હરેશ ‘તથાગત’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 27, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરેશ 'તથાગત'
એકલો તારીખનાં પાનાં ગણું,
મહેલ ઇચ્છાનો ચણું, તોડું, ચણું !
આ બધા સંજોગ વચ્ચે જિંદગી,
પોષની વચ્ચે ઠરેલું તાપણું.
તેં મને બહુ આકરી દીધી સજા,
ધુમ્મસે તો કેમ કિરણોને વણું ?
મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે,
હું હવે છું સાવ ખુલ્લું બારણું.
– હરેશ તથાગત
જ્યારે જ્યારે કોઈ સિદ્ધહસ્ત દુર્બોધ કવિ ગઝલના કાવ્યત્ત્વ સામે વિવાદ કે વિખવાદ ઊભો કરે ત્યારે ત્યારે આવી ગઝલ એમના લમણે ચોંટાડવાનું મન થાય ! પાનાંઓ ભરીને લખાયેલા અછાંદસમાં ક્યારેક કવિતાનો ‘ક’ શોધવો એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું ખપુષ્પવત્ કામ બની રહે છે એવામાં આ એક જ ગઝલમાં ચાર-ચાર કવિતાઓ એકસાથે મળી આવે એ કેવો સુખદ સંજોગ કહેવાય !
Permalink
August 13, 2008 at 12:28 PM by ધવલ · Filed under ગઝલ, હરેશ 'તથાગત'
ખાલી કરી, પાછો ભરી, ખાલી કરું છું હું મને
બસ, સાવ અમથો કોઈ વેળા સાંભરું છું હું મને.
પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી,
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને. !
ધમકી મને મોકલું છું હર પળે એકાદ-બે
ને હર પળે પગમાં પડીને કરગરું છું હું મને !
છૂટી જવાના યત્નમાંયે હું જ હોઉં છું સદા,
ને એય સાચું કે હંમેશા આંતરું છું હું મને !
ચ્હેરો તમસનો ઉપસે છે કોણ જાણે કેમ ત્યાં ?
પ્રત્યેક વેળા આમ જોકે ચીતરું છું હું મને !
– હરેશ ‘તથાગત’
જાતને વલોવવાની મથામણ ચિતરતી અંતર્મુખ ગઝલ.
(તમસ=અધંકાર)
Permalink
June 9, 2008 at 5:47 PM by ધવલ · Filed under ગઝલ, હરેશ 'તથાગત'
અહીં તો બધામાં સિસિફસ વસે છે,
જુદા શાપવત સૌ શિલા ઊંચકે છે !
નથી દૂત થાતું હવે કોઈ વાદળ,
અહીં યક્ષ, ત્યાં યક્ષિણી ટળવળે છે !
અહલ્યા બની ગઈ બધી લાગણીઓ,
કહો કોઈ રામ નજરે ચડે છે ?
દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ –
જુએ છે બધું, કાંઈપણ ક્યાં કહે છે ?
– હરેશ ‘તથાગત’
પુરાણકથાઓના શાપિત પાત્રોની મદદથી આજની હકીકતોને મુલવતી ગઝલ. સિસિફસ = ગ્રીક કથાઓમાં આવતું રાજાનું પાત્ર. એને અનાદિકાળ સુધી પથ્થર ઊંચકીને પર્વત ચડ્યા કરવાનો શાપ હતો.
Permalink
November 11, 2005 at 11:11 AM by ધવલ · Filed under ગઝલ, હરેશ 'તથાગત'
સૂક્ષ્મનું દ્વાર ખૂલશે ક્યારે ?
કાર્ય-કારણ જુદા થશે ક્યારે ?
સ્પર્શવી છે અજ્ઞાત પૃથ્વીઓ,
સૂર્ય બીજો જ ઊગશે ક્યારે ?
જે કશું છે – નહીં મહીં જાશે,
કાળ પોતે અકળ થશે ક્યારે ?
બીજમાં ફૂલ જોઈ લેનારી,
દ્રષ્ટિને કોઈ પેખશે ક્યારે ?
જીવ નિર્લેપ ને વળી ભોળો,
લુપ્ત મનની નદી થશે ક્યારે ?
હું નથી તોય છું બધે -અથવા,
શૃંખલા આ પૂરી થશે ક્યારે ?
ગર્ભમાં આ શરીર તો ફરક્યું,
કયા બહાને અને જશે કયારે ?
-હરેશ ‘તથાગત’
Permalink