હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી,
જીવનના પાલવે બંધાઈને જાણે કઝા આવી !
– ‘ગની’ દહીંવાલા

(મુશ્કેલ છે) – હરીશ ઠક્કર

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.

માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.

ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.

કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.

– હરીશ ઠક્કર

ગઝલ સરલ ભાષામાં લખવી, એ વાંચન કે શ્રવણ – બંને સ્વરૂપે શીઘ્રપ્રત્યાયનક્ષમ હોય, શેરિયત જળવાઈ રહે, શેર બંધ છીપ જેવો રહે અને આખો અર્થ કાફિયા પર જ ઉઘડે, રદીફ બધા જ શેરમાં બરાબર નિભાવી શકાઈ હોય, છંદ એકદમ સાફ હોય – આવી બધી જ મુશ્કેલ શરતોને એક જ ગઝલમાં નિભાવવાની કામગીરી દોરડા પર ચાલવા બરાબર છે પણ સુરતના હરીશ ઠક્કર આ કળામાં પારંગત છે. વ્યવસાયે આયુર્વેદાચાર્ય પણ સ્વભાવે નખશિખ કવિ. કોલેજમાં આયુર્વેદની સાથોસાથ શેરો-શાયરી પણ શીખવાડે. ચરકસંહિતા શુશ્રુતસંહિતા જેવા ત્રણેક ડઝન નાના-મોટા સંસ્કૃત પુસ્તકોનો સરળ ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે…

આ ગઝલના બધા જ શેર આફરીન પોકારવા મજબૂર ન કરે તો જ નવાઈ!

19 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    April 16, 2010 @ 12:51 AM

    ગઝલના બધા જ શેર આફરીન !
    દુબારા ! દુબારા !
    કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
    આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.

  2. vajesinh said,

    April 16, 2010 @ 1:00 AM

    આ ગઝલમાંથી કોઈ એક શેર પસંદ કરીને ટાંકવો મુશ્કેલ છે. નખશિખ ગઝલ. કવિને અભિનંદન।

  3. Jina said,

    April 16, 2010 @ 1:54 AM

    ખૂબ સરસ

  4. વિહંગ વ્યાસ said,

    April 16, 2010 @ 2:20 AM

    વાહ…….સાચ્ચેજ આફરીન છું વિવેકભાઇ ! હરીશભાઇને અભિનંદન.

  5. pragnaju said,

    April 16, 2010 @ 7:23 AM

    સુંદર ગઝલ
    માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
    રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.
    ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
    માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.
    વાહ્
    યાદ
    મેરે ખયાલ મેં હર પલ તેરે ખયાલ શામીલ હૈ.
    લમ્હે જુદાઇયો વાલે મુશ્કીલ બડે હી મુશ્કીલ હૈ

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    April 16, 2010 @ 7:39 AM

    આ સાવ સાચું છે.વખાણવું તરત ઘણું મુશ્કેલ છે.
    પરંતુ આ ગઝલ વખાણ્યા વિના રહેવું મુશ્કેલ છે.

  7. સુનીલ શાહ said,

    April 16, 2010 @ 8:33 AM

    સુંદર મઝાની ગઝલ…

  8. vishwadeep said,

    April 16, 2010 @ 9:07 AM

    માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
    રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે. આ શે’ર સાથે..આખી ગઝલ માણી

  9. Gaurang Thaker said,

    April 16, 2010 @ 9:36 AM

    સરસ ગઝલ..

  10. SMITA PAREKH said,

    April 16, 2010 @ 11:47 AM

    વાહ !!!!!!!સરસ ગઝલ, માણવી ગમી.

  11. Dr. J. K. Nanavati said,

    April 16, 2010 @ 1:32 PM

    વાહ હરીશભાઈ…બહોત અચ્છે….

    જીવનના કંઇક તોફાનોમાં ડેલી બંધ રાખી’તી ………….
    તમારા શ્વાસની ખુશબુથી ઘર આજે ઉઘાડ્યાં છે……………..
    હરફ ના કોઇ ઉચ્ચારો , અમારી ખાનદાની પર…………….
    સ્વિકારી કારમી મે હાર , દુશ્મનને જીતાડ્યાં છે

  12. impg said,

    April 16, 2010 @ 1:35 PM

    આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે એક્દમ સાચી વાત છે!! ભગવાન ખરાબ ભાગ્ય્
    આપે તો તે પણ વહાલો લાગતો નથી અને તેને માફ કરવો મુશ્કેલ છે !!!

  13. ડૉ.મહેશ રાવલ said,

    April 16, 2010 @ 3:18 PM

    નખશિખ ગઝલ માટે જરૂરી તત્વ અને સત્વની વિવેકભાઈએ આપેલ સમજ ,ગઝલ લેખનના કાર્યમાં પ્રવૃત તમામે, ગુરૂમંત્ર તરીકે સ્વીકારી અનુસરવા જેવી છે.
    હરીશભાઈની ગઝલમાં સુંદર રીતે જળવાયેલ “જરૂરી” પાસાઓએ ગઝલને ઉપાડી લીધી છે એમ કહેવું મને વધારે વાજબી લાગે છે.સરળ અને સહજ ભાષામાં વ્યક્ત થયેલી અભિવ્યક્તિ પણ જમા પાસુ છે.
    -અભિનંદન વૈદ્યરાજ…..!

  14. Girish Parikh said,

    April 16, 2010 @ 5:30 PM

    ‘લયસ્તરો’ના લઘુ આસ્વાદ માટે ‘આસ્વાદિકા’ શબ્દ કેમ લાગે છે? (બહુવચનઃ આસ્વાદિકાઓ). વિવેકભાઈ, ‘લયસ્તરો’ની ટીમ, અને વાચકોને આ શબ્દનો આસ્વાદ કરાવવા વિનંતી કરું છું.

  15. sapana said,

    April 16, 2010 @ 10:33 PM

    માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
    રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.

    ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
    માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.

    સુંદર ગઝલ્ અર્થસભર..
    સપના

  16. sudhir patel said,

    April 17, 2010 @ 12:21 AM

    ખૂબ સુંદર ગઝલ! વિવેકભાઈના આસ્વાદ સાથે સંપૂર્ણ સંમત.
    સુધીર પટેલ.

  17. Kirtikant Purohit said,

    April 17, 2010 @ 7:00 AM

    ઘણી સરસ ગઝલ અને સરળ કાફિયાનુઁ સુઁદર નક્શીકામ.

  18. urvashi parekh said,

    April 17, 2010 @ 10:57 AM

    બધાને ગમતી વાત થઇ શકતી નથી.
    છોડી દેવુ પણ ઘણુ અઘરૂ છે.
    બધી જ વાતો સરસ છે.

  19. P Shah said,

    April 18, 2010 @ 11:04 AM

    નખશિખ સુંદર ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment