હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી,
જીવનના પાલવે બંધાઈને જાણે કઝા આવી !
– ‘ગની’ દહીંવાલા

એટલે નિરાંત – ગની દહીંવાળા

એક નામ અલ્લા કહી, એક નામ મારું ય આજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.
આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત.

એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતા અમથી લંબાઈ ગઈ વારતા !
ગેબી કો’ ગાયકના કંઠથી અગનઝરતી ડાયરામાં ફૂલકણી ફોડી દઉં… એટલે નિરાંત.

જીવતરના કીડિયારે કણકણમાં ઝેર કોઈ છાંટવા મથે ને કોઈ છાંડવા !
જોણું આ અચરજથી જોતાં હો એવાની શબ્દોના સથવારે ભ્રમણા જ તોડી દઉં… એટલે નિરાંત.

ભર ભર બપોરનું તે જડબું ઉઘાડું ને રોજની સવાર થતી સ્વાહા
દૂર દૂર સળગે છે સાંજનો મહેલ એના આંગણે મલ્હાર રાગ ખોડી દઉં… એટલે નિરાંત.

સૂરજની પાઘડીનો વળ કોણ જાણે ક્યારે છેડો આવે ને ક્યારે નીકળે ?
ધરતીની ઓઢણીને લીલેરી કોર હવે દશ દિશથી લાવીને ચોઢી દઉં… એટલે નિરાંત.

-ગની દહીંવાળા

ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન, દો આરઝૂમેં કટ ગયે દો ઇન્તઝારમેં…….. વહેવારુ જીવન ક્યારે આપણને સમૂળગા અને સંપૂર્ણ લપેટી લે છે તેનો કદી ખ્યાલ સુદ્ધાં નથી આવતો. બપોર સવારને અને સાંજ બપોરને ભરખતી રહે છે. સૂરજની પાઘડીના વળનો છેડો ઓડિસિયસની પત્નીની શાલ જેવો છે-દિવસે ગૂંથાય અને રાત્રે ઉખળે….. નિરાંત ઝાંઝવું જ બની રહે છે.

9 Comments »

  1. pragnaju said,

    September 19, 2010 @ 6:47 AM

    સૂરજની પાઘડીનો વળ કોણ જાણે ક્યારે
    છેડો આવે ને ક્યારે નીકળે ?
    ધરતીની ઓઢણીને લીલેરી કોર હવે
    દશ દિશથી લાવીને ચોઢી દઉં… એટલે નિરાંત.
    ખૂબ સુંદર
    ઍટલે નિરાંતનો કકળાટ બે વાતો યાદ આવી
    રશિયન લેખક ફયોદોર દોસ્તોયેવસ્કીની નવલકથાનો નાયક પ્રિન્સ મિશ્કીન આમ તો ઇડિયટ, મૂરખ છે, પણ એ પાત્ર દ્વારા લેખકનો પ્રયાસ ‘નિતાંતપણે સારો માણસ’ કેવો હોય અથવા તો ‘જિસસ એક સામાન્ય માનવીના રૂપમાં’ કેવા હોઈ શકે એ દર્શાવવાનો છે. વાર્તા અત્યંત કરુણ છે. માત્ર ગંભીર, ચિંતનાત્મક લખાણોના પ્રેમીને જ ગમે તેવી નવલકથા.એમ તો આવા વાચકો માટે, દોસ્તોયેવસ્કીની જ નવલકથા ‘કારામાઝોવ બ્રધર્સ’ પણ સૂચવી શકાય. એ નવલકથામાં કારામાઝોવ બંધુઓમાંનો સૌથી નાનો ભાઈ અલ્યોશા પણ કકળાટમુકત કેરેકટર છે. એના મન-હૃદયમાં પ્રેમ-કરુણા છલોછલ ભર્યા છે. એની સૌથી મોટી ખૂબી એ છે કે એ જગતની કોઈ પણ વ્યકિત માટે જજમેન્ટ નથી બાંધતો.
    હોલીવૂડના ટોચના અભિનેતા ટોમ હેન્કસને શીર્ષક ભૂમિકામાં ચમકાવતી આ એક ‘ફિલ ગુડ’ ફિલ્મ છે. તેનો નાયક ફોરેસ્ટ ગમ્પ આમ તો મંદ બુદ્ધિનો માણસ છે. પણ તેના મગજમાં કકળાટનો ક પણ પ્રવેશી નથી શકતો. એના જીવનમાં ભલભલી મુશ્કેલી આવે છે, પણ એ પોતાની ધૂનમાં, મસ્તીમાં ડૂબેલો રહે છે.એની સ્વસ્થતા જોઈને સવાલ થઈ શકે કે ખરેખર મંદ બુદ્ધિનું કોણ છે? ફોરેસ્ટ ગમ્પ કે આપણા જેવા લોકો, જે આમ તો ડાહ્યા ગણાય છે પણ વાતે વાતે દુ:ખી થયા કરે છે? ફિલ્મની ડીવીડી આસાનીથી મળી શકશે. દિવાળીની રજાઓમાં જોવા જેવી ફિલ્મ છે.

  2. Ramesh Patel said,

    September 19, 2010 @ 7:48 PM

    ડૉશ્રી ચંદ્રવદનભાઈ શરીરશાસ્ત્રને આટલું સહજ રીતે હાથવગું કરવાના આપના સ્તુત્ય
    પુરૂષાર્થ માટે ખૂબ જ અભિનંદન. આદરણીય પ્રજ્ઞાનજુબેન કૉઈ થીસીસ લખે તો
    ચોક્સ ડોક્ટરેટ મેળવી જાય. દરેક ક્ષેત્રે નિપુણતા…ભર્યા પ્રતિભાવ.
    સુખદ આશ્ચર્ય તમારી લેખન અને ચીંતન શક્તિ માટે થાય છે..અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  3. કિરણસિંહ ચૌહાણ said,

    September 20, 2010 @ 9:40 AM

    ગનીચાચાની સદાબહાર રચના.

  4. dhrutimodi said,

    September 20, 2010 @ 2:28 PM

    ગમી જાય ઍવું ગીત. જીવનની સુંદર ફીલસૂફી. સાચી રીતે જીવવા માંગતા સાચા હ્દયની સુંદર જુબાં.

  5. વિવેક said,

    September 21, 2010 @ 12:42 AM

    સુંદર રચના… ઑડિસ્યસનું હલેસું જાણીતું છે પણ એની પત્નીની દિવસે ગૂંથાય અને રાત્રે ઉખડે એ શાલની વાત આજે જ જાણી….

    આપણો માણેકશાબાવો અને મહેમદાબાદ શહેરનો કોટ પણ એ સંદર્ભે જાણીતા છે:

    આ મન છે કે માણેકશાની ચટાઈ?

    બને દહાડે, રાતે ઉખડતું રહે છે…

  6. Gunvant Thakkar said,

    September 21, 2010 @ 1:36 AM

    ગનીચાચાની આ ખુબજ સુંદર રચનાને અત્યત ભાવવાહી સ્વરૂપે સુરતના સુગમ સંગીતના કલાકારોપાસે વરસો પહેલા સાંભળી હતી એ યાદ આવે છે

  7. pragnaju said,

    September 21, 2010 @ 7:27 AM

    “ઓડિસિયસની પત્નીની શાલ જે…” ની હ્રુદયસ્પર્શી વાત
    ઓડિસિયસની પત્ની ભારતીય સ્ત્રી જેવી છે. બાવીસ વર્ષ થઈ ગયા પતિ નથી આવ્યો પણ બીજા કોઈને પરણતી નથી. કોઈ પૂછે તો કહે કે હું મારા સસરાનું કફન ગૂંથું છું પૂરું થઈ જશે ત્યારે પરણીશ. એ દિવસે કફન ગૂંથે અને રાત્રે ખોલી કાઢે. યુદ્ધ સમયમાં ઘણી સ્ત્રીઓ ગૂંથવાનું કામ કરતી. કેવું સુંદર દ્રશ્ય હોમર મૂકી આપે છે ! ઓડિસિયસ ઈથાકા-ગામ આવે છે ત્યારે એના ઘા સાફ કરનારી નર્સ એને ઓળખી જાય છે કે આ ‘ઓડિસિયસ’ છે ! પણ એ પોતાની ઓળખાણની વાત બીજાને કહેવાની ના પાડે છે. છેલ્લે જે કટોકટીનું દ્રશ્ય છે એમાં આસપાસના લોકોને કેવી રીતે દૂર કરવા અને પોતાની ઓળખાણ કેવી રીતે આપવી એની વાત છે. છેવટે ઓડિસિયસનું ધનુષ્ય લાવીને મૂકવામાં આવે છે. જનકની ધનુષ્યની પ્રતિજ્ઞાની જેમ ત્યાં પણ એક પ્રતિજ્ઞા છે કે જે એ ચઢાવશે એની સાથે પેલી સ્ત્રી પરણે. ઓડિસિયસ પોતાના હાથમાં તેને લે છે અને ચઢાવીને બધા જ સ્પર્ધકોનો વધ કરી નાખે છે. હવે એ એની પત્ની પાસે જાય છે. પત્ની ઓળખવાની ના પાડે છે. તો હવે ઓળખાણ કેવી રીતે આપવી ?’
    મહાકાવ્યના અંતભાગની સમજૂતિ આપતાં ભોળાભાઈએ કહ્યું કે : ‘પેલી સ્ત્રી દાસીને આજ્ઞા કરે છે કે અજાણ્યા અતિથિને અહીં નહીં સુવાડીએ. પત્નીએ એની સાથે સૂવાની સાફ ના પાડી. એની માટે પલંગ બહાર બીજા ખંડમાં મૂકવાનું કહ્યું. ઓડિસિયસ ગર્જના કરે છે. એ કેવી રીતે બની શકે ? ઓડિસિયસ કહે છે કે આ પલંગમાં એક પાયો તો જીવતા ઓલિવ ઝાડનો છે. બાકીના ત્રણ પાયા સુવર્ણના છે અને તે સોનાથી જડેલું છે. આ રહસ્ય તો પતિ-પત્ની જ જાણતા હતા ! એનાથી ઓળખાણનું આ બીજું દ્રશ્ય આવ્યું.

    એ પછી પતિ-પત્નીનું સુંદર મિલન થાય છે

  8. anami said,

    September 21, 2010 @ 8:54 AM

    ઓડિસિયસની વધુ માહિતી નીચેની લીંક પરથી મળી રહેશે .

    http://www.readgujarati.com/sahitya/?p=3726

  9. ધવલ said,

    September 22, 2010 @ 4:30 PM

    સરસ !

    નિરાંત … ગનીચાચાએ કદાચ આ ગીત પરથી એમના સંગ્રહનું નામ કરેલું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment