કવિતા બાબત બેએક વાતો – સિતાંશુ યશશ્ચંદ્ર
કવિતા ત્રણ પ્રકારની હોય છે.
છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.
છેલ્લામાં બે પેટાપ્રકારો આવે છે: ગીત અને ગઝલ.
ગીત પેટવિભાગમાં જરા ઉપર તરફ
તો ગઝલ પેટ વિભાગમાં જરા નીચે તરફ હોય,
એવું એકંદરે જોવા મળે છે. પણ હંમેશાં નહિ.
મિત્રો, અછાંદસથી શરૂ થઈ શકાય.
શરૂઆતમાં એને ‘અછંદાસ’ પણ કહી શકાય.
એમાં ગમે તે ચાલે. એને લાડમાં કે ટૂંકમાં ‘દાસ’ પણ કહી શકાય.
જોકે મુશાયરામાં એ ન ચાલે, એ એની એક ખામી છે.
મુશાયરા માટે જે ગજલનો ટ્રાય કર્યો હોય ને મેનેજરે જો શેરીઅત કે
ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી એવો ફેંસલો તમે
ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.
ટૂંકમાં જે ગીતગજલ કે છંદાસ ન હોય એ અછંદાસ; પણ ટૂંકમાં નહિ,
જરા લંબાણથી. અછંદાસમાં લંબાણ જોઈએ.
વળી એમાં અંગ્રેજીની પણ જરૂર પડે એ એક પ્રૉબ્લેમ છે.
છાંદસનું બજાર આજકાલ ગરમ છે, મિત્રો.
લખો તો જરૂર છપાય.
પણ એમાં કામ કડાકૂટિયું છે.
એક તો ઘણા છંદો હોય છે, ને દરેકમાં ગાલગાલ આવે.
ના, ગાલાગાલી નહિ. ગુરુ લધુ એવું બધું હોય છે.
ના, એ પ્રકારના ગુરુ નહિ.
તમે બાપજી કર્યા હોય, એ આમાં ન ચાલે.
આ તો સંસ્કૃતવાળું છે. એમાં સંસ્કૃતની જરૂર પડે.
વળી આગલા ગુજરાતી કવિઓ વાંચવા પડે, જેમાંના
મોટા ભાગના ઠાકોર કાન્ત ને બીજાઓ શતાબ્દીવાળા અને દુર્બોધ પણ છે.
છાંદસમાં હવે માત્રામેળ પણ આવે છે.
ના, એ માત્રા નહિ.
તમે સર્વમિત્રવાળું વાંચો છો ને લાઠાદાદાએ તમને અંગત પ્રશંસાપત્ર
લખ્યો છે,
એ સારી વાત છે.
પણ આ અલગ વાત છે.
પ્રેમાનંદવાળી વાત લાઠાદાદા કરે એમાં આ આવે.
ટૂંકમાં, છાંદસમાં સંસ્કૃત જોઈએ ને પ્રેમાનંદસ્વામી ને ઠાકોરકાન્ત ને
એવું બધું યાદ રાખવું પડે.
એટલે મિત્રો,
ગીત કે ગજલ ઉત્તમ.
ગીત અને ગજલ અતિ ઉત્તમ.
રેડિયો-ટીવી પરથી ગાય અને મુશાયરામાં બોલાવે, એમ ડબલ પબ્લિસિટી.
પ્રકાશકો પણ છાપે, કેમ કે છાપામાં આસ્વાદોમાં જનરલી ગીતગજલ લેવાય.
ખપે.
ના, સુબોધ ના કહેવાય; સુગમ કહેવાય. ના, ડેરીવાળું અલગ.
લોકો સુધી પહોંચે, એવું કહેવાનું.
ના, શેરીએ શેરીએ ગવાય તે શેરીઅત, એવું ન કહેવાય.
શેરીઅત એટલે શેરીઅત એટલે શેરીઅત- સમજ્યા?
જ્યાં ત્યાં દુબારા દુબારા ન કરાય.
લોકો સુધી ગીતગજલ પહોંચે, બસ.
અછંદાસવાળા લોકો સુધી ન પહોંચે, એમ કહો,
એટલે અકાદેમી અને પરિષદના પ્રમુખોય રાજી થાય અને ઈનામ અપાવે.
એમ જ્યાં જુઓ ત્યાં જયવારો છે, ગીતગજલનો, મિત્રો.
ગજલમાં જો કે રદીફ-કાફિયા હોય, પણ ડરવું નહિ.
નામ એવા છે, ડિફિકલ્ટ, પણ મૂળે પ્રાસ મળવો જોઈએ, એટલી જ
શરત છે.
પ્રાસ-પ્રાસ. આમાં પસ્તી કયાં આવી?
અરે! રદ્દી નહિ. રદીફ.
એકચૂલી પ્રાસ કંપલસરી મેળવવાના હોય એટલે કૃતિ સહેલી બને
ને આગળી લીટીઓ મુજબ એ ઓટોમેટિક ફિટ થઈ જાય-
ટ્રાય કરજો.
હા, ગીતગજલમાં એક જ મુશ્કેલી: મેનેજરોની.
મુશાયરાના મેનેજર હોય. ફિલ્ડિંગ ભરવી પડે. પાવું પડે.
ટાંપાટોળા કરાવે.
એનું નામ જ કવિની સાધના, ઉમાશંકરભાઈના શબ્દોમાં.
ગીતમાં વળી આર્ટિસ્ટો સાથે સંબંધ રાખવો પડે; મ્યુજિકવાળા.
ટાઈમ જાય, મળવું પડે પણ વાયાવાયા જઈ શકાય.
મૂળ માણસ મેનેજર.
એને પકડો એટલે સંસ્કૃત, અંગ્રેજી, ફારસી કશાની જરૂર નહિ.
ગુજરાતીય કાચુંપાકું ચાલે.
મેનેજરનું પાકું કરી લેવાનું.
એમાં બે ત્રણ ચૉઈસ છે.
નામ નથી લખતો. નામ ન જાણતા હો તો કવિ થવાની હોપ છોડી દેજો.
એમ કશું જાણતા ન હો તો કવિ ન થવાય.
અભિજ્ઞા જોઈએ, ઉમાશંકરભાઈના શબ્દોમાં.
પણ, આ તો નવા કવિઓ માટેની ફરજથી પ્રેરાઈને લખ્યું છે,
તેમાં જો ઉપયોગીતાપણું લાગે તો ઠીક.
નહિ તો, મિત્રો, કવિ થવું એમ સસ્તું નથી, આજે ગુજરાતીમાં.
– સિતાંશુ યશશ્ચંદ્ર
કવિનાં સ્વરમાં કાવ્યપઠન:
[audio:http://urmisaagar.com/saagar/audio/KAVITA BABAT BE-EK VATO-SitanshuYashchandra.mp3]કેટલાય હરખપદુડાઓ કવિતામાં ‘ચાલતી ગાડીએ ચડવા’નો વ્યર્થ પ્રયત્ન કરતા રહેતા હોય છે. ‘કોઈ પણ ભોગે, કવિતા લખવી જ છે’ એવું નક્કી કરીને આવનારા આ ઉત્સાહીઓને સાચી સલાહ આપનાર મળે તો એમના ઉત્સાહને થોડો ઠંડો પાડીને કવિતાની ખરી ઓળખાણ પણ કરાવે. પણ કમનસીબે આવા ઉત્સાહીઓને ઊંધી સલાહ આપનારા પણ ઘણા મળી રહે છે. મંદિરમાં આવનારને જ્ઞાની ગુરુ મળી શકે અને પોતાને જ કાંઈ સમજ ન પડતી હોય એવા અર્ધ-જ્ઞાની, તકસાઘુ ગુરુ પણ મળી શકે છે. એવું જ કવિતામાં પણ થાય છે.
આવા ઉત્સાહી પણ મૂર્ખ ચેલા અને લેભાગુ કાવ્ય-ગુરુ વચ્ચેનો સંવાદ આ કવિતામાં છે. કવિતાના આત્માની ઓળખ કરાવવાને બદલે કવિતા નામના મકાનમાં વંડી ઠેકીને કેવી રીતે ઘૂસી જવું એ શીખવાડવાનો કેવી રીતે આરંભ થાય છે એનું વ્યંગ-રંજીત વર્ણન અહીં કર્યું છે. ‘કાવ્ય-ગુરુ’ પોતાના ચેલાને કાવ્યશાસ્ત્રના એક પછી એક ‘રહસ્યો’ કેવી રીતે સમજાવે છે તે ભારે રમૂજી છે. બીજી કોઈ જ જાતની કવિતા ન સર્જી શકાય એમ હોય તો ગઝલ પર હાથ અજમાવો – કારણ કે કાફિયા-રદીફને લીધે પ્રાસ બેસાડવામાં સરળતા રહે અને જે અર્થ નીકળે તે ખરો – એવું સમજાવીને પછી ‘પાટિયા બેસાડવાની કરામત’ નો નુસખો ચેલાને ‘બ્રહ્મજ્ઞાન’ સમાન લાગે છે. આવી અ-કવિતાને આગળ ચલાવવા માટે ખુશામદખોરીની જરૂર પડવાની જ, જેની વાત આગળ જતા આવે છે. કવિતાનો વ્યાપાર કરવાની આખી ‘બ્લુ-પ્રીંટ’ લેભાગુ કાવ્ય-ગુરુ ચેલાને બનાવી આપે છે.
આ આખી કવિતા લેભાગુ કાવ્ય-ગુરુના મુખેથી આવી છે. એમાં અજ્ઞાની ચેલા અને ગુરુ બન્ને વચ્ચે કેવી ‘દીવ્ય કાવ્યમિમાંસા’ થાય છે એનું વર્ણન છે. કમનસીબ તો એ છે કે આવું ઘણીવાર વાસ્તવમાં થતું પણ જોવા મળે છે.
આ કવિતા પર હસવું કે રડવું ? … એ તો તમારે પોતે નક્કી કરવાનું છે 🙂
જેવી રીતે religion અને organized religion તદ્દન જૂદી બાબત છે એમ poetry અને poetry related institutions બન્ને તદ્દન અલગ બાબતો છે. એક સ્વભાવે જ અતિશુદ્ધ હોય છે અને તો બીજી જન્મે જ મતિ-મેલી હોય છે.
Pancham Shukla said,
August 23, 2010 @ 8:07 PM
I thoroughly enjoyed this.. An artistic piece of satire in routine verbal exchange.
આપણી ભાષાના આ કવિ, ઘણી કૃતિઓમાં, એમના સમયથી આગળ હોવાનું અનુભવાય છે. ગઝલ અને ગીતની સાથે સાથે આપણે (લયસ્તરોના વાચકોએ) સીધે સીધી ન સમજાય/સમજાવી શકાય એવી કવિતાઓ પણ વાંચવાની ટેવ કેળવવા જેવી ખરી.
nilam doshi said,
August 23, 2010 @ 9:24 PM
enjoyed a lot….maja avi gai…
વિવેક said,
August 24, 2010 @ 1:17 AM
સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા સમજવું મારા માટે મોટાભાગે દોહ્યલું છે.. ઘણા વખતે એમણે લખેલું કંઈક એવું વાંચ્યું જે દુર્બોધ ન લાગ્યું… ગઝલના નામથી જ કદાચ એમને ભયંકર સૂગ છે… એમના મોઢેથી પણ હું એ સાંભળી ચૂક્યો છું અને આ સૂગ અહીં નજરે પણ ચડે છે. કટાક્ષ સારો છે… મજા પણ આવે છે… શબ્દને તોડી-મરોડીને શ્લેષ પણ સારા નિપજાવ્યા છે… એમણે ઉમાશંકરને બે-ત્રણવાર યાદ કર્યા છે તો મને પણ થાય છે કે ઉમાશંકરને હુંય એકાદવાર યાદ કરી લઉં… ઉમાશંકરની એક કાવ્યપંક્તિ આ વ્યંગવાણી વાંચીને યાદ આવે છે: “કવિતા… ક્યાં છે તું, કવિતા?!”
tirthesh said,
August 24, 2010 @ 2:00 AM
શું આ લખાણ ને ‘કવિતા’ કહી શકાય ખરી ? આ લખાણ ને અછાંદસ કવિતા કહેવી તે અછાંદસ કાવ્યપ્રકારનું હડહડતું અપમાન નથી ? -વધુ લખીને શબ્દો વેડફવા નથી.
dr_jknanavati said,
August 24, 2010 @ 4:08 AM
મારી સમજ મુજબ કવિ ત્રણ પ્રકારના હોય છે…….
અ કવિ
સ કવિ
ક્ષ કવિ
અ કવિ….
અક્ષમ્ય, જેને માફ ન કરી શકાય..
અજ્જડ…સુધરી ન શકે એવા
અસહ્ય….નસહી શકાય એવા
સ કવિ
સરલ
સહજ
સુગમ
સહેલા..!!
સમજદારી વાળા..
સાલસ…
અને
ક્ષ કવિ
ક્ષ -કિરણ જેવા….
તમારામાથી પુરેપુરા પસાર થઈ જાય
છતાં
ન માણી શકો
ન જાણી શકો
ન અનુભવી શકો
ન રંગ
ન રૂપ
છતાં મહામુલા……
કોને કઈ કેટેગરીમાં મુકવા
તે આપની ઉપર……!!!
kirit shah said,
August 24, 2010 @ 4:51 AM
I have been your student in Mithibai college in 1975 and remember your poem odiscious nu haleshu
you have always been great and we are proud to be associated with you
god bless you sir સિતાંશુ યશશ્ચંદ્રન
Bharat Trivedi said,
August 24, 2010 @ 8:42 AM
અહીં જે આક્રોશ છે તેને કોઈ સાચા જોહરીનો નકલી (અમેરિકન ડાયમંડ?) સામે હોય તેવો છે. કશા જ ઢંગ ધડા વિનાનાં ગીત/ગઝલ ને લાઈન-બ્રેકને સહારે ગદ્યમાં થયેલા બફાટને કવિતાનું બિરુદ આપવાવાળાઓએ વાંચકોની સાથે આ સર્જકોનેય એવા તો ગેરમાર્ગે દોર્યા છે કે ગુજરાતીમાં થતી સાચી ને સારી કવિતાની શોધ એક પડકાર બની રહે. સિતાંશુભાઈ અહી કેવળ લાલબત્તી ધરે છે. કર્મની કથની એવી છે કે સાવ સાચી વાત પણ સુગરકોટેડ કરીને જ કહેવી પડી છે! વિમોચન ને મુશયરાની ક્યાં માંડવી? પ્રિય અશરફનો એક શેર સાંભળોઃ
ગીતેને મૂકો પડતાં, ખીલો બંધ હોઠમાં
આવ્યા છો મારા મનમાં તમે, ડાયરે નહિ
-ભરત ત્રિવેદી
preetam lakhlani said,
August 24, 2010 @ 9:25 AM
સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ને આજ ની તારીખમા હુ હજી લગી સમજી શકયો નથી, ખરે ખર સાચા મનથી કહેવુ હોય તો બકવાસથી વિશેષ કહી નથી,આ મારુ માનવુ છે બાકી જેને મને જે કહેવુ હોય કે લખવુ હોય તો પ્રેમથી લખી શકે છે, really, I don’t care!….ભાઈ વિવેક ની વાત બિલકુલ સાચી છે….ફક્ત સિતાંશુ યશશ્ચંદ્રને જ નહી પણ મિત્ર મધુ રાયને પણ્ ગઝલના નામથી ભયંકર સૂગ છે… આ બધા એક જ તાકાના પીસ છે………
bharat vinzuda said,
August 24, 2010 @ 9:26 AM
Gazal to thik.parantu geet ne pet no upar no vibhag kahine aa kavi narasinha maheta thi aaj sudhi na geet kavio vishe shu kaheva mage chhe te samajatu nathi !
Geet-GAZAL LAKHI NE KOY UNIVARSITI MA PAD MELAVI SHAKATU NATHI KE RAJYASABHA NA SABHYA NATHI THAVATU AE VALI BIJI BABAT CHHE !
pragnaju said,
August 24, 2010 @ 9:32 AM
એમાં બે ત્રણ ચૉઈસ છે.
નામ નથી લખતો. નામ ન જાણતા હો તો કવિ થવાની હોપ છોડી દેજો.
એમ કશું જાણતા ન હો તો કવિ ન થવાય.
અભિજ્ઞા જોઈએ, ઉમાશંકરભાઈના શબ્દોમાં.
પણ, આ તો નવા કવિઓ માટેની ફરજથી પ્રેરાઈને લખ્યું છે,
તેમાં જો ઉપયોગીતાપણું લાગે તો ઠીક.
નહિ તો, મિત્રો, કવિ થવું એમ સસ્તું નથી, આજે ગુજરાતીમાં.
સ ચો ટ વાત
ઢ્ંગધડા વગરની કોઈક વાર ગાળાગાળી વાળી પંક્તીઓને પણ કાલીદાસના કાવ્ય સાથે સરખાવાય!
દલપતરામે તો સમાધાન કરેલું કે…
“સૌનો સાળો સૌનો સસરો હું છું દલપતરામ”
અને ‘જો શેરીઅત કે ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી
‘ એવો ફેંસલો તમે ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.”
સમાધાન લેવું પડે કે અછાંદસ તો ગણ્યું!
,,, આગળથી ચાલ્યું આવે છે.ગઈ સદીના પાંચમા દાયકાના શિશક કહેતા કે ઉમાશ્શંકર,સ્નેહરશ્મી,સુંદરમ એક બીજાની સાધારણ રચનાને કહેતા
” અહો રુપં,અહો ધ્વની!”
ત્યારે અને હંમણા પણ ઘણાને લાગે છે-
એમા ખોટું શું છે???
ધવલ said,
August 24, 2010 @ 11:37 AM
કેટલાય હરખપદુડાઓ કવિતામાં ‘ચાલતી ગાડીએ ચડવા’નો વ્યર્થ પ્રયત્ન કરતા રહેતા હોય છે. ‘કોઈ પણ ભોગે, કવિતા લખવી જ છે’ એવું નક્કી કરીને આવનારા આ ઉત્સાહીઓને સાચી સલાહ આપનાર મળે તો એમના ઉત્સાહને થોડો ઠંડો પાડીને કવિતાની ખરી ઓળખાણ પણ કરાવે. પણ કમનસીબે આવા ઉત્સાહીઓને ઊંધી સલાહ આપનારા પણ ઘણા મળી રહે છે. મંદિરમાં આવનારને જ્ઞાની ગુરુ મળી શકે અને પોતાને જ કાંઈ સમજ ન પડતી હોય એવા અર્ધ-જ્ઞાની, તકસાઘુ ગુરુ પણ મળી શકે છે. એવું જ કવિતામાં પણ થાય છે.
આવા ઉત્સાહી પણ મૂર્ખ ચેલા અને લેભાગુ કાવ્ય-ગુરુ વચ્ચેનો સંવાદ આ કવિતામાં છે. કવિતાના આત્માની ઓળખ કરાવવાને બદલે કવિતા નામના મકાનમાં વંડી ઠેકીને કેવી રીતે ઘૂસી જવું એ શીખવાડવાનો કેવી રીતે આરંભ થાય છે એનું વ્યંગ-રંજીત વર્ણન અહીં કર્યું છે. ‘કાવ્ય-ગુરુ’ પોતાના ચેલાને કાવ્યશાસ્ત્રના એક પછી એક ‘રહસ્યો’ કેવી રીતે સમજાવે છે તે ભારે રમૂજી છે. બીજી કોઈ જ જાતની કવિતા ન સર્જી શકાય એમ હોય તો ગઝલ પર હાથ અજમાવો – કારણ કે કાફિયા-રદીફને લીધે પ્રાસ બેસાડવામાં સરળતા રહે અને જે અર્થ નીકળે તે ખરો – એવું સમજાવીને પછી ‘પાટિયા બેસાડવાની કરામત’ નો નુસખો ચેલાને ‘બ્રહ્મજ્ઞાન’ સમાન લાગે છે. આવી અ-કવિતાને આગળ ચલાવવા માટે ખુશામદખોરીની જરૂર પડવાની જ, જેની વાત આગળ જતા આવે છે. કવિતાનો વ્યાપાર કરવાની આખી ‘બ્લુ-પ્રીંટ’ લેભાગુ કાવ્ય-ગુરુ ચેલાને બનાવી આપે છે.
આ આખી કવિતા લેભાગુ કાવ્ય-ગુરુના મુખેથી આવી છે. એમાં અજ્ઞાની ચેલા અને ગુરુ બન્ને વચ્ચે કેવી ‘દીવ્ય કાવ્યમિમાંસા’ થાય છે એનું વર્ણન છે. કમનસીબ તો એ છે કે આવું વાસ્તવમાં થતું પણ જોવા મળે છે.
અહીં કવિતાનું અપમાન નથી, સાચા કવિઓનું પણ અપમાન નથી. પણ કવિતાના નામે ચરી ખાનારા લોકો સામે કટાક્ષ છે.
મેં કાવ્ય મૂકતી વખતે કોઈ સમજૂતી જરૂરી નહોતી માની. હવે ઉપર પણ આ બધુ ઉમેરું છું.
Girish Parikh said,
August 24, 2010 @ 1:15 PM
અલબત્ત નીચેની વાત ‘કવિતા બાબત બેએક વાતો’ વિશેની નથી, પણ શિકાગો લેન્ડમાં યોજાયેલા એક કવિ સંમેલનમાં શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે આ મતલબનું કહેલું: ગુજરાતીઓમાં દમ નથી નહીં તો ઉમાશંકર જોશીને નોબેલ પ્રાઈઝ મળ્યું હોત!
એમના એ કથને પણ મને નીચેનું લખાણ લખવા પ્રેરણા આપી છે.
ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?: ૧
શ્રી ગણેશ કરું છું આ લેખમળાના આજે (ઓગસ્ટ ૨૪, ૨૦૧૦; મંગળવાર, રક્ષાબંધન દિન) આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પર.
ગુજરાતમાં, અને ભારતનાં અન્ય રાજ્યોમાં અને દુનિયાના અન્ય દેશોમાં — જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં — મે ૧, ૨૦૧૦થી એક વર્ષ સુધી ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી થઈ રહી છે. ગુજરાત રાજ્યે ‘વાંચે ગુજરાત’નો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે.
આ સોનેરી સમય છે એક બીજી યોજનાના શ્રી ગણેશ કરવાનો અને એ છે ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળે એનો.
ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ મળી શકે? મારો આત્મા કહે છે કે જરૂર મળી શકે. આ લેખમાળામાં મારા વિચારો રજૂ કરીશ. …
નોબેલ પ્રાઈઝ કોઈ ગુજરાતી કવિને પણ મળી શકે. તમે પણ એ કવિ હોઈ શકો ! ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળી શકે?’ એ લેખમાળા વાંચવાનું ન ચૂકશો, અને તમારા પ્રતીભાવ પણ જરૂર આપો. Let’s brain storm how a Gujarati poet or author can win the Nobel Prize.
તા.ક. ૧: આજે (ઓગસ્ટ ૨૪, ૨૦૧૦) નર્મદ જન્મદિન પણ છે.
તા.ક. ૨ : ગઝલ પણ સાહિત્યનું જ એક અંગ છે અને ગઝલકારને પણ નોબેલ પ્રાઈઝ મળી શકે.
Kanubhai Suchak said,
August 24, 2010 @ 1:16 PM
સિતાંસુના વ્યંગમાં પણ વ્યંજના છે. ડંખ વગર વાસ્તવ તરફની ગતિ છે. કોઇ પણ કવિતા તરફ જે કવિ હોય તેને સૂગ કેવી રીતે હોય ? કોઇ પણ પ્રકાર હોય તેમાં કાવ્યત્વ ન હોય અને માત્ર બંધારણથી તે કવિતા કેમ કહેવાય ? સિતાંસુ ઉત્તમ કવિ તો છે જ ઉપરાંત ઉત્તમ કાવ્ય મર્મગ્ન છે. કવિતા દુર્બોધ નથી હોતી આપણો વ્યાપ ટૂંકો હોય છે.
vimal agravat said,
August 24, 2010 @ 1:20 PM
આ રચના લયસ્તરોમાં વિવેકભાઈએ મૂકી છે એટલે આને કવિતા ગણી ને વાંચતા બિચારા ભાવકોની મને દયા આવે છે. ઉત્તમ કવિતા કોઇપણ સ્વરૂપ લઈ ને આવે,આનંદ જ આપે છે.
vimal agravat said,
August 24, 2010 @ 1:24 PM
તીર્થેશભાઈ અને પ્રીતમભાઈ લખલાણીને અભિનંદન.
preetam lakhlani said,
August 24, 2010 @ 1:54 PM
Thank you dear Vimal………for your great comment………
dr.firdosh dekhaiya said,
August 24, 2010 @ 2:17 PM
સિતાંશુભાઈ નું નિવેદન આજના પ્રવાહ માં વહેણના બદલાવ પર તીખી પ્રતિક્રિયા આપે છે.પરંતુ જો આ મિજાજ રચનાત્મક રીતે બહાર આવે તે કેવું સારું? અને જે શબ્દો એમણે વાપર્યા છે એ એકદમ બોમ્બ જેવા છે.જાગ્રુત ગુજરાતી સાહિત્યપ્રેમીઓએ ખાસ નોંધ લેવા જેવી.
sudhir patel said,
August 24, 2010 @ 6:02 PM
તીર્થેશભાઈ, વિવેક્ભાઈ, વિમલભાઈ, પ્રીતમભાઈ અને ભરત વિંઝુડાની વાત સાથે સંમત થતા એટલું કહેવાનું કે સિતાંશુભાઈનું આ લખાણ કોઈ કવિતા નથી, પરંતુ એમના અજાગૃત મનમાં ગઝલ-ગીત પ્રત્યે ભરેલી સૂગ વ્યકત થઈ હોય એવું જણાય છે ને આવું બધું અછાંદસમાં ચાલી જાય!
ગઝલ પ્રત્યે સૂગ ધરાવનાર તેઓ એકલા નથી, સાક્ષરયુગમાં પણ હતાં. કારણ, એમાંના ઘણાંએ ગઝલ પર હાથ મૂકવા પ્રયત્નો કરેલાં, પણ દાઝી જવાથી એ કવિતા ન કહેવાય અવો બફાટ કરવા માંડેલા.
સાક્ષરો જતા રહ્યાં અને આ ગઝલ સોળે કળાએ ખીલી દુનિયાભરમાં ધૂમ મચાવે છે.
ગીતના મુખડા કે ગઝલનાં શે’ર ગીત-ગઝલકારના નામ સાથે ઊંઘમાંથી ઉઠાડો તો પણ બોલે એવા રસિયા દુનિયાભરમાં છે, જ્યારે છાંદસ અછાંદસ વાંચે કેટલા અને યાદ તો વળી કોને હોય?
આમાં નોબેલ પ્રાઈઝ તો ક્યાંથી મળે?
સાક્ષરો પણ એકબીજાનો વાંસો થાબડી ‘અહો રૂપમ અહો ધ્વનિ’ કરતા અને કરે છે, એટલે મેનેજરોની જરૂર તો પડવાની જ.
મધુ રાયે પણ ૨૧મી ફેબ્રુઆરીના ‘મુંબઈ-સમાચાર’માં પ્રગટ થયેલી મુલાકાતમાં કહેલું કે ‘ગઝલ એ ગુજરાતી ભાષાનો મોટો ફ્રોડ છે!’. આના જવાબમાં ડૉ. શકીલ કાદરીએ ‘શહીદે-ગઝલ’ના માર્ચ જૂન ૨૦૦૯ના સંપાદકીયમાં આપેલ જવાબ રસપ્રદ અને સચોટ છે.
એ લેખના અંતે એમણે કાઢેલું તારણ એમના શબ્દોમાં “ગઝલવિરોધીઓનું ડ્રાંઉ ડ્રાંઉ સાંભળીએ એના કરતાં ચંદ્રકાંત શેઠ જેવા ઉત્તમ સર્જકે દેડકીને ઉદ્દેશી લખેલી પંક્તિઓ સાંભળોઃ
“બેસ બેસ દેડકી! / ગાવું હોય તો ગા, / ને ખાવુ હોય તો ખા, / નહીં તો જા.””
છેલ્લે, કવિશ્રી ઉમાશંકર જોષીને યાદ કરતા કહું કે એમને પણ વડોદરામાં જ કહેવૂ પડ્યું હતું કે આપણા કવિ સંમેલન મફતમાં યોજાય છે છતાં ભાવકો આવતા નથી અને મુશાયરામાં ભાવકો ટીકીટ લઈનેય સાંભળવા જાય છે!!!”.
મિત્ર ધવલભાઈએ આ અછાંદસ પોસ્ટ કરીને સૌને પોતાનો મત રજૂ કરવાની તક આપી એ બદલ આભાર!
સુધીર પટેલ.
AKHIL sutaria said,
August 24, 2010 @ 9:27 PM
પ્રથમ વર્ષે એફ એસ ચૌહાણ કોલેજ ઓફ સાયન્સ, વિલેપાર્લે, મુંબઇ (મીઠીબાઇના નામે વધુ જાણીતી)માં 1973માં સિતાંશુભાઇ (અમે એમને મહેતાસર થી સંબોધતા) મારા ગુજરાતીના પ્રાધ્યાપક હતાનું યાદ છે. ભરાવદાર કાળી દાઢી અને માથે વીરોધાભાસ .. વર્ગમાં પાછલી હરોળમાં બેસીને એમના સાંભળેલા અવાજને આજે ફરી સાંભળીને સરી ગયેલા ભૂતકાળને વર્તમાન થતો જોયો. પંચમભાઇએ મોકલાવેલ લીંકથી અહિ આવ્યો. કવિતા કદી સીધેસીધી મારી સમજમાં આવી હોયનું મને યાદ નથી. બ્લોગ પર જે કામ ન આવડે તે શીખવું પછી તેમાં ઉતરવું એ મારો નિયમ. કવિતાની સાચી સમજ મેળવવા કવિતા લખનારા ઘણા બ્લોગરોને લખ્યું. કેટલાકે જે લખ્યું તેમાં સમજ ન પડી તો કેટલાકે જવાબ આપવાનું જ ટાળ્યું. હશે. પણ ….. આટઆટલા વર્ષો પછી એ જ શિક્ષકના અવાજે મને ‘કવિતા’ સમજવા સરળતા કરી આપ્યાનો આનંદ છે. આભાર .. પંચમભાઇ અને લયસ્તરો. અત્યારે તો આ પેજ મારા ફેવરીટમાં લીધું છે. અનુમતી હોય તો .. ટેક્ષ્ટ મારા રેફેરન્સ માટે સેવ કરવા અપેક્ષા છે. અને જો પોડકાસ્ટની એમપી3 ફાઇલ મળે તો તો ….. આંનંદ જ આનંદ.
jjugalkishor said,
August 24, 2010 @ 9:29 PM
શ્રી ધવલભાઈએ બહુ સારી ચીજ પેશ કરી છે. એમનો હેતુ એક વિશિષ્ટ વાતને પ્રગટ કરવાનો જ હોય.
સર્રરિયલ રચનાઓ ગુજરાતીમાં આવ્યા બાદ મારા જેવા ગુજ.ના માણસનેય તકલીફો પડી ગયેલી ! કેટલુંક તો માથા ઉપરથી જ ભમાભમ જતું રહે !!
અહીં સિતાંશુભાઈએ ફક્ત કટાક્ષભરી રચના જ મૂકી હોય તેમ જણાય છે. કાવ્યના પ્રકારો કે કવિઓ અંગે અંગત મત પ્રગટ કરવાનો ઈરાદો હોય તેવું સાવ લાગતું નથી. બાકી શ્રી વિવેક કહે છે તેમ એમના બાયસ જરૂર હોય. આ રચનામાં એ બાયસ કેટલા અંશે અને કટાક્ષકાવ્યત્ત્વ કેટલા અંશે તે વિચારવાનો મુદ્દો છે.
ગુજરાતીને નોબલ મળે તે માટે કે પછી મુશાયરા વ. માટે ‘મેનેજરો’ જોઈએ તે વાતમાં દમ છે જ ! સવાલ અહીં એ હોવો જોઈએ કે કોઈપણ કાવ્યનાં બાહ્ય અને આંતરિક તત્ત્વોની સાચવણી કેટલા અંશે એ રચનામાં જળવાઈ છે !! કાવ્યનો કોઈપણ પ્રકાર “નીચો કે ઊંચો” એ પરિભાષામાં વાત ન થઈ શકે. મધ્યકાલીન કાળમાં ગઝલ લખનારા ક્યાંથી લાવવા ? એ યુગ જ ગીતો–ભજનો ને મોટેભાગે માત્રામેળ છંદોનો હોય. નરસિંહનો ઝૂલણા છંદ, એની શુદ્ધિઓ અને પ્રભાતિયા જેવો મળેલો કાવ્યપ્રકાર એ બધું એ યુગે આપણને આપેલું આપણું ઘરેણું છે.
આજે ગઝલ એની ઉચ્ચોચ્ચ સપાટીએ છે – એના આંતર–બાહ્ય બન્ને તત્ત્વોની જાળવણીની દૃષ્ટિએ. તો છાંદસ કાવ્યો નાભિશ્વાસે જણાય છે !! સમયના પ્રવાહનું જ એ તોફાન છે. ન.પ્ર.બુચ જેવા હાસ્યલેખક અને છાંદસ કાવ્યોના ઉત્તમ સર્જક–જાણકાર અમને કહેતા કે, છાંદસ કાવ્યોનો પણ સમય આવશે…તમારા જેવાઓએ જેવું આવડે એવું એને જાળવવામાં રત રહેવું જ રહ્યું. ક્યારેક છાંદસ કાવ્યોનું લોલક ફરી પાછું પ્રવર્તશે.
નેટજગત પર જે સાહિત્યલીલા ચાલી રહી છે એમાં એક બાજુ મૌલિક સર્જનો છે તો બીજી બાજુ ઉત્તમ ગુજ.સાહિત્યના સંચયનું કામ ચાલી રહ્યું છે. આજની ચર્ચાના અનુસંધાને કહું તો મૌલિક સર્જન જેટલું જ મહત્ત્વ આ સંચયકાર્યનું પણ છે. કેટલાક બ્લોગ પર ઉત્તમ સાહિત્યને જાળવવાનું કામ થઈ રહ્યું છે તે ભાવિ પેઢી માટે અમૃત સમાન બની રહેવાનું છે. કૉપીપેસ્ટની જેવી ચર્ચાઓમાં ક્યારેક વિષયાંતર થઈને વાતનું વતેસર થતું રહ્યું હોવા છતાં આ બધા સંગ્રહોનું મહામૂલ્ય અવશ્ય રહેવું જોઈએ.
ફરી ધવલભાઈના આ ચર્ચાપટને ધન્યવાદ આપીને અને મારા આ લાંબા લખાણ માટે વાચકોની ક્ષમા માગીને પૂરું કરું.
sonal joshi said,
August 24, 2010 @ 11:00 PM
મને તો સાહિતય પ્કારો પ્રતયે સુગ ધરાવનાર કવિ જીવનને કેવી રીતે માણતો હશે તે વિચાર આવે છે. નફરત અને મહોબતથી જરા દૂર રહીને જોતા જે દેખાય છે તેને મન ભરીને ન જોઇ શકનારા ગમે તે લખે ચલાવી લેવુ પડે છે. કવિતાને નામે જો કે ઘણુ ભરડાય છે પણ સાહિત્ય ના કોઇ પણ પ્રકારને ઉતારી પાડવાથી પોતે બહુ બુદ્દિશાળી હોવાનુ સાબિત કરવાનો આ બાલિશા પ્રયાસ છે. બીજી વાત એ છે કે સારી કવિતાઓ લોકો સાભળીને રાજી થતા હોય તો એમા પેટમા કેમ તેલ રેડાય છે? સારી કવિતાઆઓ સમજાવી જ ના જોઇએ શુ અએવો કોઇ નિયમ છે? .જો એમ્ જ હોય તો તો વિતેલા જમાના ના અનેક કવિઓને કઠેડામા ઉભા કરવા પડે. ભગવાન સહુને સદબુદિધ આપે.
અનામી said,
August 25, 2010 @ 9:20 AM
હા..હા…હાહા….
આ રચના(!)(કદાચ કવિતા!!!???)માંથી એક નફરત ઝળકે છે…ને નફરત વિષે સાચું કહીએ તો…90% of haters are begging for love. 10% just want a little attention. આપણા આ કવિ મારા ખ્યાલ મુજબ attention ચાહે છે..
Intelligency અને કળા અલગ બાબત છે…કવિ intelligent હશે કદાચ એની ના નહિ…
ને વિવેચનકળા કદાચ આખેઆખી ધિક્કાર પર ચાલે છે…વિવેચન સદીઓથી જ સાહિત્યનો અવિભાજય હિસ્સો રહેલ છે…છતાં એ મોટેભાગે નફરત પેદા કરનાર જ છે…’મરીઝ’સાહેબ નું એક મુકતક…
હાસલ ન થશે કાંઈ વિવેચતથી કદી,
રહેવા દે કલાને એ બની જેવી બની;
તસવીર જો દરિયાની નિચોવી તો ‘મરીઝ’,
બે ચાર બુંદ રંગની એમાંથી મળી.
જો કે કાંઈ વિવેચન ના થાય તો પણ કદાચ બધા કલાકારો તરત જ હડતાલ પર ઉતરે.. હકીકત એ છે કે માણસ સ્વભાવે આક્રમક પ્રાણી છે…ને જયારે સશસ્ત્ર યુધ્ધ ના હોય ત્યારે એ કદાચ શાબ્દિક યુધ્ધથી ચલાવે છે….આવુ બધુ ચાલ્યા કરે..ને ગઝલ કોઈકાળે આસાન તો નથી જ…
RD said,
August 25, 2010 @ 10:16 AM
હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?
વિવેક મનહર ટેલર
Ruchir Pandya said,
August 25, 2010 @ 11:02 AM
હું તો સાહિત્ય નો આનંદ લેનાર છું. બે વાત કહું? હું તો શબ્દના સામર્થ્યમાં માનું છું. અને સમય મોટો નિર્ણાયક છે. જે કાળ ને પણ અતિક્રમે તે સાચો શબ્દ. છાંદસ રચનામાં દુર્બોધ હશે કે કેવળ વ્યાકરણ ના ઉપકરણો હશે તો તે પણ નહિ ટકે અને ગઝલ કે અછાંદસ પણ નબળા હશે તો નહિ ટકે. ગઝલ શું કામ ? માત્ર એક લગડી જેવો શેર પણ કાલની ભીંત પર શિલાલેખની જેમ કોતરાય જાય છે તેમજ એક સોનેટ પણ કેવો સરસ આનંદ આપે છે તે આ લખનારે અનુભવ્યું છે. મિત્રો સીધે સીધા સ્વરૂપની સરખામણી કરવા કરતા કાવ્યતત્વ ને માણો. કવિતા રસદા છે .
નવા કવિ થવા માગનાર માંથી મોટાભાગના સ્ટેજ, વાહ વાહ થી આકર્ષાય ને આવતા હોય છે. સર્જનનો રોમાંચ અને આનંદ પછીની વાત છે. અનુભૂતિ, સંવેદના પ્રત્યે તેઓ કેટલા સજાગ છે? આવા સામર્થ્ય વિના લખનાર આગિયા જેવા પણ ના કેહવાય. કારણ અલ્પજીવી હોવા છતાં આગિયા સ્વયંપ્રકાશિત હોય છે. આવા લખનાર ક્યારેક લોકો સુધી આવવા મંચ શોધે છે અને કોઈ તેને કીમત લઇ તે પૂરો પાડે છે. તેની સામે સિતાંશુભાઈ નો આક્રોશ છે. જોકે આવા લોકો ની પરખ પણ કાળ નહિ કરે?
લખો, ઉત્તમ લખો, વિપુલ લખો, કોઈ પણ સ્વરૂપે પણ કાવ્ય લખો. કાવ્ય ના નામે દુર્બોધ ના આવવો જોઈએ . અને દુર્ભાગ્યે, નરસિંહ થી લઇ છેલ્લા વછેરા જેવા કવિ ને નિયમિત વાંચતો હોવાથી, તેમના સંગ્રહો મારા સુધી પહોંચતા હોવાથી કહી શકું કે દુર્ભાગ્યે આજના ઘણા લખનાર માં અર્થ પામવો કઠીન લાગે છે.
રુચિર પંડ્યા
preetam lakhlani said,
August 25, 2010 @ 12:29 PM
રુચિર પંડ્યા….તમારા અભિપ્રાયમા તથ્ય છે….કાબિલે ….દાદ્….બહુ જ ગમ્યુ….પ્રથમ વાર અહિયા સાચા વાચકો એ મન મુકીને પોતાની મનની પછેડી ખોલી છે…..આભાર !!!
Dr. J. K. Nanavati said,
August 25, 2010 @ 1:17 PM
રૂચિરભાઈ ,
તમે જે કહો છો એ જ ક્ષ કવિ
Bharat Trivedi said,
August 25, 2010 @ 5:27 PM
અહીં જે મતભેદ છે તેના મૂળમાં બે બાબતો છે. એક તો કવિતાની અને કવિતા કરનારાઓની આવી બૂરાઈ કરાય જ કેમ? તેવી વાંચકની મનોવ્રુત્તિ અને બીજું વાંચકની કવિતા કોને કહેવાય તે અંગેની સમજ/અણસમજ કે પછી ઓછી સમજ.
વિદેશી સાહિત્યમાં આવી કવિતા ઘણી જોવા મળશે. નોબેલ પ્રાઈઝ વિનર વોલી સોયંકા કે જે બ્લેક પોયેટ છે તેણે તેના કુલા કાળા કેમ છે તે વિષય લઈને રંગ-ભેદની નીતિ પર જોરદાર કટાક્ષ-કાવ્ય લખેલું તેનો મારો અનુવાદ કવિલોકમાં છપાયો પણ હતો. સોયંકાનું એ કાવ્ય કાવ્ય હતું કે નહી તેનો ઉત્તર મારી પાસે તો નથી. ખેર, કવિતા નિત નવા નવા સ્વરુપે આવતી હોય છે તેને પરખવાનું કામ અધિકારી ભાવકનું છે.
સિતાંશુભાઈ સીમાંકન અને સીમોલંઘન બન્ને બરાબર જાણે સમજે છે એટલે તેમને second guess કરવાને મને તો કારણ જણાતું નથી. આ કવિતા નિમિત્તે ચર્ચાનો દૌર સારો ચાલ્યો તે આપણી જ ઉપલબ્ધિ. આવી પણ constructive ચર્ચા ચાલે તેમાં તો બધાને ફાયદો જ ફાયદો છે, સાચી વાત ને ?
-ભરત ત્રિવેદી
kishoremodi said,
August 25, 2010 @ 8:24 PM
અછાંદસ હોય કે સોનેટ હોય કે ગીત હોય કે ગઝલ હોય આપણને તો કવિતા સાથે નિસ્બત છે એવા શ્રી હર્ષદ ચંદારાણાના વિધાન સાથે હું સંમત છું.ગઝલ વિશે અમુક લોકોને સુગ છે તેના અનુસંધાનમાં મારી એક ગઝલ ઉતારું છું અસ્તુ.
દ્રાક્ષ ખાટી છે
પંડને સમજણ પડે નહિ; દ્રાક્ષ ખાટી છે,
કંઇ કશુંયે આવડે નહિ;દ્રાક્ષ ખાટી છે.
બહેર વિશે કંઇ ગતાગમ નિત પડે નહિવત્,
જાણકારી પૂરી છે નહિ;દ્રાક્ષ ખાટી છે.
કહું ઊલા મિસરો છતાંયે સાની મિસરા લગ
વાત કેમેયે વધે નહિ;દ્રાક્ષ ખાટી છે.
કાફિયાના દોષ વચ્ચે કાફિયાબંધી,
ને રદીફ કંઇપણ કહે નહિ;દ્રાક્ષ ખાટી છે.
હર ગઝલ ઇસ્લા કરીને હું મઠારું છું,
પણ ખુમારીથી ભરે નહિ;દ્રાક્ષ ખાટી છે.
રોજ સોનેટ સાંભળીને બોર થા ઉં છું,
ને ગઝલ પાછી ગમે નહિ;દ્રાક્ષ ખાટી છે.
આમ મત્લાથી લખું મક્તા સુધી કિંતુ,
આવડત ઝાઝી મળે નહિ;દ્રાક્ષ ખાટી છે.
શે’ર આમદનો કહું કેવી રીતે કિશોર ?
ફિલબદી ક્યારે ફળે નહિ;દ્રાક્ષ ખાટી છે.
આમદ= અચાનક સ્ફૂરતો શે’ર ફિલબદી= આપેલ પ્ંક્તિ પર શીઘ્રતાથી કહેવાતી ગઝલ
કિશોર મોદી
Lata Hirani said,
August 25, 2010 @ 9:32 PM
એકદમ સચોટ.. ગમ્યુ.
અછાદસ બાબતે એમણે જે લખ્યુ છે ત્યારે વિપિન પરીખનુ નામ જરુર યાદ આવે..
neerav patel said,
August 25, 2010 @ 11:20 PM
i can hardly add to what ruchir pandya has so nicely put.
or alternatively let me quote bharat trivedi –
‘આ કવિતા નિમિત્તે ચર્ચાનો દૌર સારો ચાલ્યો તે આપણી જ ઉપલબ્ધિ.
આવી પણ constructive ચર્ચા ચાલે તેમાં તો બધાને ફાયદો જ ફાયદો છે, સાચી વાત ને ?
Pinki said,
August 26, 2010 @ 8:11 AM
પણ, આ તો નવા કવિઓ માટેની ફરજથી પ્રેરાઈને લખ્યું છે,
તેમાં જો ઉપયોગીતાપણું લાગે તો ઠીક.
નહિ તો, મિત્રો, કવિ થવું એમ સસ્તું નથી, આજે ગુજરાતીમાં.
લખવું …. ઉત્તમોત્તમ લખવું પછી એ ‘ગમે’ તે સાહિત્યપ્રકારમાં લખાય !
પણ ઉત્તમોત્તમ લખાય તે જ જરુરી, આ બધી ચેતવણીઓથી ચેતીને જ લખવું…
બાકી તો ગુજરાતીમાં ‘હવે’ કવિ થવું એમ સસ્તું નથી જ નથી ….. 🙂
dhrutimodi said,
August 26, 2010 @ 8:17 AM
નીરવભાઈની વાત સાથે સમંત છું. ચૂથાચૂંથ મૂકી મન મૂકીને સારૂં નરસું શોધવાનો પ્ર્યત્ન કરીશું તો જ સાહિત્યની સાચી સેવા કરીશું મચ્છી મારકેટની જેમ ધમાલ મચાવવાથી કશું જ ઉપજતું નથી.
Dr. J. K. Nanavati said,
August 26, 2010 @ 1:55 PM
મિત્રો,
હવે હાઉં કરો…….
સિતાંશુભાઈને હેડકી એવી ચડી છે કે, કોઈ દવા
અસર કરતી નથી……..!!!!
બાકી અપને અપને કામ મે લગે રહો મુન્નાભાઈ….!!!!!
Pancham Shukla said,
August 26, 2010 @ 6:15 PM
વિવેકભાઈએ, ૧૩ એપ્રિલ ૨૦૦૬ના રોજ (૧૨ એપ્રિલ ૨૦૦૬ની કવિતા પર) ટાંકેલી મઝાની વાત આમતેમ ક્લિક કરતાં હાથે ચઢી જે આ કવિતા (હા, આ બિચારા ભાવકના મતે કવિતા ) બાબતે રજૂ કરવાની ઈચ્છા રોકી નથી શકતોઃ
અમૃત ‘ઘાયલ’ના “આઠો જામ ખુમારી”ની પ્રસ્તાવનામાં હરીન્દ્ર દવેએ કહેલી વાત યાદ આવે છે: “કવિતા હંમેશા કવિને અતિક્રમી જાય છે. કવિ જ્યારે કોઈ ભાવ નિરૂપે છે ત્યારે એના સભાન મન સામે કેવળ સીમિત અર્થ હોય છે. પરંતુ કવિતા અર્થનો વૈભવ ઊભો કરી દે છે. ભાવજગતની અસીમ શક્યતાઓ શબ્દની સીમામાં બંધાયેલી કવિતામાંથી ઊઘડે છે”.
જે આટલા બધા પ્રતિભાવોમાંથી (મને તો) અનુભવાયું!
himanshu patel said,
August 26, 2010 @ 7:20 PM
priya Himanshu,
Shri Sitanshu Mehta ni – pancham shukla dwara moklvama aaveli kavitno Jawab tane gamshe.
Pankaj shah
Aaje Kavi Thao toy shu ane Na Tho tou shy. Kon vanche? kon vichre che? Kavioni toli ane Tolioma kavi. Achandasiyane Geet Gazal nu daze. hu vainchu. saheb Borges, anna Akhmatova, Rilke, Kalidas, Narsingh, Thoda hindi kavio vanchya. tame saru lakho cho am kahi ne hasvanu. sakhi sampradayna kavione shu kahevu. Mul stre kam karu che? Mul star atle shu? 20, 50 ke 100 manasho athva to olkhitao pase prvachan aapvathi Uddhar Thavano nathi. Padmashri chndrak melavva mate keva Fanfa marya e kone Khabar? Ak Numbarna Dambhio. Gujarat Bhasani vat karanara Dolghaluo mata mari pase sara sabdo nathi. Badha maha matlabi ane….. vagere vager che. Aapnathi Thay Atlu kam chupchap karya karvu aj hitavah. Pankaj shah
Dr. J. K. Nanavati said,
August 26, 2010 @ 9:36 PM
હિમાંશુભાઈ,
આ જ બોક્સમાં સરસ ગુજરાતી લખી શકાય છે….
પ્રયત્ન કરજો……
મઝા આવશે….
અમને પણ…
જગદીપ
વિવેક said,
August 27, 2010 @ 1:02 AM
કવિતાનો શ્રેષ્ઠ વિવેચક છે સમય…
ક્યારેક કોઈ કવિ એની સામાજીક પ્રતિષ્ઠા, યોગ્ય “મેનેજમેન્ટ”ના કારણે અને વિવેચકોની નપુંસક્તાના કારણે તત્કાલિન સમાજમાં અગ્રસ્થાન ભોગવતો હોય છે અને જાત-જાતના પુરસ્કારો પણ અંકે કરતો હોય છે… પણ એના સર્જનમાં સત્વ નહીં હોય તો સમય એને ભૂંસવામાં કોઈ રહેમ દાખવતો નથી…
નરસિંહ-મીરાં આજે પાંચસો-સાતસો વર્ષ પછી પણ એવા ને એવા તરોતાજા છે… ‘મરીઝ’ના અવસાનના દાયકાઓ બાદ પણ એનો ગઝલસંગ્રહ સતત પુનર્મુદ્રિત થતો રહે છે. સિતાંશુભાઈની જે ચાર-પાંચ કવિતાઓ હું સમજી શકું છું એણે સંમોહિત કર્યો છે. મારી ક્ષમતાની બહારની ઘણી કવિતાઓએ મને ચકિત કર્યો છે અને મારી અલ્પતાની ખાતરી કરાવી છે.. પરંતુ પ્રસ્તુત કવિતાએ મને ઉમાશંકરની ઉક્તિ દોહરાવવા મજબૂર કર્યો છે કે “કવિતા! ક્યાં છે તું, કવિતા?”
…આખરી વિવેચનનું કામ સમય પર જ છોડી દઈએ….
chinumodi said,
August 27, 2010 @ 1:52 AM
kavita koi pan swaroope ave , e ave eno mahima 6 …
kavita geet rupe ave ke gazal roope , sonet ke achhandas roope ,
kavita kavita thavi joiye.. su koh 6o mehtaji
chinumodi said,
August 27, 2010 @ 1:52 AM
kavita koi pan swaroope ave , e ave eno mahima 6 …
kavita geet rupe ave ke gazal roope , sonet ke achhandas roope ,
kavita kavita thavi joiye.. su koh 6o mehtaji ?
Ruchir Pandya said,
August 27, 2010 @ 2:33 AM
મુરબ્બિ ચિનુભૈ અને વિવેક્ભૈ જે કહે ચ્હે તે હુ પેહેલા જ કહિ ચુક્યો ચ્હુ અને તે સત્ય ચ્હે .
રુચિર
Dr. J. K. Nanavati said,
August 27, 2010 @ 4:13 AM
કવિતા એટલે લય બધ્ધ, છંદોબધ્ધ થયેલ્,
શ્રાવ્ય, પ્રાસાનુ પ્રાસ સાથે રજુ કરાતી
રચના જેમા કવિ પોતાનો ભાવ ઉત્તમ રીતે
રજુ કરે, પછી એ ભાવ કોઈ પણ પ્રકારનો
હોઈ શકે….અને તે સુગમ હોય….
અછંદાસ રચના આમાની કોઈ પણ શરતો પુરી કરતી નથી..
હા ભાવ હોઈ શકે, જે ગદ્યમાં પણ વ્યક્ત કરી શકાય
આવું લખનારને રચનાકાર જરૂર કહી શકાય…
કારેલાનુ પોતાનુ આગવું મહત્વ હોય , પણ તેને મિઠાઈ
તો ન જ કહેવાય
preetam lakhlani said,
August 27, 2010 @ 7:26 AM
પ્રિય ચીનુ કાકા,
તમારો અભિપ્રાય વાચી આનદ થયો, ભરત ભાઈ હવે કવિતા લખતા નથી એટલે કદાચ વિવેચક તરફ ઢળિયા લાગે છે…ચીનુ ભાઈ, આપણે હમણા ગયા મહિને મિત્ર અશરફ સાહેબના ધરે મલેલા ત્યારે આજ વાત આપણે મધુરાય સાહેબ સાથે કરેલ અને આપણે જાણિએ છીએ કે મધુ રાયને ગઝલ પ્રત્યે કેટલો પ્રેમ છે?…..બાકી આ ચચા અહિયા કરિને મને લાગે છે કારણ વિના પેટ ચોળીને શુળ ઉભુ કરવા જેવુ તો ખરુ ?…કુશળ હશો/છુ……કારણ વિના મારે પણ આ વેબ પર્ કોઈ “Opinion” લખવો જોઇએ નહી…..આ અકાવ્યને કારણે મજા આવી ગઈ કે પછી સજા…જે કઇ પણ હોય પણ ધણા મિત્રોએ opinion જણાવ્યો તે જ કવિતાની મજા છે……
dhrutimodi said,
August 27, 2010 @ 8:32 AM
આમ જુઑ તો કાકા કાલેલકરના નિબંધો પણ કવિતા જ છે, કવિતા કોઇ પણ રૂપે આવે પણ તે કવિતા હોવી જોઈઍ. હું વિવેક અને ચિનુ મોદી સાથે સહમત છું. કોઇ રાજાના રાજમાં જે કંઇ કહેવું હોય તે ગાઇને કહેવું પડતું સીતાંશુભાઈઍ ફકત તે મુજબ પોતાની વ્યથા અછાંદસમાં રજૂ કરી છે.
dhrutimodi said,
August 27, 2010 @ 8:35 AM
આભાર માનો સીતાંશુભાઈનો કે જેમણે સાહિત્ય હિતચિંતકોને જાગતા કરી દીધા છે.
Pinki said,
August 27, 2010 @ 8:41 AM
કવિતાની મજા તો બધાંને જ આવી છે.
કારણ, તેમાં કહેવાયેલી વાત તો સાચી જ છે.
તેને અછાંદસ ન કહેતાં ગદ્યકાવ્ય ‘Prose Poem’ કહીએ તો… ?
આ જ વાત, શીરાની જેમ ગળે ઊતરી જશે…?!!!
preetam lakhlani said,
August 27, 2010 @ 9:27 AM
ન્નો આભાર આપણે કયા કારણે માનવો ?….કારણ વિનાનો લોકોનો સમય બગાડ્યો, મને નથી લાગતુ કે તેમનુ આવુ લખવાથી કાવ્ય જગતમા કઈ ફરક પડે…..અહિયથી આ ચચા બધ કરીએ તો વિષેસ યોગ્ય રહશે…….કારણ વિના સીતાંશુભાને આપણે hero બનાવિ રહ્યા છીએ..?
Pancham Shukla said,
August 27, 2010 @ 9:49 AM
ઘણા વખતે લયસ્તરો પર આવી મુક્ત અને મનનીય ચર્ચા માણવા મળી. એ બદલ આ કવિ અને કવિતાને વધાવવી ગમે છે.
જે તે યુગમાં જે તે કવિઓએ એમને ઉપલબ્ધ વાચન, સમાજ અને માન્યતાઓ મુજબ સમાજને વિચારતા કર્યા હતા. પોતાની શક્તિઓ અને ત્રૂટિઓ બધું પ્રગટ કર્યું હતું. નરસિંહ/મીરા, અખા/ભોજા, નર્મદ/દલપત, કલાપી/મેઘાણી/બકઠા/કાન્ત/શયદા, ઉમાશંકર/સુંદરમ/શ્રીધરાણી/મરીઝ/શૂન્ય/ઘાયલ, સુ.જો/ભગતસાહેબ/રાજેન્દ્રશાહ અને સંખ્યાબંધ આધુનિક કે અનુઆધુનિક કવિઓ/ગઝલકારો/ગીતકારો, એ સહુની આગવી રીતિ/નીતિ હતી/છે. આ દરેક કવિઓ મને વાંચવા અને સમજવા જેવા લાગે છે. અને જેને કવિતા લખવી હોય એના માટે તો આ બધું તાલિમનો ભાગ ના કહેવાય?
આમાં શાસ્ત્રીયસંગીતના ઘરાનાની વાત પણ પ્રસ્તુત લાગે છે. સબળ/જાણીતા સંગીતકારોના ઉદાહરણો દર્શાવે છે કે કોઈ એક ઘરાનાની પ્રખર તાલિમ લઈ અન્ય ઘરાનાના, પોતાની પ્રકૃતિને અનુરૂપ, તત્વોનો આગવી રીતે ઉપયોગ કરવો.
એવું પણ આપણા વાંચવામાં આવે છે કે અમુક ભાવ અસરકારક રીતે રજૂ કરવા સોનેટ તો અન્ય ભાવ/વાતો/સંવેદન માટે ગીત કે ગઝલ કે અછાંદસ વધુ અનુકૂળ રહે.
આ કવિએ એમને જે વાત કરવી છે એ, જે અંદાજ/દૃષ્ટિબિંદુ/વાકછટા/કાકુ દ્વારા મૂકી બતાવી છે એ અંદાજમાં કોઈ બીજા સમર્થ કવિ(ગઝલકાર/ગીતકાર) એમની વાત એમને ગમતા કાવ્યપ્રકારમાં રજૂ કરે પછી આપણે એ બે કવિતાઓની બાની, કથિત વ્યંગનું કિવાં પૂર્વગ્રહોનાં વાચ્યાર્થ/ધ્વન્યાર્થ મુજબ મેક્રો/માઈક્રો અનાલાએસિસિ કરી અને કવિતાતત્વ પર તુલનાત્મક વિચારણા કરીએ તો વધુ ઉપકારક નીવડે એમ નથી લાગતુ?
શું મુક્ત અભિવ્યક્તિની કવિતાઓ અને કવિઓની આપણને જરૂર નથી? શું આપણે પણ મુદ્રિત સામાયિકોની જૂથબંધી જેમ આપણા કેટલાક કવિઓને બ્લોગનિષ્કાસિત કરવા છે? ના મને લાગે છે ત્યાં સુધી લયસ્તરો મુક્તખેલનું મેદાન છે જેમાં બધા જ પ્રકારના કવિઓ, કાવ્યપ્રકારો અને પ્રતિભાવોનો સમાવેશ થાય છે. હા ભિન્ન ભિન્ન મતો તો હોય. અને એની જ તો મઝા છે ને સાચા કાવ્યભાવક બનવા માટે.
મને લાગે છે કે આપણા જેવા ભાવકો સુધી નીચે જણાવ્યા મુજબના અધિકારી વિદ્વાનોના વ્યાખ્યાનો મુદ્રિત/ ઑડિયો/વિડિયો નેટ પર ઉપલબ્ધ થાય તો વિષયવૈવિધ્ય અને અરૂઢ કવિતા સમજવી થોડી સહેલી બને. આ માહિતી આજે જ ઈમેલમાં મળી છે જે સહુની સાથે વહેંચું છું.
——————
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ‘સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી’નું આયોજન થયું છે. સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
આ શ્રેણીનું પાંચમું વ્યાખ્યાન નીચે પ્રમાણે છે:
વિષય: સંસ્કૃત શબ્દશક્તિઓ અને પાશ્ચાત્ય શબ્દાર્થવિચાર
વક્તા: ડૉ.અજિત ઠાકોર
તારીખ: ૩૧ ઓગસ્ટ ૨૦૧૦
સમય: સાંજે ૫.૦ થી ૬.૩૦
સ્થળ: ગોવર્ધનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ
Bharat Trivedi said,
August 27, 2010 @ 10:46 AM
પ્રીતમભાઈ,
તમને એ જાણીને આનંદ થશે કે ભરતભાઈનું કવિતામાં યોગદાન યથાવત જ છે પરંતુ લખાય તે બધું જ છપાવવાનો કે કાવ્ય- સંમેલનોમાં પહોંચી જવાની હવે ઈચ્છા જ રહી નથી. અશરફના પ્રસંગે તેનો ખૂબ આગ્રહ ( ચિનુભાઈને મારું બાવળુ ઝાલીને ખેંચી લાવવાનું કામ સાંપવા છતાં!) ને ખાસ તો એક સાથે બધા મિત્રોને મળવાનું થશે તેવી લાલચ હોવા છતાં હું જઈ શક્યો ના હતો! તમારું લખવાનું ચાલુ જ હશે.
-ભરત ત્રિવેદી
અધીર અમદાવાદી said,
August 27, 2010 @ 11:29 AM
પંચમ ભાઈએ લીંક મોકલી એટલે અહી આવી પડયો છું. સિતાંશુભાઈની વાત અમારા જેવા પ્રાસના ત્રાસ મચાવતા નવલોહિયાઓ માટે ચાબખા સમાન છે. પણ આપણું ખાતું શાહ્બુદ્દીન ભાઈના વનેચંદ જેવું છે, વનેચંદને એ સમજાતું નહોતું કે પ્રિન્સીપાલ મારે છે કેમ ?
આ અઘરી કવિતાઓ, ગઝલો કે એને જે નામ આપો તે, અને એના રચયિતા મહાનુભાવો માટે આપણે ગુજરાતીઓ એ ગૌરવ લેવાનું કારણ કે આ મહાનુભાવોની રચનાઓ હવે ભણાવવામાં આવે છે. એમને કેટલાક મેડલો/ઇલ્કાબો મળ્યા હશે. અને સિતાંશુભાઈએ કીધુ તેમ મુશાયરાઓમાં ખાસ પ્રયત્નો વગર સ્થાન મળ્યું હશે. પણ મને એ રચનાઓમાં ક્યાંતો ખબર નથી પડતી અથવા તો રસ નથી પડતો. અથવા તો ખબર ન પડવા ના કારણે રસ નથી પડતો. મારા જેવા લોકોની સંખ્યા પણ ઘણી મોટી હશે. આગળ કિશોરભાઈએ કીધું તે એકદમ બરોબર છે, ‘સોનેટ સાંભળી હું બોર થાઉં છું’. આથી વિરુદ્ધ સાક્ષરો દ્વારા વખોડાયેલા, છંદ વિ. ની અલ્પસમજ ધરાવતા કવિઓ હશે, જેને કદાચ ગુજરાતી સાહિત્યના વિદ્વાનો કવિમાં ગણતા જ નહિ હોય. પણ આવા કવિઓ અછાંદસ, અર્ધ છાંદસ કે જે કહો તે રીતે સરળ ભાષામાં પોતાના વિચારો રજુ કરી જાય છે, અને જે લોકો સમજી પણ શકે છે અને માણી પણ શકે છે.
હવે આ વાત સત્યજિત રે ની ફિલ્મો સામે મનમોહન દેસાઈની ફિલ્મો જેવી થઇ. આર્ટ ફિલ્મોએ એવોર્ડ મેળવ્યા, વિવેચકોની વાહવાહ પણ મેળવી. આ ફિલ્મો અને સર્જકોનું એક સ્થાન છે તો બીજી તરફ મનમોહન દેસાઈ જેવાઓએ સાચા અર્થમાં લોકોને મનોરંજન આપ્યું. મનમોહન દેસાઈની જ્યારે અનેક ટીકાઓ થતી ત્યારે તેમણે કહેલું કે મારી ફિલ્મો આમ જનતા માટે છે અને એ લોકો દસ રૂપિયા ખર્ચીને આનંદ મેળવવા આવે છે, અને હું લોકો ને આનંદ આવે એ માટે ફિલ્મ બનાવું છુ. અને એ નિર્વિવાદ છે કે સત્યજિત રે જેવાઓ કરતા મનમોહન દેસાઈ જેવાઓ એ લોકોને વધારે મનોરંજન આપ્યું છે.
માટે જેમને જે ગમે છે કે ફાવે છે તે લખવા દો અને પ્રજાએ જેને માણવો હશે તે પોતે જાતે નક્કી કરશે.
"માનવ" said,
August 27, 2010 @ 12:34 PM
સરસ
Ruchir Pandya said,
August 27, 2010 @ 2:16 PM
આપ સૌ સર્જકો છો. આપ એ વાત જાણી શકશો કે આ ચર્ચા માં બે પ્રકારની દલીલો થઇ રહી છે. કેટલાક સમતોલ અને હેતુલક્ષી મુદ્દો ઉઠાવે છે અને ચર્ચા ને સ્વસ્થ રીતે લે છે. જ્યારે ક્યાંક ક્યાંક આત્યંતિક(extreme ) વિધાનો થાય છે.. ફરીથી એક વાત નું ધ્યાન દોરું કે છાંદસ અને અછાંદસ એવા ચશ્માં ચડાવીને કૃતિને માણવાની જરૂર જ ક્યાં છે. હશે. કેટલાક સૂગાળા વિવેચકોએ તે સમયની ગઝલ ની માત્ર મર્યાદાઓ જોઈ તે તેમની ભૂલ હશે. પણ તેથી છંદ કે છાંદસ રચના સામે વૈરવૃત્તિ શું કામ? કોઈ એમ કહે કે મને છાંદસ કે સોનેટ વાંચતા કંટાળો આવે છે તો આવી વાત કરનાર ઘણું ગુમાવે છે-જે રીતે ગઝલની ગુણવતા જોયા વિના ટીકા કરનારે ગુમાવ્યું તે જ રીતે. ભલા માણસ કવિતા શું કહે છે તેની તરફ કાન તો માંડો. અલબત સૌની પોતાની મરજી હોય છે. રૂચી હોય છે
બીજી વાત, વિવેચકો હેતુલક્ષી હોવા ઘટે. જો તેઓ ના હોય તો તે વિવેચન ની મર્યાદા નથી.પણ વ્યક્તિગત મર્યાદા છે આ લખનાર M .com , M .Phil (Commerce) છે છતાં કોઈ પણ સાહિત્ય અને તેનું વિવેચન રસપૂર્વક વાંચે છે. પરબ હોય કે શહીદે ગઝલ હોય કે ધબક હોય કે શબ્દ્શ્રુષ્ટિ હોય. મિત્રો વિવેચકો દોષિત હોય શકે વિવેચન નહિ . વિવેચન માત્ર દોષ-દર્શન નથી . તે સર્જકને હજુ સુંદર, સંપૂર્ણ લખવા પ્રેરે છે. અને આખા લેખ માં સર્જકા ના વખાણ કર્યા પછી એકાદ ફકરામાં થોડા સાચા દોષ પણ તતાષ્ઠા ભાવે ના બતાવવા? જો સર્જક એવું માનતો હોય કે પોતાનું લખેલ બધું સોનાનું તો આવું માનનાર સર્જક નો અહં કેવો ઉગ્ર છે?
અને હા , અધીરભાઈ આપનો પુણ્ય-પ્રકોપ દુર્બોધ સામે છે . વાત સાચી છે . કવિતા અર્થપૂર્ણ હોવી જોઈએ . પણ તે માત્ર સીધું પ્રત્યાયન બનીને નાં રહેવી જોઈએ . ધીમે ધીમે તેનો અર્થ સમજાય અને તે ઘૂંટાય અને તેનિ સુન્દરતા ધીરે ધીરે અનાવૃત થાય તેની પણ મજા છે હો.
નાના મોઢે મોટી વાત કરનાર
રુચિર પંડ્યા
tirthesh said,
August 28, 2010 @ 12:46 AM
હું કોઈ કવિ કે વિવેચક નથી-માત્ર ભાવક છું. મને ન તો આ કવિ સામે કોઈ વાંધો છે કે ન તો અછાંદસ કાવ્યપ્રકાર સામે. મને તો આ લખાણમાં ક્યાંય અછાંદસ કવિતા જ ન દેખાઈ-અથવા વધુ સાચું કહું તો કવિતા જ ન દેખાઈ. મારી સમજણ અધૂરી અવશ્ય હોઈ શકે-હશે જ-પરંતુ આ ચર્ચાનો અભ્યાસ કર્યા બાદ મારી સુજ્ઞ ચર્ચાકારો તેમજ અન્ય કાવ્યરસિકોને નમ્ર વિનંતી કે આ કાવ્યની વિશદ છણાવટ જો કોઈ કરે તો વધુ સમજણ કેળવી શકાય. બાકી કોઈ જો એમ કહેતું હોય કે અછાંદસ રચના એટલે ‘કંઈપણ’ લખી શકાય,તો તે વાત ગળે ઉતરતી નથી.
Pinki said,
August 28, 2010 @ 4:13 AM
રુચિરભાઇની આપની વાત સાથે હું સો ટકા સહમત છું.
કવિતા કે લખાણ શું કહે છે તેની પર ધ્યાન આપવું વધુ જરુરી છે.
પોતાનાં પૂર્વગ્રહ કે થોડે ઘણે અંશે વ્યક્તિગત મર્યાદાને આધારે જ વિવેચન તો થશે
આપણે જ નીરક્ષીરવિવેક રાખી તેને સમજીએ અને માણીએ તે વધુ યોગ્ય રહેશે.
Bharat Trivedi said,
August 28, 2010 @ 6:23 AM
ગુજરતી સહિત્યમાં અછાંદસમાં લખતા કવિયોમાં સિતાંશુ અને લા.ઠા.નું સ્થાન ક્યાં આવે ? ઉપરાંત કમિટમેન્ટ સાથે લખનારા કવિ તરીખે ઓળખવામાંય તમને વાંધો ખરો? કહેવાય છે કે રસાત્મકમ વાક્યમ કાવ્યમ. અનુવાદ કરવાની જરુર ખરી? માનીએ કે આ કવિતાના મસાલાને મારા જેવો કોઈ કટાવ છંદમાં કે પછી દોહરામાં ફેરવી દે તો તેના નવા ચહેરાને કવિતા માનવામાં આટલો સંકોચ કે ઉધામા રહે ખરા? કવિતા તેના બાહ્ય કવેલરથી નથી બનતી પણ તેના હાર્દમાં શું ગર્ભીત રહ્યું છે તે પરથી પમાય છે. કવિતા આંગળિ ચીંધીને થોડી જ બતાવી શકાય છે!
કોઈ આફ્રિકન બીજા આફ્રિકનને નિગર કહી સંબોધે તો કોઈ મોટી ધાડ પડી જતી નથી પરંતુ તમારા-મારા જેવો એવું કરવા જાય તો માંઘું પડી જાય! એક કવિ કવિતા અંગે વાત કરેતો તેમાં ઔચિત્ય ભંગનો પ્રશ્ન ઊભો ના થવો જોઈએ તેમ મારું માનવું છે.
આ આખી ચર્ચાના પાયામાં “કવિતા” નથી પણ “કથન” છે એવું મને તો લાગે છે. વર્ષો પહેલાં ક્યાંક વાંચેલુ યાદ આવે છેઃ Truth doesn’t hurt unless it aught to.
હવે બહુ થયું વાત પર પદડો પાડવો જ રહ્યો.
-ભરત ત્રિવેદી
AKHIL sutaria said,
August 28, 2010 @ 9:34 AM
તિર્થેશ, હું યે ભાઇ તમારા જેવો જ ! આટઆટલા વર્ષો પછી એ જ શિક્ષકના અવાજે મને ‘કવિતા’ સમજવા સરળતા કરી આપ્યાનો આનંદ છે. પણ હવે તમારી જેમ જ અહિ વિદ્વાનો દ્વારા ચાલી રહેલી આ ચર્ચા રસપૂર્વક વાંચીને મૂંઝવણમાં વધારો થઇ રહ્યાનું અનુભવાય છે. કોમનસેન્સ મુજબ .. જેટલું સમજાય, જેટલું ગમે અને જે ગવાય (કે ગણગણાય) તેને જ કદાચ કવિતા કહેતા હશે. બાકી ભાવનો સ્પર્શ કરવા છ–ગન, મ–ગન કે ગ–ગન થી કોઇ ફેર પડવો ના જોઇએ અથવા તે માટે કઇ ઇન્દ્રિય કામ કરે તે જાણતો નથી. આ બ્લોગના / લયસ્તરોના એડમીનને પોડકાસ્ટની એમપી3 ફાઇલ માટે કરેલ વીનંતી આ ચર્ચામાં ક્યાંક દબાઇ ગઇ લાગે છે.
Girish Parikh said,
August 28, 2010 @ 11:17 AM
‘લયસ્તરો’ મુક્તક http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યું છે. સાથે આ નોંધ પણ મૂકી છેઃ
‘લયસ્તરો’ ગુજરાતીમાં સર્જન કરતા કવિને નોબેલ પ્રાઈઝ મેળવવામાં કઈ રીતે મદદ કરી શકે એ વિશે ‘ગુજરાતી સાહિત્યકાર અને નોબેલ પ્રાઈઝ’ લેખમાળામાં લખવા પ્રયત્ન કરીશ. –ગિરીશ)
Sanjay Pandya said,
August 30, 2010 @ 7:21 AM
સિતાંશુભાઇના આ કટાક્ષ કાવ્ય ઉપર ઘણી ચર્ચા થઈ …સરસ કાવ્ય છે ! .. ચર્ચા પણ !! …
કવિના અણગમાને થાંભલાની જેમ પકડી રાખ્યા વગર વાંચીએ તો આનંદ આવે …ગીત ગઝલ કે દોહામાં આનંદ આવે છે એમ જ !
-સંજય પંડ્યા
satayam.algari said,
August 30, 2010 @ 8:16 AM
ગુજરતી સહિત્યમાં અછાંદસમાં લખતા કવિયોમાં સિતાંશુ અને લા.ઠા.નું સ્થાન ક્યાં આવે ? ભરત ભાઈ સાચુ કહુ તો પેલા ૫૦૦૦મા તો નહી જ્!!! આ બનેને કારણ વિનાના બહુ જ ધોડે ચઢાવી દીધા છે ઓ મારા ભાઈ પણ થાય શુ ઉજડ ગામમા એરડિયો પ્રધાન્!!!!
Bharat Trivedi said,
August 30, 2010 @ 11:32 AM
સત્યમભાઈ,
પેલા ૫૦૦૦ના લિસ્ટની તમે ફરી ક્યાં લઈ બેઠા? મારી બાબતમાં તો ભાઈ એવું છે કે તેમાં સૌથી પહેલો હું આવું અને છેલ્લો પણ હું જ હોઉ ! “ઉજડ ગામમા એરડિયો પ્રધાન્!!!!” તમે કહ્યું ત્યારે સિતાંશુંભાઈની આ કવિતા તમને થમાવી દેવી પડશે- સકારણ.
એરંડો
સિતાંશુ યશશ્ચંદ્ર
આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું,
એરંડો
ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા
ઉગાડી શકું છું ફળની સાથોસાથ, મૂળિયાં
મારાં ઊંડાં છે, ને મજબૂત,
ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી ચીતરેલી છે.
સૂકીભઠ આ જમીનની અંદર
જળ ક્યાં છે
એની મને જાણ છે.
પાણીકળાઓ મારાં મૂળિયાંમાંથી લાકડીઓ બનાવી લે છે.
હાઈડ્રોલિક એન્જિનિયરો મારી પાસે ભણે છે.
પથરાઓ પાણીદાર છે, ધૂળ ને ઢેફાં યે ભીનાશવાળાં છે,
સૂરજે સળગાવી નાખેલા આભમાં ઝાકળજળ ક્યારે આવી પહોંચે છે,
ને આપણી આંખોમાં, એની
રજેરજ માહિતી મારી પાસે ન હોય
તો, તમે શું માનો છો? – હું આમ ટકી રહ્યો હોત
આપણી સમઝણના જોખમી છેવાડે?
સીમાડે ને છેવાડે જે આજે થાય છે
તે આવતી કાલે બગીચાઓમાં ને તુલસીક્યારાઓમાં થવાનું છે,
એ વાત કહેવા માટે હું આપણી ભાષાનો ઉપયોગ કરું છું.
ત્રિકાળજ્ઞાનીઓ વરસે એકવાર મારાં પાંદડા ચાવે છે, આંતરડા સાફ
કરી લે છે, ને પછી સારામાઠા વરતારા કરે છે.
વાણી વાપરવાની એ રીત આપણે ભૂલી ગયાં છીએ,
બલકે ગમતીલી ગફલતોમાં નાખી વાણીવિશારદોએ
એ આવડત સિફતથી સેરવી લેધી છે, આપણી પાસેથી.
“ ગુજરાતી ભાષાનું શું થશે? “ – એવું પાછા પૂછે છે
આ વિશારદો.
એરંડો.
આબાંવાડિયાં વઢાઈ ચૂક્યાં છે.
બચેલાં પર પાટિયાં લટકે છે: ફોર એક્સપોર્ટ ઓન્લી.
ગામ આખાનાં આંબાવાડિયાં વેચાઈ ચૂક્યાં છે.
જે કંઈ ઊગશે આપણે માટે એ હવે ગામની બહાર ઊગશે,
આપણી ઈચ્છાઓના અંત્યજવાસની જરાક આગળ.
કાંટાળી ડાળીઓ પર ઝૂલતાં રસભર્યાં ફળોનો સ્વાદ
આપણી જીભ એ રીતે જાણે છે
જે રીતે કોશેટાની ઈયળ ઊડવું કેમ એ જાણે છે
આવતી કાલે.
એ આવતી કાલની વાત આપણી બોલીમાં કેમ કરવી,
એ મને આવડે છે.
શીખવી હોય તો શીખવાડું,
મફતમાં,
તે સહેલી છે,
સહજ,
એરંડા જેવી.
એને ક્યાં ઉગાડવો પડે? સાચવવો પડે? સીંચવો પડે?
આફુડો ઊગે, ધરાર ઊગે, નિશ્ચે ઊગે આવતી કાલ જેવો-
જે આજ કરતાં જુદી હોય.
આજ કરતાં અલગ હોય એને જ આવતી કાલ કહેવાયને?
આજના જેવી જ આવતી કાલોની ટેવ આપણને પડી ગઈ છે, ક્યારની.
અજાણી આવતી કાલથી ડરવું શેનું? પતંગિયાથી, પંખીથી, નવજાત બાળકથી?
આજના છેક છેડે ચાલું છું હું, આગળ આગળ, બીજ બનીને, ઊડું છું,
અજાણી, ઉત્તેજિત કરતી, ધારદાર, પાણીદાર,
પિતા જેમ પડકારતી તોય મા જેમ પંપાળતી,
પથરાઓ ને પાણાઓથી ભરી ભરી,
એક આઘેની,
ઘણી આઘેની જગ્યા તરફ;
ચાલોને?
AKHIL sutaria said,
August 30, 2010 @ 7:33 PM
મુ. ભરતભાઇ,
આપનું ઇમેઇલ આઇડી જણાવશો ? સીધો સંપર્ક કરવા ઇચ્છું છુ.
અખિલ – 9427222777, વલસાડ, ગુજરાત.
AKHIL sutaria said,
August 30, 2010 @ 7:43 PM
ભરતભાઇનો મને પરિચય નથી,
પણ આ શબ્દોએ
શક્તિસંચાર કર્યા જેવું લાગ્યું.
પ્રેરીત કર્યો.
જાતને તપાસવાની તક આપી.
ધન્યવાદ ..
અખિલ.
Bharat Trivedi said,
August 30, 2010 @ 7:59 PM
અખિલભાઈ,
my email address is: bharattrivedi@sbcglobal.net
Pinki said,
September 1, 2010 @ 1:14 AM
આ વાદ કે તે વાદ… !
પ્રતિભા ઠક્કરની આ રચના ઘણું કહી જાય છે.
સિતાંશુજીની કવિતા માટે પણ …. 🙂
http://webmehfil.com/blog/2010/09/01/%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%95%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D/#respond
Ruchir Pandya said,
September 1, 2010 @ 11:16 AM
કવિતા એ તો દવા…..નહિ કે વાદ્….
રુચિર
Pancham Shukla said,
September 1, 2010 @ 5:48 PM
કવિશ્રી ઉમાશંકર જોશી ‘કવિતા અને કવિ’ વિશે શું કહે છે? આજે જ ઑનલાઈન નજરે ચઢ્યું. આ પોસ્ટ પરની ચર્ચાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકે એવું લાગ્યું એટલે સહુ મિત્રોને વંચાવવાની લાલચ જતી કરી શકતો નથી.
કવિતા અને કવિ – ઉમાશંકર જોશી
http://www.readgujarati.com/2010/09/01/kavita-kavi/
chintan said,
September 2, 2010 @ 4:40 AM
અહીં ખરેખર વાત ક્યાં થી ક્યાં પહોંચે છે?
સિતાંશુ ભાઈ એ માત્ર પોતાનો મત વ્યક્ત કર્યો છે,
કેવી કવિતા ને સારી કહી શકાય એવો કોઈ જ ઠરાવ પસાર કરી કરાવી જ ન શકાય,
કવિ થવું અઘરું છે પણ એથી વધુ અઘરું છે એજ કવિ ના મન ને આળખવું.
એમનાં કવન ગમ્યા તો ઠીક…
આગળ ની વાત જ નહીં.
અહીં ઉપર એક મુરબ્બી એ કોને કવિતા કહેવાય એની વ્યાખ્યા આપી છે
અને દાવો કર્યો છે ક અછાંદસ ને કવિતા તરીકે કેમ સ્વીકારી ન શકાય,
આ વાત જ તદ્દન ખોટી છે.
કવિતા અરૂપ છે,
મન ને જે ગમે એ કવિતા.
વ્યક્તિ કવિતા ત્યારે જ લખે જ્યારે એ પોતાની કોઈ લાગણી ને સીધા સાદા બોલચાલ નાં શબ્દો માં વ્યક્ત ના કરી શકે,
અહીં કવિ નાં ભેદ પાડવા નો પણ કોઈ અર્થ નથી,
અને જો કોઈ કવિ ની રચના આપડે સમજી ન શકીએ તો એ આપણી ઓછી બુદ્ધિક્ષમતા છે.
બસ એકવાર એવો પ્રયત્ન કરવો જોઈએ,
પોતાને કવિ ના સ્થાને મુકવાનો.
કવિ પોતે જો પોકળ હશે તો એ એની પોતાની ખામી છે, કવિતા ની નહીં,
કવિતા નું કવિ થી અલગ જ એક સ્વતંત્ર અસ્તિત્વ છે.
તમને ગમ્યું તો ઠીક ન ગમે તો કંઈ નહીં.
અને સાચે જ સિતાંશુ ભાઈ ને દાદ આપવી પડે કે એમની કવિતા ઉપર આટ્લી લાંબી ચર્ચા થાય છે,
અને આગળ પણ કરવી ગમશે.
Rutul said,
September 3, 2010 @ 12:10 PM
સિતાંશુ યશચંદ્રએ અદભુત લખી નાખ્યું છે અહી. નવા-જુના બંને કવિઓ માટે આ ગાઈડલાઈન્સ સમાન છે. આમાં ખોટું લગાડવાની વાત નથી પણ કવિ તરીકે વધારે ચોક્કસ સ્વ-મૂલ્યાંકનની વાત છે. સિતાંશુએ જટાયુમાં કહ્યું છે તે પ્રમાણે ‘હું મરજીવો નથી, સમુદ્રમાંથી બહાર આવું ત્યારે મારા હાથમાં મૂઠો ભરીને મોટી ન હોય, કવિ છું હું, જે છે તે કેવળ મારી આંખોમાં’.
ગઝલ પેટ વિભાગમાં જરા નીચે તરફ હોય – આવું લખનાર સિતાંશુ યશચંદ્રએ મરીઝના ગઝલ-સંગ્રહ ‘નકશા’ની પ્રસ્તાવના લખી છે અને સરસ રીતે લખી છે. તેથી તેઓ કોઈ એક કાવ્ય પ્રકારની વિરુદ્ધ છે તેવું તો ના જ કહી શકાય. જો કે આ સરખામણીથી ધૂંધવાયેલા એક ગઝલ-પ્રેમી મિત્રએ હસતા-હસતા એવું કહેલું કે કાવ્ય પ્રકારોને શરીર-વિજ્ઞાન સાથે સરખાવવું જરા વિચિત્ર છે કારણકે બધા જ કુદરતી સર્જનોની કુદરતી શરૂઆત તો છેવટે વિભાગના જરા નીચેની તરફથી જ થાય છે!
Rutul said,
September 3, 2010 @ 12:12 PM
*મોટી = મોતી વાંચવું
વંદના શાન્તુઇન્દુ said,
September 15, 2010 @ 9:42 AM
વાત બધે બધી સાચી ,બેઉ પક્ષની સાચી પણ જ્યાં વાડાબંધી જ ચાલતી હોય ત્યાં પોત પોતાના વાડામાં
વધારે ઘેટા ભરવાની હરીફાઇ ચાલે અને ઘેટા તો મળી જ રહેને ? ને વાડ હોય પછી વેલાને ચડતા કેટલી વાર ?ને દલાતરવાડી પણ બે-ચાર રીંગણા લે કે નૈ ,હે ?તો આ વાડાબંધી વિશે કોણ બોલશે ?ને સોય ઝાટકીને કોણ કહેશે કે બંધ કરો આ બધું.કે પછી બધું મભમ …મભમ !
બાકી સિતાંશુભાઈ પાસે કવિતા માનીને જે કૈ લઈ ને જઈએ તો ધીરજથી સાંભળે ,એ પણ પ્રેમ પુર્વક એ મારો અનુભવ છે . એમની કવિતા ભલેને અઘરી હોય પણ તેઓ માણસ તરીકે અઘરા નથી એ આપણા સહિત્યની ઉપલબ્ધિ નથી ?
sagar said,
April 9, 2012 @ 1:49 AM
હુતો લખુ મારિ રિતે તમારે શુ,
વિચારો નો વરસાદ જિતે તમારે શુ .
ડહાપન બહુ જજુ મનુસ્યો મા.
Niraj Mehta said,
April 2, 2019 @ 3:20 AM
અરે કવિતા લખવી એ તો કવિના સ્વતંત્ર વિચારો છે પણ કવિતાને અમુક લયબદ્ધ અને અલંકાર બદ્ધ ને વળી છંદ બદ્ધ લાવવી તે ભાષાના વિચારો છે,
આમ જો કવિ અને ભાષાના વિચારો અનુસ્થાનેથી અલગ હોય તો શું કરવું તે ખરેખર વિચારવા લાયક છે….?
નદીઓ ની બાજુમાં બેઠા હોય અને કવિને વિચાર આવે કે કવિતા લખવી છે અને એ જે વિચાર નીકળે એ સ્વતંત્ર કવિનો વિચાર હોય છે….
પણ એમાં જો નિયમોને આધીન કવિ હાલે તો વિચાર કંઈક ફરી જાય છે….
એટલા માટે હું કહીશ કે કવિતા એક કવિની સ્વતંત્ર ભાષા છે
એમાં કોઈ અલંકાર કે છંદની પ્રતિકૃતિ ન હોય તો વધારે કવિ પોતાનો વિચાર લયબદ્ધ માં વાળી શકે.
અને મોજથી લખી શકે
ગાઈ શકે
વિચારી શકે
બોલી શકે
મનન કરી શકે
છૂટથી લખી શકે કોઇ રીતે બંધાયેલો ન રહે
આપણે મારો વિચાર સારો નર્સો લાગ્યો હોય તો આપનો ભાવાર્થ નિચેના email Address par kahi shako chho….
ragmehta.sandip@gmail.com
Chetan gohil said,
July 12, 2020 @ 11:44 PM
” ભર જંગલમાં ભમતા ભમતા ઓ નદી તારે કાંઠે ”
રચના આપને પાસે હોય તો આપવા વિનંતી.
વિવેક said,
July 13, 2020 @ 1:31 AM
@ ચેતન ગોહિલ :
કોની રચના છે એ કહી શકશો?