ટેરેન્સ જાની ‘સાહેબ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
February 9, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ટેરેન્સ જાની 'સાહેબ'
પામવા જેવું કશું પણ નથી
રાખવા જેવું કશું પણ નથી
શું કરું રેતીને ફેંદીને હું
શોધવા જેવું કશું પણ નથી
દાસ થઈ બેઠા છે શબ્દો, છતાં
બોલવા જેવું કશું પણ નથી
જિંદગી કશકોલ લઈ ઉભી છે
મૂકવા જેવું કશું પણ નથી
વેદનાઓ તો વધે છે સતત
ને દવા જેવું કશું પણ નથી
પ્રેમ નાહક તું હવે માંગ ના
આપવા જેવું કશું પણ નથી
શ્વાસ આ ‘સાહેબ’ ત્યાં પણ લે છે
જ્યાં હવા જેવું કશું પણ નથી
-ટેરેન્સ જાની ‘સાહેબ’
અકાળે આથમી ગયેલા આશાસ્પદ શાયરની મજાની ગઝલ માણીએ…
Permalink
March 4, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ટેરેન્સ જાની 'સાહેબ'
નહોતી ઇચ્છી એ જ થઈને રહી ગઈ,
જીંદગી ખંઙેર થઈને રહી ગઈ.
સુખની ક્ષણને જો મળી કેવી સજા,
કેમેરામાં કેદ થઈને રહી ગઈ.
હું દિવાનો થઈ ગયો તો થઈ ગયો,
તુ ય કયાં Perfect થઈને રહી ગઈ !
‘મા’ કે જેના કારણે ઘર સ્વર્ગ થયું
એ જ ઘરમાં ફ્રેમ થઈને રહી ગઈ.
ફકત આકર્ષણ રહે છે બહારથી
જીંદગી એક SALE થઈને રહી ગઈ.
લાગણી જેને કહે છે તે હવે
Whisky નો peg થઈને રહી ગઈ.
જો મહોબ્બતની થઈ કેવી દશા,
કોક અભણની સ્લેટ થઈને રહી ગઈ.
છો જીવનમાં ન મળી જગ્યા મગર
આંખમાં તુ ભેજ થઈને રહી ગઈ.
જેટલી ગઝલો હતી ‘સાહેબ’ની,
એક દસ્તાવેજ થઈને રહી ગઈ.
– ટેરેન્સ જાની ‘સાહેબ’
કાચી ઉંમરે અણધારી Exit કરનાર ‘સાહેબ’ની જેટલી ગઝલો આજે બચી છે એ બધી સાચે જ આજે દસ્તાવેજ બની ગઈ છે. એકાદ-બે શેરની કચાશ બાદ કરીએ તો આખી ગઝલ છાતી કાઢીને ટટ્ટાર ઊભી રહી શકે એવી થઈ છે.
Permalink
February 13, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ટેરેન્સ જાની 'સાહેબ'
ક્યાં પડી છે સવાર વરસોથી
મિત્ર ! છે અંધકાર વરસોથી
ઇશના માટે તો હતો એક જ
અહીં તો છે શુક્રવાર વરસોથી
પાનખરનો રૂઆબ ત્યાં પણ છે
જ્યાં વસે છે બહાર વરસોથી
તોય મક્તા સુધી નથી પહોંચ્યો
છું કલમ પર સવાર વરસોથી
દિલમાં છે ગેરકાયદેસરનો
નહિ જતો આ જનાર વરસોથી
જિંદગી જેવો શ્રાપ આપીને
એ ખુદા છે ફરાર વરસોથી
– ટેરેન્સ જાની ‘સાહેબ’
એક એક શેર પાણીદાર… વરસોથી સવાર પડી જ નથી. આપણે રોજ ઊઠીએ છીએ પણ જાગતા નથી. ઇશુ ખ્રિસ્તના જીવનમાં તો શૂળી પર ચડવું પડ્યું એવો એક જ શુક્રવાર હતો પણ અહીં તો વરસોથી નિતાંત શુક્રવાર, શૂળી સિવાય બીજું કશું જ નથી. મક્તા એટલે ગઝલનો આખરી શેર. આખરી મુકામ.કયો સાચો કવિ જિંદગીમાં કવિતાના આખરી મુકામ પર પહોંચી શક્યો છે? મંઝિલનો સંતોષ થવાની ઘડી જ મુસાફરી ખતમ થવાની ઘડી છે એટલે જ સાહેબ વરસોથી કલમ પર સવાર છે પણ મક્તા હજી હાથ આવતો નથી. ગેરકાયદેસર વસવાટવાળો શેર પણ માસ્ટર સ્ટ્રોક. સાહેબને જાણે મૃત્યુનો પૂર્વાભાસ કેમ ન થઈ ગયો હોય એમ એની ગઝલોમાં જીવન અને મૃત્યુની વાત અવારનવાર આવતી જ રહે છે.. છેલ્લો શેર જુઓ… અને ફરાર ખુદાને સવાલ કરો… શા માટે? ૨૭ વરસના ઉમદા શાયરની એને શી જરૂર પડી ?
Permalink
February 12, 2015 at 12:30 AM by વિવેક · Filed under ટેરેન્સ જાની 'સાહેબ', શેર, સંકલન
(ટેરેન્સ જાની ‘સાહેબ’ : જન્મ: ૦૪-૧૦-૧૯૮૭ ~ દેહાંત: ૦૨-૦૨-૨૦૧૫)
માત્ર ૨૭ વર્ષની કાચી ઉંમરે ગોઝારા માર્ગ અકસ્માતે એક આશાસ્પદ કવિને આપણી વચ્ચેથી છીનવી લીધો. ‘સાહેબ’ના ઉપનામથી લખતા કવિની રચનાઓમાંથી પસાર થતાં જ સમજી શકાય છે કે શક્યતાઓથી ભરેલ એક ભીનો ભીનો પ્રદેશ કૂંપળાતા પહેલાં જ રણ બની ગયો…
અલવિદા, સાહેબ ! અલવિદા !!
*
કરતાલ, એક કલમ અને દિવાન નીકળ્યો,
મારા ઘરેથી આટલો સામાન નીકળ્યો.
‘સાહેબ’ની સુરાહી તો એવી જ રહી ગઈ,
એક જ હતો જે દોસ્ત, મુસલમાન નીકળ્યો.
આ આંખની જ સામેથી તેઓ જતા રહ્યા,
ને આંખ નીચી રાખી હું જોતો રહી ગયો !
બોલ્યા વિના તેણે કદી એવું કહ્યું હતું ,
વરસો સુધી એ વાતનો પડઘો રહી ગયો !
મોત જેવી મોત પણ કાંપી ઉઠે,
જિંદગીની એ હદે લઈ જાઉં તને.
વેંત જેવો લાગશે બુલંદ અવાજ,
મૌનના એ શિખરે લઈ જાઉં તને.
કર્મ સારા હોય તો સારું થશે એવું નથી,
ખાતરી છે એટલી કે બદદુઆ મળશે નહીં.
દિલ મહીં તારા સ્મરણના ભારથી,
જીવતો લાગું ફકત હું બહારથી.
કે, દિલાસાની જરૂર પડતી નથી,
હું ગઝલ લખતો થયો છું જ્યારથી.
હોઠ આ ‘સાહેબ’ના મલકી ઉઠ્યા,
ભૂલ થઈ લાગે છે તારણહારથી.
– ટેરેન્સ જાની ‘સાહેબ’
ભારે ભૂલ કરી તારણહારે… ભારે ભૂલ કરી…
લયસ્તરો તરફથી સાહેબને શબ્દાંજલિ !
Permalink