હેમન્ત દેસાઇ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 1, 2010 at 8:48 PM by ઊર્મિ · Filed under ગીત, હેમન્ત દેસાઇ
આજ મન મોરલીમાં માઢ નહીં છેડું;
. હાં જોઉં હવે
કહાન મને મથુરાથી મોકલે છે તેડું?
ઢોલ ચંગ વાગે છે પગલાંમાં પ્રીતમના
. જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
શરમાતી પૂનમને સહિયર! મેં સાચવી છે
. અત્તરિયા અંતરમાં પૂરી;
આભ મહીં ઊગ્યા વૈશાખને હું વેડું;
કે કહાન મને મથુરાથી મોકલે છે તેડું!
ગીત મહીં ઘૂટું કદંબને, આ કલકલતી
. કુંજોને આંખડિયે આંજું,
પગદંડી કમખામાં બાંધું ને વનરાવન
. ઓઢી લઈ ઘૂંઘટમાં લાજું;
ઘાટે અધરાતના હું અજવાળું બેડું!
હાં કહાન મને મથુરાથી મોકલે તેડું!
-હેમંત દેસાઈ
માઢ = રાગ
Permalink
August 18, 2009 at 10:15 PM by ધવલ · Filed under ગઝલ, હેમન્ત દેસાઇ
પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.
ચડતા શીખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે,
મચ્યા રહ્યાનું લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.
ઈટ્ટાકિટ્ટા કર્યે જવાનાં, ખર્યે જવાનાં ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું- માણસ હોવું.
ચરણ રુકે ત્યાં સ્વાગત ઝીલતાં દુનિયામાં ફૂલ્યાં ફરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.
મહામોલનાં શિર દઇ દેતાં હસતાં હસતાં ક્ષણમાં તેને
સસ્તાં સસ્તાં જીવનનું અભિમાન હોવું – માણસ હોવું.
સમજણની સિધ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરધાર નાદાન હોવું – માણસ હોવું.
ખૂબીખામીના જુદા તોલથી સ્વજનપરાયાં જોખ્યાં કરવાં,
ઢળ્યાં અહીં કે તહીં, બધે વેરાન હોવું – માણસ હોવું.
હારજીતના ભેદ ભુલાવે એવા યુધ્ધે હોમાયાંનું,
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું- માણસ હોવું.
– હેમંત દેસાઈ
માણસ હોવું એ વિરોધાભાસી ઘટનાને અલગ અલગ ખૂણેથી ચકાસતી ગઝલ. વાંચો તો તરત નયનભાઈની માણસ ઉર્ફે ગઝલ યાદ આવે. (એ તો જોકે વધારે અમૂર્ત ગઝલ છે.) બે-ત્રણ વાર વાંચો પછી જ આ ગઝલ વધારે ખૂલે છે અને પછી કવિની બારીક અવલોકનશક્તિને સલામ કરવાનું મન થઈ જાય છે !
પડ્યા પછી ઊભા થવાનું જ્ઞાન જ માણસને માણસ બનાવે છે. પણ એ સાથે જ માણસને (લોટાની જેમ) ગમે તે તરફ ગબડી જવાનું વરદાન પણ મળેલું છે ! આવા ચમત્કૃતિસભર શેરથી કવિ ગઝલનો ઉપાડ કરે છે. આગળ તમે જાતે જ જોઈ લો…
Permalink
September 28, 2006 at 9:39 AM by સુરેશ · Filed under ગઝલ, હેમન્ત દેસાઇ
કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે;
પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે !
જગતના મંચ પર હું ફૂલશો ઊભો, કદી કિન્તુ,
ઊઘડવું કષ્ટ લાગે, ફોરવું નિસ્સારતા લાગે!
ન તોડું મૌનની આ વાડ , – પણ શેં કેદ પણ વેઠું?
નથી શ્રધ્ધા છતાં શબ્દો મને વિસ્તારતા લાગે!
અકિંચન છું પરંતુ રાજરાજેશ્વર સમું જીવતો,
નગરના લોક શું રસ્તાય સૌ સત્કારતા લાગે!
કદી ના કોઇ આલંબન લઉં, વિહરું સ્વયં નિત્યે,
છતાં દુર્ભાગ્ય કે મિત્રો મને શણગારતા લાગે!
કશામાં હું નથી એવી ચઢી મસ્તી, નશામાં છું,
હું ડૂબું છું, મને કો હાથ દરિયો તારતા લાગે!
ઊઠી જાઉં થતું કે મ્હેફિલેથી જામ ફોડીને;
વિખૂટા સાથી જન્મો જન્મના સંભારતા લાગે!
– હેમન્ત દેસાઇ
Permalink