છે કબૂલ, એક હવા શ્વસી છતાં આપણામાં ફરક જુઓ
તમે ઝાડ જેવી છો સ્થિરતા, અમે પાંદડાની અવરજવર
– ભાવિન ગોપાણી

તમને ખબર ? – રવીન્દ્ર પારેખ

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
સ્તબ્ધતાએ આદરી દીધી સફર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
શૂન્યતા હસતી રહે અર્થોસભર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને ક્ષણો પીગળ્યા કરે સૂરજ ઉપર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને અહીં શબ્દો ભમે ભીંતો વગર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ઝાંઝવાનું નામ અહીંયા માનસર !

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ક્યાં હવે એમાં મળે ટહુકાનું ઘર ?

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
કોણ પડછાયાને ઉલેચે અરર !

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
છે સ્મરણમાં પણ મરણ, તમને ખબર ?

– રવીન્દ્ર પારેખ

રવીન્દ્રભાઈ સ્વભાવે પ્રયોગશીલ છે. અહીં આખી ગઝલમાં ઉલા મિસરા (પહેલી કડી)ને ગઝલના રદીફની જેમ જાળવી રાખીને બાકીની એક લીટી જેટલી સાંકડી જગ્યામાં એમણે આઠ શેર કહેવાનું સાહસ કર્યું છે જે ભાવકોના (સદ્)ભાગ્યે સફળ થયું છે.

કવિ જે નગરની વાત કરી રહ્યા છે એ રેતી, તડકા અને સ્મરણનું બનેલું છે… ત્રણેય કલ્પનો પર એક સાથે ધ્યાન આપીએ તો કેટલીક અર્થચ્છાયાઓ ઉપસી આવે છે. ત્રણેય પકડી શકાતા નથી, ત્રણેય પકડાય એનાથી વિશેષ છટકતા રહે છે, ત્રણેય સ્થિર નથી રહેતા અને ત્રણેયનો આકાર પણ ક્ષણેક્ષણ બદલાતો રહે છે… ત્રણેય કદાચ ભીનાશના અભાવ સાથે પણ સંકળાયેલા છે…

…હવે ગઝલ ફરીથી વાંચીએ?

13 Comments »

  1. સુનીલ શાહ said,

    March 13, 2010 @ 4:50 AM

    વાહ..સાચે જ ‘આ તો રવિન્દ્ર છે…’
    મઝાની ગઝલ.

  2. Pushpakant Talati said,

    March 13, 2010 @ 7:44 AM

    ગઝલ સુચના ને લીધે નહી પરન્તુ ગમી એટલે ફરીથી વાન્ચી ગયો.
    અને કહ્યા મુજબ અર્થ સમજવાનો યત્ન કર્યો.

    રેતી, તડકા અને સ્મરણનું બનેલું નગર … ત્રણેય ચીજો જોઇએતો – ત્રણેયને ન તો પકડી શકાય, વળી ત્રણેય પકડાય એનાથી વિશેષ તો છટકતા જાય છે, ત્રણેય સદન્તર અસ્થિર છે. અને હર પળ તે બદલાતા જ રહે –

    સાચી વાત છે કે ત્રણેય ભીનાશના અભાવ સાથે પણ સંકળાયેલા છે…અને આ ભીનાસ લાગણીની જ તો વળી.

    સરસ અને ગમે તેવી ગઝલ – ચાલો ફરીથી વાંચીએ.

  3. sapana said,

    March 13, 2010 @ 8:00 AM

    ખરેખર ભાવવહી ગઝલ્. આ પયોગ મને ગમ્યો!!રેત્ તડકો અને સ્મરણોનુ નગર્!!એને અનુરુપ બાકીનિ પંક્તિઓ!! વાહ સિવાય શબ્દો નથી!!
    સપના

  4. SMITA PAREKH said,

    March 13, 2010 @ 12:35 PM

    વાહ!!!!!!!!!!
    અદભૂત ગઝલ!!
    રેત, તડકો ને સ્મરણોનું આ નગર
    રવીન્દ્રભાઈ, આ તડકામાં પણ તડ છે,એક ઓર શેર—-

  5. Girish Parikh said,

    March 13, 2010 @ 2:14 PM

    યાદ આવે છે આદિલની અમર ગઝલોમાંની એકઃ “નદીની રેતમાં રમતું નગર …” પણ આ ગઝલના સંદર્ભમાં એ કેટલું સૂચક છે એ નક્કી કરવું મુશ્કેલ લાગે છે. આ અંગેના પ્રતિભાવો વાંચવા આતુર છું.
    –ગિરીશ પરીખ
    Blog: http://www.girishparikh.wordpress.com

  6. pragnaju said,

    March 14, 2010 @ 2:23 PM

    દાદ માંગી લેતી ગઝલ
    આ દ્રષ્ટિએ વિચારીએ-“ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી ક્યાંક મારી લાગણી લલામ. ….
    શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના સરસર વહત સમીરા. હે મારે રુદિયે.. હે રાસ ચગ્યો ને હૈડે હોંશે, … દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત…”

  7. અનામી said,

    March 15, 2010 @ 6:54 AM

    ખુબ જ સરસ ગઝલ…..ઘણા સમય બાદ આટલી સરસ ગઝલ મુકવા બદલ આભાર……….

  8. Pinki said,

    March 15, 2010 @ 8:33 AM

    નીતિનભાઈની ગઝલ યાદ આવી ગઇ -ને અચાનક સાંજ ઢળતી જાય છે.
    જેમાં તેમણે સાની મિસરાનું પુનરાવર્તન કર્યું છે.
    http://webmehfil.com/?p=63

    સરસ નવતર પ્રયોગ અને ખૂબ સરસ ગઝલ !

  9. વિવેક said,

    March 16, 2010 @ 1:04 AM

    જેમ નીતિન વડગામાની, તેમ રવીન્દ્ર પારેખની પણ એવી જ એક ગઝલ છે, જેમાં સાની મિસરા એના એ જ રહે છે…

  10. કિરણસિંહ ચૌહાણ said,

    March 16, 2010 @ 7:42 AM

    સુંદર અને સાર્થક પ્રયોગ. ‘અરર’ કાફિયા લાજવાબ.

  11. Pancham Shukla said,

    March 16, 2010 @ 8:07 PM

    રેત, તડકો ને સ્મરણના આ નગરને જુદા જુદા વિભાવોમાં ખોલતી પ્રયોગશીલ ગઝલ.

  12. Pancham Shukla said,

    March 16, 2010 @ 8:17 PM

    સાની મિસરો એકનો એકજ હોય એવી ગઝલો સારા પ્રમાણમાં લખાઈ હશે એવું માનું છું. આદિલ મન્સૂરી, રાજેન્દ્ર શુક્લ, મીસ્કિન જેવા ગઝલકારોએ આ પ્રયોગ કર્યાનું યાદ છે.

    એક બીજું ઉદાહરણઃ (તળેટી સુધી ચાલ ગઝલ..).

    http://tahuko.com/?p=1120

  13. Gunvant Thakkar said,

    March 17, 2010 @ 12:37 AM

    “રેત,ને તડકો”=”રેત નુ તપતુ રણ”

    “તપતા રણ જેવુ સ્મરણનુ આ નગર
    ઝાંઝવાનું નામ અહીંયા માનસર !’

    વિવેકભાઈ,કવિને સ્મરણના આ નગરની સફર તપતા રણની સફર તો નહી લાગતી હોય ને ?
    ખોટા પડવાની સભાંવના સાથે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment