આવ્યાં છે આજ વાદળ – ઋશીરાજ જાની
આવ્યાં છે આજ વાદળ દુનિયાને ન્યાલ કરવા,
આકાશની સભામાં મસ્તીધમાલ કરવા…
તડકાની ગેંગ કરતી દાદાગીરી ઉનાળે,
ઘૂસી ગયાં છે વાદલ સામે બબાલ કરવા…
કાળાશ આભનીયે ધોવાઈ થાય ઉજળી,
ચમકે છે વીજળીઓ ‘સત્ શ્રી અકાલ’ કરવા…
આંખો મહીંનું કાજળ આષાઢ થઈ વહે છે,
વિરહીજનોના મનને ભીનાં રૂમાલ કરવા…
બાળકની આંગળીશાં ફોરાં પડે છે ટપટપ,
દાદાની ટાલ ઉપર હળવેથી વહાલ કરવા…
ક્યાં, કેટલી ને કેવી, ક્યારે થઈ છે વૃષ્ટિ
પલળો, તમે જવા દો ખોટા સવાલ કરવા…
– ઋશીરાજ જાની
કવિતામાં એકની એક વાતો અને એકના એક કલ્પનો માણી-વાંચીને આપણું મન ઘણીવાર ઓચાઈ જતું હોય છે. ઘણીવાર એવુંય લાગે કે આટલું બધું લખાઈ ચૂક્યું છે આ દુનિયામાં. હવે નવું કોઈ શી રીતે લખે ? પણ ક્યારેક આવી ગઝલ નજરે ચડે ત્યારે દસે આંગળીએ કવિ અને કવિતાના બલાયાં લેવાનું સહેજે મન થઈ આવે. જેટલી “ફ્રેશ” ગઝલ ! આ કવિનું નામ પણ મેં પહેલવહેલીવાર જ જાણ્યું પણ ફીદા ફીદા થઈ જવાયું…
Harshad said,
June 4, 2015 @ 8:07 AM
Beautiful creation
Suresh Parmar said,
June 4, 2015 @ 11:11 AM
સરસ ગઝલ છે. મજાની પ્રસ્તુતિ.
yogesh shukla said,
June 4, 2015 @ 11:15 PM
સરસ મઝાની રચના
nehal said,
June 5, 2015 @ 1:13 AM
Must mazani rachana
Dhaval Shah said,
June 5, 2015 @ 10:44 AM
તડકાની ગેંગ કરતી દાદાગીરી ઉનાળે,
ઘૂસી ગયાં છે વાદલ સામે બબાલ કરવા…
બાળકની આંગળીશાં ફોરાં પડે છે ટપટપ,
દાદાની ટાલ ઉપર હળવેથી વહાલ કરવા…
– વાહ ! તદ્દન નવાનક્કોર કલ્પનો ! વાહ !
Sudhir Patel said,
June 5, 2015 @ 10:33 PM
તાજગી-સભર મસ્ત ગઝલ!
કવિશ્રીને અભિનંદન!!
સુધીર પટેલ.
Nirav said,
June 7, 2015 @ 5:21 AM
” ચમકે છે વીજળીઓ ‘સત્ શ્રી અકાલ’ કરવા… ”
અદભુત કલ્પના’સૃષ્ટિ અને વરતારો અને પાછા છેલ્લે કહી દે છે પણ ખરા , કે ખોટા સવાલો કરવા કરતા પલળો’ને ભઈ’સાબ . . . અનહદ અદભુત .
Chandrakant Gadhvi said,
June 8, 2015 @ 4:20 PM
વર્તમાન ને વાચા ને વરસાદ ને સાદ આપતેી ધમધમતેી પેસકશ. અહોભાવ નેી સાથે વાહ વાહ. સુન્દર મસ્ત ભાવના.