ચ્હેરો મરણનો.. – હરેશ ‘તથાગત’
ખાલી કરી, પાછો ભરી, ખાલી કરું છું હું મને
બસ, સાવ અમથો કોઈ વેળા સાંભરું છું હું મને.
પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી,
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને. !
ધમકી મને મોકલું છું હર પળે એકાદ-બે
ને હર પળે પગમાં પડીને કરગરું છું હું મને !
છૂટી જવાના યત્નમાંયે હું જ હોઉં છું સદા,
ને એય સાચું કે હંમેશા આંતરું છું હું મને !
ચ્હેરો તમસનો ઉપસે છે કોણ જાણે કેમ ત્યાં ?
પ્રત્યેક વેળા આમ જોકે ચીતરું છું હું મને !
– હરેશ ‘તથાગત’
જાતને વલોવવાની મથામણ ચિતરતી અંતર્મુખ ગઝલ.
(તમસ=અધંકાર)
ડૉ. મહેશ રાવલ said,
August 13, 2008 @ 1:18 PM
ટીપીકલ હરેશ તથાગત સ્ટાઈલ…..અંતર્મુખ ગઝલ!
એજ તો ખૂબી છે કે,જાતને વલોવવાની મથામણ બહુ સહજરીતે ચીતરી શકે છે ગઝ્લમાં !
pragnaju said,
August 13, 2008 @ 1:59 PM
ચ્હેરો તમસનો ઉપસે છે કોણ જાણે કેમ ત્યાં ?
પ્રત્યેક વેળા આમ જોકે ચીતરું છું હું મને !
વાહ્
રઈશ યાદ આવ્યો
સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
Dilipkumar Bhatt said,
August 13, 2008 @ 2:00 PM
ડુબી ડુબીને દુબવુ શૂ? વેન્ત ઉતેરોતો તળીયુ આવે.અશરફ ડબવાલા યાદ આવી જાય છે.ખરેખર આપણે જાત નીરીક્ષણ કરવ જોઈએ હરેશભાઈએ સરસ રીતે રજુ કરી છે.અભિનન્દન.
વિવેક said,
August 14, 2008 @ 1:16 AM
સુંદર ગઝલ…
પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી,
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને. !
– આ આપણી મથરાવટીનું જ પ્રતિબિંબ નથી?
Pinki said,
August 14, 2008 @ 6:12 AM
વાહ……..
આ તો ‘હું’ના હુંકારને હંફાવવાની વાત
સરસ ગઝલ…..
ABHIIJEET PANDYA said,
August 17, 2010 @ 3:58 AM
સુંદર રચના.
ધમકી મને મોકલું છું હર પળે એકાદ-બે
ને હર પળે પગમાં પડીને કરગરું છું હું મને !
ઉપરોક્ત શેરમાં ” ધમકી મને મોકલું છું ” માં ” મને ” અને ” મોકલું ” વચ્ચે એક ગા ખુટતો જોવા
મળે છે. કારણકે ગઝલમાં રજઝ છંદ ( ગા ગા લ ગા ) બંધારણ જોવા મળે છે. હરેશભાઈ તથાગત
એક સિધ્ધહસ્ત ગઝલકાર છે. ભાવનગરની સ્કુલ ઓફ ગુજરાતી ગઝલમાં તેમણે મુલાકાત લીધી
હતી ત્યારે હું તેમના પરિચયમાં આવ્યો હતો. ઉપરોક્ત ક્ષતિ પ્રિન્ટ એરર હોય એમ લાગ છે. સુધારો
કરવા વિનંતિ.
અભિજીત પંડ્યા ( નવોદિત ગુજરાતી ગઝલકાર )
( ભાવનગર )