રહેવા દીધું ક્યાં અણદીઠું કંઈ ગૂગલે?
ઘટમાં તો બાકી લાખ ઘોડા થનગને.
- વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
June 5, 2011 at 10:58 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ, કલ્લોલિની હઝરત
ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?
– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)
આ સવાલનો જવાબ કોઈ ધર્મ પણ બરાબર આપી શકતો નથી. કોઈ બાળકને વિના કારણ પીડાતુ જુઓ તો એક ઘડી તો શ્રદ્ધા કોરે મૂકી કહેવાઈ જ જાય છે – આવું કેમ ?
(ઈબારત=લેખ)
Permalink
June 4, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, યોગેશ વૈદ્ય
લઈ શ્વાસની સાંઢણી, દોસ્તો
ચલો, નીકળો રણ ભણી, દોસ્તો
ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેરમાં
ઉદાસીનતા આપણી, દોસ્તો
કર્યાં, બુગદાં વક્ષમાંથી કર્યાં
ચણી, તો દીવાલો ચણી, દોસ્તો
નીકળતી નથી એકે પળ સોંસરી
હયાતીની બુઠ્ઠી અણી, દોસ્તો
નર્યાં સ્વપ્નનાં સોયરાંથી કદી
મટી ના શકે આંજણી, દોસ્તો
-યોગેશ વૈદ્ય
આપણું અસ્તિત્વ જ જો નર્યું બુઠ્ઠું હોય તો હોવાપણાંની કઈ પળ આરપાર નીકળી શકે ?…
Permalink
June 3, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર
હા, ગઝલમાં તો લખાયું સો ટકા,
પણ લખીને ક્યાં જિવાયું સો ટકા ?
આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
આપણાથી ક્યાં મળાયું સો ટકા !
પારદર્શક થઈને જો તું એકવાર,
કોઈ લાગે નહિ પરાયું સો ટકા.
ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
ક્યાં હજી જાગી શકાયું સો ટકા !
ભૂલભૂલૈયા સમું આઅખું જગત,
બહાર ક્યારે નીકળાયું સો ટકા.
બોજ ઇચ્છાનો હતો એથી જ ને,
બોલ તારાથી હસાયું સો ટકા ?
વેશ બદલી રોજ એ તો નીકળે,
મન કદી ક્યાં ઓળખાયું સો ટકા !
– મહેશ દાવડકર
સો ટચના સોના જેવી આ ગઝલને 99.99 માર્ક્સ આપીએ તો પણ અન્યાય છે એટલે સોમાંથી સો ટકા આપીને જ ચાલીએ…
Permalink
June 2, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under ઉમેશ જોશી, હાઈકુ
કેમ દરિયો
આંખ સામે જોઈને
પાછો વળી ગ્યો.
– ઉમેશ જોશી
Permalink
June 1, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
હવે મને
ગુલાબને સ્પર્શવાનું ગમતું નથી…
સ્પર્શું છું તો એની પાંદડીઓ કાંટાની જેમ ભોંકાય છે હથેળી પર
પછી હથેળી પર લોહી જામી ગયું હોય એવું
લાગ્યા કરે છે સતત…
બાલ્કનીના કૂંડામાં ઊગેલાં ગુલાબને જોઈને
ઘણીવાર ઝનૂન સવાર થઈ જાય મનમાં…
પછી જોરથી શ્વાસ ચાલવા માંડે
અને હું
કૂંડામાં ઊગેલાં બધાં જ ગુલાબને એક સામટાં તોડી નાખું
અંદરના રૂમમાં દોડી જઈ અરીસા સામે ઊભી રહું
શ્વાસ ચઢી જાય
પણ
જોરથી ચાલતા શ્વાસનો પડઘો પાડવાનું છાતી ભૂલી ગઈ હોય
એમ
સાવ સીધું સપાટ
એનાં જેવું જ
પ્રતિબિંબ
અરીસો પાડે
અને
હું હાથમાં પકડેલાં બધાં ગુલાબને મુઠ્ઠીમાં ભીંસી નાખું…!!
– એષા દાદાવાળા
એષાની કવિતા કાંટાની જેમ ન ભોંકાય તો જ નવાઈ…
Permalink
May 31, 2011 at 2:52 AM by ધવલ · Filed under અછાંદસ, એરિક ફ્રાઈડ
કોઈક
પથ્થરો પાસે આવ્યું
ને કહ્યું :
માણસ બનો.
પથ્થરોએ
ઉત્તર આપ્યો :
હજી અમે
પૂરતા કઠોર નથી.
– એરિક ફ્રાઈડ
Permalink
May 30, 2011 at 2:04 AM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
અળગા થવાની વાત, મહોબ્બત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.
પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું,
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત.
ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત.
પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.
સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
માણસને આવડી ન હકીકત થવાની વાત.
– હરીન્દ્ર દવે
વાતચીત જેવી જ સરળ ભાષાનો પ્રયોગ ખાસ ધ્યાન ખેંચે છે. સ્વપ્નમાં રહેવા ટેવાઈ ગયેલા માણસને હકીકત સાથે કામ પાર પાડતા અઘરું પડી જાય છે.
Permalink
May 29, 2011 at 12:43 AM by તીર્થેશ · Filed under ગીત
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલ્યમા,
ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.
– હરીન્દ્ર દવે
ગીતની અનુપમ સુંદરતા વિષે કંઈપણ કહેવું તે સૂરજને ટોર્ચ બતાવવા જેવું છે. ‘આંધી’ નું ગુલઝારનું અમર ગીત યાદ આવી જાય છે-‘ તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહિ….રાત કો રોક લો….’. આ ગીત સ્વ.દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં લતા મંગેશકરે ગાયું છે અને એને માણવું હોય તો આ આ શબ્દોનું google search કરવા વિનંતી-
Lata – Ruple Madhi Chhe – Rupale Madhi Chhe Saari Raat – Lata …
Permalink
May 28, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
કોણ કહેશે કે વમળ હોતા નથી
આપણા ચક્ષુ ચપળ હોતા નથી
ક્યાંકથી ઓછી પડે છે સાધના
ક્યાંક સંજોગો સરળ હોતા નથી
આદમી તો સાવ સાચ્ચો હોય છે
…ફક્ત પુરાવા સબળ હોતા નથી
આયનો પણ આભનો પર્યાય છે
આયનાના ક્યાંય તળ હોતા નથી
આંખમાં આંજ્યા પછી નારાજગી
લૂછવા માટેય જળ હોતા નથી
– ચંદ્રેશ મકવાણા
મનુષ્યમાત્રની મર્યાદા આલેખતી મજાની ગઝલ…
Permalink
May 27, 2011 at 12:30 AM by વિવેક · Filed under આશિત હૈદરાબાદી, ગઝલ
જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી
દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી !
સાંધી શકાય કોઈ દી’ સંભવ નથી હવે,
કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !
માણસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,
વરવો હવે છપાય છે છાપામાં આદમી !
કેવા વળાંક જિંદગી લેશે ખબર નથી,
સૂવે છે લઈ અજંપને પડખામાં આદમી !
જાગી જવાય ઊંઘથી તો રાતભર પછી,
વાતો કરે છે ભીંતથી કમરામાં આદમી !
આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,
શેની કરે તલાશ આ છાયામાં આદમી ?
શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,
‘આશિત ‘ મૂંઝાય ‘આ’ અને ‘અથવા’માં આદમી !
– આશિત હૈદરાબાદી
માણસનો અર્થ શોધવા મથતી સેંકડો ગઝલોમાંની એક પણ પોતીકો અવાજ યથાવત જાળવી રાખવામાં કવિ સફળ થયા છે… મત્લાનો શેર તો શિરમોર થયો છે…
Permalink
May 26, 2011 at 3:00 AM by ઊર્મિ · Filed under અનિરુદ્ધસિંહ ગોહિલ, ગઝલ
અન્ય સૌ હ્રસ્વ છે.
પ્રેમ સર્વસ્વ છે.
સાદગી એમનું,
આગવું અસ્ત્ર છે.
ધ્યાનથી વાંચજે,
એમનો પત્ર છે.
બાહ્ય ખેચાંણ તો,
માત્ર અંધત્વ છે.
દેખ કાં શાખને?
મૂળમાં તત્વ છે.
કોણ તું ? કોણ હું ?
એજ તો પ્રશ્ન છે.
– અનિરુદ્ધસિંહ ગોહિલ
(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)
વાંચતાવેંત ગમી જાય એવી ટૂંકી બહેરની ગહન ગઝલ…
Permalink
May 25, 2011 at 11:45 AM by ઊર્મિ · Filed under ગીત, રમેશ પારેખ
મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી,
મારા સપનામાં આવ્યા હરિ.
સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાનાં સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.
આંધણ મેલ્યા મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બહાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.
– રમેશ પારેખ
રમેશ પારેખનાં ઘણા ગમતીલાં ગીતોમાંનું મારું એક ગમતીલું ગીત… થોડા વખતમાં ઓડિયો સાથે જરૂર મૂકીશ.
ફરમાઈશ ઃ તુલસી ઠાકર
Permalink
May 24, 2011 at 9:54 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
હાથ લાંબા કરીને બાહરથી,
આપશે સૌ સહાય આદરથી,
માટે તૂટો તો તૂટજો ઓ મન !
ખૂબ ઊંડેથી, ખૂબ અંદરથી.
– મુકુલ ચોકસી
Permalink
May 22, 2011 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ
જે ક્ષણે
તું મને સ્વીકારતી નથી
એ ક્ષણે
હું પણ મને ક્યાં સ્વીકારું છું ?
અને એ તરછોડાયેલો ‘હું’
સંસારના ગીચ વનમાં
ક્યાં ક્યાં ઉઝરડાતો જાય છે !
– હરીન્દ્ર દવે
Permalink
May 21, 2011 at 12:30 AM by વિવેક · Filed under આશ્લેષ ત્રિવેદી, ગઝલ
ઓઢીને લીલોતરી બેઠા છીએ,
એક ટહુકાને સ્મરી બેઠા છીએ.
ખૂટતા રંગો ભરી દે તું હવે,
સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.
કૈંક વડવાનલ ધખે પેટાળમાં,
બસ, ઉપરથી આછરી બેઠા છીએ.
અંત એનો શું હશે કોને ખબર !
વારતા તો આદરી બેઠા છીએ.
મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ.
– આશ્લેષ ત્રિવેદી
એક મિત્રે પોસ્ટકાર્ડમાં એની ગમતી એક ગઝલ મોકલી… એક તો આ જમાનામાં આપણા સરનામે પોસ્ટકાર્ડ જેવી વસ્તુ આવવી જ દુર્લભ અને આવી મસ્ત ગઝલ મળે અને મિત્રો સાથે ન વહેંચું તો તો એ મોટું પાપ…
Permalink
May 20, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
આ તે કેવું સવાર, જેમાં અંધકાર તે જાગે ?!
આ તે કેવો ઉઘાડ, જેમાં બંધિયાર સૌ લાગે ?!
આટઆટલા રસ્તા તોયે
નથી જવાતું ઘેર;
કેટકેટલું રવડ્યા- રખડ્યા,
તોય ઠેરના ઠેર!
જોઉં જોઉં આ જળ જે મીઠું ખારે દરિયે ભાગે !
વહાલપનાં જે વેણ નીકળ્યાં વજ્જર થૈને વાગે !
કેવી કેવી આશાઓની
પૂરી’તી રંગોળી !
કોનાં પગલાં આડાં ઊતરી
એને રહ્યાં ડખોળી !
આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !
– ચંદ્રકાન્ત શેઠ
કવિ કોઈ જવાબ આપતા નથી પણ ઘેરા ભાવના વિષાદમાં તરબોળ કરી દે છે…
Permalink
May 19, 2011 at 3:29 PM by ઊર્મિ · Filed under પ્રકીર્ણ
પ્રિય પ્રભુ,
સેન્ટ પૅટ્રિક્સનું એક વાક્ય છેઃ
‘પરમાત્મા, મારા પર એવી કૃપા કરો,
કે આજના દિવસે જે કોઈ
મારા સંપર્કમાં આવે તે એને કારણે
જરાક વધારે સુખી બનીને જાય.’
આ વિધાન તમને પણ લાગુ પડી શકે છે.
બોલો,
મળવા આવો છો ને ?
લિ.
રાહ જોવામાં વ્યસ્ત……
-અંકિત ત્રિવેદી
Permalink
May 17, 2011 at 8:41 PM by ધવલ · Filed under રઈશ મનીયાર
ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.
– રઈશ મનીઆર
Permalink
May 16, 2011 at 9:37 PM by ધવલ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી
ક્યા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.
એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
‘લાઈટ’ જતી રહી હોય એ મોકાનો લાભ લઈને દીવાસળી મીણબત્તીને ચુંબન કરે – એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! વળી, ચુંબન પછી – એક નિશ્વાસ (હવે બળવાનો વખત આવ્યો !)…એક શ્વાસ (હવે જ મીણબત્તીનું ખરું ‘જીવન’ આરંભાય છે !) … અને છેલ્લે ઉજાસ !
અમારા અમેરિકામાં તો આ મૂઈ લાઈટ પણ કદી જતી નથી, એનું શું કરવું ? 🙁
Permalink
May 15, 2011 at 2:00 AM by તીર્થેશ · Filed under ગીત
પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
અને આંસુડે વાવે છે અમરવેલ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
– મકરંદ દવે.
હિંમત અને શ્રદ્ધા- આ બે હલેસાં ભવપાર લઈ જવા પૂરતાં છે. મુખ્ય અવરોધ બુદ્ધિનો છે.
Permalink
May 14, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.
– જાતુષ જોશી
મહાકવિ વેદ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર એ વેદાંતનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથના પહેલા અધ્યાયના પહેલા પદની પહેલી કડીમાં ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ કહેવાયું છે. અર્થાત્ હવે અહીંથી બ્રહ્મ વિષયક વિચારણાનો આરંભ થાય છે અથવા હું જે આ ગ્રંથ લખું છું તે બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે.
કવિ બ્રહ્મની તલાશ હાથમાં ગઝલ લઈને આદરે છે. માશુક-માશુકા અને સાકી-શરાબના સીમાડાઓ વળોટીને ગઝલ કેટલી આગળ વધી ગઈ છે !
Permalink
May 13, 2011 at 12:30 AM by વિવેક · Filed under ચંદ્રેશ ઠાકોર, હાઈકુ
ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
રૂ હથોડીએ.
– ચંદ્રેશ ઠાકોર
હાઈકુના સત્તર અક્ષર ભલભલા ચમરબંધના પાણી ઉતારી નાંખે છે. મિશિગનના ચંદ્રેશ ઠાકોરે એમના મિત્રની બોટમાં સરોવરની સફર કરાવતા કરાવતા આ હાઈકુ સંભળાવ્યું અને તરત જ મોબાઇલમાં સાચવી લેવું પડ્યું… ઘાટ તો હથોડીથી જ ઘડાય પણ અહીં જે ચમત્કૃતિ છે એ હેતની હથોડીથી ઘાટ ઘડાવાની છે અને કાવ્ય ચરમસીમાએ પહોંચે છે એ હથોડીના રૂના હોવાની વાતથી… હેતની હથોડી તો રૂ જેવી જ હોય ને!!
Permalink
May 12, 2011 at 3:30 PM by વિવેક · Filed under ગીત, સોનલ પરીખ
જળના વિચાર આજ ગમતા નથી
કે નથી ગમતી કોઈ વાદળની વાતો
રેતીની, તરસ્યુંની ઝાળઝાળ વાતોના
શબ્દો પર છાંટા બે છાંટો
ઝાંઝવા ને રણ વચ્ચે કયા ભવની પ્રીત્યું
કે એકમેક સાથે બેઉ જીવે
ચિરાતા હોઠની સૂકી ખારાશ પછી
ઝગમગતા મૃગજળથી સીવે
ફૂલોના, ખુશબોના, વૃક્ષોનાં નામે અહીં
થોરિયાનો છમ્મલીલો કાંટો
નદીયુંના જળ તો ગ્યાં બીજી પા
વળ્યો અહીં તળિયાની વેળુનો ફાંટો
દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફાટો
લોહીના, સપનાના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.
– સોનલ પરીખ
ગણગણ્યા વિના વાંચી ન શકાય એવું રમતીલું ગીત અને વાંચતા-વાંચતા કંઠે શોષ પડે એટલે સાચી તરસની ઓળખાણ પણ મળી રહે…
Permalink
May 10, 2011 at 8:45 PM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત શેઠ
કક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો ?
ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણ તેથી ટ્રાફિક જામ થવાના ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ !
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદયે
કાપડની મિલના ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં.
તેઓ તો ઈચ્છે છે :
આ ભાષાને ચોળીચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા મારતી જોવાને !
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી !
કંઈક એવું ઘુસાડ્યું બખડજંતર એના દિમાગમાં,
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવનના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.
– ચંદ્રકાંત શેઠ
કવિતા વાંચીને ગરમ થવાની જરૂર નથી, નરમ થવાની જરૂર છે.
ભાષાએ સુંદર વસ્ત્રપરિધાન કરીને બેઠેલી સ્પર્શથી પર એવી સુંદરી નથી. એતો છોકરાને કેડ પર બાંધીને સતત કાર્યરત એવી પ્રસ્વેદવદન તેજસ્વી નારી છે.
ભાષા આપણી મા છે. અને માને ખૂણામાં બેસી રહેવાનું પાલવે નહીં.
ઘણા લોકોને એવો ભ્રમ માફક આવી ગયો છે કે લેખકો લખે એ જ ખરી ભાષા છે. ખરી ભાષા તો એ છે જે લોકોની જીભ પર જીવે છે. લેખકો (ને કવિઓ)ની કલમ તો માત્ર એ જીભનું સાચું અનુકરણ પણ કરી શકે તો કૃતાર્થ ગણાય.
ભાષાના પગલાં કુમકુમવરણા ન હોય, એ તો ધૂળિયા જ શોભે. એમાં જ એની સચ્ચાઈ છે. એમાં જ એનું ગૌરવ છે.
Permalink
May 9, 2011 at 8:44 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
તું બાગમાં આવી :
ફૂલો ખીલેલા હતાં;
હું બાગમાં આવ્યો :
ફૂલો ખીલેલા જ હતાં !
તું બાગમાંથી ગઈ :
ફૂલો ખીલેલાં હતાં;
હું બાગમાં જ મરી ગયો :
ફૂલો ખીલેલા જ હતાં ?
– ગુરુનાથ સામંત
(અનુવાદ : જયા મહેતા)
કવિ છેલ્લી લીટીમાં સવાલ કરે છે એ માત્ર નામનો જ છે. બાકી એનો જવાબ તો આપણે જાણીએ જ છીએ : કોઈના હોવા કે ન હોવાથી બાગને કાંઈ ફરક પડતો નથી.
Permalink
May 8, 2011 at 2:00 AM by તીર્થેશ · Filed under લાભશંકર ઠાકર, સોનેટ
કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી !
ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ
બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો
કૂંડા મહીં છલકાતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર !
એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો
ઊંચા કરેલ કરથી જલ,ભાવભીનાં
નેત્રો ઢળ્યાં મધુર,ભાલ વિષે સુગૌર
સૌભાગ્યચંદ્ર ઝલકે,તરબોળ ભીનું
આખુંય દ્રશ્ય નીતરે તડકો
અચાનક
ઊડી ગયું ક્યહીંક દૈયડ દ્રશ્યને લૈ
પાંખો મહીં.
નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે.
– લાભશંકર ઠાકર
એક classical કાવ્ય !
Permalink
May 7, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગીત, યોગેશ જોષી
આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !
હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…
આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…
લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક
આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…
– યોગેશ જોષી
ષોડષીના મનોભાવનું સાંગોપાંગ વર્ણન… આ કવિતા ગાઈએ (હા, ગાઈએ) તો રોમે રોમે પ્રકાશ થતો ન અનુભવાય !
Permalink
May 6, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ધીરેન્દ્ર મહેતા
ડૂબી રહી છે સાંજ
જોઈ રહ્યું છે સ્તબ્ધ એકાકી ગગન
પાસે હવા ઊભી રહી થઈ મૂઢ
થંભી ગયાં છે સાવ સરિતાજળ
નિષ્કમ્પ સઘળાં વૃક્ષની
સૂની બધીયે ડાળ પર
પર્ણો મહીં
છે ક્યાંય પંખીના ઝૂલ્યાનો સ્હેજ પણ
આભાસ ?
કાંઈ અહીં સહસા નહીં
હળવેક હળવે
હોલવાતાં જાય દૃશ્યો
કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.
– ધીરેન્દ્ર મહેતા
ઢળતી સાંજની કેવી સુંદર કલ્પના ! અજવાળામાંથી જેમ જેમ અંધારામાં સરી પડઈએ એમ-એમ આકારો મટતા જાય… બધું એક-બીજામાં ઓગળતું જાય… અંધારું બધું જ હોલવી નાંખે છે… આ કલ્પના ખાલી ઢળતી સાંજની જ છે કે પછી કાળ યાને મૃત્યુની ?!
Permalink
May 5, 2011 at 4:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, પ્રવિણ શાહ
રાતભર એની જ ચિંતામાં રહ્યો
ને દિવસભર એ જ ચર્ચામાં રહ્યો
આપવાની વાત આવી દિલ તને
એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો
કાફલા સૌ નીકળી આગળ ગયા
એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો
ટોચ પર જઇને ધજા પણ ફરફરે
ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.
મોકળાશ તો બહુ હતી હર શેરમાં
થૈ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો
-પ્રવિણ શાહ
થોડા દિવસ પહેલા પ્રવિણભાઈની આ ગઝલ વાંચી, વાંચતાવેંત ગમી ગઈ અને આ અહીં આપ સૌને માટે મૂકી દીધી… આખી ગઝલ ખૂબ જ સુંદર થઈ છે, પણ મને મક્તાનો શેર જરા વધુ ગમી ગયો. ‘ગુર્જર કાવ્યધારા‘ બ્લોગ ચલાવતા પ્રવિણભાઈ અન્યોની ગઝલો પોસ્ટ કરતા કરતા હવે પોતે પણ ગઝલ લખતા થઈ ગયા છે… પ્રવિણભાઈને શુભેચ્છાઓ.
Permalink
May 4, 2011 at 9:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
જે વૃક્ષ તળે
આપણે એકમેકને મળતાં હતાં
એ વૃક્ષને
એક કઠિયારો કાપી ગયો.
-સુરેશ દલાલ
વેદનાને તો વહેંચી શકાય, પરંતુ વિચ્છેદને ?
Permalink
May 3, 2011 at 10:16 PM by ધવલ · Filed under ગઝલ, શ્યામ સાધુ
પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,
ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો.
હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ
‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો.
પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,
કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો.
-વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.
છે ચેતના થકી જ ન હોવાની લાગણી,
લાગે છે : ખુલ્લી આંખ તણાં છળ મહીં હતો.
– શ્યામ સાધુ
આજે આ અર્થવિભાવનાના ‘રોલર-કોસ્ટર’ સમાન ગઝલ માણો. એકે એક શેર મનનીય થયા છે.
Permalink
May 2, 2011 at 9:06 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ભીન્ન ભીન્ન બાગોમાં ઘૂમતો ફરું છું હું
હોય એ કળી કે ગુલ – ચૂમતો ફરું છું હું
મૃત્યુ કેરી ખીંટી પર જિન્દગીને ટિંગાવી
કોઈ પ્યારી મસ્તીમાં ઝૂમતો ફરું છું હું
– શેખાદમ આબુવાલા
Permalink
May 1, 2011 at 12:00 AM by તીર્થેશ · Filed under ઊજમશી પરમાર, ગીત
વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,
આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;
દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી!
ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.
અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,
ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;
લખત કરી સાચકલી સમજણ,ભલે કહો વરણાગી.
– ઊજમશી પરમાર.
અભિવ્યક્તિ નું નાવીન્ય આ ખાસ્સા એવા ખેડાઈ ગયેલા આ વિષયને એક નવી જ તાજગી આપે છે.
Permalink
April 30, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જયન્ત પાઠક
કોઈને ના આપવું, લેવું નહીં,
મારે નામ દાન કે દેવું નહીં.
મૌન મારું – શાપ કહો વરદાન કહો,
એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં.
છું સરોવર – બંધિયાર ભલે રહ્યો,
લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં.
એવું તો ક્યાંથી બને આ લોકમાં,
ચાહવું ને દર્દને સ્હેવું નહીં !!
મૃત્યુથી યે આ અનુભવ આકરો,
જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં.
– જયન્ત પાઠક
ઉત્તમ કહી શકાય એવા પાંચ શેર… ઊર્મિકાવ્યો, સૉનેટ અને ગીતનો કવિ ગઝલ ખેડે ત્યારે છંદ તરફ દુરાગ્રહી નજરે ન જોઈએ તો આવી શેરિયતભરી કવિતા જન્મે જે નખશીખ ગઝલકારોને પણ જવલ્લે જ હાંસલ હોય છે !
Permalink
April 29, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનોહર ત્રિવેદી
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું –
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું
સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું
પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું
-મનોહર ત્રિવેદી
વહાલસોયી દીકરી સાસરે જાય એટલે પિયરની તો જાણે કે બધી ખુશી જ ઊડી જાય… માત્ર સંભારણાં જ રહી જાય, બસ!
Permalink
April 27, 2011 at 9:00 PM by ઊર્મિ · Filed under મુક્તક, રમેશ પારેખ
ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે,
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે;
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને,
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે.
– રમેશ પારેખ
ર.પા.નું આ મુક્તક વાંચીને મને રઈશભાઈની ગઝલ યાદ આવી ગઈ… કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે.
Permalink
April 26, 2011 at 8:41 PM by ધવલ · Filed under અછાંદસ, કિશોર શાહ, હાઈકુ
ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું
– અનામી
*
છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.
– અનામી
*
કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…
– મિત્સુહિરો
આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.
Permalink
April 25, 2011 at 1:54 PM by ધવલ · Filed under ગીત, પ્રભુલાલ દ્વિવેદી
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.
આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.
– પ્રભુલાલ દ્વિવેદી
ગુજરાતી રંગભૂમિનું યાદગાર ગીત. શબ્દોમાં લોકગીત જેટલી મીઠાશ અને સાદગી છે. સાંભળવું હોય તો માવજીભાઈની પરબે એનું વિંટેજ રેકોર્ડિંગ પણ તૈયાર છે.
Permalink
April 25, 2011 at 9:50 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
બે પાક્કા હુરતીઓ રઈશ મનીઆર અને વિવેક ટેલર તથા એક અમેરિકન હુરતી મોના નાયક અમેરિકાના ચારેય ખૂણા ધમરોળવા આવી રહ્યા છે… શું આપ ગુજરાતી છો ? શું આપને આપની ભાષા માટે પ્રેમ છે ? તો, આ કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે… અમે આપની અને આપના મિત્રોની રાહ જોઈશું…
ડેટ્રોઇટ
01/05 (રવિવાર): સાંજે ચાર વાગ્યે
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]
*
શિકાગો
07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]
*
ન્યુ જર્સી
14/05 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]
*
સાન ફ્રાંસિસ્કો
21/05 (શનિવાર): સાંજે 5.30 વાગ્યે
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે. Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]
*
લોસ એન્જેલિસ
22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)
Permalink
April 24, 2011 at 3:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
સભાનતાની ક્ષિતિજોમાં…. વેદના ન રહી
હવે તો વાત રહી ગઈ છે વારતા ન રહી
નિકટ થવાનું રહ્યું નહિ કે દૂરતા ન રહી
તને મળ્યા પછી તો કોઈ શક્યતા ન રહી
બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી
અજાણ્યો સ્પર્શ વિખૂટો પડી જીવી ન શક્યો
નગરથી દૂર જઈને હવા, હવા ન રહી
રહી રહીને વિખરાઈ ગઈ તમામ ક્ષણો
નિરાંત થઈ કે સમયની કોઈ સભા ન રહી
વિચારતો જ રહ્યો તારી વાતનો વિસ્તાર
હું મારું નામ લખું એટલી જગા ન રહી
– જવાહર બક્ષી
સરળ લાગતા એક-એક શેર છેતરામણા છે…ભારોભાર ઊંડાણ છે.
Permalink
April 23, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
પંખીઓના ટોળામાં ભળીએ હવે
કેમ ઓળખશે પછી પિંકી દવે !
એક પડછાયો પડ્યો ધરતી ઉપર
ને ચડી શકતો નથી તે ઝાડવે !
ને નદી આવીને ખળખળતી મળે
તોય દરિયો એની સામે ઘૂઘવે !
એક જણનું મૌન આખા ગામને
કોઈ અઘરા કાવ્ય માફક મૂંઝવે !
એક પલ્લામાં મૂક્યાં છે શ્રી ગણેશ
તારી વીંટી મૂકી સામા ત્રાજવે !
– ભરત વિંઝુડા
પડકારરૂપ કાફિયાના પોતે વણાયેલી એક મદમસ્ત હમરદીફ-હમકાફિયા ગઝલ ! ત્રાજવાંમાં તોલવાનું પ્રતીક આપણે ત્યાં જાણીતું છે. શિબિ રાજા એક હોલાને બાજથી બચાવવા માટે પોતાનું માંસ કાપી-કાપીને ત્રાજવે મૂકે છે… કૃષ્ણને તુલસીપત્રથી તોલવાની વાત પણ જાણીતી છે… ભરત વિંઝુડા પણ પ્રેમને ઈશ્વરથી ઊંચો સ્થાપિત કરે છે…
Permalink
April 22, 2011 at 1:55 AM by વિવેક · Filed under ગઝલ, વિહંગ વ્યાસ
આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,
છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ!
કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.
આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.
ક્યાં ગયા સારા નઠારા આજ એ સઘળા પ્રસંગ,
કૈં નથી જે જોઉ છું તે એક અફવાથી વિશેષ.
એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.
-વિહંગ વ્યાસ
શીઘ્ર પ્રત્યાયનક્ષમતાવાળી મજાની ગઝલ…
Permalink
April 21, 2011 at 8:36 PM by ધવલ · Filed under કૈલાસ પંડિત, તઝમીન, નિર્મિશ ઠાકર
(મૂળ શે’ર)
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો
– કૈલાસ પંડિત
કવિનું આત્મચિંતન
શબ્દ હવાડે તરવા લાગ્યો
અર્થ બચારો મરવા લાગ્યો
કાવ્ય છતાં હું કરવા લાગ્યો
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો
* * *
(મૂળ શે’ર)
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો
– કૈલાસ પંડિત
ભયંકર કાવ્યપઠનની ક્ષણોમાં…
જીવતો એકેય શ્રોતા શોધતાં મળશે અહીં ?
આ કવિની થઈ કૃપા તો લાશ કૈં ઢળશે અહીં
“લાગ છે !” કહી કૈં કવિઓ આવીને ભળશે અહીં
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો
* * *
(મૂળ શે’ર)
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં
– કૈલાસ પંડિત
લેખક દ્વારા વિવેચકને માન (?)
ખાલી ગણે છે એ મને, જોકે ભર્યો છું હું
એનાં વમળથી હું ડરું ? સામો તર્યો છું હું
એ પાનખરના યત્નથી ક્યારે ખર્યો છું હું
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં
– નિર્મિશ ઠાકર
મૂળ શે’રની આગળ ત્રણ પંક્તિ ઉમેરીને એના અર્થમાં આબાદ ‘ઉમેરો’ કર્યો છે. બધા તઝમીનમાં કવિએ પોતાના ‘જાતભાઈઓ’ (એટલે કે કવિઓ)ની જ ફીરકી ઉતારી છે. પોતાના પર હસી શકવું એ સૌથી અઘરું હાસ્ય છે.
Permalink
April 19, 2011 at 10:57 PM by ધવલ · Filed under ગીત, નર્મદ
નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…
એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…
મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…
મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…
– નર્મદ
દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું ! ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.
Permalink
April 18, 2011 at 10:29 PM by ધવલ · Filed under ગઝલ, હરજીવન દાફડા
ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.
ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.
નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.
છુપાવી ના શક્યા કોઈ રીતે વિક્લાંગ માનસને,
અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા.
– હરજીવન દાફડા
પહેલો શેર મારો પ્રિય છે. આખી ગઝલ હાથ લાગી એટલે તરત આ ગમતનો ગુલાલ !
Permalink
April 17, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રઘુવીર ચોધરી
હું હજી મધદરિયે ગયો નથી.
મારો તો તટવાસી સ્વભાવ
કદીયે ઊંડો ઊતર્યો નથી,
અને તેથી
આખા દરિયાનો ભાર
મેં હજી ઝીલ્યો નથી.
તર્કનાં લંગર નાખીને
હજાર વાર ચીપકી રહ્યો છું
અ-ગતિને.
વિષાદને વચગાળો માનીને
સહેલાઈથી સુખી રહ્યો છું.
અનાગતને ભાવી કમાણી માની
કરજ વધારી આંનદનું
વિષાદના સાતત્યની આડે આવું છું
અને ગાવા લાગું છું ગીત
ગાગરમાં સાગરનું.
– રઘુવીર ચૌધરી
તટસ્થ આત્મનિરીક્ષણ !
Permalink
April 16, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ઘનશ્યામ ત્રિવેદી
શક્યતાઓ આટલી બસ એમ સરજાતી રહે,
હું જરા કોશિશ કરું ને તુંય સમજાતી રહે.
આંગણાનાં સોળ ચોમાસાં વળી પાવન બને,
મેઘલી મોસમ મહીં તું સ્હેજ શરમાતી રહે.
ઝરમરે આ ચાંદની કે તું ઝરે છે, શું ખબર ?
આગિયાની ટોળકીમાં અટકળો થાતી રહે.
વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને,
ભાવના- સંભાવનામાં જાત અટવાતી રહે.
ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.
– ઘનશ્યામ ત્રિવેદી
અપેક્ષાની બાદબાકી એ જ સાચો પ્રેમ… અને એ જ ખરી ગઝલ !
(થોડા દિવસો પહેલાં ભાવનગરની શુશુવિહાર સંસ્થાની વાત કરી. એ સંસ્થાના નીરક્ષીર સંગ્રહમાંથી આ ગઝલ)
Permalink
April 15, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
રે નયણાં !
મત વરસો,મત વરસો :
રે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.
આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.
મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મારશો.
રે નયણાં ! મત વરસો,મત વરસો.
કોઈ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.
– વેણીભાઈ પુરોહિત
આ કવિના કાવ્યમાં હંમેશ એક અજબની મીઠાશ ભરી હોય છે. ‘તારી આંખનો અફીણી….’થી ગુજરાતીઓના હૈયે વસેલાં વેણીભાઈ સાદા શબ્દો પાસેથી જે અદભૂત કામ લે છે તે કળા ગુજરાતીમાં મરીઝ અને ગનીચાચા જેવા અમુક જ સિદ્ધહસ્ત શાયરો હસ્તગત કરી શક્યા છે.
*
( આ કવિતા વાંચીએ અને એમની જ ‘નયણાં’ કવિતા અને સુરેશ જોષીએ એ કવિતાનો કરાવેલો અદભુત રસાસ્વાદ યાદ ન આવે એવું બને ?)
Permalink
April 14, 2011 at 10:10 PM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
વાતમાં ડૂબી ગયા છે માણસો,
કામમાં બહુ કામમાં છે માણસો.
એ મળે તો આમ, નહિ તો ના મળે,
ફોનના નંબર સમા છે માણસો.
એક જે કહેવાય એવા એક મા,
એટલા જોવા મળ્યા છે માણસો.
ફૂલ કાગળના થયા તો શું થયું,
માણસો યે ક્યાં રહ્યા છે માણસો.
ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
ભીંતથી આગળ વધ્યા છે માણસો.
ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
કોઈને લઈ નીકળ્યા છે માણસો.
– કૈલાસ પંડિત
ફોનના નંબર સમા માણસ- ની વાતમાં મને તો સાચે જ મજા આવી ગઈ. ફોનની જેમ જ signal full હોય તો connection તરત મળી જાય, પણ ક્યારેક connection મળે તો યે કાં તો call-waiting પર ring જ વાગ્યા કરે અથવા તો answering machine પર ચાલી જાય અથવા તો પછી signal busy જ આવ્યા કરે… શું થાય, કામમાં બહુ કામમાં છે માણસો… 🙂
Permalink
April 13, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under મુક્તક, વેણીભાઈ પુરોહિત
ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને
હું જ મારૂં છું રુદન ને હું જ મુજ રણહાક છું !
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !
– વેણીભાઈ પુરોહિત
Permalink
Page 74 of 118« First«...737475...»Last »