પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

સામાન્ય વેશ્યાને – વૉલ્ટ વ્હિટમેન

સ્વસ્થ થા – નિરાંત અનુભવ – હું વૉલ્ટ વ્હિટમેન,
ખુલ્લા દિલનો અને વાસનાયુક્ત
– કુદરત જેવો જ;
જ્યાં સુધી સૂર્ય તને તરછોડે નહીં, હું ય તને તરછોડીશ નહીં.
જ્યાં સુધી પાણી તારા માટે ચળકવાનું છોડે નહીં,
અને પાંદડા તારા માટે અવાજ કરવાનું બંધ ન કરે,
મારા શબ્દો પણ
તારે માટે ચળકવાનું કે અવાજ કરવાનું બંધ નહી કરે.

પ્રિયે, હું તને વચન આપું છું કે આપણે જરૂર મળશું – હવે તારી જવાબદારી છે કે તું
તારી જાતને મારે લાયક બનાવે.
હું ન આવું ત્યાં લગી ધીરજ રાખજે અને તારી જાતને પૂર્ણ બનાવજે.

ત્યાં સુધી, મારી નજરની સલામ તને,
જેથી તું મને ભૂલી ન જાય.

– વૉલ્ટ વ્હિટમેન
(અનુ. ધવલ શાહ)

વ્હિટમેન એટલે અમેરિકન કવિતાનો દાદો. છેલ્લા દોઢસો વર્ષના બધા અમેરિકન કવિઓ એની કવિતાઓ વાંચીને ઉછર્યા છે એવું કહી શકાય. વ્હિટમેન માણસમાત્રની સમાનતાનો ભારે આગ્રહી હતો. આ કવિતા એણે વેશ્યા વિશે લખી છે પણ કવિતાનું હાર્દ માણસમાત્રની સમાનતાનો સિદ્ધાંત છે.

કવિએ આખી કવિતા વેશ્યા સાથે અંગત વાત કરતા હોય એમ લખી છે. શરૂઆત જ કવિ એકદમ ઋજુતાથી કરે છે. સામાન્ય વેશ્યાનું સ્થાન સમાજમાં એકદમ નીચે ગણાય. પણ એની સાથે કવિ કેવી ખુલ્લા દિલે વાત કરે છે એ જુઓ. કવિ પોતાનો પરિચય આપતી વેળા જ પોતામાં રહેલી વાસનાવૃતિની કબૂલાત આપે છે. પણ તરત જ ઉમેરે છે કે મારામાં વાસના છે એ કુદરતમાં – પ્રકૃતિમાં – વાસના છે એવી જ છે. વાસનાને લીધે જ આ સૃષ્ટિ ચાલે છે એ હકીકતને કવિએ સહજતાથી કહી દીધી છે.

જેમ કુદરતી તત્વો માણસ માણસ વચ્ચે ઊંચ-નીચના ભેદ કરતા નથી, એ જ રીતે કવિ પણ બધા માણસોને સમાન ગણે છે એ વિચાર કવિતાનું હાર્દ છે.

એના પછીની પંક્તિઓમાં કવિ, વેશ્યાને ‘પ્રિયે’ કહે છે અને મિલનનો વાયદો કરે છે. આ વાયદો દૈહિક મિલનનો વાયદો નથી. આ વાયદો જીવનના સ્તરથી ઉપરના સ્તરે મળવાનો વાયદો છે. ગમે તેટલી નીચા સ્તરની, પતિત વ્યક્તિની પણ ઉન્નતિ શક્ય છે એવી કવિની દ્રઢ માન્યતાનો આ પડઘો છે. સાથે જ કવિ આ ઊંચા સ્તરે પહોંચવા માટે કોશિષ કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની પર જ નાખે છે. પૂર્ણતા સુધી પહોંચવાનો બધાનો અધિકાર છે, અને એ જ બધાની વ્યક્તિગત જવાબદારી પણ છે – Individualismનો આ પાયાનો સિદ્ધાંત કવિએ બહુ માર્મિક રીતે મૂક્યો છે.

21 Comments »

  1. sudhir patel said,

    July 6, 2010 @ 9:48 PM

    સુંદર કવિતાનો સરસ અનુવાદ અને આસ્વાદ!
    સુધીર પટેલ.

  2. ધવલ said,

    July 6, 2010 @ 9:50 PM

    મૂળ કવિતા :

    To a Common Prostitute

    BE composed—be at ease with me—I am Walt Whitman, liberal and lusty as Nature;
    Not till the sun excludes you, do I exclude you;
    Not till the waters refuse to glisten for you, and the leaves to rustle for you, do my words refuse to glisten and rustle for you.

    My girl, I appoint with you an appointment—and I charge you that you make preparation to be worthy to meet me,
    And I charge you that you be patient and perfect till I come.

    Till then, I salute you with a significant look, that you do not forget me.

  3. વિહંગ વ્યાસ said,

    July 6, 2010 @ 10:23 PM

    ખૂબજ સુંદર રચના. સલામ કવિને તથા અનુવાદકને.

  4. Girish Parikh said,

    July 6, 2010 @ 11:38 PM

    “પૂર્ણતા સુધી પહોંચવાનો બધાનો અધિકાર છે, અને એ જ બધાની વ્યક્તિગત જવાબદારી પણ છે –”
    સ્વામી વિવેકાનંદનો પણ આવો જ ઉપદેશ છે.
    અનુવાદ અને આસ્વાદ મનભરીને માણ્યાં.
    એક વાત કદાચ બહુ ઓછા જાણતા હશેઃ સ્વામી વિવેકાનંદ વૉલ્ટ વ્હિટમેનને “અમેરિકન સન્યાસી” કહેતા.
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  5. રાકેશ ઠક્કર, વાપી said,

    July 7, 2010 @ 12:42 AM

    સુંદર કવિતાનો સરસ અનુવાદ અને આસ્વાદ!

  6. વિવેક said,

    July 7, 2010 @ 12:59 AM

    સુંદર રચના…

  7. tirthesh said,

    July 7, 2010 @ 7:14 AM

    વેશ્યા એ પોતાની જાતને કવિને લાયક બનાવવાની ?! કવિ વેશ્યાને લાયક ખરો કે નહિ તે કોણ નક્કી કરશે ? ચન્દ્રમુખીને ધ્યાનમા રાખી વિચારી જુઓ….. ‘common’ prostitute – એટલે ? ચન્દ્રમુખી ‘uncommon’ prostitute ના વર્ગમાં આવે ?

  8. pragnaju said,

    July 7, 2010 @ 9:24 AM

    પ્રિયે, હું તને વચન આપું છું કે આપણે જરૂર મળશું – હવે તારી જવાબદારી છે કે તું
    તારી જાતને મારે લાયક બનાવે.
    હું ન આવું ત્યાં લગી ધીરજ રાખજે અને તારી જાતને પૂર્ણ બનાવજે.

    ત્યાં સુધી, મારી નજરની સલામ તને,
    જેથી તું મને ભૂલી ન જાય.
    અ દ ભૂ ત
    હંમણા અમારા ન્યુ જર્સીમા મોરારી બાપુની કથા ચાલે છે તેમણે કહ્યું કે.”રૂપજીવી નારી, મલ્લ, સેવક – નોકર ઘરડા થાય એટલે તેમની કિંમત ઘટે.” “રૂપ – જે રૂપ ભોગને બદલે ભગવાનને યાદ અપાવે તેવું હોય તે રૂપ કથાનકને યોગ્ય છે.” તેમણે અને શી મોટા જેવા અનેક સંતોએ વેશ્યાને તિરસ્કારથી જોઈ નથી.ઘણા સમાજ શાસ્ત્રીઓએ તારણ કાઢ્યું છે કે તેઓ વ્યવસાયમાં મન પરોવતા નથી અને માનસિક રીતે પવિત્ર હોય છે જે કેટલાક કહેવાતા સંતમા કે સામાન્ય આધ્યાત્મિક પ્રવાસીમા નથી હોતી! ભિક્ષુક આનંદ, શરીરના વ્રણોથી ગંધાઈ ગયેલી રૂપજીવની અહંકાર મુક્ત થઈ પ્રાર્થના કરે છે ત્યારે તેની પાત્રતા જોઈ તેની સારવાર કરે છે અને પ્રભુ પ્રાપ્તીનો સહજ માર્ગ બતાવે છે
    My girl, I appoint with you an appointment—and I charge you that you make preparation to be worthy to meet me,….સત જ આવું વિચારી શકે

  9. Bharat Trivedi said,

    July 7, 2010 @ 4:33 PM

    અન્ગત રીતે કવિતાના અનુવાદોમા મને ખાસ મઝા નથી આવતી પરન્તુ અનુવાદ કરવાની પણ એક આગવી કળા હોય છે જે મૂળ કવિતાને બગાડી ના મૂકે પણ સાથે સાથે તેને “સૂધારી” પણ ના દે તે જોવાનુ હોય છે. આ અનુવાદ ગમવા પાછળનુ કારણ છે કે તે અસલ કવિતાની લગભગ લગોલગ ચાલે છે. વ્હિટમેન્ એક મોટા ગજાના કવિ છે પણ કવિ એજ વ્યક્તિ હોઇ શકે જે બધી સન્કુચિતાથી પર હોય. વ્યક્તિને પરરખવી હોય તો તેના મોહ્યલામા નિરખવુ પડે- કેવળ ઉઅપલક નજર નાખીને કામ ના જ ચાલે. આ કવિતામા વેશ્યા એક પ્રતિક તરીકે આવે છે- પ્રત્યેક ઉપેષિત વ્યક્તિના. જો તે નજર- અઁદાજ થઈ જાય તો તો પછી હરણની સીતા ફરી ક્યારે થઈ તેમ પુછવાનો વારો આવે. કયરેક કવિતાનુ અર્થઘટન કર્યા પછી જાણે કોઈ ખોટુ કામ થઈ ગયુ હોય તેવુ લાગે છે- પણ તે કરતી વખતે મઝા આવે છે તેથી આ સાલુ ખોટુ કામ થઈ જાય છે!

    -ભરત ત્રિવેદી

  10. himanshu patel said,

    July 7, 2010 @ 8:29 PM

    સરસ કામ થયુ છે, ખરેખર ગમ્યું.

  11. ધવલ said,

    July 7, 2010 @ 8:57 PM

    તીર્થેશ, common prostitute એ legal terminology છે. બ્રિટિનમાં 1824ના Vagrancy Actથી આ શબ્દ ચલણમાં આવેલો. એ કાયદા મુજબ રસ્તે રખડે એને common prostitute કહેવાય… વધારે તો કોઈ વકીલને ખબર 😉

    કવિ વેશ્યાને એની જાતને પોતાને લાયક બનાવવાનું કહે છે એ કવિ તુમાખી કે અભિમાનના માચડા પરથી નહીં પણ કરુણા અને સંવેદનાના સ્પર્શ સાથે કહે છે. એમા પોતાના મોટા હોવાનો અર્થ નથી, પણ કોઈને પોતાનું માણસ ગણીને કહ્યું છે. વ્હિટમેને મોટા ભાગનું જીવન રખડુ રીતે કાઢેલું અને અકિચંનોથી સદા નીકટ રહેલો એટલે આટલું કહેવાનો એનો હક બને છે.

    અને હા, ચંદ્રમુખી (અને દેવદાસ)ની દુનિયાથી વ્હિટમેનની દુનિયા તદ્દન અલગ છે… એક અમીરો ઐયાશી તો બીજી ફક્કડોની ફકીરી !

  12. Deval Vora said,

    July 7, 2010 @ 11:48 PM

    i dont know whether to write ‘bhai’ or not (as being in rajkot – gujarat, its very ‘common’ to paste salutation as only ‘bhai’ or ‘bahen’ 🙂 ) … let it not b so formal…only DHAVAL….dhaval….”MAST” to read…..when it comes to real ‘majj’a no adjectives required so its only ‘majj padi gayi…” Deval, Radio Mirchi

  13. Pancham Shukla said,

    July 8, 2010 @ 5:06 AM

    સરસ અનુવાદ.

    પૂરક મહિતીઃ

    ૧. વ્હિટમેન વિશેઃ http://en.wikipedia.org/wiki/Walt_Whitman

    ૨. વ્હિટમેનના Leaves of Grass સંગ્રહનો કવિશ્રી રાજેન્દ્ર શાહે ‘તૃણપણ’ નામે અનુવાદ આપ્યો છે.

    ૩. શ્રી સુરેશ દલાલે કદાચ 1990s માં ‘કવિતા’ નો એક વિશિષ્ટ અંક કરેલો. જેમાં વ્હિટમેન, સૂર્યભાનુ ગુપ્ત ? (હિન્દી) અને રાજેન્દ્ર શુક્લ (ગુજરાતી)એમ ત્રણેના ૫૦ કાવ્યો લઈ ત્રણેની પ્રકૃતિ અને અભિવ્યક્તિનું અનુસંધાન રચેલું.

  14. raeesh maniar said,

    July 8, 2010 @ 12:25 PM

    મને નથી લાગતું કે કવિતાનો અર્થ ધવલે સમજાવ્યો છે એટલો સરળ હોય.
    અંગ્રેજી કવિતા સાથે મારો પરિચય આછો અને ઓછો, તેથી વધુ લખવાનું સાહસ નથી.
    વેશ્યાના ભાગ્યમાં પ્રેમ પ્રસંગ ક્ષણિક હોય છે. એ કવિ સાથેના પરિચયમાં સનાતનતા ઝંખે છે.
    કવિ સૂર્ય, પાણી અને પાંદડાનું ઉદાહરણ આપી અંતે તો મારા શબ્દો (હું સદેહે નહીં) તને નહીં તરછોડે એવો સધિયારો આપે છે.
    વેશ્યા કદાચ કવિનો કાવ્યવિષય બની શકે તોય આ સંબંધને સનાતનતા મળે.

    કવિ જ્યારે પોતાની નૈસર્ગિક વાસનાનો સ્વીકાર કરે છે ત્યારે વેશ્યાને યોગ્ય અને સંપૂર્ણ બનવાનો ઉપદેશ આપે એ સીધેસીધા અર્થમાં જચતું નથી. એના અર્થના કોઇ જુદા જ સ્તરો હશે.
    કવિ પોતાને નભૂલી જાય એવી ચિંતા સેવતી વેશ્યાને કવિ ‘જેથી તું મને ભૂલી ન જાય’ એવી ટકોર કરી આવે છે, અત્યારપૂરતી એક નોંધપાત્ર નજર નાખીને.

    આપણા જેવા ઘરરક્ખુ પરણેલાઓને જલદી સમજાય એવી કવિતા નથી.
    રઈશ મનીઆર

  15. ધવલ said,

    July 8, 2010 @ 10:05 PM

    મને તો કવિતા સરળ લાગેલી પણ રઈશભાઈ કહે છે તો હવે વિચારવું પડશે 🙂

    મારા મનમાં તો આવું ચિત્ર છે : વ્હિટમેન ઊભો છે. રસ્તાની સામે તરફ ઊભેલી એક વેશ્યાને જુવે છે. બન્નેની નજર મળે છે. એવી વ્હિટમેનથી ઘણી નાની છે. બિચારી કહેવાય એવી ને નંખાઈ ગયેલી હાલતમાં છે. વ્હિટમેન એની સાથે મનમાં આ સંવાદ કરે છે. પોતાની ઓળખાણ આપે છે. પોતાને nature જેવો liberal અને lustly કહે છે – એ રીતે પોતાની જાતને humanize કરે છે. વ્હિટમેન કુદરતી તત્વોની જેમ જ એને એક ‘માણસ’ની જેમ treat કરવાનું વચન આપે છે. પોતે રસ્તો ઓળંગીને સામે મળવા જતો નથી, પણ મળવાનું વચન આપે છે. આ સ્થિતિમાંથી પોતાની જાતને બહાર કાઢવાની તારી પોતાની જવાબદારી છે એવું કહે છે. ધીરજ રાખવાનું કહે છે અને જાતને ઘડવાનું કહે છે. જતા પહેલા વ્હિટમેન ફરી એક વાર નજર મેળવીને પોતાની ટોપી જરા ઊંચી કરીને વેશ્યાને સલામ કરે છે. અને વેશ્યા પોતાને (અને આ સંવાદને, એની જવાબદારીને) ન ભૂલી ન જાય એવી આશા રાખે છે.

    કવિતા બહુ પ્રખ્યાત છે… એના બીજા લોકોએ પણ સમજી-સમજાવી હશે. કોઈને બીજો આસ્વાદ મળે તો કહેજો.

  16. tirthesh said,

    July 8, 2010 @ 11:44 PM

    ધવલ,
    મને તારી વાત ગળે નથી ઉતરતી. ઘણા છેડા છુટ્ટા રહી જાય છે. મારી વાતનો તેં આપેલો જવાબ પણ મને સંતોષકારક નથી લાગતો. હું કંઈક miss કરું છું આ કવિતાને સમજવા માં…..

  17. વિવેક said,

    July 9, 2010 @ 2:32 AM

    વેશ્યા ગ્રાહકને charge કરે કે ગ્રાહક વેશ્યાને?
    મને લાગે છે કે આ પ્રશ્નની દ્વિરુક્તિ ઘણું કહી જાય છે…

    —and I charge you that you make preparation to be worthy to meet me,
    And I charge you that you be patient and perfect till I come.

  18. Bharat Trivedi said,

    July 9, 2010 @ 8:34 AM

    ખુબ ચર્ચા ચાલી આ કવિતા વિશે ને બધી દલીલો ગળે પણ ઊતરી પરન્તુ આપણી તકલિફ કદાચ એ પણ હોય કે આપણે બધા વેશ્યાને નજર-અઁન્દાજ કરી શકતા નથી! વેશ્યા વેશ્યા જ ના હોય તો? કવિતાના પ્રતિક તરીકે પણ તે આવી હોય તો? કવિ સાવ સરળ રીતે ક્યરેય કશુ ના કહે તેવી મન્યતા સાથે હુ ચાલુ છુ. બીજુ એ કે કવિતા પૂરેપૂરી સમઝાય ખરી? ને તેને એ રીતે સમજવી જરુરી પણ ખરી? કદાચ દોષ આપણી એ જીદનો છે- આપણી એ education system નો છે જેણે આપણને કવિતા શુ ” કહે છે” તેની પાછળ દોડાવ્યા છે પરન્તુ કવિતા “કેવી રીતે” કહે છે તે જોતા નથી શિખવ્યુ. ધવલભાઈનો પણ આભાર માનવો પડે કે આવી અઘરી કવિતાનો અનુવાદ આપીને આપણને મઝા કરવી.

    ભરત ત્રિવેદી

  19. Pancham Shukla said,

    July 9, 2010 @ 10:41 AM

    ઘણા વખતે, આ અનુવાદ પર સરસ વિવેચન અને ચર્ચાનો દોર ચાલે છે. ભરતભાઈની વાત મુદ્દાની છે. તો કવિતા માણવાની સાથે જેમને કવિતા જાણવા સમજવાની ઈચ્છા છે એમના માટે આ બધું ઉપયોગી અને જરૂરી પણ છે. ભગતસાહેબ જેવા English Literature/Poetryના અભ્યાસુ આ કવિતાને ‘ગુજરાતી’માં ભણાવે/સમજાવે તો ઘણું જાણવા મળે.

    આ કવિતાને સમજવા માટે આપણે એ સમય, એ પ્રદેશ એના રિવાજો સામે રાખીને ન જોઈએ અને માત્ર આપણી સાંપ્રત બૌદ્ધિક સમજ, આપણા ગમા/અણગમા સાથે વાંચીએ તો આપણને ગમતો એવો ભળતો અર્થ જ તારવી લઈએ. જો કે દરેક ભાવક પોતની રીતે કવિતા માણે, સમજે અને વિવેચન કરે એમાં કશું ખોટું નથી.

    કેટલાય કવિઓના અનુભવ હશે કે – અમુક કવિતાઓ એવી અકળ રીતે રચાય છે કે જેને કવિ પોતે પણ સામાન્ય તર્કથી સમજી શકતો નથી કે બીજાને સમજાવી શક્તો નથી.. વળી ઘણી વાર ભાવકો કવિને એની કવિતા વધુ ‘તર્કબદ્ધ’ અને ‘સારી’ સમજાવતા જોયા છે!

    તો થોડી વધુ વાતો
    A few years after that letter, in 1860, Whitman and Emerson took their well-known walk along Boston common. Emerson urged Whitman to alter the sexual passages of Leaves, especially to delete “To a Com-mon Prostitute.” Whitman refused, or as he put it later, he “only answer’d Emerson’s vehement arguments with silence”

    For Whitman, in “To a Common Prostitute,” is not speaking as an ego-bound “dandy” who sees the prostitute as separate from himself, an object of consciousness. Rather, he is speaking, as he often does, from that transcendent, unified level of consciousness in which the prostitute is known in terms of the unbounded Self. For this reason, he immedi-ately identifies himself in the all-inclusive terms of “Nature.” The sun does not exclude her, the waters do not refuse to glisten for her, therefore neither will he, the poet who accepts the entire cosmos as his extended anatomy, exclude or refuse her. The second section moves the poem away from what might otherwise be condescension. When Whit-man says that he appoints her with “an appointment,” he is surely not arranging a sexual liaison, as Emerson must have known. In newspaper editorials and articles Whitman had denounced prostitution as a threat to the family and as a pollutant of bloodlines, a fact that makes his compassion for this young woman all the more poignant. Whitman was, in his appointment, expressing instead his belief in the certainty of her own evolution to the same exalted level of awareness Whitman himself experienced. The “I” of “be patient and perfect till I come” is the cosmic “I” of transcendental consciousness, the blissful Self she will one day inevitably discover. Until she finds that Self on her own, Whitman salutes her “with a significant look that you do not forget me” (LG, 387).
    Whitman writes relatively little specifically about male-female rela-tions, so “To a Common Prostitute” is particularly significant in that it exemplifies a male-female relationship at least approaching an ideal. The woman here, on the bottom rung of the social ladder, is recognized as an equal in a deep sense. She is not pruriently regarded as walking body parts, nor is she repulsive. She is not some “thing” to yearn for, with a longing born of dyspepsia, or prudishly to reject. She is whole within the wholeness of Whitman’s awareness: the “object” known in terms of the subject, the knower. And her own awareness is itself developing toward that same ecstatic wholeness. Such is the indecent poem Emer-son, even as he probably knew better, urged be dropped. Such is the poem Whitman defended with silence.
    (http://users.etown.edu/s/sarracct/waltwhitman.htm)

    બીજી કેટલીક ઉપયોગી વેબલિન્કઃ

    http://muse.jhu.edu/login?uri=/journals/literature_and_medicine/v014/14.1krieg.html

    http://www.exampleessays.com/viewpaper/41472.html

  20. Gunvant Thakkar said,

    July 11, 2010 @ 3:14 AM

    રઈશભાઈના વિચાર તન્તુને લંબાવીએ તો કવિનો પોતાની નૈસર્ગિક વાસનાનો સ્વીકાર એટલે,પોતે નપુંસક નથી એનો વેશ્યાને કરાયેલો ઇશારો છે, પરંતુ પોતે તો વેશ્યાને પોતની કવિતા ધ્વારા જ સંવેદવા માંગે છે. જે “મારા શબ્દો પણ, તારે માટે ચળકવાનું કે અવાજ કરવાનું બંધ નહી કરે” ની પંક્તિ ધ્વારા સ્પષ્ટ કરે છે. અને પોતની કવિતા ધ્વારા મળવાનુ વચન આપે છે. અને એટલે જ એ વેશ્યાને,પોતને(કવિને) અને એ ધ્વારા એની કવિતાને લાયક થવાની જવાબદારી સોંપે છે.
    “ત્યાં સુધી, મારી(એટલે કે કવિની) નજરની સલામ તને,
    જેથી તું મને(કવિને) ભૂલી ન જાય.” ની અંતિમ પંક્તિ સુધી આ તંતુને લંબાવી શકાય.
    અલબત,આ બધા મારા તર્ક જ છે, અને આપણા બધાના તર્કો ધ્વારા જ આપણે કવિતાના સત્યને શોધવુ રહ્યુ.

    આ ક્ષણે આપણા,નર્ગિસની “અદાલત” ને મીનાકુમારીની “પાકિઝા” થી લઇને રેખાની “ઊમરાવજાન” સુધીના અનેક (તવાયફના) ફિલ્મી ચરિત્રો યાદ આવે જે પોતાના વ્યવસાયને વફાદાર રહીને પણ માનવીય સંબધો અને એની ગરિમાને અક્ષુણ રાખે છે.કવિ વ્હિટમેનને પોતાની કવિતા માટે વેશ્યા પાસે આવાજ કોઇ ચારિત્રની અપેક્ષા હશે કે ??

  21. sangeeta shah said,

    July 16, 2010 @ 5:32 AM

    કવિ કવિતા નેી શરુઆતમા પોતાને વાસનાયુક્ત કહે ચ્હે અને મોઘમમા સામેના પાત્રને વાસનામુક્ત કહેી ને તેને પોતાનાથેી ઉચુ પદ આપે ચ્હે.જે કર્મે કવિને માટૅ વાસના સઁતોશે ચ્હે તે વેશ્યા માટૅ માત્ર વાસના ના સઁતોષ ને માટે નથેી..
    કવિ એમ તો નથેી કહેતો ને કે તુ પણ સામન્ય વાસનાયુક્ત બન જે વ્ય્ક્તેત્વ મારે લાયક ચ્હે.

    હુ આમા સમજ ફેર પણ કરતેી હોઈ શકુ ચ્હુ.

    એ બદલ મને માફ કરશો .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment