પ્રીતિ સેનગુપ્તા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 26, 2019 at 2:19 AM by તીર્થેશ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
તમે કહો,
તમને ફૂલ બહુ ગમે –
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.
તમે કહો,
તમને વરસાદ બહુ ગમે –
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.
તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.
હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.
– કાબેરી રાય (બંગાળી)
(અનુ. પ્રીતિ સેનગુપ્તા)
સરળ વાણી…..વેધક વાત. આખી વાત vulnerability ની છે. વેદનાથી બચવા જાત ફરતે કિલ્લો બાંધી બેસે છે મનુષ્ય, વેદનાથી બચે છે કે નહિ તે તો ભગવાન જાણે પણ સાચી લાગણીથી, ક્ષણક્ષણના સૌંદર્યથી, અનિશ્ચિતતાની રોમાંચથી, ભરતી-ઓટની વિવિધતાથી – તમામ જીવન-પ્રસાદથી વંચિત રહી જાય છે તે મનુષ્ય, અને તેની સાથેની વ્યક્તિ વગર લેવેદેવે શહીદ થઇ જાય છે…..
Permalink
June 15, 2018 at 1:15 AM by વિવેક · Filed under અછાંદસ, કાબેરી રાય, પ્રીતિ સેનગુપ્તા, વિશ્વ-કવિતા
તમે કહો,
તમને ફૂલ બહુ ગમે –
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.
તમે કહો,
તમને વરસાદ બહુ ગમે –
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.
તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.
હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.
– કાબેરી રાય (બંગાળી)
(અનુ. પ્રીતિ સેનગુપ્તા)
કંઈ જ કહેવું ન પડે એવી સ્વયંસિદ્ધ રચના…
Permalink
March 15, 2017 at 9:36 AM by તીર્થેશ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી
ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.
રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતું હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે
અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.
જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…
– પ્રીતિ સેનગુપ્તા
મુદ્દાની વાત કરે છે કવયિત્રી ! માણસ જે કંઈ પણ કરે છે તે સ્વ-હેતુથી કરે છે.
Permalink
July 11, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
પાછાં વળી જતાં મોજાં
પાછું વળીને જુએ છે ખરાં ?
સમુદ્રપ્રેમીઓ બોલાવી રહે છે છતાં ?
જોકે તરત પુરાઈ જાય છે
એમની ખોટ
તત્કાલ ચડી આવતાં નવા મોજાંથી.
મને યાદ આવે છે,
મેંય પીઠ ફેરવી લીધી છે
કેટલીય વાર.
મક્કમ પગલે ચાલી ગઈ છું
ઊંધી દિશામાં-
હૃદય વળ ખાઈને જોતું રહ્યું છે.
સાદ પાડ્યો નથી, જોકે ,મને
કોઈએ.
પુરાઈ ગઈ હશે તરત
મારી ખોટ પણ.
– પ્રીતિ સેનગુપ્તા
Permalink
September 8, 2008 at 9:50 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
હું એ શહેરમાં આવી છું
જ્યાં આપણી મુગ્ધતાના અવશેષો
ક્યારેક જોવા મળે છે.
જેની ધૂળ પર
આપણા પ્રેમાધિકારના પગલાં પાડ્યાં હતાં
તે રસ્તાઓ પણ કેટલા રહ્યા છે?
નદીની વ્યાખ્યા પર હસતા પટમાં
વાવેતર થાય છે,
ખેતરોના વિનાશ પર
સંસારની ભીડ થઈ ગઈ છે.
આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
વર્ષોથી અહીં પડી રહેલી
પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું –
પછી ગોઠવાઈ જાઉં છું
પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
નવાં નવાં લઘુનગરોના
અપરિચિત આકારોમાં.
નિમંત્રણ વગર,
મહેમાન બનીને આવી છું.
અધિકાર ખોઈને
પ્રગલ્ભતાનાં ચણતર કરવા આવી છું.
આપણું હતું તે બધાંનું
નિલામ કરવા આવી છું.
– પ્રીતિ સેનગુપ્તા
મને મારા પોતાના શહેર -સુરત-માં વર્ષો પછી માત્ર મહેમાન તરીકે જવાનો અનુભવ છે એટલે આ કવિતા મને મારી પોતાની લાગે છે. જે શહેરની નસે નસ જાણવાનો કેફ હતો એ શહેર અજાણ્યુ લાગે એ જીવનની એક વિચિત્ર અવસ્થા છે. પ્રગતિ – માણસ માટે અને શહેર માટે – બન્ને માટે જરૂરી છે. કોઈને સ્થગિત રહેવું પાલવે એમ નથી. પણ દોસ્ત, આંખનો એક ખૂણો ભીનો રાખીને જીવે જવાની પણ એક ખુમારી છે. ને વળી દૂર ખૂણેથી રાજેન્દ્ર શાહ ટેકો કરે છે : ઘરને ત્યજી જનારને / મળતી વિશ્વ તણી વિશાળતા.
Permalink
December 31, 2007 at 7:06 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
– પ્રીતિ સેનગુપ્તા
સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !
Permalink