સપનાં – રાજેન્દ્ર શુક્લ
મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.
એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.
લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.
હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.
જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!
– રાજેન્દ્ર શુક્લ
આખી સુંદરતા શબ્દોના અદભૂત પ્રયોગની છે……
Rajnikant Vyas said,
April 6, 2015 @ 3:18 AM
સપનાંની દુનિયાનું તાદ્રષ વર્ણન. સિદ્ધહસ્ત કલમનો કમાલ.
nehal said,
April 7, 2015 @ 12:42 AM
Wow..
ધવલ said,
April 8, 2015 @ 10:47 PM
જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!
– વાહ !
પંચમ શુક્લ said,
April 29, 2015 @ 4:41 AM
બંસરી યોગેન્દ્રના સ્વરમાં આ ગઝલ અહીં સાંભળી શકાશેઃ
http://tahuko.com/?p=1479