(પંખી) – સિલાસ પટેલિયા
દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!
છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…
એની બિડાયેલી પાંખોમાં ઘોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા
કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!
– સિલાસ પટેલિયા
મનગમતી ચીજ પોતાના મનને અડી લે – મનને ભર્યુંભર્યું કરી દે – એ ક્ષણનું અનુપમ વર્ણન.
ચંદ ક્ષણોમાં અસ્તિત્વને હંમેશ માટે ભર્યુંભર્યું કરી જનાર એવા તે ક્યા પંખીની વાત કવિ કરે છે ? – દરેક માટે આ પંખી અલગ અલગ હોઈ શકે : મનગમતી વ્યક્તિ, ચેતનાની ક્ષણ, અનુભૂતિનું અવતરણ કે પછી તમને અંદરથી અડકી લે એવી કોઈ પણ ચીજ.