તમે દિલમાં અને અ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં,
ગયું કોઈ નથી ને થાય છે પાછું ફરે કોઈ.
ગની દહીંવાલા

(ટેરવાં સૂરજ બની ગયાં) -મનોજ ખંડેરિયા

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.

આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.

કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.

દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.

શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.

લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

-મનોજ ખંડેરિયા

10 Comments »

  1. Jayshree said,

    September 9, 2010 @ 12:30 PM

    દોસ્ત, રંગો પ્હાડના લીલા,
    કાળજામાંથી નથી ગયાં.

    વાહ…
    મનોજ ખંડેરિયાની ગઝલમાં નામ વગર પણ પ્હાડની વાત આવે એટલે ગીરનાર જ યાદ આવે..!

  2. ધવલ said,

    September 9, 2010 @ 4:11 PM

    કાળની રહી છે બરડ ત્વચા,
    સ્પર્શના પડઘા શમી ગયાં.

    – સરસ!

  3. pragnaju said,

    September 9, 2010 @ 7:08 PM

    પ્રતિબિંબ જોઈ અરીસો તોડવાથી,
    તેના એક એક ટુકડામાં આપણું પ્રતિબિંબ પડશે
    અને
    ત્યારે પથ્થરો શું ભોંઠા નહિં પડે ?
    ટૂંકી બહેરની આ ગઝલમાં ઉત્તમોત્તમ કલ્પનો

    મનોજભાઈએ પ્રયોજ્યાં છે.

  4. Bharat Trivedi said,

    September 9, 2010 @ 7:35 PM

    આ ગઝલ મનોજભાઈએ વરસોનાં વરસ પહેલાં લખી હોય તેમ લાગે છે!

  5. ઉલ્લાસ ઓઝા said,

    September 10, 2010 @ 2:19 AM

    મનોજભાઈની ગઝલ થોડામા ઘણું કહી જાય છે.
    સુંદર

  6. કિરણસિંહ ચૌહાણ said,

    September 10, 2010 @ 5:40 AM

    આયનો ફૂટ્યાથી શું વળ્યું !
    પથ્થરો ભોંઠા પડી ગયાં.
    સો ટકા સચ્ચાઇ.

  7. dhrutimodi said,

    September 10, 2010 @ 2:04 PM

    લંગરો છૂટી ગયાં અને
    શ્વાસનાં વહાણો સરી ગયાં.
    સુંદર શે’ર.

  8. વિવેક said,

    September 11, 2010 @ 1:58 AM

    સાદ્યંત સુંદર ગઝલ… આ ગઝલ વરસોના વરસ પહેલાં ગઝલ લખાઈ હોય કે જીવનના અંતભાગમાં પણ આખી ગઝલમાં એકેય શેર એવો નથી થયો કે તમે બે ઘડી અદબપૂર્વક ઊભા રહો અને તમને ચકિત ન કરી દે…

  9. Pinki said,

    September 11, 2010 @ 7:16 AM

    વાહ્.. સરસ ગઝલ …
    કદાચ, વૅબ પર પણ મૂકી’તી !

  10. Kirtikant Purohit said,

    September 13, 2010 @ 3:31 PM

    એક સશક્ત કવિની અત્યન્ત સબળ ગઝલ.વાહ પોકારાવે તેવી…

    દોસ્ત, રંગો પ્હાડના લીલા,
    કાળજામાંથી નથી ગયાં.

    બધા જ શેર સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment