નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મકરંદ મુસળે

મકરંદ મુસળે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




( હું પણ જાણું, તું પણ જાણે) – મકરંદ મુસળે

કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.

દિલ પર રોજે રોજનું ભારણ, સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું નહીં તો થોડું શુ છે? હું પણ જાણું તું પણ જાણે.

તારો મોભો, માન, પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ ર’વા દે,
કાળું શું છે, ધોળું શું છે? હું પણ જાણું તું પણ જાણે.

– મકરંદ મુસળે

મજાની રમતિયાળ રદીફ અને એકદમ સરળ સહજ ભાષાનું પોત લઈને આ ગઝલ જિગરજાન યારની જેમ સીધી જ આવીને ગળે મળે છે. પણ બધા જ શેર જેટલા હલકાફુલકા લાગે છે એટલા જ ધીરગંભીર છે.

Comments (1)

પંચતત્ત્વ (ગણપતિ ગીત) – મકરંદ મુસળે

પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી,
દુંદાળા તારી મૂર્તિમાં એ જ તત્વ કાં બાકી ?

થાય વિસર્જન જળમાં તારું ત્યાં પણ તું ક્યાં ડૂબે?
પ્લાસ્ટર ઑફ પેરિસ ઓઢીને તળાવ આખું રુએ
જળચર મરવાનાં છે કેમિકલને ચાખી ચાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

આતશબાજી, ધૂળ-ધુમાડા, શ્વાસ ગયો રૂંધાઈ,
ઢોલ, નગારાં, ડી.જે. ગર્જે કાન ગયા ગભરાઈ
આંખ હવાએ ચોળી રાતી, કાળી ખાંસી ખાધી
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

સરઘસ ટાણે ટોળું આવી ક્યાંક પલીતો ચાંપે,
અગ્નિ નામે તત્વ ભરાઈ બેઠું બોમ ધડાકે,
આગ હવે જોવા ટેવાયા, આંખે પાણી રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

મારા મનનું પંખી માંગે એક જ ટુકડો આભ,
એય પચાવી બેઠા તારી મૂર્તિઓના પ્હાડ,
આભ બની લાચાર જુએ છે, મોઢું સ્હેજ વકાસી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

બોલ શરમ રાખું કે માણસ-ધરમ હવે નિભાવું?
બોલ ગજાનન આ વર્ષે પણ તને ફરી બોલાવું?
તું સમજીને ના આવે એવી ઇચ્છા મેં રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

– મકરંદ મુસળે

અંગ્રેજી સામ્રાજ્ય સામે લડવા માટે જરૂરી એકતા પ્રજામાં જન્મે એ માટે બાળગંગાધર લોકમાન્ય ટિળકે ગણેશપૂજાના શ્રીગણેશ કર્યા ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એકતાના સ્થાને આ પ્રથા ધીકતો વેપાર બની જશે. ટોળું, કાન-ફાડ ઘોંઘાટ, સમયનો વેડફાટ, ઇવ-ટિઝિંગ, પ્રદુષણ અને કવચિત્ કોમી હુલ્લડ એ આજે આ તહેવારનું મુખ્ય આભૂષણ બની બેઠાં છે એવામાં કવિ મકરંદ મુસળે માટીથી શરૂ કરી એક પછી એક અંતરામાં એક પછી એક પંચત્ત્ત્વને સ્પર્શીને સાંપ્રત સમસ્યાને યથાર્થ વાચા આપે છે.

Comments (9)

શ્રી મનના શ્લોક – સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)

man na shlok

*

લગભગ ચારસો વર્ષ પૂર્વે (ઈ.સ. ૧૬૦૮માં) મહારાષ્ટ્રમાં જન્મેલા સમર્થ રામદાસ (મૂળ નામ નારાયણ ઠોસર) માત્ર છત્રપતિ શિવાજીના ગુરુ હોવાના નાતે નહીં પણ એમના श्री मनाचे श्लोक (શ્રી મનના શ્લોક)ના કારણે વધુ વિખ્યાત છે. છેલ્લી ચાર-ચાર સદીઓથી આ શ્લોક મરાઠી માનુષના આત્મસંસ્કારનું સિંચન-ઘડતર કરી રહ્યા છે. મકરંદ મુસળે આ શ્લોકોનો સાછંદ પદ્યાનુવાદ લઈ આપણી પાસે આવ્યા છે…

એક-એક શ્લોક ખરા સોના જેવા…

*

मना जे घडी राघवेवीण गेली।
जनीं आपुली ते तुवां हानि केली॥
रघूनायका वीण तो शीण आहे।
जनी दक्ष तो लक्ष लावूनि पाहे॥४६॥

વિના રામના નામની પળ વિતે જો
ઘડી વ્યર્થ ગઈ એમ માની જ લેજો
પ્રભુને ન જાણે તે વ્યાકુળ ફરે છે
પ્રભુને પિછાણે તે આશ્વસ્ત રે’ છે ॥૪૬॥

मना कल्पना कल्पितां कल्पकोटी।
नव्हे रे नव्हे सर्वथा रामभेटी॥
मनीं कामना राम नाही जयाला।
अती आदरे प्रीती नाही तयाला॥५९॥

કરો મોહની કલ્પનાઓ કરોડો
નહીં રે નહીં રામનો થાય ભેટો
ન હો ચિત્તમાં રામની જેને માયા
મળે કઈ રીતે એમને પ્રેમ પ્યાલા? ॥૫૯॥

मना राम कल्पतरु कामधेनु।
निधी सार चिंतामणी काय वानू॥
जयाचेनि योगे घडे सर्व सत्ता।
तया साम्यता कायसी कोण आता ॥६०॥

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?
પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?
મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારે
નથી રામની સામ્યતા કોઈ સાથે ॥૬૦॥

उभा कल्पवृक्षा तळीं दु:ख वाहे।
तया अंतरीं सर्वदा तेचि आहे॥
जनी सज्जनी वाद हा वाढवावा।
पुढें मागता शोक जीवीं धरावा॥६१॥

ભલે હો ઊભા કલ્પવૃક્ષોની છાંયે
મળે એજ છે, જે વિચારો છો માંહે
મના સંત-સંવાદ સુખ આપવાના
વિવાદોમાં રાચ્યા તો દુઃખ પામવાના ॥૬૧॥

– સમર્થ સ્વામી રામદાસ (મરાઠી)
(અનુ. મકરંદ મુસળે)

Comments (7)

ગઝલ – મકરંદ મુસળે

ફરી ક્યાં કંઈ મળાય છે પાછું,
જરી બેસો; જવાય છે પાછું.

ગઝલ જેવું લખાય છે પાછું,
ખરું પાણી મપાય છે પાછું !

તમે બેસી રહો નજર સામે,
આ મન તો ક્યાં ધરાય છે પાછું.

તમારી આંખ સાત કોઠા છે,
ગયા, તો ક્યાં અવાય છે પાછું.

હજી પોતાના ક્યાં થવાયું છે,
કે બીજાના થવાય છે પાછું.

તિરાડો આંખની પુરાઈ ગઈ,
રડું તો ક્યાં રડાય છે પાછું.

– મકરંદ મુસળે

સરળ ભાષા, સીધી વાત અને શાંત જળમાં પથરો પડ્યા પછી ક્યાંય સુધી થયા-વિસ્તર્યા કરતા વમળો જેવી ગઝલ મકરંદ મુસળેની જ હોવાની. આખી જ ગઝલ સંતર્પક પણ મને તો અભિમન્યુના ‘નો એક્ઝિટ’વાળા સાત કોઠા જેવી આંખની વાત ખૂબ ગમી ગઈ…

Comments (11)

ગઝલ – મકરંદ મુસળે

ધરતી, ગગન ને દરિયો, શું શું ઉકેલવાનુ?
ઈશ્વરની ચોપડી છે કોરું છે પાનેપાનું.

મોટું ભલે ગગન હો, સામે પડ્યો પવન હો,
આકાશ બાથમાં લઈ; પંખી તો ઊડવાનું.

મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં,
ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું.

બીજો ઉપાય ક્યાં છે થાશે જે છે થવાનું,
સારાને યાદ રાખી, બાકી ભૂલી જવાનું.

ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,
તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.

-મકરંદ મુસળે

ગુજરાતી ભાષાનું સદભાગ્ય છે કે એને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી સદા “સવાયા ગુજરાતી” સાંપડતા રહ્યા છે. કાકાસાહેબ કાલેલકરથી શરૂ થઈ સવાયા ગુજરાતીની આ પ્રણાલી મકરંદ મુસળે સુધી વિસ્તરે છે. મિત્ર મકરંદનો પ્રથમ સંગ્રહ “માણસ તોયે મળવા જેવો” વાંચીએ એટલે એના ગુજરાતીપણાની ખાતરી થયા વિના નહીં રહે…

નથી થતી ખાતરી ? લ્યો, વાંચો આ ગઝલ.. એક-એક શેર પાણીદાર… એક-એક શેર એક-એક કવિતા…

Comments (11)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

ગમે ત્યારે – મકરંદ મુસળે

કશું કે’વાય ના આવી પડે એ પળ ગમે ત્યારે,
સુલભ વાતાવરણ છે ફૂટશે કૂંપળ ગમે ત્યારે.

અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા,
બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે.

તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.

ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં,
સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે.

અમે તો દૂધનો પ્યાલો થઈને ક્યારના બેઠાં,
હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે.

-મકરંદ મુસળે

લયસ્તરો પર આજની તારીખે સવા ચારસો જેટલા કવિઓની અગિયારસોથી વધુ કવિતાઓ ઉપલબ્ધ છે. અમારી સતત કોશિશ છતાં આપણી ભાષાના ઘણા દિગ્ગજ કવિઓ અહીં સમાવી શકાયા નથી. વડોદરાના કવિ મકરંદ મુસળે આવું જ એક નામ છે. લયસ્તરો પર ભલે આજની તારીખમાં આ એમની પ્રથમ કૃતિ હોય, ગુજરાતી કાવ્યરસિક મિત્રોમાં એમને કોઈ ઓળખતું ન હોય એવું જવલ્લે જ હશે. આજે માણીએ એમની એક મજેદાર ગઝલ… વળી મારે આજે એમની ઓળખાણ આપવી છે જરા અલગ રીતે. માત્ર નવ વર્ષની નૈસર્ગી મુસળેની એક ગઝલ આપણે અગાઉ અહીં વાંચી ચૂક્યા છીએ. મકરંદ મુસળે નૈસર્ગીના પિતા છે…

Comments (13)