજ અત્યંત પ્રશંશા નું કાર્ય છે!.
અનામી એ પણ ‘સમયની શોધ થાય એની આગલી સાંજે,
મેં ઈન્તઝારને શોધ્યો હતો,ખબર છે તને?’ તદન અપ્રોપ્રીએટ લાઈન મુકીછે..આભાર..
pragnaju said,
August 6, 2010 @ 8:18 AM
કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
ખૂબ સુંદર
વિરહ વેદનામા પ્રતિક્ષા જ તેના અણસાર માટેની સાધના છે.
આમતો આ અમારા પ્રદેશની વાત! અહીની દંત કથા મુજબ મા શબરીના નામ ઉપ૨થી જ ગામનું નામ સુબી૨ પડેલ છે અને ડાંગ ના જંગલમાં મા શબરીએ ‘‘રામ-સીતા-લક્ષ્મણ’’ ના અ૨ણ્યવાસ દ૨મ્યાન રામને મીઠાં બો૨ ચખાડયા હતા. નજીકના અંતરે જ પંપા સરોવ૨ આવેલ છે. જયાં મા શબરીનો નિવાસ હતો .
આ ગઝલ સૌમ્યના પઠનમા માણવાની મઝા કાંઇ ઔર!
સુનીલ શાહ said,
August 6, 2010 @ 8:45 AM
સુદર…અતિસુંદર
Kirtikant Purohit said,
August 6, 2010 @ 10:05 AM
અત્યઁત ભાવવાહી અને સ્પર્શી જતી ગઝલ.
ડૉ.મહેશ રાવલ said,
August 6, 2010 @ 12:36 PM
શ્રી સૌમ્ય જોશીએ અહીં ઐતિહાસિક સંદર્ભને એમની આગવી શૈલીમાં ખૂબી પૂર્વક સાંકળી સુંદર ગઝલ આપી.
સરસ.
Bharat Trivedi said,
August 6, 2010 @ 2:17 PM
સ-રસ ગઝલ. કૂકડો, ભીંતો, કે પછી શબરી જેવા અઘરો રદીફ લઈ ગઝલ કહેવી- તેને પાર પાડવી કસબ માગીલે છે. સારી ગઝલો ચૂંટીને આપણને આમ પિરસનાર વિવેકભાઈને પણ દાદ દેવી પડે.
ધવલ said,
August 6, 2010 @ 6:38 PM
તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી
સરસ !
Girish Parikh said,
August 6, 2010 @ 8:34 PM
તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી
કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
સૌમ્ય જોશીને શબરીમાતાની ગઝલ રચવા માટે અને વિવેકભાઈને રજૂ કરવા માટે અભિનંદન.
શબરીમાતાએ રામ માટે ચાખેલાં બોરમાં એમનો રામ-પ્રેમ અને રામ-ભક્તિ ભળ્યાં હતાં. કલ્પવૃક્ષ પાસે પણ શબરીમાતા રામ માટે બોર જ માગે ને સ્વર્ગ-સુખ કરતાં પણ રામને સ્વર્ગના દ્વારે આવીને પ્રેમથી બોર આરોગતા જોવાનું સુખ અધિક લાગે.
pandya yogesh said,
August 6, 2010 @ 8:43 PM
સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી
અતિસુંદર
કિરણસિંહ ચૌહાણ said,
August 6, 2010 @ 9:37 PM
ગઝલસાહિત્યને સમૃદ્ધ કરતી હાંસિલે ગઝલ.
sudhir patel said,
August 6, 2010 @ 10:33 PM
પ્રતિક્ષાનો મહિમા કરતી સુંદર ગઝલ!
સુધીર પટેલ.
વિહંગ વ્યાસ said,
August 6, 2010 @ 11:16 PM
સાદ્યંત સુંદર ગઝલ. પ્રકાશ ચૌહાણ “જલાલ”નો એક સુંદર શેર યાદ આવ્યો : “ભેગા કરીશ બોર તો એ કામ આવશે. ક્યારેક તો આ ઝુપડીએ રામ આવશે.”
વિવેક said,
August 7, 2010 @ 12:31 AM
સુંદર શેર લઈ આવ્યા, વિહંગભાઈ… પણ મને ધ્યાન છે ત્યાં સુધી કવિનું નામ પ્રકાશ મસ્તાન જલાલ’ છે…
એક શેર મને મારો પણ યાદ આવ્યો:
ચકચકિત દંભોને શું એ હાથવેંત જ બેઠું છે?
ભાગ્ય અડકે માત્ર એને, બોર જેનું એંઠું છું !
deepak trivedi said,
August 7, 2010 @ 6:15 AM
કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી
વાહ ..વાહ..સૌમ્ય ભાઈ …!
અનામી said,
August 7, 2010 @ 7:08 AM
આપનો ખુબ ખુબ આભાર વિવેકભાઈ….
Kuntal Rami said,
August 7, 2010 @ 3:18 PM
સૌમ્ય જોશીને શબરીમાતાની ગઝલ રચવા માટે અભિનંદન
Mahesh Bhatt said,
August 8, 2010 @ 7:16 AM
શ્રી સૌમ્ય જોશી,
ખૂબ સુંદર ગઝલ……… શબરી રદીફ લઇ મુસલસલ ગઝલ આપવા બદલ આપને અભિનંદન…….કાફિયા પણ નિભાવી જાણ્યાછે.
શબરી ઉપર કવિ શ્રી મરમીનો પણ એક સુંદર શેર વાંચ્યો છે.
* બોર ચાખીને પ્રતીક્ષા હો પ્રબળ ,
ભાવમાં શ્રદ્વા બળે તો તું મળે .
Mahesh Bhatt said,
August 8, 2010 @ 7:21 AM
ઉપર કવિ શ્રી મરમીનો શેર ટાઇપીંગ કરવામાં ખોટો લખાયો હોય ફરી સુધારીને લખું છું……..
* બોર ચાખીને પ્રતીક્ષા હો પ્રબળ ,
ભાવમાં શ્રદ્વા ભળે તો તું મળે .
Rina said,
July 27, 2011 @ 7:54 AM
વાહ…