તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પંખી – રાવજી પટેલ

કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વૃક્ષ ઊગ્યું’તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.

કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.

હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

– રાવજી પટેલ

રાવજી પટેલની ગઝલ જૂજ વાંચી છે. આ ગઝલમાં પંખી રૂપક દરેક શેરમાં જુદો અર્થ ધારણ કરે છે – ક્યાંક એ desire છે તો ક્યાંક એક ભ્રમણા છે…..

Comments (9)

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

હામ ને હેસિયત થકી બેઠો,
હુઁ નથી કોઈના વતી બેઠો.

શ્વાસ ખાવો કે રોટલા ખાવા ?
બેઉનો મેળ ક્યાં કદી બેઠો ?

જીવ ઉભડક હતો તમારી સમક્ષ,
સ્હેજ મલક્યા તમે, પછી બેઠો.

ચિત્ર દોરું છું તારું રોજેરોજ,
હાથ મારો હજી નથી બેઠો.

જેમનું નામ છે ઘણું મોટું,
એમનું નામ, હું પૂછી બેઠો.

– ડૉ. હરીશ ઠક્કર

આમ તો આખી ગઝલ જ કવિની તાસીર પ્રમાણે સંઘેડાઉતાર થઈ છે પણ મને ત્રીજો-ચોથો કવિકર્મના અરીસા જેવો લાગ્યો. જીવનું બેસવું અને કોઈ વસ્તુ પર હાથ બેસવો- આ બે રૂઢીપ્રયોગો જે સરળતા-સફલતાથી કવિ ટૂંકી બહેરમાં પ્રયોજી શક્યા છે એ કાબિલ-એ-દાદ છે.

Comments (4)

થાક લાગ્યા છે! – ઉશનસ્

વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાંગ્યા છે
વીતેલા લાખ ભવના સામટા કંઇ થાક લાગ્યા છે.

ખરું કહું? છેક આદિથી ખડે પગે ઊંચકી પૃથ્વી
સૂરજની લાયમાં છાયા વગરના થાક લાગ્યા છે!

ગયા જન્મેય ‘માણસ’ નામની જાતે હું જન્મયો હઇશ
નહીં તો આવડા તે હોય, આ જે થાક લાગ્યા છે!

બહુ વપરાય લાગે ઢીલાઢસ તાર જંતરના,
પ્રણય જેવા પ્રણયમાંયે હ્રદયને થાક લાગ્યા છે!

ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે?
અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!

તમે મનરથ લઇ ખોડાઇ ઊભા રહી જુઓ ઉમરે,
નર્યા હોવાપણાના ચાકમાં આ થાક લાગ્યા છે!

નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ? પણ ઉશનસ્
બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે!

– ઉશનસ્

સાચું કહુંને તો આ ગઝલમાં મને કંઈક ખૂટતું હોય એવું લાગે છે….દરેક શેર પરાણે બેસાડ્યો હોય એવું લાગે છે, સહજતાથી સર્જન થયું હોય એમ નથી લાગતું. હું ખોટો પણ હોઉં…. છતાં ગઝલ મૂકવાનું કારણ એ કે દરેક શેરનો કેન્દ્રવર્તી વિચાર ખરેખર મજબૂત છે. ઘડામણ વધુ સારું થઇ શક્યું હોત પરંતુ સોનું તો સાચું જ છે.

Comments (3)

સળંગ સત્ય – ધૂની માંડલિયા

આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે,
જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે…

આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,
આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે…

ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ,
જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે…

રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ,
સગપણની આ ક્ષણોય કેવી ધન્ય હોય છે…

મૂઠીક સ્વપ્નો હોય તો હું ઉછેરી લઉં,
આ તો કુંવારી આંખમાં અસંખ્ય હોય છે…

આ તો ગઝલ છે એટલે ડૂમો વળી ઠલવાય છે,
બાકી જગતની વેદના અસહ્ય હોય છે…

– ધૂની માંડલિયા

દરેક શેરમાં એક અદભૂત ચમત્કૃતિ છે…. બીજો શેર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે- ચર્મચક્ષુએ જે દેખાય તે માયા અને પ્રજ્ઞાચક્ષુએ જે દેખાય તે ? તે પણ માત્ર દ્રશ્ય !!!?? તો સત્ય ક્યાં છે ?? કે પછી સત્યને જોવાનો પ્રયત્ન કરવો એ જ અજ્ઞાન છે ? – જુદી જુદી રીતે મૂલવી શકાય…. બીજા બધા શેરમાં પણ ઊંડાણ છે.

Comments (9)

ગઝલ – હનીફ સાહિલ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ,
છે ગઝલ દાસ્તાનથી આગળ.

– હનીફ સાહિલ

ભલે પિંજરામાં કેદ કેમ ન હોઈએ, પણ દૃષ્ટિ ઉડાનથી, આસમાનથી આગળ હોય ત્યાં સુધી જ કંઈક થવાની સંભાવના જીવતી રહે છે…

Comments (6)

બદલવાથી – હિતેન આનંદપરા

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.

– હિતેન આનંદપરા

Comments (13)

કિનારા પર – ગની દહીંવાળા

સદા ચાલ્યા કરેછે શ્વાસ કોઈના ઇશારા પર,
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર !

મળ્યું વ્યાકુળ હ્રદય તેમાંય ચિનગારી મહોબ્બતની,
જીવનદાતા ! મૂકી દીધી ખરેખર આગ પારા પર.

કવિ છું, વિશ્વની સાથે રહ્યો સબંધ એ મારો,
હસે છે એ સદા મુજ પર,રડું છું, એ બિચારા પર.

હ્રદય સમ રાહબર આગળ ને પાછળ કૂચ જીવનની,
તમન્નાઓ મને ઠરવા નથી દેતી ઉતારા પર.

અષાઢી વાદળો ! મુજ આંગણે વરસો ન આ વરસે,
વરસવું હોય તો વરસો મને તરસાવનારા પર.

જીવન-સાગરમાં તોફાનોની મોજ માણો ભરદરિયે,
‘ગની’, ડૂબી જશે, અગર નૌકા આવી કિનારા પર.

******

બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યાં છે દુનિયાએ,
બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું હું.

– ‘ગની’ દહીંવાળા

એક સરળ હ્રદયની વાણી છે આ…..એક સંવેદનશીલ દિલની કથની છે. ગનીચાચાની ખૂબી જ એ હતી કે તેઓના કવનમાં દર્શન સહજ હતું.

Comments (5)

આવવું – મનહર મોદી

આંખમાં આવવા નથી આવ્યો,
સાવ દરિયો થવા નથી આવ્યો.

ડાળખી ડોલવું નથી ભૂલી,
એમ દેખાડવા નથી આવ્યો.

હોય ચોખ્ખો તો મારે જોવો છે,
કાચને કાપવા નથી આવ્યો.

પાંપણે પટપટું તો પૂરતું છે,
છેક ઊંડે જવા નથી આવ્યો.

જાતને ખોલવા ઊભો છું હું,
બારણું વાસવા નથી આવ્યો.

– મનહર મોદી

મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ ગઝલના શેરને હળવેથી ખોલીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી…

 

Comments (1)

(વેદના) – નેહા પુરોહિત

મન મૂકીને માણવાની હોય છે,
વેદના કેવી મજાની હોય છે.

વેદના સત્વો જે રગરગમાં ભરે,
વેદના એણે વખાણી હોય છે.

શબ્દ શણગારે, પ્રભાવે મૌનને,
વેદનાની જાત શાણી હોય છે.

નીતરે જ્યારે ગઝલ થઈ વેદના,
એ સ્તરે એ રાજરાણી હોય છે.

વેદના બ્રહ્માંડમાં પણ વિસ્તરે,
ગાલગામાં પણ સમાણી હોય છે.

– નેહા પુરોહિત

એક-એક શેર પાણીદાર… ગઝલ જાણે વેદનાનો વેદ ના હોય !

Comments (9)

વિદાયઘડી – સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ!

એક ઘડીભર રાતની છે શી વિસાત?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!

અપશુકન છે રોકવામાં, શું કરું?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ!

ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ!

વાટમારુ છે નિરાશા માર્ગમાં –
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ!’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!

આજ ‘સાબિર’ વારે વારે શું કહું?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!

– સાબિર વટવા

જરા રોકાઈ જવા જેવી ગઝલ…

Comments (4)

જાયે છે – હરીન્દ્ર દવે

ઘણી વેળા ત્રિભેટા પર જે પથ ફંટાઈ જાયે છે,
બધેબધ જઈ શકું, એ ખ્યાલે ત્યાં અટકી જવાયે છે.

પ્રભુ એવું કરે નિ:શ્વાસમાં એની અસર ના હો,
લઉં છું શ્વાસ તો એક આગ ઉર ઠલવાઈ જાયે છે.

હું ઝંખું કે સમેટી લઉં મિલનની આ ક્ષણો હમણાં,
જરા અડકું છું ત્યાં નાજુક સમય વિખરાઈ જાયે છે.

કદી એને મૂલવવાની મને રસમો ન આવડતી,
ફકીરી હાલમાં જે થોડું ધન સચવાઈ જાયે છે.

હવે લાગે છે બાકી જિંદગીનો રાહ ટૂંકો છે,
કે હમણાં હમણાં લાંબા શ્વાસ બહુ લેવાઈ જાયે છે.

– હરીન્દ્ર દવે

બીજો શેર અદભૂત છે. ત્રીજો અત્યંત નાજુક વાત કહી જાય છે. ત્રીજો શેર એક દ્રષ્ટિએ મરીઝના પેલા અત્યંત જાણીતા શેર ‘…….એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે’- ના પ્રતિશેર જેવો છે. રસ પીવામાં જલ્દી ન કરાય…… નહિતર રસ રસ રહે જ નહિ. પરમાનંદની ક્ષણોને અડાય !!!!! જો એવી ગુસ્તાખી કરો તો તે તરત જ અલોપ થઇ જાય. ઉતાવળે રસ પીવા કોશિશ કરી જુઓ, જામમાં પીણું જ રહી જશે……..રસ ઊડી જશે. ચોથો શેર નબળો લાગ્યો.

Comments (2)

નહિ લખું – સુરેશ પરમાર ‘સૂર’

“તું લખે તો હુંય લખું” એવાં બહાને નહિ લખું;
છે પૂરું સામર્થ્ય પણ, ખોટા ઉપાડે નહિ લખું.

વાત પાયાની અને સાર્થક રહે, ત્યાં છે ગઝલ;
એ સમજ છે એટલે, વહેતા વિચારે નહિ લખું.

તુંય જાણે છે કે શું છે ન્યાય ? શું છે સમતુલા ?
એમ જાણી દોસ્ત, ઓછું કે વધારે નહિ લખું.

વાહવાહી, દાદ, તાળી-ગુંજ, બહુ સારી છે પણ;
હું સભાને આંજી દેવાના ઈરાદે નહિ લખું.

‘સૂર’મય બે શબ્દ લઈ, કાને પડું તો ઠીક છે;
માથે યા છાપે ચડું, એવા હિસાબે નહિ લખું.

– સુરેશ પરમાર ‘સૂર’

આજના ગઝલકારોએ આંખ સામે ૨૪ કલાક મૂકી રાખવા જેવી ગઝલ…

Comments (16)

ગઝલ – ગૌરાંગ ઠાકર

મહેલમાં જેમને વન લાગે છે,
એમની વાતમાં મન લાગે છે.

ખીણ પર્વતનું પતન લાગે છે,
ને ઝરણ એનું રુદન લાગે છે.

ભાર જીવનમાં બીજો છે જ નહીં,
હળવા પાકિટનું વજન લાગે છે.

આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે.

બાગમાં ફૂલ અને ઝાકળનું,
અમને તો હસ્તધૂનન લાગે છે.

તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.

આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે

– ગૌરાંગ ઠાકર

સરલ, સહજ પણ મનનીય ગઝલ… કવિનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ…

Comments (9)

શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

 

થોડીક પ્રયોગાત્મક ગઝલ છે. કદાચ શાસ્ત્રીય ગઝલકારની ભૃકુટી તણાય પણ ખરી પરંતુ કલ્પનોની તાજગી કાબિલ-એ-તારીફ છે.

Comments (10)

ખાસમખાસું – હરદ્વાર ગોસ્વામી

તારી આંખો, તારા આંસુ,
મારે હૈયે કાં ચોમાસુ ?

જેના પર તું હાથ મૂકતી,
એ જ કિરણ થઈ જાતું ત્રાંસું.

નજર મેળવી શક્યા નહીં, લ્યો,
દૂર પડેલું ખાસમખાસું.

સંવેદનના સાસરિયામાં,
ખૂબ નડી શબ્દોની સાસુ.

માધુરીના મૌન વચાળે,
ચારેપા બિપાશા બાસુ.

ભારે ભારે ગઝલ લખે છે,
માણસ છે ભારે અભ્યાસુ.

બધે જ તારા સી.સી. ટીવી,
છટકીને હું ક્યાં ક્યાં નાસું ?

– હરદ્વાર ગોસ્વામી

પહેલો શેર વાંચીને જ હું તો પલળી ગયો… ત્રાંસા કિરણ, શબ્દોની સાસુ, સી.સી. ટીવી- બધા જ શેર મજાના થયા છે.

Comments (9)

સ્વીકારું – સ્નેહી પરમાર

ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું

આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
માટી ખાધી છે તો માટી સ્વીકારું

ઉપર હળદર જેવું ચમકે છે તન, કિન્તુ
અંદર છે એક હલદીઘાટી, સ્વીકારું

પાણી હો જેનામાં એ દેખાડી દે
કોઈ કહે કે ‘તું છે માટી’, સ્વીકારું

જન્મ છે ઉત્સવ તો મૃત્યુ મહોત્સવ છે
જેમ સ્વીકારું ત્વચા, રૂંવાટી સ્વીકારું

– સ્નેહી પરમાર

જાનદાર ગઝલ. ઇચ્છાઓના વાહનની ઘુરર્રાટી અદભુત તો કૃષ્ણ જેવા કૃષ્ણનો અભૂતપૂર્વ ઉધડો લેતો શેર લાજવાબ. ભીતરની હલદીઘાટીનું કલ્પન મજાનું તો છેલ્લા બે શેર પણ એવા જ જોરદાર…

Comments (15)

ગઝલ – મિલિન્દ ગઢવી

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

– મિલિન્દ ગઢવી

ચાર જ શેરની પણ સાદ્યંત અદભુત ગઝલ લઈને ગ.મિ. આજે લયસ્તરોના આંગણે આવ્યા છે. રદીફમાં દોરવાની અને ‘તું નથી’ એવું લખવાની જે વાત કવિ કરે છે એ વાત જ પહેલી નજરે પસંદ પડી જાય છે પણ ગઝલના ચાર શેરમાં જે વિરહ-વિયોગ-પ્રતીક્ષા ઘૂંટાતી રહે છે એનો ઘેરો રંગ આ ગઝલનો ખરો પ્રાણ છે.

રાસ એ ટોળાંની કવિતા છે. પ્રેમીજનોની અંગે-સંગે મ્હાલવાની કળા છે. રાસ શબ્દ સાંભળતાવેંત આપણી આંખ સામે યમુનાકાંઠે વેણુ વગાડતાં શ્રીમુરારિ અને ગોપિકાઓ આવી ઊભે. પણ કવિનો રાસ તો શૂન્યતાનો રાસ છે. આ એક જ કલ્પન પર કવિ આફરીન આફરીન પોકારાવી દે છે. કેવી ઘેઘૂર અને ભરચક્ક શૂન્યતા હશે જે પ્રિયજનના વિરહમાં રાસે ચડી છે ! અને પછી ખાલી પડેલી ભીંતો અટ્ટહાસ્ય ન કરે તો બીજું શું! આંખનો ઉપવાસ અને સાંજને ચાખવાના કલ્પનનું નાવિન્ય પણ એવું જ હૃદયંગમ…

Comments (8)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.

શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !

ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?

માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !

પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.

– વિવેક કાણે ‘સહજ’

મત્લાના શેરમાં સાચા કવિનું સરનામું જડે છે. ખુદ, ખુદના વિચારો, અભિમાન, સંપર્કો – બધાથી અળગા થઈ જઈએ એ પછી હોવાહીનતા જ્યાં આપણને લઈ આવે ત્યાં જ કવિ બેઠક જમાવી બેસે છે બાકી તો મજૂરિયાની જેમ શ્વાસ પર શ્વાસ સતત લાદતા જઈને આપણે આપણેરે જાતને દબાવવા-કચડવા સિવાય બીજું કર્યું જ શું છે ?

Comments (7)

તને ઓછું ન પડે – ‘ગની’ દહીંવાળા

આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,
મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે.

કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,
ઊમટે ઉદગારનો દરિયો,અને ટીપું ન પડે ?!

ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,
દિલની બેચેની ! કશું યે તને ઓછું ન પડે.

પાંપણે રંગ છે માણેલ ભીની મોસમનો,
મોર નાચીને ઊડી જાય, ને પીંછું ન પડે ?!

જ્યાં બન્યું શક્ય ક્ષિતિજોને ખભે લઈ ચાલ્યા,
નામ સંબંધના આકાશનું નીચું ન પડે.

એક આ પાન ! જે ફરક્યા કરે લીલું લીલું,
ને જો ઊખડે, તો પવનથી કદી પાછું ન પડે.

દિલના ખંડેરમાં પડઘાય ‘ગની’ , ભાંગેલા,
કોઈનું નામ લઇ બૂમ જો પાડું, ન પડે.

– ‘ગની’ દહીંવાળા

Comments (5)

થાતા જાય છે – અલ્પેશ ‘પાગલ’

ખૂબ તાતાં તીર થાતાં જાય છે !…
શબ્દ બહુ શાતિર થાતાં જાય છે !

આજકલ ઈશ્વર મટી ઈશ્વર બધા,
મસ્જિદો-મંદિર થાતાં જાય છે !

હાથને ચહેરો નથી તો શું થયું…?
લેખ સૌ તસવીર થાતાં જાય છે !

તું હસે તો કોણ જાણે કેમ આ…
આઈના ગંભીર થાતા જાય છે !

દોડવાની હોડમાં છે માણસો…
ને સંબંધો સ્થિર થાતા જાય છે !

લાગણીના માણસોનું શું કરું…?
કાચની સમશીર થાતા જાય છે !

આ જૂના આલબમના ફોટાઓ હવે
દર્દની જાગીર થાતા જાય છે !

હા, હયાતીની દવા લેખે હવે,
ઝાંઝવાં અક્સીર થાતાં જાય છે !

– અલ્પેશ ‘પાગલ’

એક સે બઢકર એક…

Comments (4)

વિચાર્યું હોત તો – પ્રણય જામનગરી

મન તો મન છે, મનને માર્યું હોત તો ?
જે મળ્યું, એને સ્વીકાર્યું હોત તો ?

તીર પાછું કઈ રીતે વાળ્યું વળે ?
છોડતાં પહેલાં વિચાર્યું હોત તો ?

ઘર ખરેખર ઘર મને પણ લાગતે
કોઈ મારે ત્યાં પધાર્યું હોત તો ?

ભારેલા અગ્નિ સમું ધખતું રહ્યું,
એવું મન, ક્યારેક ઠાર્યું હોત તો ?

આજીવન, જીવન બની રહેતે જીવન:
આપણે સાથે ગુજાર્યું હોત તો.

પ્રેમ નફરતમાં કદી પલટાત ના,
આપણું વર્તન સુધાર્યું હોત તો.

રણ તો આખર હોય છે રણ આમ પણ,
એટલું તેં પણ વિચાર્યું હોત તો.

ઘાત ગઈ તારા હૃદય પરથી ‘પ્રણય’
હળવું-મળવું તેં વધાર્યું હોત તો ?

– પ્રણય જામનગરી

ગુજરાતી ભાષામાં સૌથી વજનદાર શબ્દ કયો એમ કોઈ પૂછે તો હું ‘તો’ને આગળ ધરું. રુઢિપ્રયોગોમાં પણ ‘તોંતેર મણનો તો’ જાણીતો છે. ‘તો’ મૂકાઈ જાય એટલે આખી વાતનો અર્થ બદલાઈ જાય, અને કવિએ તો આખી ગઝલ જ એને ધરીમાં રાખીને રચી છે. મોટાભાગના શેરોમાં સરળ રોજબરોજની વાતો જ છે. મનનીય થઈ શકેલા શેરોની વચ્ચે ક્યાંક ક્યાંક ધાર્યું તીર નિશાને લાગ્યું ન હોય એવા શેર પણ આવી ગયા છે. કવિએ એ શેર પડતા મૂકવાનું વિચાર્યું હોત તો આખી ગઝલ સંઘેડા ઉતાર થઈ શકી હોત.

Comments (5)

ભૂલા પડ્યા – શિવજી રૂખડા

આંગણામાં આપણે ભૂલા પડ્યા,
આપણામાં આપણે ભૂલા પડ્યા.

એક હળવી વાતને મોટી કરી
હુંપણામાં આપણે ભૂલા પડ્યા.

આમ તો ત્યાં એકલા ફરતાં હતાં,
પણ ઘણામાં આપણે ભૂલા પડ્યા.

રોજ દિવસ ધારવામાં જાય છે,
ધારણામાં આપણે ભૂલા પડ્યા.

તાર સીધા હોય તો ચાદર બને,
તાંતણામાં આપણે ભૂલા પડ્યા.

દ્વાર ઝાઝાની હવેલી આપણી,
બારણાંમાં આપણે ભૂલા પડ્યા.

– શિવજી રૂખડા

માત્ર બેજ અક્ષર જેટલા નાના કાફિયાને લાંબી રદીફ સાથે જોડીને પણ કવિ નાનાવિધ અર્થચ્છાયાની ભારે કમાલ કરી શક્યા છે…

Comments (3)

ગઝલ – દિલીપ રાવલ

આપણી આટલી અરજ સાંઈ,
ના પડે કાંઈ પણ ગરજ સાંઈ.

આપ આપો મને સમજ સાંઈ,
કઈ રીતે રહી શકું સહજ સાંઈ.

આપણે સાવ એક રજ સાંઈ,
આપણો ઈશ છે સૂરજ સાંઈ.

શ્વાસ લેવા ને જીવતા રહેવું,
આપણી આટલી નીપજ સાંઈ.

એની ઇચ્છાની નોબતો વાગે,
આપણાં વાગશે શું ગજ સાંઈ.

એક અંધાર રાત આવી તો,
ઊગશે કંઈક નવા સૂરજ સાંઈ.

તું હી તું નો જો સૂર લાગે તો,
આપણી પણ બને તરજ સાંઈ.

– દિલીપ રાવલ

Comments (7)

ગઝલ – કુલદીપ કારિયા

જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર,
તો દૃશ્ય પણ વહી શકે, નસનસની આરપાર.

અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે,
અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર.

એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ !
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર.

પૂછો નહીં કે એ પછી આકાર શો થયો
ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર.

સાચી ગઝલ હશે તો કશું પણ થશે નહીં,
તલવાર જઈ શકે નહીં તાપસની આરપાર.

સંબંધ આપણો કદી જાહેર ના થયો,
એક આગ આવી નૈ કદી બાકસની આરપાર.

– કુલદીપ કારિયા

સંઘેડાઉતાર રચના… એક એક શેર બળકટ…

Comments (7)

ગઝલ – ઉષા શાહ

હું નદીની જેમ વ્હેવાની નથી,
ને ગગન ઓઢીને રહેવાની નથી.

આંખમાં ભીનાશ જેવું કંઈક છે,
પણ તમારું નામ લેવાની નથી.

સ્વપ્ન આ થીજે, નયન રીઝે તો શું ?
ચંદ્ર ! તારી રંગતો છાની નથી.

એષણાની આંખ વનમાં તગતગે,
રાહબર છે સાથ, ડરવાની નથી.

રેતમાં ત્રોફેલ તારું નામ છે,
પણ પવનને કૈં જ કહેવાની નથી.

– ઉષા શાહ

આમ તો બધા જ શેર સ-રસ છે પણ આંખમાં ભીનાશવાળી વાત અને રેતમાં ત્રોફેલ નામવાળી વાત તો ભઈ, વાહ !

Comments (10)

તારાં સ્મરણની વાદળી – ઉર્વીશ વસાવડા

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે

– ઉર્વીશ વસાવડા

Comments (7)

વાત – રમેશ પારેખ

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

– રમેશ પારેખ

Comments (7)

મારા વિનાની સાંજ – જિગર જોષી ‘પ્રેમ’

મારા વિનાની સાંજ જો રસ્તે જડે તને,
એ ઝેર મારે જોવું છે કેવું ચડે તને ?

બહુ બહુ તો લઈ જવાશે પણે બાંકડે તને,
વાતાવરણ પછીનું નહીં પરવડે તને.

તું જે કરી રહ્યો છે એ તો માગણી છે, દોસ્ત !
ઈશ્વર કરે કે પ્રાર્થનાયે આવડે તને.

તું વૃક્ષ છે તો ભીંતની માફક રજૂ ન થા,
ટહુકાઈ નામનીયે નહીં સાંપડે તને.

હું બસ એ વાતની જ ‘જિગર’ રાહ જોઉં છું,
મારા સ્મરણની ક્યારે જરૂરત પડે તને ?

– જિગર જોષી ‘પ્રેમ’

સાદ્યંત સુંદર રચના…. એક એક શેર સો ટચનુ સોનું…

Comments (11)

ગઝલ – નિનાદ અધ્યારુ

યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.

એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.

તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !

જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !

લાખ તું જલવા બતાવે જિંદગી,
આ ગઝલ જેવો બીજો ઉન્માદ નહિ.

કોઈ એવા પણ વડીલો હોય છે,
હાથ માથા પર ને આશીર્વાદ નહિ.

આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી ‘નિનાદ’ નહિ.

– નિનાદ અધ્યારુ

ગઝલનો મક્તા વાંચતાવેંત કહેવું પડ્યું કે ‘બિલકુલ દાદ આપું છું, ઉસ્તાદ… તમતમારે નિનાદ જ નામ રાખજો…’ બધા જ શેર કાબિલ-એ-દાદ !

Comments (8)

છતાં – – મકરંદ દવે

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –

ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં –

વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –

કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં –

આજ તો કહેવા તુ દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયા કયાં? હેતની હેલી, છતાં –

એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં –

એટલી તો છે ખબર, એ જ અહિ દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં –

– મકરંદ દવે

તદ્દન અલગ જ તરહની ગઝલ…..કટાક્ષ સૂક્ષ્મ પણ છે અને ડંખહીન પણ છે….

Comments (8)

મસ્ત છે – જિજ્ઞા ત્રિવેદી

મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી.

કંકુ ચોખાથી વધાવ્યાં સંસ્મરણ ત્યાં
આંખમાં વરસી ગયાં વાદળ અષાઢી.

જે અદાથી દૃશ્ય ઝીલાતું રહ્યું એ
જોઈને લાગે નજર જાણે નવાબી.

શાન છે સંધ્યા સમયના હોઠની કે,
કોઈએ ઉન્માદની લાલી લગાડી ?

કંટકોને રોકડું પરખાવવામાં,
ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી.

– જિજ્ઞા ત્રિવેદી

ભાવનગરના કવયિત્રી જિજ્ઞા ત્રિવેદી એમનો બીજો ગઝલ સંગ્રહ “શુકન સાચવ્યાં છે” લઈને આવ્યાં છે. એક મજાની ગઝલ સાથે લયસ્તરોના આંગણે એમનું સસ્નેહ સ્વાગત છે.

Comments (3)

લાગી આવે – મુકેશ જોષી

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે

સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે

-મુકેશ જોષી

શું બળકટ રચના છે !!! આ કવિ સતત મજબૂત રચના આપતા રહે છે…….

Comments (6)

ગઝલ – રઈશ મનીઆર

કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે
હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે

પહોંચી નથી હું શકતો અંદર.. બહુ નડે છે
આ આસપાસ સ્થાપ્યા ઇશ્વર બહુ નડે છે

વિસ્તરવું રોડને છે, તરુવર બહુ નડે છે
ઊગવું છે તૃણને પણ ડામર બહુ નડે છે

નૌકાને આમ જો કે પાણી વગર ન ચાલે
એમાં જ એ ડૂબે છે, સાગર બહુ નડે છે

સાથી બની બનીને જોડાય જે શરૂમાં
યાત્રામાં એ જ સઘળાં આખર બહુ નડે છે

બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે
જે હો સહાય કરવા તત્પર બહુ નડે છે

થઈને સહુના અંતે તો એકલું જ લાગે
જ્યાં પ્રેમ જોઈએ ત્યાં આદર બહુ નડે છે

– રઈશ મનીઆર

પરંપરાના મિજાજને જાળવીને ઉઘડતી મજાની ગઝલ.

Comments (10)

ગઝલ – આસિફખાન ‘આસિર’

બ્હાવરી આંખો, ન મટકી પાંપણો,
શું કહું, આવી પડી એવી ક્ષણો.

આંચ લાગે ને પીગળતો જાય છે,
મીણ સમ સંબંધ કેવો આપણો !

વાંચતા આંખોય શીખો લોકની,
આ શું લઈ ફરતા રહો છો દર્પણો ?!

પૂછ ના અવસર પછીની રિક્તતા,
બારસાખે બસ, સૂકા છે તોરણો.

છોડને તું પામવાની ઘેલછા,
બે ઘડીનો છે વિસામો આપણો.

લાગણીથી તરબતર ‘આસિર’ થયો,
એ હતા નજરોના ઠાલા કારણો.

– આસિફખાન ‘આસિર’

સુરતના શાયર આસિફખાન સ્વભાવે જેવા સરળ છે એવી જ ગઝલ પણ લઈને આવ્યા છે. આંખો-પાંપણોને અવાચક કરી દે એવી ક્ષણોની વાત મત્લામાં કરીને એ ગઝલના દરવાજા ઊઘાડે છે અને એ જ નજરોમાં મનગમતું પણ ઠાલું વાંચી લઈને તરબતર થઈ જવાની વાત સાથે મક્તા સુધી આપણને કવિ લઈ જાય છે. ગઝલની વચ્ચે પણ કવિ આંખોની વાત સરસ રીતે લઈ આવે છે. આપણે લોકોની આંખો વાંચવું ભૂલી ગયા છીએ. જ્યાં જઈએ ત્યાં આપણે દર્પણો જ લઈને જઈએ છીએ. બીજાને વાંચવા-સમજવાને બદલે દરેકમાં આપણે માત્ર આપણી જ જાતને શોધતા ફરીએ છીએ…

Comments (9)

રાખું છું – મહેશ દાવડકર

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.

ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.

રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.

ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.

– મહેશ દાવડકર

Comments (8)

અક્ષરાંત કાફિયાની ગઝલ [ કાફિયાના પ્રચલિત નિયમમાં અપવાદ ] -જવાહર બક્ષી

ખ્યાલ રાખ્યો નથી જયારે મેં અપેક્ષા કરતાં,
ત્યારે તું કેમ ડરે છે મને શિક્ષા કરતાં.

પ્રેમ પારખ નહીં, ચૂપચાપ સ્વીકારી લે, બસ,
ક્યાં તને આવડે છે એની પરીક્ષા કરતાં.

લાગણી પણ કહો શું કામ ડરે બુદ્ધિથી,
એ તો વધતી જ ગઈ તારી સમીક્ષા કરતાં.

હું જ મળવાના બધા માર્ગને સંકેલી લઉં,
તારો તો જીવ નહીં ચાલે ઉપેક્ષા કરતાં.

તારા ઘરમાંથીય ફરક બહુ નથી મારા ઘરથી,
ત્યાંય બેસી રહ્યો’તો તારી પ્રતીક્ષા કરતાં.

-જવાહર બક્ષી

ગઝલ પસંદ કરી લીધી એના ચોથા શેરને લીધે !! વાતનું ઊંડાણ તો જુઓ !! શુદ્ધ પ્રેમ !!!

Comments (6)

જવાયું છે – નીલેશ પટેલ

જાતથી બ્હાર નીકળાયું છે,
કેટલું વિસ્તરી જવાયું છે !

મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું,
મુક્ત અંધારથી થવાયું છે.

ટીકા કરવાનું છોડ, ટેકો કરે,
એ પૂજા કરતાં પણ સવાયું છે.

આપણી પાસે શું હતું પહેલાં ?
ને શું હજુ સંઘરી શકાયું છે ?

આવો, પરવાનગી વગર આવો,
જે રીતે સ્વપ્નમાં અવાયું છે.

ધૂળ ચાલી ગઈ પવન સાથે,
કાંકરાથી રહી જવાયું છે.

– નીલેશ પટેલ

સરળ ભાષા. મજાની વાત. સુંદર ગઝલ. બધા જ શેર મનનીય.

Comments (6)

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

સૌ સતત બેલગામ દોડે છે,
રામ જાણે શું કામ દોડે છે ?

દોડવું થઈ ગયું વ્યસન એવું,
ઊંઘમાં પણ તમામ દોડે છે.

પીઠ પર સૂર્ય સળગતો મૂકી,
સ્વપ્નનાં સૌ ગુલામ દોડે છે.

થોભશું તો રહી જશું પાછળ,
ગામનાં ગામ આમ દોડે છે.

મૂળમાં એય બળદ ઘાંચીના,
રોજ જે ચારધામ દોડે છે.

લક્ષ્યની કે ખબર દિશાની ક્યાં ?
દોડવું છે દમામ, દોડે છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વયંસ્પષ્ટ ગઝલ… કયા શેરને હાથમાં લેવો અને ક્યાને પડતો મૂકવો એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે.

Comments (7)

આવ્યાં છે આજ વાદળ – ઋષિરાજ જાની

આવ્યાં છે આજ વાદળ દુનિયાને ન્યાલ કરવા,
આકાશની સભામાં મસ્તીધમાલ કરવા…

તડકાની ગેંગ કરતી દાદાગીરી ઉનાળે,
ઘૂસી ગયાં છે વાદળ, સામે બબાલ કરવા…

કાળાશ આભનીયે ધોવાઈ થાય ઉજળી,
ચમકે છે વીજળીઓ ‘સત્ શ્રી અકાલ’ કરવા…

આંખો મહીંનું કાજળ આષાઢ થઈ વહે છે,
વિરહીજનોના મનને ભીનાં રૂમાલ કરવા…

બાળકની આંગળીશાં ફોરાં પડે છે ટપટપ,
દાદાની ટાલ ઉપર હળવેથી વહાલ કરવા…

ક્યાં, કેટલી ને કેવી, ક્યારે થઈ છે વૃષ્ટિ
પલળો, તમે જવા દો ખોટા સવાલ કરવા…

– ઋષિરાજ જાની

કવિતામાં એકની એક વાતો અને એકના એક કલ્પનો માણી-વાંચીને આપણું મન ઘણીવાર ઓચાઈ જતું હોય છે. ઘણીવાર એવુંય લાગે કે આટલું બધું લખાઈ ચૂક્યું છે આ દુનિયામાં. હવે નવું કોઈ શી રીતે લખે ? પણ ક્યારેક આવી ગઝલ નજરે ચડે ત્યારે દસે આંગળીએ કવિ અને કવિતાના બલાયાં લેવાનું સહેજે મન થઈ આવે. જેટલી “ફ્રેશ” ગઝલ ! આ કવિનું નામ પણ મેં પહેલવહેલીવાર જ જાણ્યું પણ ફીદા ફીદા થઈ જવાયું…

Comments (8)

ફૂલ કેરા સ્પર્શથી – ‘સૈફ’ પાલનપુરી

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

– ‘સૈફ’ પાલનપુરી

Comments (7)

ગઝલ – હનીફ સાહિલ

એકીટશ એકધારી જાગે છે,
આ પ્રતીક્ષા બિચારી જાગે છે.

એકલો હું જ કંઈ નથી જાગૃત,
દ્વાર, ભીંતો, અટારી જાગે છે.

તું ગઈ જાણે કે વસંત ગઈ,
બાગ જાગે છે, ક્યારી જાગે છે.

સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,
કોઈ દીવાને ઠારી જાગે છે.

વાટ જોઈને તપ્ત આ આંખો,
ઓશીકે અશ્રુ સારી જાગે છે.

સાવ સૂમસામ થઈ ગઈ શેરી,
એક એની જ બારી જાગે છે.

કાલ જાગ્યો’તો પ્રતીક્ષામાં ‘હનીફ’,
આજ એની છે વારી, જાગે છે.

– હનીફ સાહિલ

જાગરણની ગઝલ… એક-એક શેર પાણીદાર…

Comments (6)

વધારે છે – ભરત વિંઝુડા

આગ નહીં, આગથી વધારે છે,
તું રતિરાગથી વધારે છે !

એટલે કે તું એક વન આખું,
યાને કે બાગથી વધારે છે !

તેં ઉપર ચિત્ર એવું દોર્યું જે,
ભીતરી દાગથી વધારે છે !

તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !

પૂછ સંસાર છોડનારાને
શું અનુરાગથી વધારે છે !

– ભરત વિંઝુડા

રદીફ “વધારે” પર જેટલું વધારે ધ્યાન આપીએ એટલી વધારે મજા આવે એવી ગઝલ…

ભરત વિંઝુડા એમના છઠ્ઠા ગઝલસંગ્રહ “લાલ લીલી જાંબલી” સાથે ગુજરાતી ગઝલરસિકો સામે ઉપસ્થિત થયા છે એ પ્રસંગે એમનું સહૃદય સ્વાગત…

Comments (5)

બાકી છે – અમૃત ‘ઘાયલ’

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

-અમૃત ‘ઘાયલ’

એક વધુ ક્લાસિક…..

Comments (7)

ભગ્ન હૈયે – ગની દહીંવાલા

સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો,
તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો.

હે પરવશ પ્રેમ ! શું એવો પ્રસંગ એક વાર ના આવે?
એ બોલાવે મને, ને હું કહું : ‘આવી નથી શકતો.’

ક્ષમા કર હે જગત ! છે કર મહીં બેડી મહોબ્બતની,
હું તેથી મિત્રતાનો હાથ લંબાવી નથી શકતો.

ધરીને હાથ હૈયા પર તમન્ના દિલથી કાઢું છું,
એ જ્યાં જન્મી છે એને ત્યાં જ દફનાવી નથી શકતો.

હે, દીપક ! બોધ લે કંઈ સ્વાર્પણનો મારા જીવનથી,
હું સળગું છું, કદી બીજાને સળગાવી નથી શકતો.

સમજ હે વેદના ! એને તો ઠરવા દે વિરહ – રાતે,
કઝાનાં દ્વાર હું જઈ જઈને ખખડાવી નથી શકતો.

પરાધીનતાની અંતિમ હદ હવે આવી ગઈ હે દિલ !
હું તારા હાલ પર પણ શોક દર્શાવી નથી શકતો.

દુખી દિલની દશા ઉપર પડી છે જ્યારની દ્રષ્ટિ,
‘ગની’, પાનાં જીવન-પુસ્તકના ઉથલાવી નથી શકતો.

– ગની દહીંવાલા

 

ક્લાસિક……….

Comments (3)

ગઝલ – હરકિસન જોષી

જઈએ ક્યાં ને કોને મળીએ ?
બહેતર છે કે પાછા વળીએ.

રોજ અનિદ્રા આવી પીડે,
કહે, સ્વપ્નમાં ક્યાંથી, મળીએ !

સૂક્યા તો પથ્થર થઈ બેઠા,
બરફ જેમ ના તો ઓગળીએ !

અંધકારને અંધકાર છે,
કંઈ ના સૂઝે, કંઈ ન કળીએ !

રણથી ભાગી ઘર આવ્યા તો,
મૃગજળ દોડી આવ્યા ફળિયે !

મોજાંને નાહક ઉથલાયો,
મોતી તો પથરાયા તળિયે !

પુષ્પ લૂંટાતા જોઈ કુંવારી –
મ્હેક લપાઈ કળીએ કળીએ !

– હરકિસન જોષી

મજાની ગઝલ…

Comments (4)

ગઝલ – પંકજ મકવાણા

તું અમસ્તો આટલું ગભરાય છે,
જો ઉદાસીમાંય રસ્તો થાય છે.

ફક્ત હાથેથી નથી સરતો સમય,
તુંય સામે એટલો ખર્ચાય છે.

એટલે નારાજ છું હું, હાથથી-
ફક્ત મુઠ્ઠી જેટલું વ્હેંચાય છે.

પાસપાસે છો ને ઊભાં હો છતાં
વૃક્ષથી ક્યાં કોઈ દી ભેટાય છે?

એટલે ઊડતી રહે છે રેત અહીં,
એક મારામાં નદી સુકાય છે.

– પંકજ મકવાણા

ફેસબુક પર લટાર મારતાં-મારતાં અચાનક આ મજાની ગઝલ જડી આવી. કવિના નામનો ખાસ પરિચય નથી પણ કવિની સાચી ઓળખ તો એની કવિતા જ. મરીઝ જેવી સાદગી અને મનોજ જેવું અર્થગાંભીર્ય અહીં સાયુજ્ય પામ્યું નજરે ચડે છે. આખરી પંક્તિમાં છંદ સાચવવાની મથામણમાં વ્યાકરણનો ઉંબરો ઓળંગવો પડ્યો છે એ બાદ કરીએ તો આખેઆખી ગઝલ સો ટચનું સોનું !

Comments (15)

ગઝલ – નીરજ મહેતા

સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને,
ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને.

આયખું આખું નીરખવામાં વહી જાશે હવે,
એટલાં ખિસ્સે ભર્યાં છે યાદના મન્વંતને.

છે…ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી,
એ જ પીડા – આજે પણ ક્યાં યાદ છે દુષ્યંતને

જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત
પૃષ્ઠ માફક જે પલટશે આયખાના અંતને

કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં ન હો
હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને

– નીરજ મહેતા

રાજકોટના તબીબ-કવિ ગઝલોનો “ગરાસ” લઈને ઉપસ્થિત થયા છે. કવિના પ્રથમ સંગ્રહમાંથી આ એક સંઘેડાઉતાર ગઝલ… એક-એક શેર અર્થગહન. એક-એક વાત પાણીદાર. કવિ અને સંગ્રહનું બા-અદબ બા-મુલાહિજા સ્વાગત.

Comments (5)

ક્યાંથી ગમે ? – ચિનુ મોદી

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

-ચિનુ મોદી

ખરું સોનું…….

Comments (6)

ગઝલ – પારુલ ખખ્ખર

બટકવું, ભટકવું લખાયું કપાળે,
જુઓ, થોર જેવું વવાયું કપાળે.

હજું નાળ તોડી લીધો શ્વાસ ત્યાંતો,
નવું એક તાળું વસાયું કપાળે.

હથેળીની રેખાઓ તોડી પરંતુ,
પછી સાવ અટકી જવાયું કપાળે.

ઉલેચી ઉલેચી હજુ માંડ બેઠાં,
ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.

અરીસો અભણ ને અભણ આંગળી છે,
અને કંઈક અઘરું છપાયું કપાળે.

—પારુલ ખખ્ખર

ગુજરાતી ગઝલના સદભાગ્યે એકવીસમી સદી જે નોંધપાત્ર ગઝલ-કવયિત્રીઓ લઈને આવી છે એમાંનું એક નામ એટલે પારૂલ ખખ્ખર. કપાળ જેવી અઘરી રદીફ લઈને કવયિત્રી પાંચ અલગ-અલગ અને સફળ ચિત્ર આપે છે. બીજો શેર શિરમોર. બંધનની જંજાળમાંથી છૂતી શકાતું નથી… એક જન્મ પૂરો થયો નથી કે તરત બીજા જન્મનું બંધન. ગર્ભનું બંધન તૂટે ત્યાં જિંદગીનું તાળું કપાળે દેવાઈ જાય છે.

Comments (11)

ગઝલ – પ્રફુલ્લા વોરા

કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

કળાને હંમેશા ઘેરો રંગ જ માફક આવ્યો છે પણ આ કવયિત્રી નક્કર પોઝિટિવિટીની ગઝલ લઈ આવ્યા છે. આખી ગઝલમાં ક્યાંય કોઈ વિષાદ નજરે ચડતો નથી. આવી સંઘેડાઉતાર વિધાયક રચનાઓ તો ભાગ્યે જ મળતી હોય છે.

હું તો જોકે મત્લાના શેરથી આગળ જ વધવા માંગતો નથી. સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયા છે.

Comments (13)